Category Archives: સોનેટ

ગ્લૉબલ કવિતા : ૧૬૫ : પદયાત્રી – ટોમી બ્લૉન્ટ



The Pedestrian

When the pickup truck, with its side mirror,
almost took out my arm, the driver’s grin

reflected back; it was just a horror

show that was never going to happen,
don’t protest, don’t bother with the police

for my benefit, he gave me a smile—

he too was startled, redness in his face—
when I thought I was going, a short while,

to get myself killed: it wasn’t anger

when he bared his teeth, as if to caution
calm down, all good, no one died, ni[ght, neighbor]—

no sense getting all pissed, the commotion

of the past is the past; I was so dim,
he never saw me—of course, I saw him.

– Tommye Blount

પદયાત્રી

અને જ્યાં એના સાઇડ મિરરથી એ ભરી ટ્રકે
ઉખેડી નાંખ્યો હાથ લગભગ મારો, નજરમાં

ચડ્યો ત્યાં એનો ડ્રાઇવર ખિખિયાતો મિરરમાં,

ન ધારી’તી એવી ભયજનક બીના ઘટી, અરે!
ન વાંધો, ના તો રાવ કરું હું કશે, લાભપ્રદ એ

મને છે, હા, એવું સહજ સ્મિતથી એ કહી ગયો;

ડર્યો થોડો એયે, મુખ પણ થયું લાલ ઘડી તો,
ગયો નક્કી આજે હું, પળભર માટે થયું મને.

બતાવી બત્રીસી ઘડીપળ જ એણે, શું હતું એ?

નહોતો એ ગુસ્સો, અગર હતી તો તાકીદ હતી-
‘તું ઠંડો થા, ને જો બધું સરસ છે, ની [ચ/કળ], જા,

શું દાટ્યું ગુસ્સામાં? થતું, થયું, થશે આ જ સઘળે.

‘થયું એ ભૂલી જા’, ક્વચિત્ હું હતો એ મગતરૂં
ન જોયું એણે જે, પણ હું ન ચૂક્યો કૈં નીરખવું.

– ટોમી બ્લૉન્ટ
(અનુ.: વિવેક મનહર ટેલર)

રંગભેદ – વૈશ્વિક અન્યાયની ગંગોત્રી

‘હું શ્વાસ નથી લઈ શકતો… હું શ્વાસ નથી લઈ શકતો…’ –એ બોલતો રહ્યો પણ એને જમીન પર ઊંધો પાડી, એની ગરદન પર ઘૂંટણ દબાવીને બેઠેલ પોલિસકર્મીના બહેરા કાને ઓલવાતા અવાજના આ આર્તનાદો ન પડ્યા તે ન જ પડ્યા. જમા થયેલાં લોકો પણ ‘એની નાડી તપાસો..’ ‘જુઓ, એ શ્વાસ નથી લઈ શકતો..’ ‘શરીર હલતું બંધ થઈ ગયું છે’ બોલતાં રહ્યાં. એ પોલિસ(કુ)કર્મીના ત્રણ સાથીઓ ખડે પગે પેલા નરપિશાચની પડખે ઊભા રહ્યા. જ્યૉર્જ ફ્લૉઇડ એ ઇસમનું નામ. આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ એનું નામ જાણતું નહીં હોય. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ૪૬ વર્ષની વયના જ્યૉર્જે નોકરી ગુમાવી અને માત્ર વીસ ડૉલરની બનાવટી નોટથી સિગારેટ ખરીદવાના ગુનાસર ૨૫મી મે, ૨૦૨૦ના રોજ અમેરિકાના મિનિઆપોલિસમાં એની ધરપકડ કરાઈ, એ દરમિયાન ડેરેક ચૉવિન પર રંગભેદનું ભૂત સવાર થઈ ગયું અને નિઃસહાય નિઃશસ્ત્ર જ્યૉર્જને જમીન પર ઊંધો પટકી હાથકડી પહેરાવવાના બદલે એની ગળચી પર પોણા નવ મિનિટ સુધી ઘૂંટણ દબાવી રાખીને એણે કાયદાની ઓથે સરેઆમ નિર્મમ હત્યા કરી. અમેરિકાથી શરૂ થઈ આખી દુનિયામાં રંગભેદ-જાતિભેદ વિરોધી દેખાવો અને તોફાનો ફાટી નીકળ્યા. પ્રસ્તુત રચના રંગભેદની કુનીતિ તરફ ધ્યાન દોરી સુપ્ત સંવેદનાઓને ઝંકોરવાની કવિની નિષ્ઠાવાન કોશિશ છે.

ટૉમી બ્લૉન્ટ. ડિટ્રોઇટ, મિશિગન ખાતે જન્મ. હાલ, મિશિગનના નોવી પરામાં રહે છે. વૉરેન વિલ્સન કૉલેજમાંથી ફાઇન આર્ટ્સમાં અનુસ્નાતક. ૨૦૧૬માં ‘વૉટ આર વી નોટ ફોર’ નામે એક ચેપબુક અને માર્ચ, ૨૦૨૦માં ‘ફેન્ટાસિયા ફોર ધ મેન ઇન બ્લુ’ પુસ્તક પ્રગટ થયાં. કવિ બનવાનું સપનેય વિચાર્યું નહોતું, પણ ટાઇપિસ્ટ મમ્મી ‘ડૉટ મેટ્રિક્સ’ (કમ્પ્યુટર સ્ટેશનરી) ઘરે લાવતી, જેના હાંસિયા-લીટી વિનાના ખુલ્લા આકાશ જેવા કોરા કાગળ ટૉમીને ખૂબ ઉત્તેજીત કરતા. એ આ કાગળો ચીતરડાંઓ અને લખાણોથી ભરી દેતા. આગળ જતાં કાગળ પરની ખાલી જગ્યા કેવી રીતે કમાવી એ સમજાયું અને લેખક બન્યા. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં બીએ કરતી વખતે તેઓ બ્લેક પોએટ્સ સૉસાયટીમાં જોડાયા. ત્યાં વિવી ફ્રાન્સિસે ટૉમીની જિંદગી અને કવિતાને દિશા બતાવી. સરળતા એમનો પ્રમુખ કાકુ છે. તેઓ પોતાની જાતને ન માત્ર શ્યામ, પણ સમલૈંગિક અને વૉયુરિસ્ટિક, તથા સ્વાર્થી અને અહંપ્રેમપ્રચુર પણ કહેવડાવે છે. બહારની દંભી દુનિયાની સામે એમને પૉર્નોગ્રાફીની નિર્દંભ નિર્વસ્ત્રતા વધુ પ્રામાણિક લાગે છે અને એમની રચનાઓમાં આ સૂર ઊઠતો સંભળાતો પણ રહે છે. અમેરિકન બ્લેક્સ પર સમાજ અને પોલિસ વડે થતા આવતા અત્યાચારો અને અન્યાયો સામેનો આક્રોશ ટૉમીની કલમ આલેખે છે.

‘રાહદારી’ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. અંગ્રેજીમાં કવિએ આ સૉનેટની પંક્તિવ્યવસ્થા 2-1-2-1-2-1-2-1-2 કરી છે, જે પ્રચલિત પદ્ધતિઓથી ઉફરી તરી આવે છે. રંગભેદની વાત કરતી આ કવિતાની આ એકી-બેકી પંક્તિવ્યવસ્થા કાળા-ગોરાઓ વચ્ચેના તફાવતને કદાચ દૃઢીભૂત કરે છે. કવિએ શેક્સપિરિઅન શૈલી મુજબ a-b-a-b/ c-d-c-d/ e-f-e-f/ g-g પ્રાસાવલિ અપનાવી છે પણ ચુસ્ત પ્રાસનો આગ્રહ સેવ્યો નથી. અનુવાદમાં પંક્તિવ્યવસ્થા મૂળ મુજબ પણ પ્રાસરચના સ્વરાંત અને a-b-b-a/ c-d-d-c/ e-f-f-e/ g-g મુજબ છે. કાવ્યને ઓછી હાનિ પહોંચે એ હેતુસર એક જગ્યાએ સ્વરાંત પ્રાસનો મોહ પણ જતો કર્યો છે. અંગ્રેજી કાવ્ય પ્રચલિત આયમ્બિક પેન્ટામીટરમાં છે, અને અનુવાદ શિખરિણીમાં.

આત્મકથનાત્મક શૈલીમાં કથક કહે છે કે, એ રસ્તે ચાલી રહ્યા હતા એવામાં એક વજનદાર ટ્રક એમને ઘસાઈને એમ પસાર થઈ, જાણે એનો સાઇડ મિરર આખો હાથ ઉખાડી નાંખવા ન માંગતો હોય! કથકને એ જ મિરરમાં ડ્રાઇવર ખંધું હસતો નજરે ચડે છે, જાણે એ એનો અધિકાર હતો પણ એ ઉખાડી ન નાંખ્યો એ જ એનો ઉપકાર! સ્વપ્નમાંય વિચારી ન હોય એ વાત, એવી ભયજનક (દુર્)ઘટના ઘટી ગઈ. અજાણતાંય જો આપણું વાહન કોઈ રાહદારીને અડી જાય તો ગુનાહિત લાગણી આપણા હૃદયને ઘેરી વળે છે. આ સામાન્ય વ્યવહાર છે, પણ અહીં તો બિલકુલ વિપરિત વાત છે. નિર્દોષ રાહદારી સાથે ખરાબ રીતે ભારીખમ્મ ટ્રક ઘસાવા છતાં ડ્રાઇવર ખિખિયાટા કરે છે, કેમકે રાહદારી આફ્રિકન મૂળનો છે અને ટ્રકડ્રાઇવર અમેરિકન ગોરો છે. રંગભેદની નીતિનો આ ઘસરકો માત્ર કથકના બાવડે જ નહીં, આપણી અંદર પણ થતો અનુભવાય છે.

પણ રંગભેદ, જાતિભેદ કે વંશભેદ કંઈ આજકાલના સમાજની પેદાશ નથી. એ તો પરાપૂર્વથી ચાલતાં આવ્યાં છે. એક જાતિ કે રંગના માણસો બીજા કરતાં ચડિયાતા કે ઉતરતા હોવાની, તથા માણસના સામાજિક અને નૈતિક લક્ષણો એની જન્મજાત જૈવિક વિશિષ્ટતાઓના આધારે પૂર્વનિર્ધારિત હોવાની માન્યતા એટલે રંગભેદ કે જાતિભેદ. ચામડીનો રંગ, ધર્મ, ભાષા, જાતિ, જન્મસ્થળના આધારે એક માણસ બીજાને પોતાનાથી ‘ઓછો’ માણસ ગણી દિલમાં જન્મજાત નફરત સેવે એ દુર્ઘટનાનો ઇતિહાસ સદાકાળથી જ સાક્ષી રહ્યો છે. આ ઊંચનીચના કારણે ન માત્ર મારામારી-લૂંટફાટ કે ગુલામી, પણ જઘન્ય હત્યાઓ અને હત્યાકાંડોથી લઈને યુદ્ધ અને રાષ્ટ્રવિભાજનો પણ થયાં છે. ત્રેવીસસોથીય વધુ વર્ષ પહેલાં એરિસ્ટોટલે ગ્રીક લોકોને અન્ય લોકો કરતાં ચડિયાતાં ગણાવી અન્યોને ગુલામ લેખાવ્યાં હતાં. એ સમયે શારીરિક લક્ષણો અને સભ્યતા (એથ્નોસેન્ટ્રિઝમ) ભેદભાવના પ્રમુખ સાધન હતાં. પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારતમાં પણ કર્ણને સૂતપુત્ર હોવાના કારણે એના અધિકારોથી વંચિત રખાયો હતો. કદાચ એ દુનિયાનો પ્રથમ જાતિવાદ હતો. દરેક સભ્યતામાં આ થતું આવ્યું છે. પંદરમી સદીમાં પૉર્ટુગીઝો આફ્રિકા આવ્યાં ત્યારે તેઓ આફ્રિકનોને દુશ્મન ગણતાં. યુરોપિયનોની પ્રગતિ સાથે તાલમેલ રાખવામાં નિષ્ફળ આફ્રિકન સભ્યતાને બળ, કળ અને છળથી તેઓએ ગુલામ બનાવવી શરૂ કરી અને ગુલામીપ્રથા તથા શ્વેત-શ્યામ વંશવાદના શ્રીગણેશ થયા. આફ્રિકન લોકોને બંદૂક અને પૈસાના જોરે ઊઠાવીને અમેરિકા-યુરોપના દેશોમાં ગુલામી માટે મોકલવાનો સિલસિલો શરૂ થયો. શાકભાજી કરતાંય ખરાબ રીતે આક્રિકન સ્ત્રી-પુરુષો અને બાળકો વેચાવા લાગ્યા. પ્રાણીઓ સાથે પણ ન થાય એટલો બદતર વ્યવહાર એમની સાથે થતો. ઓગણીસમી સદી સુધીમાં તો જાતિવાદના ગૂમડાંએ આખી દુનિયાને ગ્રસી લીધી. ગોરાં-કાળાં સિવાય યહૂદી-બિનયહૂદીઓ, હિંદુ-મુસ્લિમ –એમ અનેક પ્રકારની ઊંચનીચ અને એના દુષ્પરિણામો દુનિયાએ જોયાં. અબ્રાહિમ લિંકન જેવા અનેક લોકો રંગભેદ અને જાતિભેદ મિટાવવાની કોશિશ કરતાં આવ્યાં છે, સેંકડો કાયદાઓ પણ ઘડાયા છે, પણ મનુષ્યોની મથરાવટી બહુ અલ્પ માત્રામાં જ બદલાઈ. મુસ્લિમ વિસ્તારમાં વાહન હંકારતી વખતે બિનમુસ્લિમ નાગરિક વધુ સતર્ક થઈ જાય છે. જાણબહાર આવી જતી આ સતર્કતા ‘હિંદુ-મુસ્લિમ ભાઈ-ભાઈ’ના નારાઓની પોકળતાનો વણકહ્યો પુરાવો છે. જાતિભેદના વિચાર કે વલણ સાથે કોઈ પેદા થતું નથી, પણ ગળથૂથીમાંથી જ સમાજ એ પીવડાવ્યે રાખે છે અને સમજણ આવતાં સુધીમાં તો એ લોહીમાં વહેતાં થઈ ગયા હોય છે. બહુ ઓછા લોકો સાચા અર્થમાં આમાંથી મુક્ત થઈ સમાનમાનવ વિચારધારા લઈ જીવે છે અને અન્યોના હૃદયપલટા માટે જીવનભર મથતાં રહે છે.

રંગભેદનું મટી જવું અને બધા મનુષ્યોને એકસમાન હકથી જીવવા મળે એવું રામરાજ્ય તો કદાચ સ્વપ્નમાં જ મળે, કેમકે અસમાનતાનો ખયાલ તો આપણા રંગસૂત્રોમાં જ વણાઈ ગયો છે. સૌથી પહેલી અને સૌથી અગત્યની ઊંચનીચ તો સ્ત્રી-પુરુષ વચ્ચે જ છે. જાતિ-વંશ-રંગ-અમીરી વગેરે તો પછી આવે. સાથે રહેનાર અલગ લિંગની બે વ્યક્તિઓ વચ્ચે સમભાવ ન સ્થપાય ત્યાં સુધી અસંખ્ય અસમાનતાસભર અલગ વ્યક્તિઓ વચ્ચે સમભાવની વાત કરવી એ ‘વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં’ (અખો) જેવી કપોળકલ્પના છે. રામરાજ્ય તો રામના નસીબમાંય નહોતું. એમણેય લોકલાજે પત્નીને અગ્નિમાં હોમવી અને જંગલમાં ત્યાગવી પડી હતી. જો કે આનો અર્થ એય નથી કે રામરાજ્યપ્રાપ્તિની કોશિશ જ ન કરવી જોઈએ. જેમ્સ બાલ્ડવિને ઉચિત જ કહ્યું હતું: ‘સામનો થાય એ બધું બદલી નહીં શકાય પણ સામનો ન કરીએ તો કશું જ બદલી નહીં શકાય.’ સાહિર લુધિયાનવીને સાંભળો:

माना कि इस ज़मीं को न गुलज़ार कर सके
कुछ ख़ार कम तो कर गए गुज़रे जिधर से हम|

એલા વ્હીલર વિલ્કોક્સ ‘પ્રોટેસ્ટ’માં લખે છે: ‘એવા સમયે મૌન રહેવાનું પાપ કરવું, જ્યારે વિરોધ કરવાનો હોય,/ માણસોને કાયર બનાવે છે. માનવ જાત/ વિરોધના બળે જ આગળ આવી છે./…/ જે મુઠ્ઠીભર લોકો હિંમત કરે છે, તેઓએ ફરી ફરીને અવાજ ઊઠાવતાં રહેવું જોઈએ/
ઘણા લોકોના ખોટાને સુધારવા માટે.’

ટ્રક ટક્કર મારીને જઈ રહી છે. જે મિરરથી ટક્કર વાગી છે, એમાંથી ચાલકનું જે સ્મિત રાહદારીને દેખાય છે, એ સ્મિત જાણે કે કહી રહ્યું છે કે તારે કશો વાંધો ઊઠાવવાની જરૂર નથી કે ક્યાંય ફરિયાદ પણ નથી કરવાની. છટાંકભરની ઘટના. ચાલક ખિખિયાતો જઈ રહ્યો છે પણ સદીઓની ગુલામ માનસિકતા બોલી રહી છે અને અશ્વેત રાહદારીને એ સંભળાઈ રહી છે, કે આ બીનાની રાવ ન ખાવી કે વિરોધ ન કરવો એમાં એનો જ લાભ છે. (કેમકે સાંભળશે કોણ? રાજ તો ગોરિયાંઓનું છે!) આ ગંદી માનસિકતાનો પડઘો વિશ્વસાહિત્યમાં સતત પડતો આવ્યો છે. અનેક પુસ્તકો, ચિત્રો, શિલ્પો અને ફિલ્મો શ્વેત-અશ્વેત લોકોમાં ઘર કરી ગયેલી આ બદી પર પ્રકાશ નાખતાં આવ્યાં છે. શેક્સપિઅરનો ‘ઑથેલો’ પણ આ રુગ્ણ માનસિકતાથી ગ્રસ્ત છે. એ ઇઆગોને કહે છે: ‘કદાચ, હું કાળો છું અને મારી પાસે એ દરબારીઓ જેવી વાતચીત કરવાની આવડત નથી, એટલે એ મને છોડી ગઈ છે.’ (અંક 3: દૃશ્ય 3)

ટક્કર થઈ એ પળે રાહદારીને ધોળે દહાડે તારા દેખાઈ ગયા. પળભર તો એને લાગ્યું કે એ જાનથી જ ગયો. એને એ ખ્યાલ પણ આવે છે કે ડ્રાઇવર પણ આ અકસ્માતથી થોડો તો ડર્યો જ હતો અને એનું મોઢું પણ લાલ થઈ ગયું હતું. પણ એ તો ક્ષણાર્ધ પૂરતું જ હશે કેમકે બીજી જ પળે તો કથકને મિરરમાં એ બત્રીસી બતાવતો દેખાયો હતો. સૉનેટની સ્થાપિત બેકી-એકી પંક્તિવ્યવસ્થાને અવગણી, એની પ્રાસવ્યવસ્થા જોઈએ તો શેક્સપિરિઅન શૈલીના ચતુષ્ક-યુગ્મક દૃષ્ટિગોચર થાય છે. ત્રણેય ચતુષ્કમાં કવિએ ડ્રાઇવરના ક્ષણભર માટે અરીસામાંથી પ્રતિબિંબિત થયેલા હાસ્યનો ઉલ્લેખ કર્યો છે. ત્રણેય જગ્યાએ જો કે એમણે શબ્દ અલગ પ્રયોજ્યા છે. મિરરમાં એક પળ નજર મોડીવહેલી પડી હોય તો ચૂકી જવાય એવા અલ્પકાલીન હાસ્ય તરફ કવિ બાર જ પંક્તિમાં ત્રણ-ત્રણવાર ધ્યાન દોરીને શ્વેત લોકોના મનમાં અશ્વેતો માટે જે દ્વેષભાવ છે એને સહેજેય ચૂકી ન જવાય એમ બરાબર અધોરેખિત કરે છે. નેલ્સન મન્ડેલાએ કહ્યું હતું કે, ‘કોઈ વ્યક્તિ અન્યને એની ચામડીના રંગ, એની પૃષ્ઠભૂ, કે ધર્મના કારણે ધિક્કારતું પેદા થતું નથી.’ આ તફાવતજન્ય ધિક્કાર આપણને બાળપણથી શીખવવામાં આવ્યો છે, પછી એ શ્વેત-અશ્વેત હોય, યહૂદી-બિનયહૂદી હોય, હિંદુ-મુસ્લિમ હોય કે અન્ય કંઈ. ઑડ્રે લૉર્ડ સાચું કહી ગયા: ‘એ તફાવતો નથી જે આપણને વિભાજીત કરે છે. એ મતભેદોને ઓળખવાની, સ્વીકારવાની અને ઉજવવાની આપણી અસમર્થતા એ કરે છે.’

ડ્રાઇવરના મતે કદાચ રાહદારી એના રસ્તામાં નડતરરૂપ હતો એટલે ભલે ભૂલથી, પણ એને ટક્કર મારવાનો એને અબાધિત અધિકાર હતો. એની બત્રીસી જોઈ રાહદારીને સમજાય છે કે દાંતિયા કાઢવાની એ ચેષ્ટા ગુસ્સો નહોતો, પણ કદાચ ચેતવણી હતી કે ટાઢો થઈ જા, બધું બરાબર જ છે. તું કંઈ મરી-બરી નથી ગયો. આ ચેતવણીમાં રાહદારીને ‘Ni’ સંભળાય છે. આપણે ત્યાં જેમ હરિજનને ઢેડ કે ભંગી કહેવું ગાળ બરાબર છે, એમ જ પાશ્ચાત્ય દેશોમાં નીગ્રો લોકોને ‘ની’ કે ‘નીગર’ કહેવું અપશબ્દ બોલવા કે અપમાન કરવા બરાબર ગણાય છે. અંગ્રેજીમાં કવિએ ચાલાકેપૂર્વક ‘ni’ લખ્યા બાદ કૌંસમાં [ght, neighbor] ઉમેર્યાં છે. ‘ની’ પરથી ‘નીગ્રો’ કે ‘નીગર’ ઉપરાંત ‘નાઇટ’ (શુભ રાત્રિ) કે ‘નેબર’ (પાડોશી) એવું અર્થઘટન પણ થાય. અમેરિકન લોકોએ અંગ્રેજીનું સરળીકરણ કરી નાંખ્યું છે. રાત્રે છૂટાં પડતી વખતે આપણે ‘ગુડ નાઇટ’ કહીએ, પણ અમેરિકનો ‘નાઇટ’થી કામ ચલાવી લે. એમ જ આપણા ‘ભાઈ’ કે ‘બકા’ અમેરિકામાં ‘નેબર’ બની રહે છે. ‘નેબર’ શબ્દમાંથી જો કે બાઇબલનું ‘લવ ધાય નેબર’ પણ ધ્વનિત થતું સંભળાશે. કવિતા આમેય એક તીરથી અનેક નિશાન સાધતી હોય છે. પણ આ ni[ght, neighbor] નો અનુવાદ શો કરવો? એટલે નીગર કે નીગ્રોનો ‘ની’ યથાવત્ રાખીને ‘ની [ચ/કળ]’ વાપર્યું છે, જેમાંથી ‘ની’, ‘નીચ’ અને ‘નીકળ’ –એમ મૂળ કવિતામાં છે એ નહીં, પણ એની જેમ ત્રણ અલગ અર્થ તારવી શકાય છે. અનુવાદની આટલી મર્યાદા તો સ્વીકારવી જ રહી.

પેલા હાસ્યમાં રાહદારીને પોતાના માટે વપરાયેલી ગાળ ઉપરાંત ઘણું બધું સંભળાયું છે. ઠંડો થા. બધું બરાબર છે. અહીંથી નીકળ. જા. ગુસ્સો કરવાથી કોઈ ફાયદો નથી. એમાં કશું દાટ્યું નથી. બધી જગ્યાએ આ જ થતું આવ્યું છે, થાય છે અને થતું રહેશે. જે થયું છે એને ભૂલી જા. કેટલું બધું! શોષિત લોકોના દિલોદિમાગમાં વસી ગયેલી પોતાના માટેની ગોરાં લોકોનાં નફરત-દ્વેષ-તિરસ્કાર-અપમાન એક-એક શબ્દમાંથી છલકી રહ્યાં છે. ડ્રાઇવર તો દાંત કાઢવા સિવાય કશું બોલ્યો જ નથી પણ જન્મથી લઈને આજપર્યંત આ દુનિયાએ અશ્વેતોના લોહીમાં જે રસાયણ રસ્યું છે, એના પડઘાં એ હાસ્યમાંથી ઊઠી રહ્યા છે. પરિણામે આ ન દેવાયેલી ચીમકી વધુ જોરથી ચીમટી ભરે છે આપણને. એબ્રાહમ જોશુઆ હેશલ લખે છે: ‘જાતિવાદ મનુષ્ય માટે સહુથી મોટો ખતરો છે- ન્યૂનતમ કારણોસર અધિકતમ ઘૃણા.’ માર્ટિન લ્યુથર કિંગ જુનિયર કહી ગયા: ‘અંધારું અંધારું દૂર નહીં કરી શકે, માત્ર પ્રકાશ જ કરી શકે. નફરત નફરત દૂર નહીં કરી શકે, માત્ર પ્રેમ જ કરી શકે.’

