Category Archives: નિરંજન ભગત

સ્મૃતિ – નિરંજન ભગત

ઘરની અંદર
વર્ષોથી એક ખૂણામાં બેસી રહૂં.
મારો ખંડ સુશોભિત,
છત પર બિલોરી ઝુમ્મરો,
ભોંય પર ગૂંથેલી જાજમો,
બારી પર રેશમી પડદા,
ભીંત પર મઢેલા અરીસા,
ટેબલ પર રંગીન ફૂલો;
મારો ખંડ ભર્યો.

ત્યાં ઓચિંતું કોઈક પ્રવેશી ગયું,
મને ઘડી હસાવી, ઘડી રડાવી,
જાણું નહીં ક્યારે એ વિદાય થયું;
મારા ચિત્તમાં એ સ્મૃતિ બની ગયું.
હવે મારો ખંડ ખાલી ખાલી,
હવે માત્ર સ્મૃતિથી જ ભર્યો ભર્યો.

– નિરંજન ભગત

અષાઢ આયો – નિરંજન ભગત

રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !

દૂરને દખ્ખણ મીટ માંડીને
મોરલે નાખી ટ્હેલ,
વાદળી સાગરસેજ છાંડીને
વરસી હેતની હેલ;
એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો !

મેધવીણાને કોમલ તારે
મેલ્યાં વીજલ નૂર,
મેહુલાએ ત્યાં જલની ધારે
રેલ્યા મલ્હારસૂર;
એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો !

જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો,
સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો,
મને, ન લાગ્યો રંગ;
એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો !

આપણે રે પ્રિય, સામસામે તીર,
ક્યારેય નહીં મિલાપ;
ગાશે જીવનજમુનાનાં નીર
વિરહનો જ વિલાપ !?
રે આયો અષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો !

બિરહમાં બાઢ લાયો!
રે આજ આષાઢ આયો !


માઢ= એ નામનો એક રાગ. (સંગીત.)
સાલ્યોનો એક અર્થ શૂળની માફક દિલમાં ખટકવું કે દુઃખ થવું થાય છે.