Category Archives: ઉમાશંકર જોષી

ઉમાશંકર જોષી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અમે ગીત ગગનનાં ગાશું - ઉમાશંકર જોષી
કુંજ કુંજ તું ગુંજે ભમરા - ઉમાશંકર જોષી
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું - ઉમાશંકર જોશી
કોઈ જોડે કોઈ તોડે -ઉમાશંકર જોશી
ગાંધીજયંતિ તે દિને - ઉમાશંકર જોશી
ગાંધીને પગલે પગલે – ઉમાશંકર જોશી
ગાણું અધૂરું મેલ મા - ઉમાશંકર જોશી
ગુજરાત મોરી મોરી રે – ઉમાશંકર જોશી
ગોરી મોરી - ઉમાશંકર જોષી
છ ઋતુઓ - ઉમાશંકર જોશી
ઝરણું રમતું રમતું આવે - ઉમાશંકર જોષી
થોડોએક તડકો - ઉમાશંકર જોષી
પંચમી આવી વસંતની – ઉમાશંકર જોશી
પ્રશ્ન - ઉમાશંકર જોષી
ફાગણ ફેન્ટેસી - જય વસાવડા
ભોમિયા વિના મારે - ઉમાશંકર જોષી
મળી માતૃભાષા મને ગુજરાતી - ઉમાશંકર જોષી
માઇલોના માઇલો મારી અંદર - ઉમાશંકર જોશી
માનવીના હૈયાને નંદવામાં વાર શી - ઉમાશંકર જોશી
મારું જીવન એ જ મારી વાણી - ઉમાશંકર જોશી
મૃત્યુદંડ - ઉમાશંકર જોશી
રામમઢી રે મારી રામમઢી - ઉમાશંકર જોશી
વ્હાલપની વાત - ઉમાશંકર જોશી
શ્રી રાસબિહારી દેસાઈને સ્વરાંજલિ : સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી
૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ – ઉમાશંકર જોશીકુંજ કુંજ તું ગુંજે ભમરા – ઉમાશંકર જોષી

આજે ૨૧ જુલાઇ, વ્હાલા કવિ-સંગીતકાર અને જેને ફક્ત ગુજરાતી સંગીતની ઇમારતનો પાયો જ નહીં, પણ આખે આખી ઇમારત જ કહી શકાય એવા શ્રી અવિનાશ વ્યાસનો અને જેના નામ વગર ગુજરાતી કવિતા અધૂરી જ કહેવાય એવા કવિ શ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ..! ( જન્મ : 21 જુલાઇ, 1911 )

અમે અહીં (Bay Area, California)’ડગલો’ આયોજિત ‘કવિ વંદના’ કાર્યક્રમ કર્યો હતો – એમાં કલાકારોએ કવિ શ્રી ઉમાશંકર જોષીના આ ગીતની ઘણી જ સુંદર રજૂઆત કરી હતી – જે આજે આપ સાથે વહેંચુ છું!

સ્વર : પલક વ્યાસ, આણલ અંજારિયા, રાજા સોલંકી, નિકુંજ વૈદ્ય, દિનેશ મહેતા
સ્વરાંકન : શશીકાંતભાઇ વ્યાસ

YouTube Preview Image

કુંજ કુંજ તું ગુંજે ભમરા
કાં આટલું તને ના સૂઝે
કુંજ કુંજ તું ગુંજે

કાં પંકજ પુષ્પની પાંખરે
તું જીવન તારું ખાખ કરે
રસ તરસ્યા રસનાં ગાન કરે
તું પ્રાણ દઈ પ્રીત પાન કરે

તૂં પ્રીત ગીત લલકારે
ફરી કુંજ કુંજની ડાળે
તું પ્રણય વેદી પર પ્રાણ દે
તું પ્રાણ સમરામ જાણે

કાં આટલું તું ના જાણે
શું ફૂલ બીડાશે વ્હાણે
શું દુ:ખ હ્રદયમાં સાલે
તું જીવન જીવી જાણે

– ઉમાશંકર જોષી

ઝરણું રમતું રમતું આવે – ઉમાશંકર જોષી

અમારી ‘ડગલો’ સંસ્થા આયોજિત ‘ઉમાશંકર જોષી’ શતાબ્દી ઉત્સવની શરૂઆત આ નાનકડી બાળકીએ કરી, પોતાના મધમીઠા સ્વરમાં એક નાનકડી સ્તુતિ સાથે..! અને પછી એણે પોતાની જેમ જ ઉછળતા કુદતા ઝરણાનું આ મસ્ત મઝાનું ગીત રજૂ કર્યું. એ પછી ઘણીવાર આ રેકોર્ડિંગ માણ્યું છે – તો આજે એ તમારી સાથે પણ વહેંચી લઉં..!

સ્વર – શ્રાવ્યા અંજારિયા

YouTube Preview Image

ઝરણું રમતું રમતું આવે,
ઝરણું રમતું રમતું જાય.