કાવ્યાંતે કવિ આપણી સંવેદનાની પીઠ પર મીઠામાં બોળેલી ચાબુક સટ્ટાક કરતીક વીંઝે છે: ‘એણે મને જોયો જ નહીં, અલબત્ત મેં એને જોયો.’ શ્વેત ડ્રાઇવરની દૃષ્ટિમાં આ અશ્વેત રાહદારી તુચ્છ મગતરું હતું, જેના તરફ નજર કરવાની એને કોઈ તમા જ નથી, કદાચ જરૂર સુદ્ધાં અનુભવાઈ નહીં હોય, કેમકે જે સડક પરથી એ પસાર થાય છે એ સડક પર ચાલવાનો અશ્વેતોને વળી અધિકાર જ ક્યાંનો? પણ સીદી રાહદારી સદીઓથી લાખ અપમાનિત થતો આવ્યો હોવા છતાં માનવી મટી નથી ગયો, એવું દર્શાવવા કવિ કહે છે, કે મેં તો એને જોયો, હું કશુંય નીરખવું ચૂક્યો નથી. સામાને જોવા માટેની નજર જ્યારે બધા પાસે હશે ત્યારે જ રંગભેદ-જાતિભેદ વગેરે ધરમૂળમાંથી દૂર થશે. આપણે સૌ તો પૃથ્વી પર એમ વિચરણ કરીએ છીએ, જાણે એનું ધરીબિંદુ આપણે જ ન હોઈએ. ધૂમકેતુ ‘પૉસ્ટ ઑફિસ’માં આપણને આ સનાતન સત્ય આપી ગયા: ‘મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી. બીજાની દૃષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય.’ સૉનેટની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ટક્કર મારી સૉરી ક્હેવાના સ્થાને દાંતિયા કાઢનાર શ્વેત ડ્રાઇવરના મનમાં, અને એ રીતે આખા સમાજમાં ઘર કરી ગયેલી રંગભેદની અન્યાયી નીતિ પર કોઈપણ પ્રકારના કુઠારાઘાત કરવાના બદલે એ માત્ર હળવી ટકોર કરે છે. પ્રતિકાર છે પણ ડંખ નથી, વિરોધ છે પણ ઝેર વિનાનો. અને કદાચ એટલે જ આ સૉનેટ આપણા સમગ્ર સંવેદનાતંત્રને હચમચાવી નાંખે છે. જર્મન પાદરી માર્ટિન નીમોલાની એક રચનાથી વાત પૂરી કરીએ:

પહેલા તેઓ સમાજવાદીઓ માટે આવ્યા, અને હું કશું બોલ્યો નહીં –
કારણ કે હું સમાજવાદી નહોતો.
પછી તેઓ ટ્રેડ યુનિયનવાદીઓ માટે આવ્યા, અને હું કશું બોલ્યો નહીં –
કારણ કે હું ટ્રેડ યુનિયનવાદી નહતો.
પછી તેઓ યહૂદીઓ માટે આવ્યા, અને હું કશું બોલ્યો નહીં-
કારણ કે હું યહૂદી નહોતો.
પછી તેઓ મારા માટે આવ્યા –
અને મારા માટે બોલનાર ત્યારે કોઈ જ બચ્યું નહોતું.

ગ્લૉબલ કવિતા : ૧૬૫ : પદયાત્રી – ટોમી બ્લૉન્ટ



The Pedestrian

When the pickup truck, with its side mirror,
almost took out my arm, the driver’s grin

reflected back; it was just a horror

show that was never going to happen,
don’t protest, don’t bother with the police

for my benefit, he gave me a smile—

he too was startled, redness in his face—
when I thought I was going, a short while,

to get myself killed: it wasn’t anger

when he bared his teeth, as if to caution
calm down, all good, no one died, ni[ght, neighbor]—

no sense getting all pissed, the commotion

of the past is the past; I was so dim,
he never saw me—of course, I saw him.

– Tommye Blount

પદયાત્રી

અને જ્યાં એના સાઇડ મિરરથી એ ભરી ટ્રકે
ઉખેડી નાંખ્યો હાથ લગભગ મારો, નજરમાં

ચડ્યો ત્યાં એનો ડ્રાઇવર ખિખિયાતો મિરરમાં,

ન ધારી’તી એવી ભયજનક બીના ઘટી, અરે!
ન વાંધો, ના તો રાવ કરું હું કશે, લાભપ્રદ એ

મને છે, હા, એવું સહજ સ્મિતથી એ કહી ગયો;

ડર્યો થોડો એયે, મુખ પણ થયું લાલ ઘડી તો,
ગયો નક્કી આજે હું, પળભર માટે થયું મને.

બતાવી બત્રીસી ઘડીપળ જ એણે, શું હતું એ?

નહોતો એ ગુસ્સો, અગર હતી તો તાકીદ હતી-
‘તું ઠંડો થા, ને જો બધું સરસ છે, ની [ચ/કળ], જા,

શું દાટ્યું ગુસ્સામાં? થતું, થયું, થશે આ જ સઘળે.

‘થયું એ ભૂલી જા’, ક્વચિત્ હું હતો એ મગતરૂં
ન જોયું એણે જે, પણ હું ન ચૂક્યો કૈં નીરખવું.

ટોમી બ્લૉન્ટ
(અનુ.: વિવેક મનહર ટેલર)

રંગભેદ – વૈશ્વિક અન્યાયની ગંગોત્રી

‘હું શ્વાસ નથી લઈ શકતો… હું શ્વાસ નથી લઈ શકતો…’ –એ બોલતો રહ્યો પણ એને જમીન પર ઊંધો પાડી, એની ગરદન પર ઘૂંટણ દબાવીને બેઠેલ પોલિસકર્મીના બહેરા કાને ઓલવાતા અવાજના આ આર્તનાદો ન પડ્યા તે ન જ પડ્યા. જમા થયેલાં લોકો પણ ‘એની નાડી તપાસો..’ ‘જુઓ, એ શ્વાસ નથી લઈ શકતો..’ ‘શરીર હલતું બંધ થઈ ગયું છે’ બોલતાં રહ્યાં. એ પોલિસ(કુ)કર્મીના ત્રણ સાથીઓ ખડે પગે પેલા નરપિશાચની પડખે ઊભા રહ્યા. જ્યૉર્જ ફ્લૉઇડ એ ઇસમનું નામ. આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ એનું નામ જાણતું નહીં હોય. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ૪૬ વર્ષની વયના જ્યૉર્જે નોકરી ગુમાવી અને માત્ર વીસ ડૉલરની બનાવટી નોટથી સિગારેટ ખરીદવાના ગુનાસર ૨૫મી મે, ૨૦૨૦ના રોજ અમેરિકાના મિનિઆપોલિસમાં એની ધરપકડ કરાઈ, એ દરમિયાન ડેરેક ચૉવિન પર રંગભેદનું ભૂત સવાર થઈ ગયું અને નિઃસહાય નિઃશસ્ત્ર જ્યૉર્જને જમીન પર ઊંધો પટકી હાથકડી પહેરાવવાના બદલે એની ગળચી પર પોણા નવ મિનિટ સુધી ઘૂંટણ દબાવી રાખીને એણે કાયદાની ઓથે સરેઆમ નિર્મમ હત્યા કરી. અમેરિકાથી શરૂ થઈ આખી દુનિયામાં રંગભેદ-જાતિભેદ વિરોધી દેખાવો અને તોફાનો ફાટી નીકળ્યા. પ્રસ્તુત રચના રંગભેદની કુનીતિ તરફ ધ્યાન દોરી સુપ્ત સંવેદનાઓને ઝંકોરવાની કવિની નિષ્ઠાવાન કોશિશ છે.

ટૉમી બ્લૉન્ટ. ડિટ્રોઇટ, મિશિગન ખાતે જન્મ. હાલ, મિશિગનના નોવી પરામાં રહે છે. વૉરેન વિલ્સન કૉલેજમાંથી ફાઇન આર્ટ્સમાં અનુસ્નાતક. ૨૦૧૬માં ‘વૉટ આર વી નોટ ફોર’ નામે એક ચેપબુક અને માર્ચ, ૨૦૨૦માં ‘ફેન્ટાસિયા ફોર ધ મેન ઇન બ્લુ’ પુસ્તક પ્રગટ થયાં. કવિ બનવાનું સપનેય વિચાર્યું નહોતું, પણ ટાઇપિસ્ટ મમ્મી ‘ડૉટ મેટ્રિક્સ’ (કમ્પ્યુટર સ્ટેશનરી) ઘરે લાવતી, જેના હાંસિયા-લીટી વિનાના ખુલ્લા આકાશ જેવા કોરા કાગળ ટૉમીને ખૂબ ઉત્તેજીત કરતા. એ આ કાગળો ચીતરડાંઓ અને લખાણોથી ભરી દેતા. આગળ જતાં કાગળ પરની ખાલી જગ્યા કેવી રીતે કમાવી એ સમજાયું અને લેખક બન્યા. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં બીએ કરતી વખતે તેઓ બ્લેક પોએટ્સ સૉસાયટીમાં જોડાયા. ત્યાં વિવી ફ્રાન્સિસે ટૉમીની જિંદગી અને કવિતાને દિશા બતાવી. સરળતા એમનો પ્રમુખ કાકુ છે. તેઓ પોતાની જાતને ન માત્ર શ્યામ, પણ સમલૈંગિક અને વૉયુરિસ્ટિક, તથા સ્વાર્થી અને અહંપ્રેમપ્રચુર પણ કહેવડાવે છે. બહારની દંભી દુનિયાની સામે એમને પૉર્નોગ્રાફીની નિર્દંભ નિર્વસ્ત્રતા વધુ પ્રામાણિક લાગે છે અને એમની રચનાઓમાં આ સૂર ઊઠતો સંભળાતો પણ રહે છે. અમેરિકન બ્લેક્સ પર સમાજ અને પોલિસ વડે થતા આવતા અત્યાચારો અને અન્યાયો સામેનો આક્રોશ ટૉમીની કલમ આલેખે છે.

‘રાહદારી’ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. અંગ્રેજીમાં કવિએ આ સૉનેટની પંક્તિવ્યવસ્થા 2-1-2-1-2-1-2-1-2 કરી છે, જે પ્રચલિત પદ્ધતિઓથી ઉફરી તરી આવે છે. રંગભેદની વાત કરતી આ કવિતાની આ એકી-બેકી પંક્તિવ્યવસ્થા કાળા-ગોરાઓ વચ્ચેના તફાવતને કદાચ દૃઢીભૂત કરે છે. કવિએ શેક્સપિરિઅન શૈલી મુજબ a-b-a-b/ c-d-c-d/ e-f-e-f/ g-g પ્રાસાવલિ અપનાવી છે પણ ચુસ્ત પ્રાસનો આગ્રહ સેવ્યો નથી. અનુવાદમાં પંક્તિવ્યવસ્થા મૂળ મુજબ પણ પ્રાસરચના સ્વરાંત અને a-b-b-a/ c-d-d-c/ e-f-f-e/ g-g મુજબ છે. કાવ્યને ઓછી હાનિ પહોંચે એ હેતુસર એક જગ્યાએ સ્વરાંત પ્રાસનો મોહ પણ જતો કર્યો છે. અંગ્રેજી કાવ્ય પ્રચલિત આયમ્બિક પેન્ટામીટરમાં છે, અને અનુવાદ શિખરિણીમાં.

આત્મકથનાત્મક શૈલીમાં કથક કહે છે કે, એ રસ્તે ચાલી રહ્યા હતા એવામાં એક વજનદાર ટ્રક એમને ઘસાઈને એમ પસાર થઈ, જાણે એનો સાઇડ મિરર આખો હાથ ઉખાડી નાંખવા ન માંગતો હોય! કથકને એ જ મિરરમાં ડ્રાઇવર ખંધું હસતો નજરે ચડે છે, જાણે એ એનો અધિકાર હતો પણ એ ઉખાડી ન નાંખ્યો એ જ એનો ઉપકાર! સ્વપ્નમાંય વિચારી ન હોય એ વાત, એવી ભયજનક (દુર્)ઘટના ઘટી ગઈ. અજાણતાંય જો આપણું વાહન કોઈ રાહદારીને અડી જાય તો ગુનાહિત લાગણી આપણા હૃદયને ઘેરી વળે છે. આ સામાન્ય વ્યવહાર છે, પણ અહીં તો બિલકુલ વિપરિત વાત છે. નિર્દોષ રાહદારી સાથે ખરાબ રીતે ભારીખમ્મ ટ્રક ઘસાવા છતાં ડ્રાઇવર ખિખિયાટા કરે છે, કેમકે રાહદારી આફ્રિકન મૂળનો છે અને ટ્રકડ્રાઇવર અમેરિકન ગોરો છે. રંગભેદની નીતિનો આ ઘસરકો માત્ર કથકના બાવડે જ નહીં, આપણી અંદર પણ થતો અનુભવાય છે.

પણ રંગભેદ, જાતિભેદ કે વંશભેદ કંઈ આજકાલના સમાજની પેદાશ નથી. એ તો પરાપૂર્વથી ચાલતાં આવ્યાં છે. એક જાતિ કે રંગના માણસો બીજા કરતાં ચડિયાતા કે ઉતરતા હોવાની, તથા માણસના સામાજિક અને નૈતિક લક્ષણો એની જન્મજાત જૈવિક વિશિષ્ટતાઓના આધારે પૂર્વનિર્ધારિત હોવાની માન્યતા એટલે રંગભેદ કે જાતિભેદ. ચામડીનો રંગ, ધર્મ, ભાષા, જાતિ, જન્મસ્થળના આધારે એક માણસ બીજાને પોતાનાથી ‘ઓછો’ માણસ ગણી દિલમાં જન્મજાત નફરત સેવે એ દુર્ઘટનાનો ઇતિહાસ સદાકાળથી જ સાક્ષી રહ્યો છે. આ ઊંચનીચના કારણે ન માત્ર મારામારી-લૂંટફાટ કે ગુલામી, પણ જઘન્ય હત્યાઓ અને હત્યાકાંડોથી લઈને યુદ્ધ અને રાષ્ટ્રવિભાજનો પણ થયાં છે. ત્રેવીસસોથીય વધુ વર્ષ પહેલાં એરિસ્ટોટલે ગ્રીક લોકોને અન્ય લોકો કરતાં ચડિયાતાં ગણાવી અન્યોને ગુલામ લેખાવ્યાં હતાં. એ સમયે શારીરિક લક્ષણો અને સભ્યતા (એથ્નોસેન્ટ્રિઝમ) ભેદભાવના પ્રમુખ સાધન હતાં. પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારતમાં પણ કર્ણને સૂતપુત્ર હોવાના કારણે એના અધિકારોથી વંચિત રખાયો હતો. કદાચ એ દુનિયાનો પ્રથમ જાતિવાદ હતો. દરેક સભ્યતામાં આ થતું આવ્યું છે. પંદરમી સદીમાં પૉર્ટુગીઝો આફ્રિકા આવ્યાં ત્યારે તેઓ આફ્રિકનોને દુશ્મન ગણતાં. યુરોપિયનોની પ્રગતિ સાથે તાલમેલ રાખવામાં નિષ્ફળ આફ્રિકન સભ્યતાને બળ, કળ અને છળથી તેઓએ ગુલામ બનાવવી શરૂ કરી અને ગુલામીપ્રથા તથા શ્વેત-શ્યામ વંશવાદના શ્રીગણેશ થયા. આફ્રિકન લોકોને બંદૂક અને પૈસાના જોરે ઊઠાવીને અમેરિકા-યુરોપના દેશોમાં ગુલામી માટે મોકલવાનો સિલસિલો શરૂ થયો. શાકભાજી કરતાંય ખરાબ રીતે આક્રિકન સ્ત્રી-પુરુષો અને બાળકો વેચાવા લાગ્યા. પ્રાણીઓ સાથે પણ ન થાય એટલો બદતર વ્યવહાર એમની સાથે થતો. ઓગણીસમી સદી સુધીમાં તો જાતિવાદના ગૂમડાંએ આખી દુનિયાને ગ્રસી લીધી. ગોરાં-કાળાં સિવાય યહૂદી-બિનયહૂદીઓ, હિંદુ-મુસ્લિમ –એમ અનેક પ્રકારની ઊંચનીચ અને એના દુષ્પરિણામો દુનિયાએ જોયાં. અબ્રાહિમ લિંકન જેવા અનેક લોકો રંગભેદ અને જાતિભેદ મિટાવવાની કોશિશ કરતાં આવ્યાં છે, સેંકડો કાયદાઓ પણ ઘડાયા છે, પણ મનુષ્યોની મથરાવટી બહુ અલ્પ માત્રામાં જ બદલાઈ. મુસ્લિમ વિસ્તારમાં વાહન હંકારતી વખતે બિનમુસ્લિમ નાગરિક વધુ સતર્ક થઈ જાય છે. જાણબહાર આવી જતી આ સતર્કતા ‘હિંદુ-મુસ્લિમ ભાઈ-ભાઈ’ના નારાઓની પોકળતાનો વણકહ્યો પુરાવો છે. જાતિભેદના વિચાર કે વલણ સાથે કોઈ પેદા થતું નથી, પણ ગળથૂથીમાંથી જ સમાજ એ પીવડાવ્યે રાખે છે અને સમજણ આવતાં સુધીમાં તો એ લોહીમાં વહેતાં થઈ ગયા હોય છે. બહુ ઓછા લોકો સાચા અર્થમાં આમાંથી મુક્ત થઈ સમાનમાનવ વિચારધારા લઈ જીવે છે અને અન્યોના હૃદયપલટા માટે જીવનભર મથતાં રહે છે.

રંગભેદનું મટી જવું અને બધા મનુષ્યોને એકસમાન હકથી જીવવા મળે એવું રામરાજ્ય તો કદાચ સ્વપ્નમાં જ મળે, કેમકે અસમાનતાનો ખયાલ તો આપણા રંગસૂત્રોમાં જ વણાઈ ગયો છે. સૌથી પહેલી અને સૌથી અગત્યની ઊંચનીચ તો સ્ત્રી-પુરુષ વચ્ચે જ છે. જાતિ-વંશ-રંગ-અમીરી વગેરે તો પછી આવે. સાથે રહેનાર અલગ લિંગની બે વ્યક્તિઓ વચ્ચે સમભાવ ન સ્થપાય ત્યાં સુધી અસંખ્ય અસમાનતાસભર અલગ વ્યક્તિઓ વચ્ચે સમભાવની વાત કરવી એ ‘વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં’ (અખો) જેવી કપોળકલ્પના છે. રામરાજ્ય તો રામના નસીબમાંય નહોતું. એમણેય લોકલાજે પત્નીને અગ્નિમાં હોમવી અને જંગલમાં ત્યાગવી પડી હતી. જો કે આનો અર્થ એય નથી કે રામરાજ્યપ્રાપ્તિની કોશિશ જ ન કરવી જોઈએ. જેમ્સ બાલ્ડવિને ઉચિત જ કહ્યું હતું: ‘સામનો થાય એ બધું બદલી નહીં શકાય પણ સામનો ન કરીએ તો કશું જ બદલી નહીં શકાય.’ સાહિર લુધિયાનવીને સાંભળો:

माना कि इस ज़मीं को न गुलज़ार कर सके
कुछ ख़ार कम तो कर गए गुज़रे जिधर से हम|

એલા વ્હીલર વિલ્કોક્સ ‘પ્રોટેસ્ટ’માં લખે છે: ‘એવા સમયે મૌન રહેવાનું પાપ કરવું, જ્યારે વિરોધ કરવાનો હોય,/ માણસોને કાયર બનાવે છે. માનવ જાત/ વિરોધના બળે જ આગળ આવી છે./…/ જે મુઠ્ઠીભર લોકો હિંમત કરે છે, તેઓએ ફરી ફરીને અવાજ ઊઠાવતાં રહેવું જોઈએ/
ઘણા લોકોના ખોટાને સુધારવા માટે.’

ટ્રક ટક્કર મારીને જઈ રહી છે. જે મિરરથી ટક્કર વાગી છે, એમાંથી ચાલકનું જે સ્મિત રાહદારીને દેખાય છે, એ સ્મિત જાણે કે કહી રહ્યું છે કે તારે કશો વાંધો ઊઠાવવાની જરૂર નથી કે ક્યાંય ફરિયાદ પણ નથી કરવાની. છટાંકભરની ઘટના. ચાલક ખિખિયાતો જઈ રહ્યો છે પણ સદીઓની ગુલામ માનસિકતા બોલી રહી છે અને અશ્વેત રાહદારીને એ સંભળાઈ રહી છે, કે આ બીનાની રાવ ન ખાવી કે વિરોધ ન કરવો એમાં એનો જ લાભ છે. (કેમકે સાંભળશે કોણ? રાજ તો ગોરિયાંઓનું છે!) આ ગંદી માનસિકતાનો પડઘો વિશ્વસાહિત્યમાં સતત પડતો આવ્યો છે. અનેક પુસ્તકો, ચિત્રો, શિલ્પો અને ફિલ્મો શ્વેત-અશ્વેત લોકોમાં ઘર કરી ગયેલી આ બદી પર પ્રકાશ નાખતાં આવ્યાં છે. શેક્સપિઅરનો ‘ઑથેલો’ પણ આ રુગ્ણ માનસિકતાથી ગ્રસ્ત છે. એ ઇઆગોને કહે છે: ‘કદાચ, હું કાળો છું અને મારી પાસે એ દરબારીઓ જેવી વાતચીત કરવાની આવડત નથી, એટલે એ મને છોડી ગઈ છે.’ (અંક 3: દૃશ્ય 3)

ટક્કર થઈ એ પળે રાહદારીને ધોળે દહાડે તારા દેખાઈ ગયા. પળભર તો એને લાગ્યું કે એ જાનથી જ ગયો. એને એ ખ્યાલ પણ આવે છે કે ડ્રાઇવર પણ આ અકસ્માતથી થોડો તો ડર્યો જ હતો અને એનું મોઢું પણ લાલ થઈ ગયું હતું. પણ એ તો ક્ષણાર્ધ પૂરતું જ હશે કેમકે બીજી જ પળે તો કથકને મિરરમાં એ બત્રીસી બતાવતો દેખાયો હતો. સૉનેટની સ્થાપિત બેકી-એકી પંક્તિવ્યવસ્થાને અવગણી, એની પ્રાસવ્યવસ્થા જોઈએ તો શેક્સપિરિઅન શૈલીના ચતુષ્ક-યુગ્મક દૃષ્ટિગોચર થાય છે. ત્રણેય ચતુષ્કમાં કવિએ ડ્રાઇવરના ક્ષણભર માટે અરીસામાંથી પ્રતિબિંબિત થયેલા હાસ્યનો ઉલ્લેખ કર્યો છે. ત્રણેય જગ્યાએ જો કે એમણે શબ્દ અલગ પ્રયોજ્યા છે. મિરરમાં એક પળ નજર મોડીવહેલી પડી હોય તો ચૂકી જવાય એવા અલ્પકાલીન હાસ્ય તરફ કવિ બાર જ પંક્તિમાં ત્રણ-ત્રણવાર ધ્યાન દોરીને શ્વેત લોકોના મનમાં અશ્વેતો માટે જે દ્વેષભાવ છે એને સહેજેય ચૂકી ન જવાય એમ બરાબર અધોરેખિત કરે છે. નેલ્સન મન્ડેલાએ કહ્યું હતું કે, ‘કોઈ વ્યક્તિ અન્યને એની ચામડીના રંગ, એની પૃષ્ઠભૂ, કે ધર્મના કારણે ધિક્કારતું પેદા થતું નથી.’ આ તફાવતજન્ય ધિક્કાર આપણને બાળપણથી શીખવવામાં આવ્યો છે, પછી એ શ્વેત-અશ્વેત હોય, યહૂદી-બિનયહૂદી હોય, હિંદુ-મુસ્લિમ હોય કે અન્ય કંઈ. ઑડ્રે લૉર્ડ સાચું કહી ગયા: ‘એ તફાવતો નથી જે આપણને વિભાજીત કરે છે. એ મતભેદોને ઓળખવાની, સ્વીકારવાની અને ઉજવવાની આપણી અસમર્થતા એ કરે છે.’