ઝરણું રૂમઝૂમ કરતું નાચે,
ઝરણું ઝમઝમ કરતું ગાય.

ઝરણું ડુંગર કરાડ કૂદે,
ઝરણું વન વન ખીણો ખૂંદે,
ઝરણું મારગ ધોતું દૂધે,

ઝરણું અલકમલકથી આવે
ઝરણું અલકમલકથી જાય

ઝરણું રમતું રમતું આવે
ઝરણું રમતું રમતું જાય.

 – ઉમાશંકર જોષી


ગાંધીને પગલે પગલે – ઉમાશંકર જોશી

આજે ૧૨મી માર્ચ છે. આજથી ૮૨ વર્ષ પહેલા, ગાંધીજીએ ઐતિહાસિક ‘દાંડીકૂચ’નો આરંભ કર્યો હતો. તેની યાદમાં પ્રસ્તુત છે, ઉમાશંકર જોશીનું આ કાવ્ય….

“Bapuji” (1930) by Nandalal Bose
(Photo: National Gallery of Modern Art, New Delhi)

ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;
પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.
અશોકધર્મલિપિથી ઉર પાવન;
જિનવર-શિષ્યોની મનભાવન.
સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે,
મૃદુલ હૃદય તું, તોયે નિર્ભય સિંહડણક ઉદગારે.
મસ્જિદ મંદિર વાવ તોરણે
લચે રમ્યતા તવ વને-રણે.
બિરુદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

– ઉમાશંકર જોશી

૧૯૩૦ના માર્ચની બીજી તારીખે ગાંધીજીએ વાઈસરોયને એક પત્ર લખીને કેટલાંક અનિષ્ટો દૂર કરવા માટે વિનંતી કરી. સાથે એમ પણ લખ્યું કે, “જો આનો સંતોષજનક જવાબ નહીં આવે તો પછી માર્ચની ૧૨મીએ મારા સાથીઓને લઈને મીઠાના કાયદાનો ભાંગ કરવા હું દાંડી માટે ઊપડીશ”. એ મુજબ ૧૨મી માર્ચની વહેલી સવારે સાબરમતી આશ્રમથી ગાંધીજી એમના ૭૮ સત્યાગ્રહીઓ જોડે દાંડી માટે પગપાળા નીકળી પડ્યા. આમ એમની ઐતિહાસિક ‘દાંડીકૂચ’નો આરંભ થયો. સરઘસને મોખરે ૬૧ વર્ષના ગાંધીજી તેજ કદમે ચાલતા હતા.
પચીસ દિવસ બાદ ૩૮૦ કિલોમીટરની પદયાત્રા કરીને ગાંધીજી ૫મી એપ્રિલે દાંડી પહોંચ્યા; ૬ઠ્ઠી એપ્રિલે સવારની પ્રાર્થના પછી પોતાના સ્વયંસેવકોને દરિયાકિનારે લઈ ગયા અને ત્યાંથી મીઠું ઉપાડીને સરકારના જુલમી કાયદાનો ભંગ કર્યો.
દાંડીના દરિયાકિનારે મીઠું ઉપાડતા ગાંધીજી તથા એમના અનુયાયીઓનો એક અદૂભુત સ્કેચ નંદબાબુએ બનાવેલો. દરિયાનાં ઊછળતાં મોજાં જાણે લોકમાનસમાં આવેલા જુવાળનાં પ્રતીક ન હોય ! સ્કેચના ડાબે ખૂણે હોવા છતાં સ્કેચના કેન્દ્રમાં ગાંધીજી જ છે. પણ એમના દાંડીકૂચના લિનોકટ જેટલો સ્કેચ વિખ્યાત નથી થયો.
અમૃતલાલ વેગડ (આભાર – ગાંધી-ગંગા [ભાગ ૧] સંપાદક : મહેન્દ્ર મેઘાણી [લોકમિલાપ ટ્રસ્ટ] )

મૃત્યુદંડ – ઉમાશંકર જોશી

ફાંસી દીધી ગોડસેને અમોએ
ગાંધીજીના દેહના મારનારને.
ગાંધીજીના જીવ-ને જીવતાં ને
મૂઆ કેડે મારતું જે ક્ષણેક્ષણે
પડ્યું અમોમાં : સહુમાં કંઈક
તેને હશે કે કદી મૃત્યુદંડ ?

– ઉમાશંકર જોશી

૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ – ઉમાશંકર જોશી

સૌ વાચકમિત્રોને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ ! નીચેની કવિતા સાથે વિવેકની નોંધ પણ લયસ્તરો પરથી લઉં છું. (આભાર વિવેક અને લયસ્તરો ટીમ!)

*

જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે ? આવ.
જેની ઉષાનો પાલવ દૂધમલ શહીદો તણા
પવિત્ર રક્તથી થયો રંજિત, તે તું છે ? આવ.
જેની પ્રભાત-લહરી મહીં અમ સ્વપ્નભરી
આશાઓની ખુશ્બો જઈ વસી છે, તે તું જ ? આવ.
આવ હે સુદિન અમ મુક્તિ તણા !