ડ્રાઇવરના મતે કદાચ રાહદારી એના રસ્તામાં નડતરરૂપ હતો એટલે ભલે ભૂલથી, પણ એને ટક્કર મારવાનો એને અબાધિત અધિકાર હતો. એની બત્રીસી જોઈ રાહદારીને સમજાય છે કે દાંતિયા કાઢવાની એ ચેષ્ટા ગુસ્સો નહોતો, પણ કદાચ ચેતવણી હતી કે ટાઢો થઈ જા, બધું બરાબર જ છે. તું કંઈ મરી-બરી નથી ગયો. આ ચેતવણીમાં રાહદારીને ‘Ni’ સંભળાય છે. આપણે ત્યાં જેમ હરિજનને ઢેડ કે ભંગી કહેવું ગાળ બરાબર છે, એમ જ પાશ્ચાત્ય દેશોમાં નીગ્રો લોકોને ‘ની’ કે ‘નીગર’ કહેવું અપશબ્દ બોલવા કે અપમાન કરવા બરાબર ગણાય છે. અંગ્રેજીમાં કવિએ ચાલાકેપૂર્વક ‘ni’ લખ્યા બાદ કૌંસમાં [ght, neighbor] ઉમેર્યાં છે. ‘ની’ પરથી ‘નીગ્રો’ કે ‘નીગર’ ઉપરાંત ‘નાઇટ’ (શુભ રાત્રિ) કે ‘નેબર’ (પાડોશી) એવું અર્થઘટન પણ થાય. અમેરિકન લોકોએ અંગ્રેજીનું સરળીકરણ કરી નાંખ્યું છે. રાત્રે છૂટાં પડતી વખતે આપણે ‘ગુડ નાઇટ’ કહીએ, પણ અમેરિકનો ‘નાઇટ’થી કામ ચલાવી લે. એમ જ આપણા ‘ભાઈ’ કે ‘બકા’ અમેરિકામાં ‘નેબર’ બની રહે છે. ‘નેબર’ શબ્દમાંથી જો કે બાઇબલનું ‘લવ ધાય નેબર’ પણ ધ્વનિત થતું સંભળાશે. કવિતા આમેય એક તીરથી અનેક નિશાન સાધતી હોય છે. પણ આ ni[ght, neighbor] નો અનુવાદ શો કરવો? એટલે નીગર કે નીગ્રોનો ‘ની’ યથાવત્ રાખીને ‘ની [ચ/કળ]’ વાપર્યું છે, જેમાંથી ‘ની’, ‘નીચ’ અને ‘નીકળ’ –એમ મૂળ કવિતામાં છે એ નહીં, પણ એની જેમ ત્રણ અલગ અર્થ તારવી શકાય છે. અનુવાદની આટલી મર્યાદા તો સ્વીકારવી જ રહી.

પેલા હાસ્યમાં રાહદારીને પોતાના માટે વપરાયેલી ગાળ ઉપરાંત ઘણું બધું સંભળાયું છે. ઠંડો થા. બધું બરાબર છે. અહીંથી નીકળ. જા. ગુસ્સો કરવાથી કોઈ ફાયદો નથી. એમાં કશું દાટ્યું નથી. બધી જગ્યાએ આ જ થતું આવ્યું છે, થાય છે અને થતું રહેશે. જે થયું છે એને ભૂલી જા. કેટલું બધું! શોષિત લોકોના દિલોદિમાગમાં વસી ગયેલી પોતાના માટેની ગોરાં લોકોનાં નફરત-દ્વેષ-તિરસ્કાર-અપમાન એક-એક શબ્દમાંથી છલકી રહ્યાં છે. ડ્રાઇવર તો દાંત કાઢવા સિવાય કશું બોલ્યો જ નથી પણ જન્મથી લઈને આજપર્યંત આ દુનિયાએ અશ્વેતોના લોહીમાં જે રસાયણ રસ્યું છે, એના પડઘાં એ હાસ્યમાંથી ઊઠી રહ્યા છે. પરિણામે આ ન દેવાયેલી ચીમકી વધુ જોરથી ચીમટી ભરે છે આપણને. એબ્રાહમ જોશુઆ હેશલ લખે છે: ‘જાતિવાદ મનુષ્ય માટે સહુથી મોટો ખતરો છે- ન્યૂનતમ કારણોસર અધિકતમ ઘૃણા.’ માર્ટિન લ્યુથર કિંગ જુનિયર કહી ગયા: ‘અંધારું અંધારું દૂર નહીં કરી શકે, માત્ર પ્રકાશ જ કરી શકે. નફરત નફરત દૂર નહીં કરી શકે, માત્ર પ્રેમ જ કરી શકે.’

કાવ્યાંતે કવિ આપણી સંવેદનાની પીઠ પર મીઠામાં બોળેલી ચાબુક સટ્ટાક કરતીક વીંઝે છે: ‘એણે મને જોયો જ નહીં, અલબત્ત મેં એને જોયો.’ શ્વેત ડ્રાઇવરની દૃષ્ટિમાં આ અશ્વેત રાહદારી તુચ્છ મગતરું હતું, જેના તરફ નજર કરવાની એને કોઈ તમા જ નથી, કદાચ જરૂર સુદ્ધાં અનુભવાઈ નહીં હોય, કેમકે જે સડક પરથી એ પસાર થાય છે એ સડક પર ચાલવાનો અશ્વેતોને વળી અધિકાર જ ક્યાંનો? પણ સીદી રાહદારી સદીઓથી લાખ અપમાનિત થતો આવ્યો હોવા છતાં માનવી મટી નથી ગયો, એવું દર્શાવવા કવિ કહે છે, કે મેં તો એને જોયો, હું કશુંય નીરખવું ચૂક્યો નથી. સામાને જોવા માટેની નજર જ્યારે બધા પાસે હશે ત્યારે જ રંગભેદ-જાતિભેદ વગેરે ધરમૂળમાંથી દૂર થશે. આપણે સૌ તો પૃથ્વી પર એમ વિચરણ કરીએ છીએ, જાણે એનું ધરીબિંદુ આપણે જ ન હોઈએ. ધૂમકેતુ ‘પૉસ્ટ ઑફિસ’માં આપણને આ સનાતન સત્ય આપી ગયા: ‘મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી. બીજાની દૃષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય.’ સૉનેટની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ટક્કર મારી સૉરી ક્હેવાના સ્થાને દાંતિયા કાઢનાર શ્વેત ડ્રાઇવરના મનમાં, અને એ રીતે આખા સમાજમાં ઘર કરી ગયેલી રંગભેદની અન્યાયી નીતિ પર કોઈપણ પ્રકારના કુઠારાઘાત કરવાના બદલે એ માત્ર હળવી ટકોર કરે છે. પ્રતિકાર છે પણ ડંખ નથી, વિરોધ છે પણ ઝેર વિનાનો. અને કદાચ એટલે જ આ સૉનેટ આપણા સમગ્ર સંવેદનાતંત્રને હચમચાવી નાંખે છે. જર્મન પાદરી માર્ટિન નીમોલાની એક રચનાથી વાત પૂરી કરીએ:

પહેલા તેઓ સમાજવાદીઓ માટે આવ્યા, અને હું કશું બોલ્યો નહીં –
કારણ કે હું સમાજવાદી નહોતો.
પછી તેઓ ટ્રેડ યુનિયનવાદીઓ માટે આવ્યા, અને હું કશું બોલ્યો નહીં –
કારણ કે હું ટ્રેડ યુનિયનવાદી નહતો.
પછી તેઓ યહૂદીઓ માટે આવ્યા, અને હું કશું બોલ્યો નહીં-
કારણ કે હું યહૂદી નહોતો.
પછી તેઓ મારા માટે આવ્યા –
અને મારા માટે બોલનાર ત્યારે કોઈ જ બચ્યું નહોતું.

ગ્લૉબલ કવિતા : ૧૫૦ : જૂનું ઘર ખાલી કરતાં – બાલમુકુન્દ દવે

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’

ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા !
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !

– બાલમુકુન્દ દવે

ગુજરાતી ભાષાનું અમર કરુણપ્રશસ્તિ કાવ્ય

माया મનુષ્યમાત્રની લાક્ષણિકતા છે, કદાચ સજીવમાત્રની! સમયની સાથે આપણને આપણી આસપાસના માત્ર સજીવો જ નહીં, નિર્જીવો સાથે પણ માયા બંધાઈ જાય છે. આપણા ઘર-ઑફિસ-વાહન-સામાન આપણા જીવનના અવિભાજ્ય અંગો બની જાય છે. મોબાઇલ બગડી જાય ત્યારે જે દુઃખ થાય છે, એ માત્ર નવા કરવા પડનાર ખર્ચ બાબતનું નથી હોતું કેમકે બગડતાં પહેલાં એ આપણી હથેળીના પરિવારનો એક સદસ્ય બની ચૂક્યો હોય છે. પાંડવો સ્વાર્ગારોહણ માટે હિમાલય પર ગયા, ત્યારે અનાયાસ એમની સાથે જોડાઈ ગયેલું કૂતરું એમના પરિવારનો જ હિસ્સો બની ગયું હતું, અને એને લીધા વિના યુધિષ્ઠિર સ્વર્ગમાં પ્રવેશવા તૈયાર નહોતા થયા. મૂંગા પ્રાણીઓ માટે આવી મમતા થઈ આવતી હોય તો માનવી-માનવીની તો વાત જ શી કરવી? અને એમાંય મૃતક જો નિકટનું સ્વજન હોય તો તો આ બંધન પરાકાષ્ઠાએ જ હોવાનું ને?! ઘરની દીવાલોની વચ્ચે સમય કાઢતા માનવી સમય જતાં અનાયાસે જ એ દીવાલોને શ્વસવાનું શરૂ કરી દેતો હોય છે. પરિવારજનો માટેના સ્નેહ અને નિર્જીવ ઘરવખરી માટેના ખેંચાણ વચ્ચે ક્યારેક ભેળસેળ પણ થઈ જાય છે. આવી જ માયા અને ભેળસેળવાળી પરિસ્થિતિ કેન્દ્રમાં રાખીને બાલમુકુન્દ દવેએ આપણને ગુજરાતી ભાષાનું અમર સૉનેટ આપ્યું છે.

બાલમુકુન્દ દવે. જન્મ ૦૭-૦૩-૧૯૧૬ના રોજ વડોદરા પાસેના મસ્તુપુરા ગામમાં. પિતા મણિશંકર ગિરજાશંકર દવે. માતા નર્મદાબેન. પિતા ગામોટ ગોર હતા. પ્રાથમિક શિક્ષણ પ્રકૃતિના ખોળે મસ્તુપુરા-કુંવરવાડાની ગુજરાતી સરકારી શાળામાં. વડોદરાની શ્રીસયાજી હાઈસ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૩૭માં જાસુદબહેન સાથે પ્રથમ લગ્ન. એમનું નિધન થતાં ૧૯૪૧માં ચંદનબહેન સાથે બીજાં લગ્ન. ૧૯૪૦માં નોકરીની શોધમાં અમદાવા આવી સ્થાયી થયા. શરૂઆતમાં ‘સસ્તું સાહિત્ય’ કાર્યાલયમાં. થોડો વખત પત્રકારિત્વ. ૧૯૬૮થી ૧૯૯૧ સુધી ‘નવજીવન’ પ્રકાશિત ‘લોકજીવન’ના તંત્રી. ૧૩-૧૪ વર્ષની વયે કાવ્યસર્જનનો પ્રારંભ. ૨૮-૦૨-૧૯૯૩ના રોજ ૭૭ વર્ષની વયે નિધન.

અનુગાંધીયુગીન કવિઓમાંના નોંધપાત્ર. ઘર-ગામ-તળાવ-ખેતર અને શાળાના રસ્તે અનવરત થયે રાખેલ પ્રકૃતિપાન ઉપરાંત પ્રાસંગિક ગીતો-પ્રભાતિયાં, વિશદ વાંચન, કુમારની બુધસભા અને વેણીભાઈ પુરોહિત જેવાઓની મૈત્રીનો કવિ બાલમુકુંદના ઘડતરમાં પ્રમુખ ફાળો. એમના મતે એમના પર ‘પ્રકૃતિસૌન્દર્ય, પ્રણય અને પ્રભુભક્તિ –એ ત્રણ ‘અંગ’માંથી પ્રકૃતિસૌન્દર્યની અસર વિશેષ વર્તાય છે.’ સુ.દ. લખે છે: ‘બાલમુકુંદ પડઘાઓના નહીં, પણ પોતીકા અવાજના કવિ છે…. …મૃત્યુનો અનુભવ બાલમુકુંદના વિષાદનું કેન્દ્ર છે. માતા, મિત્ર, પત્ની અને પુત્ર એ ચારેયનાં મૃત્યુની છાયા કવિના શબ્દ પર પડી છે.’ કવિએ બહુ લખ્યું નથી પણ જેટલું લખ્યું છે એ નખશિખ આસ્વાદ્ય છે. એમના સ્વચ્છ અને સુરેખ અભિવ્યક્તિવાળાં છંદોબદ્ધ કાવ્યો તથા લયહિલ્લોલથી આકર્ષતાં, પ્રાચીન લોકગીતો અને ભજનોના ઢાળોવાળાં ગીતો આપણી ભાષાનો આગવો ટહુકો બની રહ્યાં છે. એમની કવિતા જાત-અનુભૂતિની ભોંય ફાડીને અંકુરિત થયેલી છે. સરળ અને મધુર ભાષામાં લયાન્વિત એમની બાની હૃદયને તુર્ત જ સ્પર્શી લે છે. એક તરફ પરંપરા તો બીજી તરફ ગાંધીયુગીન સંસ્કારો સાથે તાદાત્મ્ય સાધીને પણ તેઓ સફળતાપૂર્વક નિજી છબી ઉપસાવી શક્યા છે. બાળકાવ્યોથી માંડીને પ્રૌઢશિક્ષણ અને મુક્તક, ભજન, ગીતોથી લઈને સૉનેટ-ખંડકાવ્યો સુધીની બૃહદરેખ પર એમનું સર્જનફલક વિસ્તાર પામ્યું છે. કવિતા વિશે બાલમુકુન્દ દવેના શબ્દો નોંધવા જેવા છે: ‘મૌનનું પડ ફોડીને કવિતાનો શબ્દાંકુર બહાર પ્રગટે છે, તે પૂર્વે ભોમ-ભીતરમાં ચાલતી કવિતાબીજ ફણગાવવાની નિગૂઢ પ્રક્રિયા તપાસવી, એ જેટલું રસપ્રદ એટલું જ અટપટું છે…. બારીક મોજણી કરવા છતાંય, કશુંક એવું બાકી રહી જય છે જે પૂરેપૂરું પામી શકાતું નથી અને જે કવિતાને ‘કવિતા’ બનાવે છે. આ જે તત્ત્વ શેષ રહી જાય છે એ જ કવિતાનું ‘વિશેષ’ છે!’

‘જૂનું ઘર ખાલી કરતાં’ આપણી ભાષાના સર્વકાલીન શ્રેષ્ઠ સૉનેટોમાંનું એક છે. કવિએ અહીં કરુણ રસનિર્વાહ માટે વધુ અનુકૂળ મંદાક્રાંતા છંદ બે-ચાર નાની છૂટ લઈને પ્રયોજ્યો છે. અષ્ટક-ષટક મુજબની પ્રચલિત પંક્તિ સંખ્યાના સ્થાને એમણે ષટક-અષ્ટક પ્રયોજ્યાં છે અને ષટક પછી ભાવપલટો આણીને છેલ્લી બે પંક્તિમાં અભિપ્રેત ચોટ નિપજાવી છે. સૉનેટની પહેલી બારેય પંક્તિઓને કવિએ પ્રાસની પળોજણમાં નાંખી ન હોવાથી ભાવક મુક્તવિહારની અવસ્થા લઈને કાવ્યાંતે પહોંચે છે ત્યારે અચાનક જ ‘આઉટ ઑફ બ્લૂ’ છેલ્લી બે પંક્તિમાં એનો સામનો પ્રાસ સાથે, ના, ચુસ્ત પ્રાસ સાથે થાય છે ત્યારે આખરી બે પંક્તિઓની ચોટ વધારે ધારદાર બની રહે છે અને ભાવકના અસ્તિત્ત્વને ચીરી નાંખવામાં સફળ રહે છે. કવિએ અનાયાસે જ પ્રાસ મેળવી દીધો હોય તોય એટલું સહજ સ્વીકારવું પડે કે આ પ્રાસ સૉનેટને અત્યંત ઉપકારક નીવડ્યો છે. અને આમ તો કવિ नवरसरुचिरा ગણાય છે, પણ ભવભૂતિએ તો एको रसः करुण एव કહીને કરુણ રસને એકમાત્ર મુખ્ય રસ ગણાવ્યો છે. દુઃખ કરુણરસની નિષ્પત્તિનો વિભાવ છે અને દુઃખની ઉત્પત્તિના અનેક કારણોમાંનું એક તે મૃત્યુ. આમ તો આપણે જાણીએ જ છીએ કે जातस्य हि ध्रुवो मृत्युः પણ નિશ્ચિત હોવા છતાં સમયરેખા પર અનિશ્ચિત રહેતું મૃત્યુ હંમેશા અણધાર્યું દુઃખ જન્માવે છે અને આ મૃત્યુ જો નિકટતમ સ્વજનનું હોય તો તો વિષાદનો રંગ ઓર ઘેરો બની રહે છે. વેદનાથી ફાટફાટ કવિહૃદયમાંથી આવા સમયે ફૂટી નીકળતા ઝરણાંને આપણે કરુણપ્રશસ્તિ (Elegy) કાવ્યો તરીકે ઓળખીએ છીએ. રામાયણ-મહાભારતમાં જોવા મળતાં ‘મંદોદરીવિલાપ’ તથા ‘ઉત્તરાવિલાપ’; કાલિદાસના ‘કુમારસંભવમ્’માં ‘રતિવિલાપ’ અને ‘રઘુવંશમ્’માં ‘અજવિલાપ’માં કરુણપ્રશસ્તિ કાવ્યોનો સહજ ઈશારો જોવા મળે છે. ગુજરાતી ભાષામાં ૧૮૬૫માં દલપતરામે લખેલ ‘ફાર્બસવિરહ’ને આપણે ગુજરાતી કરુણપ્રશસ્તિકાવ્યોનું પ્રારંભબિંદુ ગણી શકીએ. એમના પુત્ર ન્હાનાલાલનું ‘પિતૃતર્પણ’ પણ કરુણપ્રશસ્તિ કાવ્ય. નરસિંહરાવનું ‘સ્મરણસંહિતા’, પાઠકનું ‘છેલ્લું દર્શન’, ઉમાશંકરનું ‘સદગત્ મોટાભાઈ’ વગેરે આપણા ઉત્તમ કરુણપ્રશસ્તિ કાવ્યો છે. બાલમુકુન્દ દવેનું પ્રસ્તુત કાવ્ય આ કાવ્યોની પંગતમાં હારોહાર બેસે છે.

પ્રસ્તુત રચના કવિના પ્રથમ પુત્રના અવસાન નિમિત્તે લખાઈ છે. કવિતામાં ભલે ખાલી કરાતા ઘરમાં પુત્રપ્રાપ્તિની વાત કરાઈ હોય, હકીકતે પુત્રનો જન્મ તો રિવાજાનુસાર કવિપત્નીના પિયરના ગામ શેરખી ખાતે થયેલો અને પછી મા-દીકરા અમદાવાદના આ ઘરે આવ્યાં. પુત્ર ગંભીર બિમારીમાં સપડાયો એ જ સમયે ગામમાં કવિના પિતાની તબિયત પણ ગંભીર થઈ. એમની ખબર કાઢવા સૌ ગામ ગયા ત્યાં પુત્રનું અવસાન થયું અને બીજા દિવસે કવિના પિતાનું પણ. કવિ લખે છે: ‘મારી તો બંને પાંખ કપાઈ ગઈ! ખાલી હાથે અમદાવાદ આવ્યાં! ઘર તો ખાવા ધાય! (-જે ઘર પછી અમે ખાલી કર્યું.) આવા ઘેરા વિષાદ વચ્ચે ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ રચાયું –એમાં પિતાપુત્ર બંનેના મૃત્યુના વિષાદનો બેવડો ભાર છે. પુત્ર જન્મ્યો શેરખીમાં, અવસાન પામ્યો મસ્તુપુરામાં અને સૉનેટ રચાયું અમદાવાદમાં! કવિતાની ગતિવિધિ આવી મનસ્વિની છે! એ સ્થળકાળ વટાવીને પોતાની રીતે જ પ્રગટ થાય છે.’

પ્રસ્તુત સૉનેટ ગઈકાલની અને આજની ગુજરાતી ભાષા વચ્ચેના સંધિકાળ પર ઊભું છે, જે એની ખાસ વિશેષતા ગણી શકાય. ટૂથબ્રશ, લક્સ સાબુ, ચશ્માં, ક્લિપ, બટન જેવા અંગ્રેજી શબ્દોની અડોઅડ કૂખકાણી, અંક, દૃગ, કણિકા, મણીકા જેવા આજે અપ્રચલિત બની ગયેલા શબ્દો અહીં એકદમ સહજતાપૂર્વક વપરાયા છે. કદાચ એટલે જ આ સૉનેટ દરેક પેઢીને પોતીકું લાગતું આવ્યું છે, લાગતું રહેશે. શીર્ષકના કારણે કવિતા વાંચવી શરૂ કરતાં પહેલાં જ ભાવકને જાણ છે કે જૂનું ઘર ખાલી કરવામાં આવી રહ્યું છે, એટલે પ્રથમ પંક્તિ વાંચતાની સાથે આપણો મેળાપ મધ્યમવર્ગની માનસિકતા સાથે થાય છે. મમતાની દોર તોડવી કપરી છે એ કારણ તો ખરું જ પણ, મૂળે તો ઘર ખાલી કરી દીધા બાદ પણ મધ્યમવર્ગીય માનવી ‘કદાચ કંઈક બાકી રહી ગયું હોય તો?’ની માનસિકતાથી આઝાદ થઈ શકતો નથી, એટલે એ ખાલી કરાયેલું ઘર માત્ર ફંફોસતો નથી, ફરી-ફરીને ફંફોસે છે. (એકીસાથે આવતા ત્રણ ‘ફ’ની વર્ણસગાઈ કવિતાના ઊઠાવને વધુ ગતિશીલ બનાવી દે છે.) અને એને નિરાશા પણ નથી મળતી. એને હાથ છૂટકમૂટક એકાદ-બે વસ્તુઓ નહીં, ‘ખાસ્સું’ લાગે છે. આ ‘ખાસ્સું’ની જે યાદી છે, એ ‘મિડલક્લાસ મેન્ટાલિટી’ની મહોર ઓર ગાઢી બનાવે છે.

નવા ઘરમાં સહેજે કામ ન આવે એવી જ બધી વસ્તુઓ કવિને હાથ આવે છે, કેમકે કામ આવે એ તમામ ઘરવખરી તો ક્યારની લારીમાં લદાઈ ચૂકી છે. ઘર બદલવાના સાવ સાદા ભાસતા પ્રસંગની અહીં વાત છે. જૂનું ઝાડું, ટૂથબ્રશ, વપરાયેલા સાબુની બચેલી ગોટી, ઢાંકણ વગરની શીશી, ડબલું, કૂખેથી કાણી (અર્થાત્ કોઈ કાળે કામ ન આવે એવી) ડોલ, તૂટેલાં ચશ્માં અને છેલ્લે શોધવું પણ અઘરું થઈ પડે એવી સાઇઝની વસ્તુઓ – બટન, ટાંકણી, સોય અને દોરો! આમાં કઈ વસ્તુ નવા ઘરમાં કામ લાગી શકે એવી છે, કહો તો?! કવિએ આ યાદીમાં ભૂલથી પણ એકય કિંમતી કે કામની વસ્તુ આવી ન જાય એની ચીવટ લીધી છે. છેલ્લે દરવાજા બહાર લટકતું નામનું પાટિયું પણ કવિ પાછળ છોડી શકતા નથી. આ મધ્યમવર્ગીય માનવીની સંઘરાખોરીની વૃત્તિ છે. તો બીજી તરફ, એને એ પણ ખબર છે કે આ રાચરચીલું કાંઈ ગર્વ લેવા જેવું પણ નથી. ભલે ત્યાગી નથી શકાતું, પણ એ પોતાની માલિકીનું હોવાનો ઢંઢેરો પીટતાં એને શરમ પણ એટલી જ આવે છે. એટલે એ પોતાના નામનું પાટિયું છોડી ભલે નથી, શકતો, લારીમાં એને ઊંધું મૂકે છે, જેથી કોઈ જોઈ-જાણી ન શકે કે આ ‘બહુમૂલ્ય’ અસબાબ કોનો છે! મધ્યમવર્ગની માનસિકતાનું આથી વધુ અસરદાર ચિત્રણ બીજે જડવું દોહ્યલું છે.

કવિએ એ અહીં એક કાંકરે એકાધિક પક્ષીઓ માર્યાં છે. પ્રથમ ષટકમાં સામાનની મૂલ્યહીનતાની સાથોસાથ કવિતામાં રમૂજી હળવાશ અનુભવાય છે, જે ઉત્તરાર્ધ સાથે તીવ્ર વિરોધાભાસ સર્જવામાં સફળ નીવડે છે. હળવી શૈલીમાં વર્ણવાયેલ આ સામાન છેતરામણો છે એની ત્વરિત પ્રતીતિ થાય છે પતિ-પત્ની સાથે મળીને ઘર તરફ છેલ્લી નજર નાંખે છે ત્યારે. ફરીફરીને ફંફોસી-ફંફોસીને ઝીણામાં ઝીણી વસ્તુઓ વીણી અંકે કરી લઈ, લારીને વિદાય કર્યા બાદ પણ દંપતી આગળ વધી શકતું નથી. પહેલાં તો હાથે ચડ્યો એ સૌ સામાન વીણીને લારીમાં ભરી લીધો, હવે હાથે ન ચડી શકે એવા ઘરને નજરમાં ભરી લેવાનું છે. ઘર તરફ નજર કરતાં જ એવું ઘણું યાદ આવે છે, જે એકેએક વસ્તુઓ ઉસેટી લેવાની લ્હાયમાં યાદ જ નહોતું આવ્યું. પ્રમાણમાં ઓછા જાણીતા કવયિત્રી ચંદ્રિકાબહેન પાઠકજીનું એક લઘુ કાવ્ય અહીં યાદ આવે છે:

જવું હતું ગામ પરોઢિયામાં,
ખાલી હતી કૈં કરવાની ઓરડી.
લીધી હતી સર્વ ચીજો સમેટી,
છતાંય શું કૈંક ભૂલી જતી હતી?

મેં બારીએ, દાદર ને દીવાલે,
એ શૂન્યતામાં કંઈ દૃષ્ટિ ફેરવી,
અનેક ચિત્રો હજુ ત્યાં રહ્યાં હતાં,
એને ન ત્યાંથી શક્તી ખસેડી.

બાલમુકુન્દ દવે કરતાં ખાસ્સા ઓછા વાક્યો અને ઓછા શબ્દોમાં લાગણીને સહેજ પણ મુખર થવા દીધા વિના કવયિત્રીએ સંતાન/નોએ બારી-દીવાલ-દાદરે કરેલાં, ખસેડી-સમેટી ન શકાતાં ચિતરડાંઓની વાત કરીને સંતાનશોક વધુ સંયત રીતે રજૂ કર્યો છે. પ્રસ્તુત સૉનેટમાં પણ ખાલી ઘર પર આખરી મીટ માંડતા કવિદંપતીની આંખ સામે વીતી ગયેલાં દસ વરસ ક્ષણાર્ધમાં આવી ચડે છે. લગ્ન કરીને બંને જણ આ ઘરમાં આવ્યાં હતાં. આ ઘરમાં જ સહજીવનની શરૂઆતનો મુગ્ધતાસભર આખો દાયકો વીતાવ્યો હતો. દસ વર્ષના લગ્નજીવનના ખટમીઠા સંભારણાંની સાથોસાથ જ બંનેને પહેલો દીકરો યાદ આવે છે. અરે! આ ઘરમાં તો ઈશ્વરકૃપા સમો પ્યારો પુત્ર મળ્યો! પ્રથમ સંતાન કયા મા-બાપને ઈશ્વરના વરદાનથી સહેજ પણ ઓછું લાગતું હશે? પણ સંતાનપ્રાપ્તિની આ મધમીઠી યાદનું આયુષ્ય કવિતામાં એક જ પંક્તિનું છે. સંતાનસુખ-પુત્રસુખ જો કે કવિના નસીબમાં હતું જ નહીં. આ ઘરમાં લગ્ન થયા, આ ઘરમાં પત્નીએ પગ મૂક્યો, આ ઘરમાં દીકરો મળ્યો અને આ ઘરમાં જ દીકરાને ગુમાવવાનું બદનસીબ પણ સાંપડ્યું. આ જ ઘરમાંથી એ પુત્રને ચિતા સુધી લઈ જવો પડ્યો હતો…. પોતાને જીવતેજીવ સંતાન, પ્રથમ સંતાન મૃત્યુ પામે એ ઘા કોઈપણ મા-બાપ માટે દુનિયામાં સૌથી વસમો અને અસહ્ય હોય છે. આ ઘર એ સંતાનની યાદોથી ભર્યુંભાદર્યું છે. ઘરના કોઈ એક ખૂણામાંથી અચાનક મરી ગયેલો દીકરો જાણે પુનર્જીવીત થઈ ઊઠે છે અને સામો આવીને મા-બાપને હૈયાસોંસરવો પ્રશ્ન પૂછે છે: ‘બા-બાપુ! તમે એકેય વસ્તુ આ ઘરમાંથી નવા ઘરમાં લઈ જવાની ભૂલ્યાં નહીં. સાવ તૂટલી-ફૂટલી, ઘસાયેલી વસ્તુઓય લેવાનું તમે બાકી ન રાખ્યું. એક મને જ ભૂલી ગયાં કે?’ અહીં વાક્યાંતે આવતો ‘કે’ છંદ જાળવવા માટે પ્રયોજાયેલો ભરતીનો અક્ષર નથી, એ આપણા તમામ છંદોલયને વેરવિખેર કરી નાંખતો વજ્રાઘાત છે.

કાવ્યના પ્રારંભમાં સાવ તુચ્છમાં તુચ્છ ભાસતી તમામ તૂટેલી-ફૂટેલી વસ્તુને કમ-સે-કમ ગમે ત્યારે, ગમે ત્યાં ‘સાથે’ તો લઈ જવાતી હતી ને! પણ મહામૂલા પુત્રરત્નની પ્રાપ્તિ અને ખોવા વચ્ચેના સંસ્મરણો શું ફરીફરીને ફંફોસી ફંફોસીને પણ સાથે લઈ જવાશે ખરું? સાવ નકામી કહી શકાય એવી વસ્તુઓને સાથે લઈ જઈ શકાવાની ક્ષમતા અને પ્રિયમાં પ્રિય પુત્રના સ્મરણોને લઈ ન જઈ શકાવાની અક્ષમતા વચ્ચે કવિએ જે ધારદાર વિરોધાભાસ ઊભો કર્યો છે, એ વેદનાનું એવરેસ્ટ છે. મૃત પુત્રનું બાળપણ જે આ ઘરના ખૂણે-ખૂણે કેદ છે એની યાદ લાગણીને સઘન બનાવી કાવ્યને વેધક ચોટ આપે છે. ક્ષુલ્લક ભાસતા વાસ્તવચિત્રણ દ્વારા ઉત્કટ કરુણ તરફની ગતિ કાવ્યમાં ચમત્કારિક રીતે સિદ્ધ થઈ છે.

દંપતીની આંખો આંસુઓથી ભરાઈ આવે છે. પણ સાફ જોવા માટે તો આંખ કોરી જોઈએ. સજલ આંખો ઘર તરફ માંડેલી આખરી મીટને ધૂંધળી બનાવે છે, એ અનુભૂતિને આંખમાં કાચની કણી ભોંકાતી હોય એની સાથે સરખાવીને કવિએ દેખાવે કાચ જેવા પ્રવાહી આંસુનું ઘનીકરણ કરીને તકલીફને અસહ્ય બનાવી છે. નાનું ધૂળનું કણુંય આંખમાં પડ્યું હોય તો સહી શકાતું નથી, અહીં તો જાણે કાચની કણી ભોંકાઈ રહી છે. કેવી પીડા! વળી, જેમ કાવ્યારંભે ‘ફ’કારની વર્ણસગાઈ સૉનેટના ઊઠાવને મદદરૂપ નીવડે છે, એ જ રીતે કાવ્યાંતે ‘કાચ કેરી કણિકા’માં એકસાથે આવતા ચાર ‘ક’ની કઠોર વર્ણસગાઈ કણીની કર્કશતામાં વધારો કરીને શોકની પીડા વધુ તીવ્રતર બનાવે છે. વળી, આંખ માટે દૃગ શબ્દ પ્રયોજીને બીજી પંક્તિમાં કવિ પગલાં માટે ડગ શબ્દ વાપરીને આંતર્પ્રાસ વાપર્યો હોવાથી વાક્યાંતે આવતો કણિકા-મણીકાનો ચુસ્ત પ્રાસ વધુ બળવત્તર બને છે. સુરેશ જોષી લખે છે: ‘એ બંધ બેસી જતા પ્રાસની વચ્ચે જાણે શિશુવિયોગી માતાપિતાનાં હૃદય દબાઈ ગયાં છે! પ્રાસના રેણથી સંધાઈ ગયાં છે!’

લારી ચાલી નીકળી છે. જૂનાં ઘર તરફ છેલ્લીવાર નજર નાંખવાનો લોભ દંપતિને ભારે પડ્યો છે. પુત્રસ્મૃતિને લઈને આંખમાં આંસુઓ ખૂંચી રહ્યાં છે અને આંસુસભર આંખે આગળ ચાલવાની કોશિશ કરવા જતાં સમજાય છે કે પગ પર કોઈને લોઢાના મણકાઓ બાંધી ન દીધા હોય એમ પગ પણ ઊપડી-ઊપાડી ન શકાય એવા ભારી થઈ ગયા છે. નગીનદાસ પારેખ લખે છે: ‘આખા કાવ્યની ભાષા સાદી, સ્વાભાવિક, સીધી અંતરમાંથી આવતી, અને લાગણીની સચ્ચાઈના રણકાવાળી છે- લગભગ નિરલંકાર છે, એ પણ કાવ્યની અસરકારકતામાં વધારો કરે છે.’ ચન્દ્રશંકર ભટ્ટ પણ આવું જ કહે છે: ‘ભાવની સ્પર્શક્ષમ અભિવ્યક્તિ માટે ભારેખમ પદાવલિ અનિવાર્ય નથી, તેનું સમર્થ ઉદાહરણ આ કાવ્ય.’ ગુજરાતી ભાષાના આ ઉત્તમ કરુણપ્રશસ્તિ સૉનેટનો સુગુના રામનાથન તથા રીટા કોઠારીએ ‘મૂવિંગ હાઉસ’ નામે અફલાતૂન અંગ્રેજી તરજૂમો પણ કર્યો છે. રસિક મિત્રોને એમાં પણ રસ પડે એમ છે.

જીવનની એક જ દારુણતમ ઘટનાની અભિવ્યક્તિ કાજે એક જ કવિ બે અલગ કાવ્યસ્વરૂપ પસંદ કરે ત્યારે કવિતામાં અકલ્પ્ય અંતર નજરે ચડે છે. પ્રાણપ્યારા પુત્રના મૃત્યુનો શોક સૉનેટમાં ઊતાર્યા બાદ કવિએ આ જ વિષય પર એક ગીત પણ લખ્યું. માત્ર કાવ્યસ્વરૂપભેદના કારણે કવિતામાં કેવું મોટું અંતર સર્જાય છે એ રસનો વિષય બને છે. ગીત જોઈએ:

સોનચંપો

રંકની વાડીએ મ્હોર્યો સોન રે ચંપાનો છોડ:
અમને ના આવડ્યા જતન જી !

ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં
નંદનવન હોય રે વતન જી ?

વજ્જરની છાતી કરીએ, તો ય રે દુલારા મારા !
ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી !

કુવાને ઠાળે જેવા કાથી કેરા દોરડાના —
થોડે થોડે લાગે રે ઘસારા જી !

દેશ રે ચડે ને જેવો ભમતો અંધારે પન્થી
ગામની ભાગોળે સારી રાત જી !

ઘરની ઓસરીએ તેવી, ઠેબાં રે ખાતી તું વિણ
બાવરી બનેલી તારી માત જી !

બાવળની કાંટ્ય જેવી ભવની ભુલામણીમાં
આ રે કાંઠે ઝૂરે મા ને તાત જી !

સામે રે કાંઠે તારા દૈવી બગીચા, બેટા !
વચ્ચે આડા આંસુના અખાત જી !

ગ્લૉબલ કવિતા : ૧૩૭ : છેલ્લું દર્શન – રામનારાયણ વિ. પાઠક ‘શેષ’

ધમાલ ન કરો, – જરાયે નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.

મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જૂદાં થિંયેં;
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?

– રામનારાયણ વિ. પાઠક ‘શેષ’

વિયોગમાં સુયોગ શોધતું અ-મર મરણકાવ્ય !

સ્વજનનું મૃત્યુ એટલે હૃદયવિદારકતાની પરાકાષ્ઠા. ને એમાંય દાયકાઓ સુધી ડગલે-પગલે સાથે ચાલનાર, વાતે-વાતે હામી ભરનાર, ને પળે-પળ તમારી કાળજી લેનાર જીવનસાથીની કાયમી વિદાયનું દુઃખ તો વળી વધુ વસમું હોય. અગ્નિના ફેરા લઈને સાત પગલાં સાથે ચાલ્યા બાદ બે જણ ક્યારેક સારસ-બેલડી બની જાય છે, એનો ઉભયમાંથી એકેયને ખ્યાલ પણ રહેતો નથી. સારસ-બેલડી, કેમકે સારસ પક્ષી હંમેશા જોડીમાં જ રહે છે, ને જોડી ખંડિત થાય તો બચનાર પક્ષી પથ્થર પર માથું પછાડી-પછાડીને પ્રાણત્યાગ કરે છે એમ માનવામાં આવે છે. જીવનસાથીની વિદાયની આ ઘડીને ઘણા કવિઓએ પોતપોતાની રીતે આલેખી છે. પ્રસ્તુત રચનામાં કવિ ‘શેષ’ જીવનસંગિનીના મૃત્યુને એમના ચશ્મેથી જે રીતે નિહાળે છે એ દિલચસ્પ છે. જોઈએ.

રામનારાયણ વિશ્વનાથ પાઠક. ૦૮ એપ્રિલ, ૧૮૮૭ના રોજ ધોળકા તાલુકાના ગાણોલ ગામે જન્મ. વતન ભોળાદ. પ્રશ્નોરા નાગર. પિતા શિક્ષક. માતા આદિતબાઈ. પોતે મુંબઈથી તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રમાં બી.એ., અને પછી એલ. એલ.બી. કર્યું. વકીલાતની આવક કરતાં સાહિત્ય વધુ પાવક લાગ્યું એ એક કારણ અને બીજું, ક્ષયરોગની બિમારી. ટૂંકમાં, વકીલાત ત્યજી સાહિત્ય અને શિક્ષણમાં ઝંપલાવ્યું. અમદાવાદ-મુંબઈની અલગ-અલગ કૉલેજોમાં પ્રાધ્યાપક રહ્યા. ૧૯૦૩માં મણિગૌરી સાથે લગ્ન, જે ૧૯૧૮માં અવસાન પામ્યાં. બીજા વરસે એકની એક દીકરી સરલા અને બહેન સવિતાનું નિધન. લગભગ ૨૭ વર્ષ એકલા રહ્યા બાદ ૧૯૪૫માં સામાજીક ઉહાપોહની વિરુદ્ધ જઈ પોતાનાથી લગભગ અડધી (૩૦ વર્ષ) વયનાં પોતાનાં શિષ્યા હીરાબહેન મહેતા સાથે લગ્ન. ૧૯૪૬માં સાહિત્ય પરિષદના પ્રમુખ. જીવન સાદું-સરળ અને નિર્વવાદી. વાતચીતરસિયા. પ્રખર ગાંધીવાદી. સત્યાગ્રહી પણ. જેલવાસ પણ ભોગવ્યો. ૨૧-૦૮-૧૯૫૫ના રોજ મુંબઈ ખાતે ૬૮ વર્ષની વયે ત્રીજીવારના હૃદયરોગના હુમલાથી નિધન.

કવિ. વાર્તાકાર. નિબંધકાર. નાટ્યકાર. અનુવાદક. પિંગળશાસ્ત્રી. પણ સૌથી વધુ ખ્યાતિ તર્કશાસ્ત્રી-વિવેચક તરીકેની. શરૂમાં ‘જાત્રાળુ’, ‘ભૂલારામ’ અને પછીથી ‘શેષ’ના ઉપનામથી કાવ્યો, ‘દ્વિરેફ’ના નામે નવલિકાઓ, અને હળવા નિબંધ ‘સ્વૈરવિહારી’ના નામે. વિવેચન, સંશોધન અને સંપાદન ઈત્યાદિ ફોઈ દીધા નામથી. દ્વિરેફ ઉપનામ માટે એમણે ખુલાસો આપ્યો હતો: ‘દ્વિરેફનો અર્થ પણ મારે કરી આપવો પડશે. એ શબ્દનો રૂઢ અર્થ ભ્રમર થાય છે, પણ પુષ્પોમાંથી મધ ભેગું કરી આપનારો ભમરો હોવાનો હું દાવો કરતો નથી. મને જગતમાં સર્વત્ર મધ દેખાતું નથી, અને મારી ઘણી વાર્તાઓ કડવી પણ હશે. હું રૂઢ અર્થમાં નહીં, યૌગિક અર્થમાં દ્વિરેફ છું. ભ્રમરની પેઠે મારા નામમાં પણ બે રેફ-રકાર છે.’ માત્ર સાક્ષરયુગ-પંડિતયુગના આકાશ કે ગાંધીયુગની ધરતીના સ્થાને એમના સર્જનમાં એ બંને જ્યાં ભેળાં મળે એ ક્ષિતિજનું સૌંદર્ય વધુ ઉજાગર થાય છે. ગાંધીયુગના કાવ્યગુરુ. સાચા શિક્ષક. વિશાળ શિષ્યમંડળ. આજીવન સાહિત્ય-શિક્ષણ સંસ્થાઓ-પ્રવૃત્તિઓમાં રત રહ્યા. ઉ.જો.એ કહ્યું હતું: ‘ગુજરાતી સાહિત્યને નવો વળાંક આપવામાં ગૂજરાત વિદ્યાપીઠને સફળતા મળી હોય તો તે રામનારાયણ પાઠકને આભારી છે.’ છંદશાસ્ત્રની ગુજરાતી ગીતા સમો ૭૦૦ જેટલાં પાનાંઓમાં વહેંચાયેલ વૈજ્ઞાનિક અભિગમવાળું ‘ઑલ ઇન્ક્લુઝીવ’ અભૂતપૂર્વ ‘બૃહત્ પિંગળ’ એમની કારકિર્દીનું સર્વોત્તમ છોગું. એમના કાવ્યોમાં વિષયવૈવિધ્ય કરતાંય સ્વરૂપ-આકાર-છંદની ઊંડી સમજ, કાવ્યબાની-વિદ્વત્શૈલી અને પ્રયોગોની વિવિધતા વિશેષ ધ્યાનાર્હ છે. સજાગ કવિકર્મ, કાવ્યતત્વ અંગેની ચીવટાઈ, કલાસંયમ, શિષ્ટ-સુઘડ શબ્દાવલિ, પ્રેરણાના સ્થાને પ્રબુદ્ધિની મહત્તાના કારણે એમની કવિતા ‘કાવ્યજ્ઞની કવિતા’ તરીકે ઓળખાય છે. વધુ પડતા આયાસ-કૃત્રિમતા અને તર્કપ્રાધાન્યના કારણે એમની કવિતા ક્યારેક ગદ્યાળુ બની રહે છે. સુરેશ દલાલ એમની કવિતાઓમાં ‘અસાધારણ સંયમ સાથે ઊર્મિનું ચિંતનશીલ નિરૂપણ’ તથા ‘ઊર્મિ અને બુદ્ધિનો ભાગ્યે જ જોવા મળતો વિવેકપુરઃસર સમન્વય’ તરફ ધ્યાન દોરે છે. મહાકાવ્ય સિવાય ગઝલ સહિત, લગભગ બધા કાવ્યપ્રકારોમાં કામ કર્યું. બહુધા પ્રભુ, પ્રકૃતિ અને પ્રણયના કવિ. ટૂંકમાં, ‘શેષ’ ગુજરાતી કવિતાનો ‘વિશેષ’ છે!

કવિતાનું શીર્ષક ‘છેલ્લું દર્શન’ કવિતાના વિષયવસ્તુ ખોલી આપે છે. ફરી મળી કે જોઈ ન શકાય એવી જગ્યાએ કોઈક જઈ રહ્યું છે અને એને જીવનમાં છેલ્લીવાર જોવાની વાત અહીં હશે એ સમજાય છે. કવિએ પોતે જે વાત કરવી છે એ માટે સૉનેટને કાવ્યપ્રકાર તરીકે પસંદ કર્યું છે. ત્રણ ચતુષ્ક અને એક યુગ્મકની પંક્તિવ્યવસ્થા શેઇક્સપિરિઅન સ્વરૂપ તરફ આંગળી ચીંધે છે પણ કવિએ પ્રાસની પળોજણમાં પડવાથી પોતાને મુક્ત રાખ્યા છે. આ વાત કદાચ જીવનનો પ્રાસ ખોરવાયા હોવાનું પણ ઈંગિત કરતી હોય. જો કે શેષના કાવ્યોનો અભ્યાસ કરતાં સમજાય છે કે કવિને પ્રાસવ્યવસ્થા ઝાઝી માફક આવી નથી. કવિએ પ્રમાણમાં અગેય એવો પૃથ્વી છંદ પ્રયોજ્યો છે એનું કારણ પણ કદાચ જીવનસંગીત મંદ પડી ગયું હોવાનું વિચારી શકાય. કવિપત્નીનું નિધન થયું છે. માત્ર સોળ વર્ષની વયે કવિના લગ્ન થયા હતા. અને પંદર જ વર્ષનો સહવાસ આપીને પત્ની દેવલોકપ્રયાણ કરી ગયાં હતાં. કવિનો પત્ની માટેનો અનુરાગ લગભગ ત્રણ દાયકા કવિએ વિધુરાવસ્થામાં વીતાવ્યા એ પરથી સમજી શકાય છે. સ્વગતોક્તિ સ્વરૂપે લખાયેલ પ્રસ્તુત રચના મૃત્યુના બારેક વર્ષ બાદ ૧૯૩૦માં લખાયેલી હોવા છતાં તાજી જ લખાઈ હોઈ એમ લાગે છે. બાર વરસના વહાણાં વહી ગયાં હોવાં છતાં ઘટના બે ઘડી પહેલાં જ બની ન હોય એવી સંવેદનની અભૂતપૂર્વ તાજપ પણ કવિના પત્નીપ્રેમનું અનુમોદન કરે છે. ચન્દ્રશંકર ભટ્ટ પત્નીના અવસાન શોકમાંથી જન્મેલા આ સૉનેટમાં ‘અંતર્ઘનગૂઢ વ્યથાનું રૂદન કે રોતલપણામાં સરી પડ્યા વિના, પૂર્ણ સંયમથી થયેલું આલેખન નોંધપાત્ર’ હોવાનું જણાવે છે.

કવિતાની શરૂઆત ‘ધમાલ ન કરો’ના આદેશથી થાય છે. ખરે તો ત્રણેય ચતુષ્કની શરૂઆત આ જ ધ્રુવકડીથી થાય છે. જુવાનજોધ પત્નીનું મૃત્યુ થયું હોય ત્યારે ઘરમાં કેવી ધાંધલ-ધમાલ મચી હોય એ તો સહેજે સમજી શકાય. નાયકના ઘરેય એવી જ પરિસ્થિતિ હશે પણ એક-એક કરતાં ત્રણ-ત્રણવાર ‘ધમાલ ન કરો’નો આદેશ એ આપે છે. હા, આદેશ! નાયક સગાંવહાલાંઓને વિનંતી કરે એવો દીન નથી. આવી શોકાતુર સ્થિતિમાં પણ સહુને આદેશ આપી શકે અને આદેશનું યથાર્થ પાલન કરવાથી સગાંઓ ચ્યુત થતાં દેખાય તો રહી-રહીને પોતાનો આદેશ દોહરાવી-ત્રેવડાવી આદેશપાલન કરવા સહુને મજબૂર કરી શકે એ એટલો સ્વસ્થ અને બહાદુર પણ છે. પુનરુક્તિના માધ્યમથી કવિ મૃત્યુનો આ પ્રસંગ આપણે જોયેલ-જાણેલ સહુ પ્રસંગોથી અલગ હોવાનો છે, એની આપણને સફળતાપૂર્વક દૃઢ પ્રતીતિ પણ કરાવે છે. સમર્થ કવિ શબ્દો પાસે કેવું ધાર્યું કામ કઢાવી શકે એનો આ સચોટ દાખલો ગણાય. જો કે કવિતામાંથી પસાર થતાં સમજાય છે કે નાયક સગાંઓ કે સગાંઓએ મચાવેલી ધમાલથી બહુ દૂર જઈને ઊભો છે. આ આદેશ એ અન્ય કોઈને નહીં, પોતાની જાતને જ દઈ-દોહરાવી રહ્યો છે.

નાયક ધમાલ ન કરવાનો આદેશ આપતાં આંખોને સહેજ પણ ભીનાં ન થવાનું કહે છે. બીજી જ પંક્તિમાં આંસુઓને થોડીવાર થંભવાને અનુરોધ પણ કરવામાં આવે છે, એ પરથી સમજી શકાય છે કે પ્રિયજનના મૃત્યુથી પાછળ રહી જનારને તકલીફ તો છે જ. આંખમાં આંસુઓ તો છે જ પણ એને અંદર જ ધરબી રાખવાનાં છે. બહાર આવવા દેવાનાં નથી. કેમ? કેમ કે મૃતદેહને તો થોડી જ વારમાં અગ્નિભેગો કરી દેવામાં આવશે. જે ઘડી-બે ઘડી વચ્ચે મળી છે, એ દરમિયાન આંખમાં જો આંસુઓ ધસી આવે તો દૃષ્ટિ ધૂંધળી થઈ જાય અને જનારને છેલ્લીવાર ધરાઈને જોવાની તક પણ ભસ્મીભૂત થઈ જાય. આંસુઓને અટકવાનો અને આંખોને લગરિક પણ ભીનાં ન થવાનો અદેશ દઈ નાયક અટકતો નથી. એ એમને વળી કૃતાર્થ પણ થવા કહે છે. કવિ અહીં ‘જોઈ લો’ કે ‘નિહાળી લો’ના સ્થાને ‘કૃતાર્થ થઈ લો’ પ્રયોજે છે. મતલબ આ અંતિમ દર્શન એ કોઈ રોજિંદી વાત નથી, આ દર્શન કરવામાં આવે તો જ આંખો જે કામ માટે સર્જાઈ છે, એનું પ્રયોજન સિદ્ધ થશે, તો જ આંખોનો જન્મારો સફળ થયો ગણાશે. આ દુનિયા જેના વડે હસતી અને મંગળ વર્તાતી હતી, એ સૌંદર્ય હવે નિષ્પ્રાણ થયું છે. પણ હજી ઘડી-પળ આંખોને એનું આકંઠ પાન કરી મોક્ષસુખ પામવાની તક છે. વળી, આંખોએ આ તક જતી કરવાની નથી એવો નાયકનો આદેશ પણ છે.