ઊગેલો જે સૂર્ય આર્ય-ગોત્રો પરે,
ગાયત્રીમંત્રની શુચિ વંદનાને પામેલો જે,
હોમાગ્નિના સુગંધી ધૂપે જે સદા સ્પર્શાયેલો;
સિંધુતટ ઉપરના પાતાલ-વિલીન મહા
હડપ્પા આદિ પ્રાચીન નગરોની અગાશીએ
હાસ્યના ફુવારા નિત્ય ઉડાવી રમેલો જેહ;
કુરુક્ષેત્રમાં ક્યારેક સુભટોના ધનુષ્યોના
ટંકારે જાગ્રત થયો, કૈંક વાર ફેલાયેલી
સર્વભક્ષી ખડ્ગજિહ્વાઓ પરે જે નર્તી રહ્યો;
શક દૂણો ક્ષત્રપો ને ગુર્જરોનાં –
અરબો પઠાણો તુર્ક મુઘલોનાં –
રેલ્યાં પૂર, તેનાં મહાતરંગોમાં
ડોલતો આકાશ થકી મલક્યા કરતો જે હતો;
કૃષ્ણ મહાવીર બુદ્ધ રાજર્ષિ અશોક હર્ષ
અકબ્બરના ખમીર વડે જે તેજસ્વી હતો;
ધૂંધળો રહેલો બે શતક જે,
ધૂંધવાયો પૂરો એક શતક જે,
એ જ કે પ્રકાશવાનો સૂર્ય આજે ?

ઊગે તું નિષ્પ્રભ ભલે આજે મેઘાચ્છન્ન નભે,
પુરુષાર્થના પ્રખર પ્રતાપે મધ્યાહ્ન તારો
દીપો ભવ્ય તપોદીપ્ત !
હે સુદિન મુક્તિ તણા !
રાહ જોતા હતા જેની, તે જ તું આવ્યો છે ? આવ.

– ઉમાશંકર જોશી

આજના જ દિવસે- પંદરમી ઑગસ્ટે બાંસઠ વર્ષ પૂર્વે જ્યારે લગભગ બસો વર્ષની ગુલામી અને સોએક વર્ષની લડત બાદ આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે લોકોમાં જે જુસ્સો અને ઉમંગ હતો એ અવર્ણનીય અને કદાચ અનિર્વચનીય હતો. છતાં કવિઓએ એ દિવસને કાવ્યદેહે કંડારવાની મથામણ તો કરી જ.

સવાર પડે ત્યારના આકાશની લાલિમામાં કવિને મોઢેથી ધાવણ સૂકાયું ન હોય એવા યુવાન શહીદોનું લોહી નજરે ચડે છે. સવારના પહેલા પવનમાં જે સુગંધ છે એ જાણે ભારતવાસીઓની આશાની ન હોય !

જે સૂર્ય આર્યાવર્ત પર પ્રકાશ્યો હતો, વેદકાળના ઋષિઓના હોમ-હવનનો સ્પર્શ પામ્યો હતો, સિંધુતટની પ્રાચીન સંસ્કૃતિનો સાક્ષી હતો, કુરુક્ષેત્ર જેવી ભીતરની લડાઈથી માંડીને શક, હૂણ, આરબ, મુઘલો જેવા બાહ્યાક્રમણોથી સંક્રાંત થયા પછી પણ જેનું હાસ્ય વિલોપાયું નહોતું, જે સૂર્યે કૃષ્ણ, મહાવીર, બુદ્ધ જેવા મહર્ષિઓના ખમીરગાન ગાયા છે એ જ સૂર્ય બબ્બે સદીઓની ગુલામી અને એક સદીની લડાઈના અંતે આજે પ્રકાશવાનો છે કે શું ? આજે ઑગસ્ટ મહિનાના ચોમાસાચ્છાદિત આકાશમાં કદાચ એ નજરે ન પણ ચડે, પણ પુરુષાર્થના આકાશમાં તો એ સદૈવ મધ્યાહ્ને જ તપવાનો ને ?

કવિતાની શરૂઆતમાં અને અંતે એમનો સાશંકિત પ્રશ્ન દોહરાવ્યે રાખે છે કે જે મુક્તિદિવસની અમે રાહ જોતા હતા એ જ સાચે આવ્યો છે ? અને મુક્તિનું આગમન કેવું હોય ? એમાં કોઈ શરત કે ઉપાલંભ ક્યાંથી હોય ? એના આગમનમાં કોઈ વૃથા શબ્દાડંબર પણ કેમ શોભે ? મુક્તિ તો જ્યારે અને જે સ્વરૂપે મળે, એ માત્ર આવકાર્ય જ હોવાની. અને એટલે જ કવિ એના સ્વાગત કાવ્યારંભે ત્રણવાર અને અંતે ફરીથી એકવાર માત્ર એક જ શબ્દથી કરે છે – આવ.

– વિવેક ટેલર