નાયક ફરી ધમાલ ન કરવાનો આદેશ કરે છે. આ વખતે આદેશ મૃતદેહને યોગ્ય શણગારવા માટે છે. મૃત્યુ આમ તો અમંગલ ગણાય છે, પણ નાયક માંગલ્યચિહ્નોથી એને શણગારવા હુકમ કરે છે. એ મૃતદેહને વિદાય આપતી વખતે એને અગરુ, દીપ, ચંદન, ગુલાલ, કુમકુમ, ફૂલો, તથા શ્રીફળો ધરવા કહે છે. કવિ વિયોગને સ્થાને સુયોગ શબ્દ પ્રયોજે છે, એ નોંધ્યા વિના આગળ વધીએ તો કવિતા મરી જાય. આ આખરી દર્શન એમના માટે અણમોલ, સુંદર અને સુહાગી માંગલ્યનો પ્રસંગ છે, નહીં કે દુર્ભાગી અમાંગલ્યનો. મૃતક પત્નીને દુલ્હનની જેમ શણગારવાના કવિનો આગ્રહ તરત જ રાવજી પટેલની અમર રચના ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ની યાદ અપાવે છે, જેમાં શોકગીતને લોકગીત અને મરણને પરણના વાઘાં પહેરાવીને કવિએ કરુણતાની એવી ધાર કાઢી છે, જે આજે પણ સહૃદય ગુજરાતી ભાવકોની આંખ ભીની કર્યા વિના રહેતી નથી.

ત્રીજી અને આખરી વાર ધમાલ ન કરવાનું ફરમાન કરતો નાયક મૃતકના સ્મરણ તરીકે કશુંય સાચવવાની ના કહે છે. ઉમરની પીંછી તો શરીર પર અનવરત ફરતી જ રહેવાની, એટલે સમય સાથે શારીરિક સૌંદર્ય તો ક્રમશઃ ઓઝપાતું જ રહેવાનું. પણ પ્રેમના કાચમાંથી જોઈએ ત્યારે કશું અસુંદર લાગતું નથી. લૈલા જેવી બદસૂરત યુવતી પણ મજનૂને મન સ્વર્ગની અપ્સરાથીય વધીને હતી. દામ્પત્યના વર્ષોના વહાણાં વહી ચૂક્યાં હોવા છતાં નાયકને પત્નીનું સૌંદર્ય અંત સુધી ઢળતું નહીં, વિકસતું જ રહ્યું છે. હવે એ સૌંદર્ય પરથી કોઈક વસ્તુ સાચવવાના નામે ઊઠાવી લેવામાં આવે તો એની અખંડિતતાનો ભંગ થાય. બહુધા મરણ સ્મરણ બનીને રહી જતું હોય છે. કલાપી પણ ‘માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લહાણું’ કહી ગયા, પણ અહીં તો કવિને સ્મરણ સામેય વિરોધ છે. હૃદયમાં ભાર્યાનું જે સ્થાન બન્યું છે, એ અવર કોઈ સ્વજન તો ઠીક, એના પોતાનાં સંસ્મરણો પણ પૂરી શકવાનાં નથી. કેવી અભૂતપૂર્વ વાત! મૃત્યુ તરફ જોવાની ‘શેષ’ની દૃષ્ટિ વિશેષ જ હતી. ‘જ્યારે આ આયખું ખૂટે’ કવિતાની કેટલીક કડીઓ જોવા જેવી છે:

જેવી રીત માળી ખરેલાં પાન
ક્યારામાં વાળી લીએ,
નવા અંકુર પાંગરવા કાજ
એ પાનને બાળી દીએ;
તેમ મુજ જીવનના સૌ શેષનું
કોઈને ખાતર કરજે,
કોમાં નવજીવન ભરજે,
મારો કોને લોપ ન નડશો,
મારો કોઈ શોક ન કરશો;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.

અન્ય એક કવિતામાં કવિ કહે છે: ‘હસી મૃત્યુમુખે ધસવાનું જ દે,/ ધસી મૃત્યુમુખે હસવાનું જ દે.’ ટૂંકમાં, કવિ સમજે છે કે ‘ઈસ જગમેં જન સબ હૈ યાત્રિક,/ કિસકા કૌન મ્હેમાન?/માર્ગ કાજ સંગત, નહિ સંગત-/કાજ માર્ગ: નિર્વાણ!’ જીવન સાથે અવિનાભાવે જોડાયેલ મૃત્યુને સંતની દૃષ્ટિથી જેણે આજીવન જોયું-સ્વીકાર્યું હોય એ માણસ જ આવી વાતો કરી શકે.

કવિતા અહીં સુધી જીવનસંગિનીના મૃત્યુ અને એ પ્રસંગે જીવનસાથીના અવિચલ અભિગમ અને ઉદાત્ત પ્રેમસંબંધ વિશે પ્રકાશ નાંખે છે. સૉનેટને જે અભિપ્રેત છે એ ચોટ કાવ્યાંતે આવે છે, જે કવિતાને ખરો અર્થ પૂરો પાડે છે. કાવ્યાંતે કવિ સહજીવનના પ્રારંભબિંદુ અને અંત્યબિંદુને ભેગાં કરી દામ્પત્યનું વર્તુળ પૂરું કરે છે. અગ્નિની સાક્ષીએ મંગળફેરા ફરીને બે જણ સાયુજ્ય પામ્યાં હતાં. આજે જીવન ફરીથી અગ્નિ સુધી આવ્યું છે. ચિતા સળગશે અને પત્નીનો પાર્થિવ દેહ અગ્નિમાં ભળી જશે. અગ્નિ મિલન અને જુદાઈ બંને પળોનો સાક્ષી છે. આ અગ્નિ સમીપ ‘લગ્ન!!’ કરતી વેળાએ કવિએ નિર્ધર્યું હતું કે, ‘અગ્નિ આ જે આંહી કીધો પ્રદીપ્ત,/તે ના લાજા હોમવાને કરેલો-/હોમાશે ત્યાં હૈયું ને હીર મારાં!’ લગ્નને એમણે ‘કોડીલી કન્યકાના આયુ-લાંબા-મૃત્યુદીક્ષાની મહેફિલ’ ગણાવી છે. અગ્નિ સમીપે જ બંને દ્વૈત મટી અદ્વૈત થયાં હતાં અને આજે એ જ અગ્નિ પત્નીને લઈ જશે, ને પાછળ નાયક એકલો રહી જશે, પણ હવે દ્વૈતત્વ સંભવ નથી. અગ્નિએ જ શાશ્વત અદ્વૈતપણું આપ્યું છે. એટલે નાયક અગ્નિ સાથે જ વાર્તાલાપ કરતાં પૂછે છે, હે અગ્નિ! તારી સમીપે જ અમે બે મળ્યાં અને જુદા પણ થઈએ છીએ; તો તું જ કહે, આ સુંદરી વધુ ભવ્ય અને મંગળ નથી? જીવન-મરણ બંનેને સમાનભાવે નીરખવાની આવી સાધુદૃષ્ટિ હરિશ્ચન્દ્ર ભટ્ટના અમર કાવ્ય ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’માં પણ જોવા મળે છે, જેમાં ભરયુવાનીમાં નિધન પામેલી બહેન માટે કવિ ‘શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો’ કહીને અગ્નિને જીવનશૃંગારની પરિપૂર્ણતા તરીકે નિર્દેષે છે.

ચન્દ્રશંકર ભટ્ટના શબ્દોમાં આ કવિતામાં: ‘સંયોગના માંગલ્યનો તેમ જ માંગલ્યના વિયોગનો સાક્ષી અગ્નિ છે. તેથી જ કવિ પહેલા પ્રસંગ જેટલો જ ભવ્ય- મંગલ, વિયોગના પ્રસંગને ગણે છે.’ ચૌદ પંક્તિની રચનામાં પાઠકસાહેબ એક વાર પણ મૃત્યુ શબ્દ પ્રયોજતા નથી, બલકે ત્રણવાર ‘મંગલ’ શબ્દ વાપરે છે. એ જ રીતે ‘વિયોગ’ નહીં, તેઓ ‘સુયોગ’ શબ્દ પસંદ કરે છે. મૃત્યુ બે જણના મિલાપને વિલાપમાં ન પલોટી દે એ વિષયમાં કવિ કૃતનિશ્ચયી છે. સરળ-સહજ હૃદયબાનીમાં લખાયેલ આ કવિતા વાંચતા જ સમજાય એવી છે. પણ એ સમજવા-સમજાવવા કરતાં વધુ અનુભવવાની કવિતા છે. દિલથી લખાઈ હોવાથી આ કવિતા દિલને તરત જ સ્પર્શે છે. ટૂંકમાં, સાચી સંવેદના, ઊંડી કલાસૂઝ, બૌદ્ધિક સંયમ, સભાન કવિકર્મ અને માંગલ્યોચિત શબ્દવિન્યાસના કારણે પ્રસ્તુત સૉનેટ ગુજરાતી ભાષાના ઉત્તમ સૉનેટોમાં મોખરાનું સ્થાન પામ્યું છે.

ગ્લૉબલ કવિતા: ૧૩૩ : અંત એ કલિચક્રનો? – ઉમાશંકર જોશી

યમુનાને તટે જન્મી, ખેલી, દુષ્ટ જનો દમી,
સ્થાપ્યાં સ્વ-ભૂમિથી ચ્યુત સ્વજનો અન્ય દેશમાં;
અને ભારતના યુદ્ધે નિઃશસ્ત્ર રહીને સ્વયં,
હસ્તિનાપુરમાં સ્થાપ્યો ધર્મ, ને ધર્મરાજને
લોકકલ્યાણનાં સૂત્રો સોંપી, પોતે પ્રભાસમાં
યથાકાળે પુણ્ય સિંધુતીરે સૌરાષ્ટ્રમાં શમ્યા
પારધીશર ઝીલીને ધર્મગોપ્તા નરોત્તમ.
અને આતુર ઊભેલો પ્રવર્ત્યો ત્યાં કલિયુગ.

જન્મી સૌરાષ્ટ્રના સિંધુતીરે, સ્વભૂમિભ્રષ્ટ સૌ
સ્વદેશીજનને સ્થાપ્યાં ગૌરવે પરદેશમાં;
દુષ્ટતા દુશ્ચરિતતા દમી સર્વત્ર, ભારતે
નિઃશસ્ત્ર યુદ્ધ જગવી, કરે ધારી સુ-દર્શન-
ચક્ર શ્રી-સ્મિત-વર્ષંતું, સ્થાપી હૃદયધર્મને
હસ્તિનાપુર-દિલ્હી-માં, ધર્મસંસ્થાપના-મચ્યા
ઝીલી સ્વજનની ગોળી યમુનાતટ જૈ શમ્યા.
હજીયે આવશે ના કે અંત એ કલિચક્રનો?

– ઉમાશંકર જોશી.

મોહન વિરુદ્ધ મોહનદાસ – એક અભૂતપૂર્વ સામ્ય

કાલ અને આજ. પુરાણ અને ઇતિહાસ. કથ્ય અને તથ્ય. આ બે અંતિમોની વચ્ચે સમયનો મસમોટો અંતરાલ ખાઈની જેમ પથરાયેલો છે. આ બે એવા છેડા છે, જે ક્યાંય કદીય ભેગા થઈ જ ન શકે. પણ કવિતાથી મોટો કોઈ જાદુ નથી. કવિતા અશક્યને શક્ય બનાવવાની કળા છે. કવિતા દિવસ અને રાતને એકસાથે તાદૃશ કરાવી શકે છે. કવિતા તમારી એક હથેળીમાં સૂરજ અને બીજીમાં ચાંદ મૂકવાની ક્ષમતાનું બીજું નામ છે. આગળ વધીને કહીએ તો કવિતા, તમારી એક જ હથેળીમાં ચાંદ-સૂરજને એકમેકની અડોઅડ પણ ગોઠવી આપી શકે છે. સમયની ભલભલી ખાઈ કવિના એક શબ્દથી જ ભરાઈ જતી હોય છે. સમયના બે અંતિમો વચ્ચે અશક્યવત્ સેતુ બાંધવાનું કામ માત્ર કવિતા જ કરી શકે. સમયના બે અલગ-અલગ બિંદુએ થઈ ગયેલા બે મહામાનવોને એકસૂત્રે બાંધીને કવિ ઉમાશંકર આપણી સમક્ષ રજૂ કરે છે.

ઉમાશંકર જોશી. ૨૧-૦૭-૧૯૧૧ના રોજ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બામણા ગામમાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા જેઠાલાલ કમળજી જોશી. માતા ‘ગાણાંનું ઝાડ’ ગણાતાં નર્મદા ઉર્ફે નવલબા. સાત ભાઈ-બે બહેનોમાંના એક. ૧૯૧૬માં યજ્ઞોપવિત સંસ્કાર. લગ્ન ૨૫-૦૫-૧૯૩૭ના રોજ જ્યોત્સ્નાબેન સાથે. બે પુત્રીઓ-નંદિની અને સ્વાતિ. શાળા શિક્ષણ બામણા, ઈડર અને અમદાવાદની શાળાઓમાં. પન્નાલાલ પટેલ એક સમયના સહાધ્યાયી. ૧૭ વર્ષની વયે પ્રથમ કાવ્ય. ૧૯ની વયે પ્રથમ સંગ્રહ -ખંડકાવ્ય ‘વિશ્વશાંતિ.’ ૧૯૩૦થી ૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં સક્રિય. બે વાર જેલવાસ. ૧૯૩૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી. મુંબઈમાં એમ.એ.. સાથોસાથ શિક્ષણકાર્યમાં. ૧૯૩૯થી અમદાવાદમાં સ્થાયી. ગુજરાત વિદ્યાસભા (૧૯૩૯ થી ૧૯૪૬) અને પછી ગુજરાત યુનિવર્સિટી (૧૯૫૪થી) માં અધ્યાપક. ગુજરાત યુનિવર્સિટી અને બાદમાં કલકત્તાની વિશ્વભારતી(૧૯૭૯ થી ૧૯૮૧)ના કુલપતિ. દિલ્હી સાહિત્ય અકાદમી(૧૯૭૮)ના પ્રમુખ. વિવિધ યુનિવર્સિટીઓ તરફથી માનાર્હ ડી.લિટ્.ની પદવીથી વિભૂષિત. નાનાવિધ પુરસ્કારો અને સન્માનોથી અભિષિક્ત. ૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્તિ. ‘સંસ્કૃતિ’ સામયિક તથા ‘ગંગોત્રી’ ટ્રસ્ટના સ્થાપક. પુષ્કળ વિદેશપ્રવાસો. દેશવિદેશમાં સાહિત્યકારની રુએ અસંખ્ય સેમિનારોમાં વ્યાખ્યાનો. ૧૯-૧૨-૧૯૮૮ના રોજ મુંબઈ ખાતે ટાટા મેમોરિયલ હૉસ્પિટલમાં ફેફસાંના કેન્સરના કારણે નિધન.

કવિતા, નાટક, પદ્યનાટક, નવલિકા, નવલકથા, નિબંધ, પ્રવાસવર્ણન, જીવનચરિત્ર, સંપાદન, વિવેચન, સંશોધન, અનુવાદ- સાહિત્યના જે આયામને એમની અધિકારી લેખિનીનો પારસ અડ્યો એ સોનું થઈ ગયો. પણ કવિ ઉમાશંકર બધામાં શ્રેષ્ઠ. કવિતાના બધા પ્રકાર એમણે સપૂરતી સમજણ અને સજાગતાથી ખેડ્યા. ગાંધીયુગ અને અનુગાંધીયુગ, પરંપરા અને આધુનિક્તા, વ્યક્તિ અને સમષ્ટિ – એમની કલમ બધાયને સમાનભાવે અડી. સાડા પાંચ દાયકાની એમની વિશાળ સર્જનયાત્રા એમની સંનિષ્ઠતા અને સમર્પિતતાની આરસી છે. ‘વાસુકિ’ અને ‘શ્રવણ’ ઉપનામ. ગુજરાતમાં ના જન્મ્યા હોત તો આખા વિશ્વે એમની નોંધ સગર્વ લીધી હોત. સુરેશ દલાલે કહ્યું છે: ‘ઉમાશંકર ગુજરાતી છે એ કેવળ અકસ્માત છે. સ્વભાવે તેઓ વિશ્વનાગરિક છે.’ તેઓ સાચા અર્થમાં વિશ્વમાનવ હતા. એમની કવિતાઓ સચરાચર પ્રકૃતિના તમામ ઘટકની વેદના અને સંવેદનાની સંવાહક છે. મનુષ્ય સ્વભાવનો તળસ્પર્શી અભ્યાસ અને પ્રકૃતિના કણ-કણ માટેનો બિનશરતી પ્રેમ એમના સર્જનનો ખરો આત્મા છે. પ્રથમ સંગ્રહ ‘વિશ્વ શાંતિ’ની પ્રથમ પંક્તિ ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’ અને આખરી કાવ્યસંગ્રહ ‘સપ્તપદી’ની આખરી પંક્તિ ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે’ની વચ્ચે એમણે સતત શબ્દને પોંખ્યો છે અને શબ્દે એમને. સર્જક તરીકે એ સતત વિકાસ પામતા રહ્યા. અનુકરણ અને અનુરણનના બે મસમોટાં જોખમોથી એ સદા બચીને ચાલ્યા, બીજાથી તો ખરું જ, પોતાનાથી પણ. પરિણામે દરેક કવિતામાં નવા ઉમાશંકર મળ્યા. એમની કવિતા એકાંગી નથી. એ સારાંને સ્વીકારે છે, નરસાંને પણ ભેટે છે. ઉમાશંકરના હૃદયકોશમાં રાત એટલે અંધારું નહીં પણ અજવાળાનો પડછમ. એમની કવિતા ઝેર પચાવીને અમૃતનો ઓડકાર ખાય છે. એ કાળાતીત છે. એમના સમયકાળ દરમિયાન એમનો સૂર્ય સદૈવ મધ્યાહ્ને જ તપ્યો હતો. જેમ લતા મંગેશકરની અતિવિરાટ પ્રતિમા તળે ઘણી આશાસ્પદ ગાયિકાઓ દબાઈ ગઈ એમ ઉ.જોની ઓજસ્વી આભાના કારણે ઘણાં કવિદીવડાંઓ યોગ્ય પ્રકાશી શક્યાં ન હોવાનું મનાય છે. જે હોય તે પણ ઉમાશંકર ગુજરાતી કવિતાનું એવરેસ્ટ છે એ વાતમાં મીનમેખ નથી.

સુરેશ દલાલે આ કવિતાને સૉનેટ કહીને ઓળખાવી છે, પણ હકીકતમાં આ કવિતા બે અષ્ટક-યુગ્મથી બનેલ સોળ પંક્તિનું ઊર્મિકાવ્ય છે. ઉમાશંકર કાવ્યસ્વરૂપની બાબતમાં એટલા જાગરુક અને સતર્ક હતા કે એ સોળ પંક્તિ વાપરવાની ભૂલ કરે જ નહીં. વળી, કવિના સૉનેટમાં પ્રાસનો અભાવ ભાગ્યે જ જોવા મળે છે, જ્યારે પ્રસ્તુત રચનામાં કવિએ પ્રાસ તરફ નજર જ નાંખી નથી. કવિતાને ‘કાનની કળા’ કહેતા આ સમર્થ કવિએ સૉનેટમાં ઓછા પ્રયોજાતા અનુષ્ટુપ છંદને અહીં કામમાં લીધો છે. પ્રસ્તુત કવિતામાં કૃષ્ણની વાત છે, અને ગીતાના શ્લોક બહુધા આ છંદમાં છે, એ કારણ આ પાછળ નહીં હોય એમ માનવાનું કોઈ કારણ નથી. કવિતાનું સપ્રશ્નાર્થ શીર્ષક ‘-અંત એ કલિચક્રનો?’ ભાવકને ઘડીભર અટકવા મજબૂર કરે છે. કલિયુગ શબ્દથી આપણે જેટલાં ટેવાયેલાં છીએ, એટલો જ કલિચક્ર શબ્દ અજાણ્યો લાગે છે. પણ ઘડીભર અટકાવી દઈને આ નૂતન શબ્દપ્રયોગ અને પ્રશ્નાર્થ આપણને તુર્ત જ કાવ્યમાં પરોવી દે છે, સફળતાપૂર્વક! કવિએ કવિતાને બે સમાન ભાગમાં વહેંચી દીધી છે. એક ભાગમાં મોહન છે અને બીજામાં મોહનદાસ. બંને ભાગમાં કવિએ આ બે યુગપુરુષો વચ્ચેની સામ્યતાઓ juxtapose કરી છે. અન્યત્ર પણ ગાંધીજીને એમણે ઈશ્વર સમકક્ષ બતાવ્યા છે. ‘જાન્યુઆરી ૩૦’માં ગોળી વાગ્યા બાદ ગાંધીજીના હૃદયમાંથી ટપકતું રક્તનું ટપકું એમને ‘વિશ્વ જેવડું વિશાળ/પ્રેમસ્વરૂપ પરમાત્માને પ્રતિબિંબતું’ દેખાયું છે. ગાંધી કદાચ મનુષ્યદેહમાં જન્મેલા ઈશ્વર જ હતા ને!

અહીં, બંને અષ્ટકમાં બંને મહામાનવો માટે એકસમાન શબ્દો, વિશેષણો, સ્થળો વગેરે પ્રયોજીને કવિ જે હકીકતો આપણને ખબર જ છે, એમાંથી કાવ્ય જન્માવે છે. ખરી કળા જ આ છે ને! કવિતાને તેઓ ‘આત્માની માતૃભાષા’ ગણતા. કહેતા, ‘એ વ્યક્ત થાય છે એ ઇચ્છે ત્યારે, આપણે ઇચ્છીએ ત્યારે નહીં.’ આ કવિતા વાંચીએ ત્યારે સહજ સમજાય છે, કે કવિ શબ્દો પાસે નહીં, પણ શબ્દો કવિ પાસે સ્વયં આવ્યા છે. શબ્દો વિશે એમણે જે કહ્યું હતું એ દરેક કવિએ ધ્યાનથી સમજવા જેવું છે: ‘… પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિસારો વેઠ્યો નથી…. …શબ્દને વીસરવો શક્ય નથી. વરસમાં એક જ કૃતિ રચાઈ હશે ત્યારે પણ નહીં, બલકે ત્યારે તો નહીં જ.’ સાચો કવિ કદી શબ્દથી છૂટો પડતો નથી. ઉમાશંકર એનું એક બેનમૂન દૃષ્ટાંત છે. સત્તર-અઢાર વર્ષની વયે લખેલી કવિતાઓ મોટાભાગના કવિઓ માટે માત્ર ‘નેટ-પ્રેક્ટિસ’ હોય છે, પણ ઉમાશંકરે સત્તર વર્ષની વયે પહેલી કવિતા ‘નખીસરોવર ઉપર શરત્ પૂર્ણિમા’ લખી. મંદાક્રાન્તામાં રચેલ આ સૉનેટ ન માત્ર સર્વાંગસંપૂર્ણ કાવ્ય છે, પણ એની આખરી પંક્તિ ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે’ તો અમર થઈ ગઈ છે. તેઓ બી.એ. (અર્થશાસ્ત્ર) કરતા હતા ત્યારે બી.એ. (ગુજરાતી)માં તેઓનો કાવ્યસંગ્રહ પાઠ્યપુસ્તક તરીકે હતો. કવિએ પોતે પોતાનો જ સંગ્રહ ભણવાનો આવ્યો એવી માન્યતા ખૂબ પ્રચલિત થઈ હતી, જેને ખુદ કવિના નકારવા છતાં લોકો ત્યજવા તૈયાર નહોતા. એ જ રીતે તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ હતા ત્યારે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ એમની સામે મોરચો લઈ આવ્યા હતા. નાયક સૂત્રોચ્ચાર કરતો હતો: ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ…’ અને આખું મંડળ એકઅવાજે બોલતું હતું: ‘જાગશે !’ એમની જ પંક્તિ એમની જ સામેનું હથિયાર બની હતી. આવી વાતોથી કવિના સાચકલા કૌવતનો સાક્ષાત્કાર થાય છે.

અહીં પ્રથમ અષ્ટકમાં કવિ મોહનની વાત કરે છે. આમાં કશું નવું નથી. ભાગવતમાં આ બધું પી-પીને જ આપણે મોટાં થયાં છીએ. કૃષ્ણ યમુના તટે જન્મ્યા, ત્યાં જ રમ્યા, અસુરોનો વધ કર્યો. ગોકુળમાં અસુરોનો ઉત્પાત બહુ વધી જતાં સહુએ વૃંદાવન સ્થળાંતર કરવું પડ્યું અને મહાભારતના યુદ્ધ બાદ યાદવો દ્વારકા સ્થાયી થયા. આનો ઉલ્લેખ કરતા કવિ કહે છે કે સ્વભૂમિથી દૂર થયેલા સ્વજનોને કૃષ્ણએ પરદેશમાં સ્થાપિત કર્યા. મહાભારતના યુદ્ધમાં પોતે નિઃશસ્ત્ર રહ્યા પણ પાંડવોને વિજયી બનાવી હસ્તિનાપુરમાં ધર્મની સ્થાપના કરી, ધર્મરાજ યુધિષ્ઠીરને લોકકલ્યાણના સૂત્રો અને જવાબદારી સોંપી પોતે પ્રભાસપાટણ જઈ વસ્યા. ત્યાં પારધીનું બાણ ઝીલીને ધર્મનું રક્ષણ કરનાર ધર્મગોપ્તા નરોત્તમ સૌરાષ્ટ્રમાં સિંધુતીરે શમ્યા. કૃષ્ણનો અંત એ દ્વાપરયુગનો અંત અને કલિયુગનો આરંભ હતો. આટલી વાત સાથે કવિ પ્રથમ અષ્ટકનું સમાપન કરે છે.

બીજા અષ્ટકમાં કવિનું ફૉકસ મોહન પરથી મોહનદાસ તરફ ફરે છે. ઉમાશંકર ગાંધીયુગના શિરમોર કવિઓમાંના એક હતા. એમની રચનાઓમાં અને રચનાઓ પર ગાંધીજીનો પ્રભાવ ઘણો બળવત્તર નજરે પડે છે. ગાંધીજીએ બંગાળીમાં ‘આમાર જીબન-ઇ આમાર બાની’ સંદેશો આપ્યો હતો એના પરથી કવિએ ‘મારું જીવન તે મારી વાણી’થી શરૂ થઈ ‘મારું જીવન એ જ સંદેશ’ પર પૂર્ણ થતી અમર કવિતા લખી હતી. ગાંધીવિચારનો પ્રભાવ એમની કવિતામાં પૂરની માફક ઊમટીને વિશ્વપ્રેમ સુધી પહોંચે છે. શબ્દને ‘ગાંધી’ નામની સ્યાહીમાં ઝબોળીને કવિ ક્યારેક સ્વયં ગુજરાતને પૂછે છે કે ‘ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત?’, તો ક્યારેક આપણને એટલે કે ‘ગુજરાતી’ને ‘વિશ્વગુર્જરી’ બનવાનો સંકેત આપતો પ્રશ્ન કરે છે કે ‘એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?’ કવિની મંશા જ એ હતી કે ‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી; માથે ધરું ધૂળ વસુન્ધરાની.’

કૃષ્ણ સાથે ગાંધીજીના તાર કવિએ કેવા મેળવ્યા છે એ જોવા જેવું છે. કૃષ્ણનો અંત સૌરાષ્ટ્રમાં સિંધુતીરે થયો. ગાંધીજીનો જન્મ ત્યાં થયો. કૃષ્ણનો જન્મ યમુનાતટે થયો, ગાંધીજીનો અંત ત્યાં થયો. કૃષ્ણે દુષ્ટોનું દમન કર્યું તો ગાંધીજીએ પણ દુષ્ટતા અને દુશ્ચરિતતાઓનું દમન કર્યું. કૃષ્ણ અને ગાંધીજી –બંનેએ સ્વભૂમિથી દૂર થયેલા સ્વજનોને પરદેશમાં સ્થાપિત કર્યા. મિ. ગાંધીએ વતનથી દૂર દક્ષિણ આફ્રિકામાં હડધૂત થતા ભારતીયો માટે લાંબી લડત ચલાવીને ત્યાંની સરકારને નમવાની ફરજ પાડી અને દેશાગત ભારતીયોને એમનું લુપ્ત થયેલું ગૌરવ પાછું અપાવ્યું. જે રીતે શ્રીકૃષ્ણે સ્વયં મહા’ભારત’ના યુદ્ધમાં નિઃશસ્ત્ર રહી લડાઈ પાર પાડી હતી, એ જ રીતે મહાત્મા ગાંધીએ પણ દક્ષિણ આફ્રિકાથી પરત સ્વદેશ આવીને પોતે નિઃશસ્ત્ર રહીને ભારતમાં અંગ્રેજો સામે યુદ્ધ જગાવ્યું. વિશ્વમાં આજદિનપર્યંત કોઈએ ન જોયેલા, ન જાણેલા સત્યાગ્રહ અને અહિંસાના શસ્ત્રના જોરે એમણે વિદેશીઓ સામેની લડત પાર પાડી. શ્રીકૃષ્ણ સુદર્શનધારી હતા, તો મહાત્મા સુ-દર્શનધારી હતા. શબ્દની વચ્ચે એક નાનકડી લઘુરેખા -ડેશ- મૂકીને કવિ સુદર્શન અને સુ-દર્શન વચ્ચે જે અર્થ જન્માવે છે, એ એમના સાબૂત સક્ષમ કવિકર્મની સાહેદી પૂરે છે. ગાંધીજી તો અકિંચન અર્ધનગ્ન ફકીર હતા. શરીરે હાથે વણેલી ખાદીની એક પોતડી, કેડે ઘડિયાળ, નાક પર ચશ્માં, હાથમાં લાકડી અને પગમાં પાવડી એ એમની એકમાત્ર સંપત્તિ હતાં. પણ એમની પાસે સુ-દર્શન હતું. તેઓ ભારતના ધૂંધળા વર્તમાનની આરપાર આઝાદ ભવિષ્યને જોઈ શક્યા હતા. અસ્પૃશ્યોની અવદશા એમના સુ-દર્શન વિના કદી સુધરી શકી ન હોત. ભારતને આઝાદી ન અપાવી હોત અને માત્ર હરિજનોને સવર્ણોની સમકક્ષ સ્થાપવાની લડત જ ચલાવી હોત તો પણ એમને મહામાનવ તરીકે જ યાદ રાખવા પડ્યા હોત. કૃષ્ણનું સુદર્શન મૃત્યુ વર્ષાવનાર હતું, ગાંધીજીનું સુ-દર્શનચક્ર તો સ્મિતની ધનશ્રી વર્ષાવનારું હતું. એમના બાળસહજ સ્મિત અને આત્માની શુદ્ધતાના જોરે તો એમણે ભારતવર્ષની કરોડોની જનમેદનીને વશીભૂત કરી હતી.

કૃષ્ણે હસ્તિનાપુરમાં ધર્મરાજને સ્થાપ્યા હતા, ગાંધીજીએ હસ્તિનાપુર યાને દિલ્હીમાં ખુદ ધર્મને જ સ્થાપ્યો હતો. કૃષ્ણની જેમ જ ગાંધીજીએ પણ યુદ્ધવિજયના ફળો ચાખવાનો મોહ રાખ્યો નહોતો. કૃષ્ણ બધા સ્વજનો અને બધા માન-અકરામોનો ત્યાગ કરીને ગુજરાતમાં દ્વારકા આવી વસ્યા હતા, તો ગાંધીજી પણ આઝાદ ભારતના પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપ્રમુખ બની શક્યા હોત પણ એવો કોઈપણ મોહ રાખવાના બદલે, કોઈપણ જાતના માન-મરતબા ભોગવવાના બદલે એમણે રાજકારણનો ત્યાગ કરી દેશમાં પ્રવર્તતી સામાજીક સમસ્યાઓ અને દૂષણો નિવારવા માટે જાત હોમી દીધી હતી. ગાંધીજીના આ કામ નિમિત્તે કવિ ગાંધીજીને ‘ધર્મસંસ્થાપના-મચ્યા’ કહે છે ત્યારે પહેલા અષ્ટકમાં આ શબ્દનો ઉલ્લેખ ન કરાયો હોવા છતાં આપણા કાનોમાં ભાગવત્ ગીતામાં શ્રી કૃષ્ણે આપેલ વચન ગુંજવા માંડે છે:

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्‌ ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥ (અધ્યાય ૪, શ્લોક ૮)

બે મહામાનવો વચ્ચેનું સામ્યનિર્દેશન એ કવિનો આ કાવ્ય પાછળનો મૂળ હેતુ છે. કૃષ્ણને તો દુનિયા ભગવાન ગણતી આવી છે અને ગણતી આવવાની છે પણ કવિને ખ્યાલ હતો કે ગાંધીજી પર કીચડ ઉછાળનારાઓની દુનિયામાં કમી પડનાર નથી. ગાંધીજીના અવસાનના અઢી મહિના બાદ ૧૨-૦૪-૧૯૪૮ના રોજ કવિએ આ રચના કરી હતી. ગાંધીજીની હત્યા પોતે એ વાતનો પુરાવો હતો કે આઝાદી મળ્યાને છ મહિનાય નહોતા વીત્યા એવામાં પણ ગાંધીવિચારનો વિરોધ એમનો જીવ સુદ્ધાં લઈ શકે એટલો પ્રબળ હતો. કવિસંવિદમાં આ વાત નોંધાયા વિના નહીં જ રહી હોય. એટલે જ એમણે લખ્યું હશે ને કે, ‘ગાંધીજીના જીવ-ને જીવતાંને/મૂઆ કેડે મારતું જે ક્ષણે ક્ષણે/પડ્યું અમોમાં- સહુમાં કંઈક,/તેને હશે કે કદી મૃત્યુદંડ?’ ગાંધીજીને ખોટેખોટી અંજલિ આપતા નેતાઓ-લોકોને જોઈને ૧૯૬૦માં એમણે લખ્યું હતું: ‘માર્ગમાં કંટક પડ્યા,/સૌને નડ્યા;/બાજુ મૂક્યા ઊંચકી,/તે દી નકી/જન્મ ગાંધી બાપુનો,/સત્યના અમોઘ મોંઘ જાદુનો.’ કદાચ પ્રસ્તુત રચના ગાંધીવિચાર સામે ઊઠી રહેલી આંધીના વિરોધભાવે પણ જન્મી હોય. યુગપુરુષને યુગસ્રષ્ટાની અડખેપડખે મૂકીને બંને વચ્ચેની સમાનતા ઉજાગર કરીને ગાંધીધારાનો વિરોધ કરનારાઓને દીવાબત્તી ધરવાની કવિફરજની સભાનતા આ કવિતાના મૂળમાં હોય તો નવાઈ નહીં. ગાંધીમૂલ્યોના હાસ સાચો ગાંધીયુગીન કવિ ન જ જીરવી શકે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને પણ ગાંધી વિશે સાચું જ કહ્યું હતું: ‘આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે કે આના જેવો કોઈક રક્ત-માંસનો બનેલો, આ પૃથ્વી પર કદીપણ આવ્યો હશે.’

કૃષ્ણનું નિધન પારધીના તીરથી થયું, ગાંધીજીનું ગોડસેની ગોળીથી. જ્યાં કૃષ્ણનો ઉદય થયો ત્યાં જ ગાંધીનો અસ્ત થયો એમ કહી કવિ સમાનતાચક્ર પૂર્ણ કરે છે. આ ઉત્તમોત્તમ અભૂતપૂર્વ સરખામણીમાં શ્રેષ્ઠ કવિકર્મનો સંસ્પર્શ તો શબ્દે-શબ્દે જોવા મળ્યો પણ કવિતા? ‘શબ્દ છે! છે છદ પણ! ક્યાં છે તો કવિતા?’ પણ, આખરી પંક્તિમાં એક લસરકે કવિ કવિતા સિદ્ધ કરી બતાવે છે. કવિ સવાલ ઊભો કરે છે કે જેમ વિશ્વપિતાના અંત સાથે દ્વાપરયુગનો અંત આવી કલિયુગ શરૂ થયો હતો, એ જ રીતે રાષ્ટ્રપિતાના અવસાન સાથે કલિયુગનો અંત આવશે કે નહીં? કલિયુગના સ્થાને કવિ હવે કલિચક્ર શબ્દ વાપરે છે. યુગ તો કોઈ પણ હોય, એનો આરંભ કે અંત હોવાનો જ. પણ ચક્રનો કોઈ અંત ખરો? એ તો બસ, ફર્યે રાખે, ફર્યે રાખે, ફર્યે રાખે… સરખામણીના આશય છતાં કવિમે વિદિત છે કે ભગવાન અને મનુષ્યની સરખામણી અશક્ય છે. ભગવાન જ આરંભ-અંત સર્જી શકે, કાળા માથાનો મનુષ્ય નહીં. માટે જ કલિ‘યુગ’ અને કલિ‘ચક્ર’ –માત્ર અડધા શબ્દફેરથી કવિ સમાનતામાં રહેલી અસમાનતા અને નિબંધમાં રહેલી ઉચ્ચ કવિતા પ્રશસ્ત કરી બતાવે છે.

ગ્લૉબલ કવિતા : ૧૨૬ : ભરતી – કૃષ્ણલાલ શ્રીધરાણી

પઠન : વિનોદ જોષી
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5

.

સહસ્ત્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,
અફાટ જલધિ પરે અદમ પાણીપન્થાં ચડ્યાં;
હણે-હણહણે : વિતાન, જગ, દિગ્ગજો ધ્રૂજતાં,
ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા !

ત્રિભંગ કરી ડોકના, સકળ શ્વાસ ભેગા કરી,
ઉછાળી નવ દેહ અશ્વ ધમતા પડી ઊપડી;
દિશા સકળમાં ભમી, ક્ષિતિજ-હાથ તાળી દઈ,
પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી.

કરાલ થર ભેખડે, જગતકાંઠડે કારમા,
પછાડી મદમસ્ત ધીંક : શિર રક્તનાં વારણાં;
ધસી જગત ખૂંદશે ? અવનિ-આભ ભેગાં થશે ?
ધડોધડ પડી-ખરી ગગનગુંબજો તૂટશે?

ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !
દિશાવિજય કૂચનાં કદમ ગાજતાં ઊપડે !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

ગુજરાતી કવિતાની ઓજસ્વિતાનું શિરમોર ચિત્ર

પ્રકૃતિ હરસ્વરૂપે ને હરસ્થળે જીવમાત્રને આકર્ષતી આવી છે. પણ દરિયાનું આકર્ષણ કદાચ સૌથી વધારે છે. ફરવા જવાના સ્થળોને ક્રમાંક આપીએ તો કદાચ વિશ્વભરમાં સમુદ્રકિનારાનો ક્રમ પહેલો આવે. દરિયાની રેતી, દરિયાના મોજાં, દરિયા પર લળુંબતું આકાશ અને ઊગતો કે આથમતો સૂર્ય –આ બધું વધતા-ઓછા અંશે એકસમાન હોવા છતાંય દરિયામાં કંઈક એવું તત્ત્વ છે જે સદી-સદીઓથી મનુષ્યજાતને સતત ખેંચતું આવ્યું છે. કદાચ દરિયાકિનારે રેતી, પાણી અને આકાશની ત્રિવિધ સ્તરે અનુભવાતી અનંતતા પ્રમુખ કારણ હોય. ‘દરિયાનાં ગીત નથી ગાવાં, દરિયો તો મારા સાજનની આંખ જોયું ટીપું’ (અનિલ જોશી) કહી-કહીને પણ કવિઓ આદિકાળથી દરિયાનાં ગીત ગાતાં આવ્યાં છે. પ્રસ્તુત રચનામાં શ્રીધરાણીની કલમે ગુજરાતી કવિતાએ આ પહેલાં અને કદાચ બાદમાં પણ કદી ન જોયેલું દરિયાનું સૌંદર્ય આપણે માણવાનું છે.

કૃષ્ણલાલ શ્રીધરાણી. ૧૬-૯-૧૯૧૧ના રોજ ભાવનગરના ઉમરાળા ખાતે જન્મ. પિતા જેઠાલાલ નાગજીભાઈ. માતા લહેરીબેન. નાની વયે પિતાને ગુમાવનાર કવિ બાળપણમાં જૂનાગઢ ખાતે મોસાળમાં ભણવા ગયા. નાની ઉંમરે જ ‘ટ્રેડિશનલ’ શાળાશિક્ષણ એમને જરાય કોઠે ન પડ્યું. ગણિતની પરીક્ષામાં ઉત્તરવહી સાવ કોરી રાખી અને ઉપરથી નોંધ મૂકી કે સફાઈ માટેના દસ માર્ક્સ મને મળવા જ જોઈએ અને વિજ્ઞાનના પેપરમાં કવિતા લખી આવ્યા. જો કે ગુજરાતી ભાષાનું સદભાગ્ય કે એમના વિધવા માતાને એવું સૂઝ્યું કે ગાંધીની આંધીથી જાગેલ દેશભક્તિના જુવાળમાં બેમાંથી એક પુત્રે તો રાષ્ટ્રીય શાળામાં ભણવું જ જોઈએ અને કૃષ્ણલાલ ભાવનગરની ‘દક્ષિણામૂર્તિ’ શાળામાં દાખલ થયા જ્યાંનું શિક્ષણ એમને કોઠે પડી ગયું. બાળપણમાં ચિત્રકાર બનવાની મહેચ્છા હતી. પંદરેક વર્ષની વયે એમની કવિતા એમના શિક્ષક ગિરીશભાઈએ એમની જાણ બહાર બચુભાઈ રાવતને પૉસ્ટ કરી દીધી અને ‘કુમાર’માં એ છપાઈ ગઈ એ પછીથી એમને કવિ બનવાની ચાનક ચડી. ૧૯૨૯માં ગાંધીજીના પ્રત્યક્ષ સંપર્કમાં ગૂજરાત વિદ્યાપીઠ (અમદાવાદ) ભણ્યા. ૧૯૩૦માં દાંડીકૂચમાં ભાગ લીધો. કરાડી જતાં ધરપકડ થઈ અને વારાફરતી સાબરમતી અને નાસિકમાં જેલવાસ પણ ભોગવ્યો. એમની ‘ઇન્સાન મિટા દૂંગા’ લઘુનવલ, ‘ઝબક જ્યોત’ નાટક છપાયેલ માસિક અને ‘સર્જકશ્રેષ્ઠ આંગળાં’ કાવ્ય અંગ્રેજ સરકારે જપ્ત કર્યાં હતાં. ૧૯૩૧માં ટાગોરની નિશ્રામાં શાંતિનિકેતન ખાતે ભણ્યા. એમના જ શબ્દોમાં: ‘એ તો કવિસમ્રાટની રાજધાની અને પરીઓનો પ્રદેશ. વ્યવહારીઓ પણ બહેકી ઊઠે તો પછી કવિનું તો પૂછવું જ શું? કવિતાનો ધોધ ધસ્યો.’ ત્યાંથી ટાગોરની અને એક એમરિકન શિક્ષકની સલાહ માનીને ન્યૂયૉર્ક ભણવા ગયા. ૧૯૩૫માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ., ૧૯૩૬માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં એમ.એસ., અને ત્યાંથી જ સમાજશાસ્ત્ર અને રાજકીય તત્ત્વજ્ઞાનના વિષયોમાં પીએચ.ડી. કર્યું. દરમિયાન અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની લડતનો મોરચો રચી, અમેરિકી પ્રજાને સમજણ આપી લોકમત જાગ્રત કર્યો. ૧૯૪૬માં દિલ્હી, ભારત પરત ફર્યા અને પત્રકારિત્વ અપનાવ્યું. ૧૯૫૦માં સુંદરી (પદ્મશ્રી ૧૯૯૨) સાથે લગ્ન કર્યા, જેમણે દિલ્હીમાં પંડિત નહેરુએ ભેટ આપેલ અડધો એકર જમીનમાં ત્રિવેણી કલા સંગમની સ્થાપના કરી હતી. કવિતા અને અમર એમના સંતાન. ૨૩-૭-૧૯૬૦ના રોજ દિલ્હી ખાતે માત્ર ૪૯ વર્ષની વયે હૃદય બંધ પડી જવાથી નિધન.

કવિ, નાટ્યકાર, પત્રકાર શ્રીધરાણીની કાવ્યયાત્રા વિશિષ્ટ છે. આપણી ભાષામાં ભાગ્યે જ કોઈ કવિના જીવનના બે સાફ ભાગ પડેલા જોઈ શકાય છે. પરદેશ જતા પહેલાના ‘પૂર્વ શ્રીધરાણી’ અને દોઢ દાયકાનો નખશિખ દેશવટો, ભાષાવટો અને કાવ્યવટો ભોગવી પરત ફરેલા ‘ઉત્તર શ્રીધરાણી’- આવા બે સુસ્પષ્ટ ફાંટા આ કવિની કવિતામાં તંતોતંત જોઈ-આસ્વાદી શકાય છે. પૂર્વ શ્રીધરાણીની કવિતામાં પ્રકૃતિ, સૂક્ષ્મ માનવ સંવેદનો, પ્રણયોર્મિનો ઉદ્રેક, આઝાદી-ગાંધીજી-સામાજીક ચેતના વધુ જોવા મળે છે. ગાંધીજી ઉપરાંત ટાગોરની પણ એમની રચનાઓ પર ઊંડી છાપ જોવા મળે છે. ક્યાંક ન્હાનાલાલ અને કાન્ત પણ ડોકિયાં કરતાં દેખાય છે. આ બધું છતાં, શ્રીધરાણીની કવિતા મૌલિકતાની અને કાવ્યતત્ત્વની એરણ પર ઘણી ઊંચે સુધી પહોંચે છે. સમકાલીનો કરતાં વધુ શક્તિમંત, વધુ પ્રતિભાશાળી અને બધી રીતે નિઃશંકપણે બે ડગલાં આગળ હોવા છતાં કદાચ ગુજરાતના તખ્તેથી બાર વર્ષના વનવાસના કારણે એ યોગ્ય પોંખાયા જ નહીં. બાળકાવ્યો, નાટકો, કથાવાર્તાઓ ઉપરાંત ડઝનેક અંગ્રેજી પુસ્તકો એમણે આપ્યાં છે.

ખૂબ નાની વયથી એમની છંદોલય પરની હથોટી આશ્ચર્ય જન્માવે એવી સહજ અને સજ્જડ હતી. ચોપાઈ-સવૈયો એમના પ્રિય પણ છંદવૈવિધ્ય અને પ્રયોગો પણ ખાસ્સા નોંધપાત્ર છે. પરદેશથી પરત આવ્યા બાદ કવિતા સાથે એમનું જે પુનઃસંધાન થયું એ વિશે કવિ કહે છે: ‘કવિતાનાં એ અબોલડાં વરસ ચાલ્યાં. એ તૂટ્યા એટલે કવિતાદેવી ક્યારેક ક્યારેક આવે છે. પણ પહેલાંની જેમ ઓચિંતી ઊંઘમાંથી ઊઠાડી મૂકવા, બેબાકળો કરી મૂકવા; નવો થનગનાટ પેદા કરવા માટે નહીં. હવે આવે છે ત્યારે મોંઘેરા મહેમાન તરીકે, સોનાના અક્ષરે આમંત્રણપત્રિકા મેળવ્યા પછી.’ આ કવિતાઓમાં સ્વાભાવિકપણે પીઢ અને પરિપક્વ છે. એમાં વચ્ચેના વર્ષોના અનુભવો, ચિંતન, ગાંભીર્ય, અને કટાક્ષવૃત્તિ, પ્રગલ્ભ પ્રયોગશીલતા જોવા મળે છે. આ વર્ષોમાં એમના સમકાલીન કવિઓ ઘણા આગળ નીકળી ગયા હતા, એનો અહેસાસ એમની કવિતામાં પણ જોવા મળે છે:

ઊખડેલા નવ આંબા ઊગે!
ઘરે ઊગેલા આભે પૂગે!

માત્ર ત્રણ અક્ષર અને એક શબ્દનું ‘ભરતી’ શીર્ષક જ ભાવકની આંખ સામે ફૂલી રહેલી છાતીવાળા મહેરામણનું ચિત્ર ખડું કરી દે છે. આ સૉનેટ ત્રણ ચતુષ્ક અને એક યુગ્મકની સંરચનાવાળું શેક્સપિરિઅનશાઈ સૉનેટ છે, પણ પ્રાસવ્યવસ્થા કવિએ AABB CCDD પ્રમાણે પોતાની અનુકૂળતા મુજબ કરી છે. બ. ક. ઠાકોરે શોધેલ પૃથ્વી છંદ કવિએ પ્રયોજ્યો છે પણ એ ખુદ ઠાકોરને પણ પાછળ મૂકી દે એટલો પ્રવાહી થયો છે. આ છંદમાં લઘુનું ગુરુત્વ –સત્તર અક્ષરોમાંથી દસ લઘુ- જોવા મળે છે, જેમાં બે વાર એક જ હરોળમાં ત્રણ લઘુ એકસાથે આવે છે. આ લઘુઓમાં કવિએ જે રીતે શબ્દવિન્યાસ કર્યો છે એ સાગરનાં મોજાંની આવ-જા અને ઘોડાંઓની ચાલના અવાજને ચાક્ષુષ કરે છે. દુરારાધ્ય દેવ ગણાતાં આકરા વિવેચક પ્રા. ઠાકોરે જાતે કહ્યું હતું: ‘શ્રીધરાણીની ઉત્તમ કૃતિઓની ભાષા અને કલા આપણને કોઈક રીતે સુંદરમ્ કે ઉમાશંકર કરતાં જુદી અને ચડિયાતી લાગે છે પણ તે શી રીતે, કયા ગુણે, તેનું નામ આપણે પાડી શકતા નથી.’ ગુજરાતીના સર્વશ્રેષ્ઠ સૉનેટની પંગતમાં અગ્રિમ સ્થાને વિરાજતું આ સૉનેટ શ્રીધરાણીની કાવ્યસૂઝ, છંદોલય અને ભાવોર્મિના કારણે ચિરસ્મરણીય બન્યું છે. માત્ર વીસ જ વર્ષની મુગ્ધ વયે ૧૦-૦૮-૧૯૩૧ના રોજ લખાયું હોવા છતાં આ સૉનેટ પાકટ વયના કવિઓના સમગ્ર સર્જન પર ભારે પડી શકે એવું આકર્ષણ ધરાવે છે. ‘શ્રીધરાણીની કવિતાનું આકર્ષણ શેમાં રહેલું છે’ એનો જવાબ આપતાં ઉમાશંકર જોશી ત્રણ લક્ષણો જણાવે છે: ‘એક તો કમનીય રસોજ્જ્વલ પદાવલિ (diction), બલકે કાવ્યદેહની કીટ્સની યાદ આપે એવી ઇન્દ્રિય-ગ્રાહ્યતા (sensuousness), બીજું, બુલંદ ભાવનામયતા; અને ત્રીજું, જીવનના વાસ્તવની સહજ પકડ.’ આ ત્રણેય ગુણ અહીં શબ્દશઃ ચરિતાર્થ થયેલ અનુભવી શકાય છે.

શીર્ષક વાંચીને સમુદ્રની ભરતીમાં ભીંજાવા તૈયાર થયેલો ભાવક કવિતા ખોલે છે તો પહેલી પંક્તિમાં દરિયાના મોજાંની જગ્યાએ એનો ભેટો ઘોડાઓ સાથે થાય છે ને તે પણ એક-બે નહીં, શત સહસ્ત્ર યાને એક લાખ ઘોડાઓ સાથે. હજારો-લાખો ઘોડા એકસાથે નીકળ્યા હોય ત્યારે કેવું અનનુભૂત દૃશ્ય રચાય! આ ઘોડા વળી અગમ્ય પ્રાંતમાંથી આવ્યા છે એવું કવિ જાહેર કરે છે એટલે સ્વાભાવિક જ આપણું કૌતુક બેવડાય છે. પણ બીજી જ પંક્તિમાં કવિ અફાટ સાગરને ચિત્રમાં સમાવી લઈને આપણા કૌતુકનું શીર્ષક સાથે અનુસંધાન કરી શામે છે. અફાટ સમુદ્રના અનંત મોજાંને કવિ અગમલોકમાંથી આવતા ઘોડાઓના ધાડાં કહે છે. અને ઘોડાઓ માટે પાણીપન્થાં સંજ્ઞા પ્રયોજે છે. પાણીપંથો એટલે પાણીના રેલાની જેમ ઉતાવળે ચાલનારો ઘોડો. ભરતીના સમયે દરિયાના પાણી ઊંચેને ઊંચે ઊછળીને જે રીતે કાંઠાને ધમરોળવા આગળ ધમમસી રહ્યાં હોય એને ઘોડાની અદમ્ય ચાલ સાથે સાંકળવા માટે અદમ પાણીપંથાથી વધુ ઉચિત શબ્દ બીજા કયા હોઈ શકે? બે જ પંક્તિમાં કવિ સમુદ્રના પાણીની અનંતતા, અગમ્યતા અને અદમ્યતા હૂબહૂ ચીતરી આપે છે. કવિ ઉપરાંત અચ્છા ચિત્રકાર હોવાનો આ ફાયદો. મોજાંનું ગર્જન જાણે ઘોડાઓની હણહણાટી છે, જે આકાશના ચંદરવાને, સમસ્ત જગતને અને સર્વ દિશાઓને જાણે કે ધ્રુજાવે છે. મોજાંની એકધારી ઊછળપડના કારણે દરિયામાં જે સફેદ ફીણ ઊડી રહ્યું છે એ જાણે કે ધરણી ધમરોળવા નીકળેલા તેજીલા તોખારોની હવામાં વિખરાતી-વિખરાતી કેશવાળી છે.

પ્રથમ ચતુષ્કમાં કવિએ જે ચિત્ર દોર્યું છે એમાં જ વધુ રંગો ભરીને કવિ એને હવે વધુ સભર બનાવે છે. તોફાને ચડેલ ઘોડો જે રીતે છાતીમાં ઊંડા શ્વાસ ભરીને, તૂટી જાય એ હદે ડોક પાછળની બાજુએ ખેંચીને આખું શરીર હવામાં ઊછાળી-ઊછાળીને વેગે ધમધમે છે એ જ રીતે ભરતીએ ચડેલ સમુદ્રના મોજાં આગળ આવી રહ્યા છે. ત્રિભંગ શબ્દપ્રયોગ સાથે પાર્શ્વભૂમાં ક્યાંક શ્રીકૃષ્ણની વાંસળી પણ આપણા કાનોને સંભળાય તો એ વિશેષ ઉપલબ્ધિ કેમકે શરીરને કમર, પેટ, ગરદન એમ ત્રણ જગ્યાએથી મરોડ આપીને એ વાંસળી વગાડતા, તેથી જ તેમનું નામ ત્રિભંગ-ત્રિભંગી પણ પડ્યું છે. પાણીદાર અશ્વો સમાન સાગરનાં મોજાં ક્ષિતિજને હાથતાળી દઈને, બધી દિશાઓ ખૂંદી વળીને કિનારે આવી રહ્યાં છે ત્યારે આ અશ્વોના ડાબલા થકી જે મહાઘોષ સર્જાય છે, એનો પ્રતિઘોષ આખા વિશ્વમાં થઈ રહ્યો છે. દરિયો ભરતીએ ચડે ત્યારે એનું સંગીત સૃષ્ટિ સમસ્તને એ રીતે તર કરી દે છે, કે બીજા કશાનો લેશ અવકાશેય રહેતો નથી.

વિકરાળ સ્થિર ભેખડો અને જગતના કારમા કાંઠાઓ પર આ અશ્વરૂપી મોજાં માથાં પછાડી રહ્યાં છે, પરિણામે જે ફીણ અને પાણીનાં છાંટાઓ ઊડે છે, એમાં કદાચ મેઘધનુષ્ય જન્મતું દેખાય છે અને મેઘધનુમાં દેખાતો લાલ રંગ જાણે કે ઘોડા માથું ખડકો પર જોરથી પછાડે ત્યારે ઊડતી લોહીની શીકરો જેવો લાગે છે. જાણે પોતાના માથાનું શ્રીફળ વધેરીને દરિયો કાંઠા અને કાંઠા પરના પથ્થરોના ઓવારણાં લે છે. આ અદભુત દૃશ્ય જોઈને સહજ પ્રશ્ન થાય છે કે હવે શું? શું આ અશ્વો જગત આખાને ત્સુનામી બનીને ખૂંદી વળશે? આભ અને ધરતી ભેગાં થઈ જાય એવો પ્રલય સર્જાશે? કે આકાશના પહોંચ બહારના અણસ્પર્શ્યા ગુંબજો ધડોધડ ખરીને નીચે પડશે? આ પ્રશ્નો અનુત્તર રહેવાને સર્જાયા છે. એ અનુત્તર રહે એમાં જ ખરી કવિતા છે. આ પ્રશ્નો એ અનુભૂતિના પ્રશ્નો છે. એ આપણા અનુભવને સઘન બનાવે છે. સાચું જ કહ્યું છે, આંખ એ જોઈ શકતી નથી, જે મન જાણતું નથી. (The eye cannot see what mind does not know.) કવિ આપણા મનને જે જોવાનું છે એનાથી માહિતગાર કરે છે, પરિણામે જે દૃશ્ય આપણે સેંકડોવાર જોઈ ચૂક્યાં છે, એ જ દૃશ્ય આજે આપણને આટલું powerful લાગે છે. આ કવિતા વાંચ્યા પછી જો ભરતીએ ચડેલા દરિયે જવાનું થાય તો એ દરિયો આજ સુધી જોયેલા તમામ દરિયાઓથી બિલકુલ અલગ જ લાગશે એટલું તો નક્કી જ છે.

આમ જોઈએ તો ત્રણેય ચતુષ્કમાં કવિ એક જ ચિત્ર અલગ-અલગ રંગોથી ભરી રહ્યા છે. પણ જે રીતે બાળક પાટી પર એકડો ઘૂંટી-ઘૂંટીને એને અવગણી ન શકાય એ રીતે વધુ ભરાવદાર અને ઘાટીલો બનાવે છે, બરાબર એ જ રીતે કવિ એક જ વાતને અલગ-અલગ રીતે રજૂ કરે છે. એક લીટીની કવિતા એ છે કે ભરતીના સમયે વેગ સાથે ઊછળતાં દરિયાનાં મોજાં ધસમસી આવતા ઘોડાઓના ટોળા જેવા લાગે છે. પણ આ એક લીટીની વાર્તાને કવિએ જે રીતે મલાવી-મલાવીને રજૂ કરી છે એ ભાગ્યે જ કોઈ બીજો કવિ કરી શક્યો હોત. પ્રથમ બાર પંક્તિમાં એક જ પ્રકૃતિચિત્રનું નિતાંત સૌંદર્ય રજૂ કર્યું છે પણ કવિતાની ખરી મજા એના અંદાજે-બયાંમાં છે. માત્ર કવિના સમગ્ર સર્જનની જ નહીં, ગુજરાતી ભાષાની સમસ્ત કવિતાઓમાં આ રચના શિરમોર થયેલી ગણવી જ પડે એમ છે એનું એકમત્ર કારણ સબળ અને અભૂતપૂર્વ કવિકર્મ છે. ઉત્તમ કવિ બનવાની અભિલાષા ધરાવતા તમામ કવિઓએ આ રચનાનો ઊંડો અભ્યાસ કરવો જ રહ્યો.

આખરી બે પંક્તિમાં સૉનેટ અણધાર્યો વળાંક લે છે. પહેલા ત્રણ ચટુષ્ટકમાં પ્રકૃતિની વાતો કર્યા પછી છેલ્લી બે કડીમાં સૉનેટ અચાનક દેશભક્તિ અને સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજોને પછાડી આઝાદી હાંસિલ કરવાના પોતાના અરમાન પ્રગટ કરી ભાવકને સુખદ આંચકો આપે છે. કવિનો કેમેરા અચાનક ભરતીએ ચડેલા દરિયાના ઘોડાપૂર જેવા મોજાંઓ તરફથી તત્કાલીન ભારતની આઝાદીના જંગ તરફ ફરે છે. અને પ્રથમ બાર પંક્તિઓમાં જે દૃષ્ય આપણા મનોમસ્તિષ્ક પર દૃઢતાપૂર્વ અંકિત થઈ ચૂક્યું છે એની છાપ યથાવત્ રાખીને એના જ પરિપ્રેક્ષ્યમાં આપણે એક નવા જ ચિત્રના સાક્ષી બનીએ છીએ અને આ પરિવર્તન પણ પેલા અદમ ઘોડાઓ અને અનંત મોજાંઓના તીવ્ર વેગે જ થાય છે, પરિણામે કવિતામાં જે ગતિ અને ઉછાળ છે એ અક્ષત જળવાઈ રહે છે, બલકે વધુ બળવત્તર અનુભવાય છે. આને કવિની ખરી કમાલ પણ કહી શકાય. ગુલામ પણ આઝાદ થવા તલપાપડ ભારતીયોના ઉરમાં પણ આજે આવી જ વિરાટકાય ભરતી ચડી છે, દમન ન કરી શકાય એવો એમનો આત્મા પ્રબળતાથી કૂદી રહ્યો છે, અને દિશાઓ જીતી લેવા માટે જે કદમો આજે કૂચે ઊપડ્યાં છે એ રોકી શકવાનું કે પાછાં વાળી શકવાનું અંગ્રેજ સરકાર તો શું, કોઈ માઈબાપનું ગજું નથી. ભારતનો આઝાદીનો જંગ હવે અંગ્રેજસરકારના કાબૂ બહાર નીકળી ચૂક્યો છે એનું આ બુલંદ એલાન છે. ભરતીએ ચડેલાં દરિયાનાં મોજાંને નાથવા જેમ અશક્ય છે, એમ જ જુવાળે ચડેલ આઝાદીની લડત હવે અદમ્ય બની ચૂકી છે.

ઉમાશંકરે ‘કોડિયાં’ની પ્રસ્તાવનામાં આ સૉનેટ વિશે જે લખ્યું છે, એ એકપણ શબ્દફેર વિના માણવા જેવું છે. સમર્થ કવિ આ સમર્થ કવિતા વિશે લખે છે: ‘ગુજરાતી ભાષા આટલી ઓજસ્વિતાથી વારંવાર યોજાઈ નથી. પૃથ્વીના યતિસ્થાન પછી ‘ધીંક’ આગળ અટકવામાં અવાજ દ્વારા આખીય ઘટના પ્રતીત થાય છે અને ‘શિર રક્તનાં વારણાં’માં ‘શિર’ના ‘ર’ પછી ‘રક્તનો’ ‘ર’ આવતાં પછડાઈને પાછાં વળેલાં પાણીનો ખ્યાલ આવે છે. ‘વારણાં’માં ફરી આવતો ‘ર’ અને આગળનાં ‘નાં’ સાથે સંવાદમાં આવતો ‘ણાં’ પાછી આવેલી છાલકનું ચિત્ર પૂરું કરી આપે છે. લોહીનાં છાંટણાંનો રંગ પણ એ શીકરોમાં પ્રગટતાં રંગધનુને લીધે અસંભાવ્ય રહેતો નથી. ઊંચી સર્જકતાને ભાષા અને ભાવપ્રતીકો કેવા વશ વર્તે છે તે ભરતીનાં ચઢતાં પાણીને એક વાર ઘોડાની ઉપમા આપી પછી એને ‘પાણીપન્થા’ તરીકે ઓળખાવવામાં રહેલી ચમત્કૃતિથી પ્રતીત થાય છે. અંતભાગમાં, સર્જક આવેગનાં પણ પાણી જાણે પાછાં વળ્યાં હોય એવું લાગે, પણ ભરતી પોતે કાવ્યવિષય નથી, પણ વિશિષ્ટ ભાવનાસ્થિતિનું પ્રતીક છે એવો અણસારો છેલ્લી બે પંક્તિમાં મળતાં આખી કૃતિ ‘અગમ પ્રાન્તની’ (mystic) બની જાય છે.’

ગ્લોબલ કવિતા : ૧૨૫ : આપણા સંત્રીઓ – આલ્બ્રેશ્ટ હૌસહૉફર

Our wardens

The wardens put in charge of our detention
are good fellows. Of farmer blood. Torn
from the protection of their villages
into a strange, not understood world.

They hardly speak. Only their eyes from time
to time ask humbly, as though they wanted to know
what their hearts were never to experience
that bear so heavily their homeland’s fate.

They come from Danube’s eastern regions
already devastated by the war.
Their families dead. Their goods and chattels wasted.

Perhaps they’re waiting still for a sign of life.
They work in silence. Prisoners – they too. Will they
understand that? Tomorrow? Later? Ever?

– Albrecht Haushofer
(Eng Translation from Germany: M. D. Herter Norton)

આપણા વૉર્ડનો

જે હાથમાં છે જેલવાસાનો હવાલો આપણા,
એ સંત્રીઓ માણસ છે સારા. ખેડૂતોનું છે રુધિર.
છૂટા પડ્યા છે પંડના ગામોથી તેઓ ને લગીર
આવી પડ્યા આ વિશ્વમાં અણજાણ, સમજણ પારના.

તેઓ કદીક જ બોલે છે. બસ, આંખ તેઓની કદી
મૂંગી-મૂંગી પૂછે છે, જાણે જાણવું હો એ જ કે,
ક્યારેય અનુભવવાનો નહોતો તેઓના હૃદયોએ જે
માભોમની કિસ્મતનો બોજો, વેઠ્યો એ શી રીતથી.

પૂર્વીય પ્રાંતોમાંથી તેઓ આવ્યા છે જે ક્યારના
તારાજ બિલકુલ થઈ ગયા છે યુદ્ધના પરિણામથી.
પરિવાર કહો કે માલમત્તા – કંઈ હવે સાબૂત નથી.

સંભવ છે, તેઓ છે હજી જીવન પ્રતીકની રાહમાં
ચુપચાપ કામે રત રહે છે. કેદીઓ છે – તેઓ પણ.
સમજી શું શક્શે તેઓ આ? કાલે? પછી? ક્યારેય પણ?

– આલ્બ્રેશ્ટ હૌસહૉફર
(અંગ્રેજી પરથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

મોતના મોઢામાં ઊભેલા માણસની અ-મર કવિતાઓ…

મૃત્યુનો અનુભવ ફર્સ્ટહેન્ડ કોઈ કહી શકતું નથી જન્મ લેનાર દરેક સજીવે મૃત્યુનો અનુભવ કરવો ફરજિયાત હોવા છતાં મૃત્યુ પામ્યા પછી કોઈ પોતાનો અનુભવ પાછળ રહી જનારને કહેવા આવી શકતું નથી. જન્મતાવેંત માથે લખાઈ જનાર અફર મૃત્યુ સૌને ડરાવે તો છે જ પણ આકર્ષે પણ એટલું જ છે. મૃત્યુની પ્રતીક્ષાનો રંગ મૃત્યુના ઉંબરે આવી ઊભેલા ઘણા બધા કવિઓએ પોતપોતાની રીતે આલેખ્યો છે. આપણે ત્યાં અમરગઢના જીંથરીના રુગ્ણાલયમાં ૨૯ વર્ષની કૂમળી વયે ક્ષયના કારણે ક્ષરદેહ ત્યાગનાર રાવજી પટેલે મૃત્યુને નજીક આવતું પ્રત્યક્ષ અનુભવ્યું હતું. એની ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં’ ગીતરચના મૃત્યુને ઢૂંકડા જોતા માનવીની આત્મવ્યથા સમી છે… નિરાંતવા જીવે મૃત્યુ વિશે કવિતા કરવી અને મૃત્યુને જીવનના આંગણે પ્રતિપળ ટકોરા મારતું જોવા વચ્ચે જમીન- આકાશનો ફરક છે. કેન્સરના કારણે યુવાવસ્થામાં જ ગુડબાય કરી જનાર કવિ જગદીશ વ્યાસ તથા અમેરિકાસ્થિત હિમાંશુ ભટ્ટ જેવા સર્જકો મૃત્યુશૈયા પર બેસીને મૃત્યુની વાસ્તવિક્તા અને જીવનની ક્ષણભંગુરતાની જે વાતો કરી ગયા એ રૂંવાડા ઊભા કરી દે એવી છે. પણ મૃત્યુની નિશ્ચિતતા કોઈ ત્રાહિત વ્યક્તિએ માથે ઠોકી બેસાડી હોય ત્યારે? નખમાં પણ રોગ ન હોય પણ તમારી જિંદગી અને શ્વાસની માલિકી કોઈ અત્યાચારી પોતાના હાથમાં લઈ લે અને શ્વાસની દોરી ક્યારે કાપશે એની જાણ પણ ન કરે એવી નિશ્ચિત અનિશ્ચિતતામાં મોતની રાહ જોતો માણસ શું વિચારતો હશે એની વાત આજે કરવી છે.

આલ્બ્રેશ્ટ હૌસહૉફર. જર્મન ભૂગોળવિદ્. ૦૭-૦૧-૧૯૦૩ના રોજ મ્યુનિચ, જર્મની ખાતે વગદાર ભૂ-રાજનીતિજ્ઞ કાર્લ તથા માર્થાના ઘરે જન્મ. ભૂગોળમાં પી.એચ.ડી. તેઓ ૧૯૨૮થી ૪૦ સુધી બર્લિન જીઓગ્રાફિકલ સૉસાયટીના સેક્રેટરી જનરલ તથા તેઓના મુખપત્રના સંપાદક રહ્યા. રુડૉલ્ફ હેસના સલાહકાર. ૧૯૩૩થી તેમણે રાજકીય ભૂગોળ અને ભૂ-રાજનીતિના પ્રૉફેસર તરીકે પણ સેવા બજાવી. હિટલરની સરકારમાં ઊંચી પૉસ્ટની રૂએ વિશ્વભરમાં ફર્યા. બહોળો અનુભવ પામ્યા. હિટલરની વધતી આપખુદી અને યહૂદીઓ પરના દમનનું સમર્થન કરવું એમના માટે દોહ્યલું બની ગયું. ૧૯૪૦માં એમણે નોકરી છોડી દીધી પણ બર્લિન યુનિવર્સિટીમાં ભણાવવાનું ચાલુ રાખ્યું. આલ્બ્રેશ્ટ એમના હોદ્દા પર સર્વોત્તમ હતા. ત્રણ ભાગમાં લખવા ધારેલ પણ અકાળે મૃત્યુના કારણે એક ભાગ પૂરતું જ સીમિત રહી ગયેલ રાજનૈતિક ભૂગોળ પરનું એમનું પુસ્તક બહુખ્યાત થયું. મુઆબિત સૉનેટ્સ સિવાયની કવિતાઓ, નાટકો અને પદ્યનાટકમાં પણ એમણે પદાર્પણ કર્યું હતું. સારા સંગીતકાર પણ હતા. બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ફ્રાંસ અને બ્રિટન વચ્ચે શાંતિ સ્થાપવાના હેસના પ્રયાસોમાં મધ્યસ્થી તરીકે એમણે કામ કર્યું. નાઝીઓ સામેના વિરોધ, હેસને ભગાડવામાં મદદરૂપ થવાની આશંકા તથા માતા અર્ધયહૂદી હોવાના ‘અપરાધ’સર એમને થોડા અઠવાડિયાની જેલ થઈ પણ બ્રિટન સાથે શાંતિ સ્થાપવા માટે એમની અગત્યતા જોઈને હિટલરે એમને જેલમુક્ત તો કર્યા પણ ગેસ્ટાપો ખાતે નિગરાનીમાં રાખ્યા. પણ, સંપૂર્ણ લશ્કરી અને રાજકીય હોનારતથી બચવા હિટલરને પૂર્ણતયા હટાવવું અનિવાર્ય છે એમ આલ્બ્રેશ્ટને લાગ્યું. ૧૯૪૪માં એ કામ બૉમ્બથી કરવાનું નક્કી કરાયું. હિટલરનો જમણો હાથ ખરાબ રીતે ઘવાયો પણ મૃત્યુ ન થયું. આલ્બ્રેશ્ટનો આમાં કોઈ હાથ ન હોવા છતાં પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેઓ તરત જ ભૂગર્ભમાં ઊતરી ગયા. પણ જર્મનીની ગુપ્ત રાજકીય પોલિસ (ગેસ્ટાપો -Geheime Staatspolizei)ના હાથે ૦૭-૧૨-૧૯૪૪ના રોજ પકડાઈ ગયા. બર્લિનની મુઆબિત જેલમાં બંદી રખાયા. કહેવાય છે કે હિટલરના મનમાં એમની રાજકીય અગત્યતા યથાવત હોવાના કારણે નિયમિતપણે મોતને ઘાટ ઉતારાતા અન્ય કેદીઓની જેમ તેઓની હત્યા કરવામાં આવી નહીં. જો કે એમના પિતાએ પુત્રએ દેશદ્રોહ કર્યો છે એમ કહીને પોતાની વગ વાપરીને એમને આઝાદ કરાવવાની શક્યતાને નકારી દીધી હતી. ‘મારા પિતા’ (સૉનેટ ૩૮)માં પિતાની રાજકીય મહત્તા અને હિટલરને નાથવાની શક્તિ હોવા છતાં હિટલરનો સાથ આપવાની વૃત્તિને ધ્યાનમાં રાખીને આલ્બ્રેશ્ટ લખે છે કે ‘મારા પિતાએ જ સીલ તોડી નાંખ્યું. એમણે દુષ્ટના ચઢતા શ્વાસ જોયા નહીં. એમણે દૈત્યને દુનિયામાં ખુલ્લો છૂટી જવા દીધો.’ ‘એકરન’ (Acheron) (સૉનેટ ૨૪)માં એ પોતાના પિતાને ‘સત્તાના સ્વપ્નથી હજીય આંધળા થઈ ગયેલ’ ગણાવે છે. (જો કે કવિના મા-બાપ બંનેએ કવિના મૃત્યુના અગિયારેક મહિના પછી કોઈક કારણોસર ઝેર ખાઈને ભેગી આત્મહત્યા કરી હતી.)

કોટડીમાં બિલકુલ એકલા અને સાંકળમાં બંધાયેલા હાથ-પગ સાથે જેલમાં નિશ્ચિત મૃત્યુની અનિશ્ચિત રાહ જોતા આલ્બ્રેશ્ટે કાગળ-પેન મેળવ્યા અને જીવન-મૃત્યુ, આજ-કાલ અને વિશ્વયાત્રાઓના પરિપાકરૂપ સંસ્મરણોને સન્મુખ ઊભેલા મૃત્યુના હાથમાં આપીને કાગળ પર જેલની અંદરની અને બહારની દુનિયા ઉતારતા રહ્યા. સૉવિયેટ સૈનિકોએ બર્લિન પર કબ્જો મેળવ્યો પણ તેઓ શહેરમાં આવી ચડે એ પહેલાં ૨૩ એપ્રિલ, ૧૯૪૫ના રોજ જેલના અધિકારીઓએ આલ્બ્રેશ્ટ અને બીજા ચૌદ કેદીઓને છોડી મૂક્યા. નસીબ વાંકું તે જેલની બહાર જ હિટલરના સૈનિકો (SS-Saal-Schutz) એમની રાહ જોતા હતા. એક નિર્જન જગ્યા પર લઈ જઈને તમામને ગરદનમાં ગોળી આડેધડ દફનાવી દેવાયા. એક કેદી કોઈક રીતે બચી ગયો. જેના કારણે ત્રણ અઠવાડિયા પછી ૧૨મી મેના રોજ કવિના નાના ભાઈ હેઇન્ઝને એમનું શબ જડ્યું. કવિનો જમણો હાથ કોટની અંદર પાંચ કાગળોને હૃદયસરખા દાબીને પડ્યો હતો. આ પાંચ કાગળમાંથી જડી આવેલા એંસી સોનેટ્સ મુઆબિત સૉનેટ્સ તરીકે જાણીતા થયા. આ કવિતાઓએ વિશ્વને ખળભળાવી મૂક્યું. આ સૉનેટોમાં પોતાની આ પરિસ્થિતિ માટે કોઈ દયાભાવ નથી, તો આતતાયીઓ સામે કોઈ પ્રત્યારોપ કે નિંદાવૃત્તિ પણ નથી. અહીં પોતાના અનિચ્છનીય દુર્ભાગ્યની સ્વીકૃતિ અને ઉદાસીન શરણાગતિ નજરે ચડે છે. અહીં એક તરફ ગમે ત્યારે આવી શકનાર મૃત્યુની સન્મુખ એક કવિના અંતઃકરણનું પરીક્ષણ તો બીજી તરફ માનવસભ્યતા પર થતા હીચકારા હુમલા સામેની ઠંડી પ્રતિબદ્ધતા છે. કદાચ, એટલે જ આ એંસી સોનેટ્સ મૃત્યુ અને અન્યાય સામેના વિરોધમાં લખાયેલી આજ પર્યંતની શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન પામ્યાં છે. આલ્બ્રેશ્ટનું રાજકારણ, ભૂગોળ, જ્યોતિષ-ખગોળવિદ્યા અને ગણિત વગેરેનું ઊંડું જ્ઞાન પણ અહીં નજરે ચડે છે. મધ્યયુગીન અલ્કેમી અને પુરાણકથાઓનો અર્ક આ સૉનેટ્સમાં રસ્યોબસ્યો છે.

‘બેડીમાં’ (In fetters) (સૉનેટ ૦૧)માં કવિએ પોતાની પીડા સાથે તમામ કેદીઓની પીડા વણી લીધી છે. કવિ કહે છે: ‘ખાલી લાગતી કોટડીની દીવાલો જિંદગીથી ભરપૂર છે. અપરાધબોધ અને નિયતિ એના ગુંબજની જગ્યાને ભૂખરા પડદાંઓથી ભરી દે છે. ઈંટો અને સળિયાઓમાં અન્ય આત્માઓનો ઊંડો તણાવ જીવંત શ્વાસ લઈ રહ્યો છે. આ કમરામાં હું પ્રથમ નથી જેના કાંડા સાંકળોથી કપાઈ રહ્યાં હોય અને જેના દુઃખ ઉપર અજાણ્યાઓની ઇચ્છાશક્તિ પોષાતી હોય. ઊંઘ ઉજાગરો બની જાય છે અને ઉજાગરો સ્વપ્ન. દીવાલોમાંથી ઘણા ભાઈઓના હાથનો કંપ સંભળાય છે.’ જો કે પોતાની ભીતરી તાકાતથી પણ તેઓ બરાબર માહિતગાર હતા. ‘પરાકાષ્ઠાએ’ (On the threshold) (સૉનેટ ૦૫)માં કવિ લખે છે કે ‘એક ઝાટકો – અને જેલની કોઈ દીવાલ નથી જે મારા આત્માને અડવા માટે શક્તિશાળી હોય.’ અને ‘જેને અન્યો માન્યતાઓ, આદર્શો, આશાઓ ગણીને વળગી રહે છે, એ મારા માટે મરી પરવાર્યા છે.’ આ એંસી સૉનેટ્સમાં તિબેટના રહસ્યો પણ છે અને ‘ઓમ મણી પદ્મે હમ’નું બોધિસૂત્ર પણ જોવા મળે છે. કવિના મા-બાપ, મિત્ર, પાડોશીઓ, તબીબ, વાયોલિન વાદકથી લઈને બીથોવન, ફિડેલો, એલેક્ઝાન્ડ્રિયા અને મેમ્ફિસ પણ અહીં સમાવિષ્ટ છે. વિશ્વપ્રવાસી આલ્બ્રેશ્ટે ઉમર ખૈયામ અને ભગવદગીતાને પણ પોતાના સૉનેટ્સના વિષય બનાવ્યા છે.

‘આપણા વૉર્ડનો’ ઇટાલિઅન અથવા પેટ્રાર્કશાયી ઢબમાં લખાયેલું પણ અંગ્રેજી પ્રાસવ્યવસ્થાનો સંસ્પર્શ પામેલ સૉનેટ છે. મૂળ પેટ્રાર્કશાયી સૉનેટમાં અષ્ટકમાં ABBA ABBA તથા ષટકમાં CDCDCD અથવા CDEEDE પ્રકારે પ્રાસ જોવા મળે છે. અંગ્રેજી સંસ્કરણમાં ષટકમાં CDD CEE પ્રકારની પ્રાસવ્યવસ્થા કરાય છે. આલ્બ્રેશ્ટે એમના આ સૉનેટ્સમાં શેક્સપિઅરની જેમ અષ્ટકના બે ચતુષ્ક બનાવી ABBA ABBA મુજબ એકસમાન પ્રાસ રાખવાના બદલે બંને ચતુષ્કમાં ABBA વ્યવસ્થા તો જાળવી છે પણ બંનેના પ્રાસ ABBA CDDC મુજબ અલગ કરી નાંખ્યા છે. ષટકમાં જો કે CDD CEE પ્રમાણે પ્રાસવ્યવસ્થા બરકરાર રાખી છે. સૉનેટ કદાચ સૌથી વધુ ચુસ્ત કાવ્યપ્રકાર છે. એ કવિ પાસે મહત્તમ શિસ્ત અને સજ્જતા માંગી લે છે. મુક્તવિહાર માટેનો અવકાશ અહીં લઘુત્તમ છે અને છંદ પણ વધુ છૂટ આપતો નથી. એમાંય ઇટાલિયન કે પેટ્રાર્કન સૉનેટ પ્રાસની બાબતમાં એટલા કડક છે કે અંગ્રેજી ભાષાએ શેક્સપિરિઅન સૉનેટ સ્વરૂપે પોતાની પ્રાસવ્યવસ્થા ઊભી કરવી પડી હતી. માથા પર તલવાર લટકતી હોય, કાળકોટડીનું એકાંત હોય અને હાથ-પગમાં સાંકળ પડી હોય એવી પરિસ્થિતિના તણાવને તંતોતંત અભિવ્યક્ત કરવા માટે પેટ્રાર્કન સૉનેટ જેવા સંયમિત અને અતિશિસ્તબદ્ધથી વધુ ઉચિત કાવ્યપ્રકાર બીજો કયો હોઈ શકે? કદાચ એટલે જ પોતાની તણાઈને તંગ થયેલી લાગણીઓ વ્યક્ત કરવા માટે કવિએ ઇટાલિઅન સૉનેટ પર કાવ્યસ્વરૂપ તરીકેનો કળશ ઢોળ્યો હોઈ શકે. એમ. ડી. હેર્ટર નોર્ટને જર્મન ભાષામાં લખયેલ આ સૉનેટ્સનો ગદ્યાનુવાદ કર્યો છે. પણ ગુજરાતી અનુવાદ કરતી વખતે કવિએ પ્રયોજેલ આયમ્બિક પેન્ટામીટરને મળતો આવતો માત્રામેળ છંદ (હરિગીત) અને મૂળ પ્રમાણેની પ્રાસવ્યવસ્થા સ્વીકારવામાં આવી છે.

રશિયન સૈનિકો વડે ધમરોળાઈ ગયેલ ટ્રાન્સિલ્વેનિયાનો વતની જેલના વૉર્ડન તરીકે નવોસવો આવ્યો હતો એની સાથે વાતચીત થયા બાદ કવિએ આ સૉનેટ લખ્યું હતું. આ સૉનેટ વાંચો ને રૂંવાડા ઊભા ન થઈ જાય તો કહેજો… જેલમાં કેદીઓની રખેવાળી કરતા વૉર્ડન પોતે પણ એક જાતના કેદીઓ જ છે એ વાત આ સૉનેટમાં કેટલી સરળ પણ વેધક ભાષામાં રજૂ થઈ છે! એક કેદીની નજરે જેલના દરોગાને જોવાનો અને સમજવાનો આ સંનિષ્ઠ પ્રયાસ છે. પોતાને બંદી રાખી, દેખરેખ કરતા, કાયદાઓ પળાવતા, જોર-જુલમ કરતા, મારતા-પીટતા વૉર્ડન પણ કેદીને ભલા લાગે છે. મોત નિશ્ચિત થઈને માથા પર આવી જાય ત્યારે મનુષ્યમાં કુદરતી રીતે જ સમ્યકભાવ આવી જાય છે. સગી આંખે પોતાના મોતને સામુ ઊભેલું જોવાનું થાય અને બચવાનો એકેય રસ્તો જ ન હોવાની ગળા સુધીની ખાતરી થઈ જાય ત્યારે માણસમાં બુદ્ધનો કરુણાભાવ જન્મે છે. અને એ લોકો સારા માણસ છે એ બાબતમાં કવિ વળી પુરાવો પણ રજૂ કરે છે. ભલા છે કેમકે તેઓ ખેડૂતનું જ લોહી છે. જે માણસ ધરતીની છાતીમાં બીજ વાવીને દુનિયા માટે અનાજ ઊગાડી જાણે એ કદી નિર્દય હોઈ શકે ખરો? એ લોકો પોતાની માતૃભૂમિની નિશ્ચિત સુરક્ષાથી દૂર ધકેલાઈને અહીં જેલની આ સાવ અણજાણ અને સમજણના પ્રદેશ બહારની દુનિયામાં આવી પડ્યા છે.

પૂર્વના જે પ્રદેશોમાંથી આ વૉર્ડનો અહીં આવ્યા છે એ પૂર્વના પ્રદેશોમાં હવે કંઈ જ બચ્યું નથી. સઘળું ક્યારનું ખેદાનમેદાન થઈ ચૂક્યું છે. યુદ્ધના ખપ્પરમાં આ વૉર્ડનોના ઘર-બાર, માલ-મત્તા અને પરિવાર-વંશજો – બધું જ હોમાઈ ચૂક્યું છે. જીવવાના વાંકે એકલતા જીરવતા વૉર્ડનની વાચા પણ આ આઘાતોએ હરી લીધી છે. એમણે તો સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય કે એમના હૃદયે આવો બોજ વેઠવાનો આવશે. ખરું પૂછો તો દુનિયામાં કયો માણસ હશે જે પોતાની અને પોતાનાઓની આવી તારાજીનું દુઃસ્વપ્ન જોતો હશે? ‘’ભગવદગીતા’ (સૉનેટ ૬૬)માં તો કૃષ્ણ હતા જેના કારણે અર્જુનનો ‘અપરાધભાવ વિજય અને શક્તિમાં રૂપાંતરિત થાય છે,’ પણ એ મહાભારત હતું, આ વિશ્વયુદ્ધ અને એના પરિણામ છે. જેલમાં બેસીને યુદ્ધના દુષ્પરિણામો જોઈ રહેલા કવિને ‘અપરાધ’ભાવ (Guilt) (સૉનેટ ૩૯) પણ થાય છે: ‘મારે મારી ફરજ વેળાસર સમજી જવાની હતી. મેં મારો નિર્ણય વધુ લાંબ સમય સુધી રોકી રાખ્યો. હું જાત અને અન્યો સાથે જૂઠું બોલ્યો.’ યુદ્ધની જે તારાજીની જાણ હોવા છતાં કવિ ‘પૂરતા મોટા અવાજે અને સ્પષ્ટ ચેતવણી’ આપી શક્યા નહોતા, આ વૉર્ડનો એ જ તારાજીનો શિકાર થઈ અહીં આવ્યા છે. અહીં જેલમાં સર્વેસર્વા હોવા છતાં તેઓ મૂંગા-મૂંગા જ ફરે છે. ભાગ્યે જ બોલે છે. જેલરની આંખોમાં તો કરડાકી હોય. એ તો પોતાને કેદીઓના ભાગ્યવિધાતા ગણતા હોય. પણ આ લોકો તો યુદ્ધના હાથે પાયમાલ થઈ ચૂકેલાઓ છે. એમની આંખો કદી-મદી વિનમ્રતાથી એ જ પૂછવા ઇચ્છે છે કે માતૃભૂમિના દુર્ભાગ્યનો આવો વિકટ બોજ એમના દિલે શા માટે વેંઢારવાનો આવ્યો? શું મનુષ્યને શાંતિ અભિપ્રેત જ નથી?

તેઓ જીવી રહ્યા છે. કદાચ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી હોવાના ન્યાયે જ સ્તો. કદાચ આ વૉર્ડનોને હજી પણ જિંદગીની એકાદી નિશાનીની પ્રતીક્ષા છે. આ ‘જીવનપ્રતીકની પ્રતીક્ષા’ ઘણું બધું કહી જાય છે. જેલની નિર્જીવ દીવાલો અને સળિયાની વચ્ચે સેંકડો કેદીઓ અને ઘણાબધા ચોકીદારો-વૉર્ડનો જીવી રહ્યા છે પણ કવિનો આ શબ્દપ્રયોગ એ વાતનો સાફ ઈશારો છે કે આ જીવન જીવન નથી. આ જિંદગી મૃત્યુથી વિશેષ કંઈ જ નથી. કેદી કવિની જેમ જ વૉર્ડનો પણ આ વાત કદાચ સમજે છે, માટે જ તેઓ ક્યાંક કોઈક જગ્યાએ જીવનની એકાદી નિશાની જડી આવે એની આશામાં જ કદાચ જીવી રહ્યા છે. તેઓ ચુપચાપ પોતપોતાનું કામ કર્યે રાખે છે. કેદીઓની જેમ જ તેઓ પણ મૂંગામૂંગા કદાચ પોતાના ભવિષ્યની, કોઈક આશાના કિરણની રાહ જોઈ રહ્યા છે. જોવા જઈએ તો તેઓ પણ કેદી જ છે ને? કેદીકવિ વૉર્ડનની સાંકળ-સળિયા વિનાની ‘ખુલ્લી’ જેલ જોઈ-સમજી શકે છે પણ શું વૉર્ડનોને આ સમજ હશે? પાયમાલીની દીવાલોમાં, ઉદાસીના સળિયા વચ્ચે એકલતાની સાંકળમાં કેદ વૉર્ડનોને પોતાનો કારાવાસ શું સમજાશે? કાલે? પાછળથી? ક્યારેય? છેલ્લા વાક્યમાં એક પછી એક આવતા ચાર પ્રશ્ન જાણે મશીનગનમાંથી છૂટેલી ચાર ગોળીઓ છે જે તમને આરપાર વીંધી નાંખે છે…

આપણા બધાની અંદર એક આલ્બ્રેશ્ટ હૌસહૉફર વસે છે, જે આપણને આપણી વ્યર્થ લડાઈઓ અને જાતે ઊભી કરેલી કેદમાં કેદી બની ચૂક્યા હોવા અંગે સમજાવવા માંગે છે, પણ શું આ વાત આપણને સમજાશે ખરી? આવતીકાલે? પછી? ક્યારેય પણ?

ગ્લૉબલ કવિતા : ૧૧૮ : સાગર અને શશી – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

(શંકરાભરણ)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે !
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા, કેલિકૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

ગુજરાતી કવિતામાં દોરાયેલું અજર-અમર પ્રકૃતિચિત્ર

સાગર અને ચંદ્ર નહીં જોયા હોય એવો માણસ મળવો મુશ્કેલ. હા, આથમતી સાંજે સાગરના પાણી પરથી ચંદ્રને ઊગતો બધાએ નહીં જ જોયો હોય પણ જે ભાગ્યશાળીને આથમતી સાંજે દરિયાના પાણી પરથી ચંદ્રોદય જોવા મળ્યો હશે એ માણસ એ દૃશ્ય આજીવન વિસરી નહીં શકે. કંઈ અજબ ચુંબક છે આ દૃશ્યમાં. સાગર અને ચંદ્ર બંને સ્વતંત્ર રીતે જીવમાત્રને અસ્તિત્વના પહેલા દિવસથી આકર્ષતા આવ્યા છે પણ એ બંનેનું ‘કૉમ્બિનેશન’ તો જાણે કે ‘ફેટલ’ જ છે. જાગ્રત મનુષ્યના ચિત્તતંત્રને લકવો મારી જાય એવું પ્રબળ ચુંબકીય સૌંદર્ય આ મારકણું સંયોજન ધરાવે છે. આદિ કવિ વાલ્મિકીને શરદના નિરભ્ર આકાશમાં સરતા ચંદ્રને જોઈને નીલ સરોવરમાં તરતો શ્વેત રાજહંસ યાદ આવ્યો હતો તો અશોકવનમાં રાક્ષસીઓની વચ્ચે ઘેરાયેલી સીતાના નિસ્તેજ મુખને જોઈને અંધારાથી મુક્ત પણ વાદળોથી ઘેરાયેલ શરદના ચંદ્રનું સ્મરણ પણ થયું હતું. ઊછીનું તેજ લઈને પ્રકાશતો ચંદ્ર ભલભલાને આશિક બનાવી દે છે, ને એમાં સાગર ભળે તો તો સોને પે સુહાગા. કવિ કાન્ત એમની બહુખ્યાત રચનામાં સાગર અને શશીના મારકણા પ્રભાવને અમરત્વ આપી ગયા છે.

મણિશંકર રત્નજી ભટ્ટ. ‘કાન્ત’ -કવિ, નાટ્યકાર, વાર્તાકાર, અનુવાદક, આલોચક. જન્મ ૨૦-૧૧-૧૮૬૭ના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દામનગર મહાલમાં આવેલ ચાવંડ ગામમાં. માતા મોતીબાઈ. આર્થિક સ્થિતિ સાધારણ. પ્રાથમિક શિક્ષણ માંગરોળ અને મોરબીમાં, માધ્યમિક શિક્ષણ ગોંડલ અને રાજકોટમાં. શાળામાં ગાંધીજી, બ.ક.ઠાકોર તથા પ્રભાશંકર પટ્ટણી એમના સમકાલીન હતા. ૧૧ વર્ષની વયે પિતાનું નિધન. ૧૪ વર્ષની વયે કાવ્યસર્જનનો પ્રારંભ. ૧૫ વર્ષની વયે પ્રથમ લગ્ન નર્મદા (‘નદી’) સાથે. તર્કશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વિષયો સાથે બી.એ. મુંબઈમાં. પ્રશ્નોરા નાગર જ્ઞાતિના પ્રથમ ગ્રેજ્યુએટ. કાયદાનો અભ્યાસ કર્યો પણ પરીક્ષા ન આપી. દાદા મુકુન્દ ભટ્ટ કવિ હતા, કાકા કથાકાર હતા. બનેવી ગિરજાશંકર ભટ્ટ પાસેથી છંદાલંકાર શીખ્યા. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં થતા જ્ઞાતિજનોના કવિતાવિલાસનો કવિ તરીકે કાન્તના વિકાસમાં પ્રધાન ફાળો હોવાનું મનાય છે. પાશ્ચાત્ય બુદ્ધિવાદ, નીતિશાસ્ત્રના અભ્યાસ અને અંગ્રેજી કવિતાના આચમનથી એમની માંહ્યનો સાહિત્યકાર અલગ રીતે જ ઘડાયો. પહેલાં થોડો સમય ૧૮૮૯માં સુરતમાં શિક્ષક તરીકે અને પછી ૧૮૯૦થી ૧૮૯૮ સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, ઉપાચાર્ય અને અંગભૂત ટ્રેનિંગ કોલેજના આચાર્ય તરીકે સેવા બજાવી. પહેલી પત્નીના નિધનના વરસ બાદ ૧૮૯૨માં ફરી નર્મદા (‘ન્હાની’) નામની જ સ્ત્રી સાથે બીજા લગ્ન, જેનું ૧૯૧૮માં અવસાન થયું. ૧૮૯૮માં સ્વીડનબૉર્ગમાં શ્રદ્ધા થતાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. કુટુંબીઓએ પ્રાયશ્ચિત કરાવ્યું જે કામચલાઉ નીવડ્યું. ૧૯૦૦માં બાપ્ટિઝમ લઈ ખ્રિસ્તી બન્યાની જાહેરાત કરી. ધર્મપરિવર્તનના કારણે નોકરી, જ્ઞાતિ, પત્ની-બાળકો અને મિત્રોથી પણ અળગા થવાનું થયું. ચારેતરફના પ્રચંડ દબાણને વશ થઈ ફરી બ્રાહ્મણ થયા પણ હૃદયથી આજીવન ખ્રિસ્તી જ રહ્યા. ૧૮૯૮થી ૧૯૨૩ સુધી એમણે ભાવનગર રાજ્યમાં પહેલાં શિક્ષણ અધિકારી અને પછીથી મહારાજાના સેક્રેટરી તરીકે નોકરી કરી. હિંદી સ્વીડનબૉર્ગ સૉસાયટીની ૧૯૧૪માં સ્થાપના કરી અને આજીવન પ્રમુખ રહ્યા. ૧૯૨૩માં કાશ્મીરના પ્રવાસે ગયા. ખિસ્સું ગરીબીનો ને શરીર ન્યુમૉનિયાનો શિકાર થયું. ૧૬-૬-૧૯૨૩ના રોજ રાવળપિંડીથી લાહોર આવતી મેલટ્રેનમાં તેમનું અવસાન થયું. અવસાનના દિવસે જ અમદાવાદમાં એમનો સંગ્રહ ‘પૂર્વાલાપ’ પ્રગટ થયો.

ગુજરાતી સાહિત્ય પરિષદ ‘કાન્ત’ને ‘ગુજરાતી કવિતાની એક ઘટના’ તરીકે ઓળખાવે છે. કવિ કાન્ત દેખાવે ખૂબ જ પ્રભાવક હતા. કપિલરાય ઠક્કરની નોંધ મુજબ ભૂરા બંધ કોલરના કોટ-પાટલૂન, બેઉ ખભે ઝૂલતો ખેસ, માથે પોપટિયો રેશમી ફેંટો, બૂટ-મોજાં, સોનેરી ફ્રેમનાં ચશ્માં, ભરાવદાર મૂંછ, પડછંદ ભરાઉદાર કાયા, ભીનો વાનવાળા કવિ તરત જ મુલાકાતી પર પ્રભાવ જમાવતા. એમનું વક્તૃત્વ પણ એવું જ પ્રભાવશાળી હતું. રા. વિ. પાઠકના મતે ‘કાન્તના જીવન અને કાવ્યોને બે સમયમાં વહેંચી શકે એવું સીમાચિહ્ન ખ્રિસ્તી ધર્મનો અંગીકાર જ છે.’ પહેલાં અજ્ઞેયવાદી, પછી એકેશ્વરવાદી, એ પછી ખ્રિસ્તી, અને ફરી બહારથી બ્રાહ્મણ અને ભીતરથી ઈસાઈ –આ બદલાવો કાન્તના ઈશ્વર, ધર્મ અને સત્યના માર્ગના અનવરત પ્રવાસના પાસપૉર્ટ છે. ધર્માંતર બાદની એમની રચનાઓમાં કવિત્વ ઝાંખું થયેલું અનુભવાય છે. પણ સરવાળે, ધર્મમંથન, ન્યાય અને સત્યની શોધ અને આંતરયાત્રા એમની કવિતાઓના પ્રધાન રંગ રહ્યાં છે. અભૂતપૂર્વ ભાષાસૌષ્ઠવ અને છંદવૈભવ એમની કવિતાઓમાંથી છલકાય છે. સર્વાંગી પ્રાસ, લવચિક લય, નાદસૌંદર્ય, લાલિત્યપૂર્ણ શૈલી, અને અર્થગહન અભિવ્યક્તિ પરની કુદરતી હથોટીના કારણે એમની રચનાઓ ગુજરાતી સાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે. ગુજરાતીમાં પ્રથમ અંજનીગીત અને પ્રથમ ખંડકાવ્ય આપવાનું શ્રેય એમના ફાળે જાય છે.

સાગર અને શશી’ પહેલવહેલીવાર ૧૯૦૨માં ‘વસંત’ સામયિકમાં પ્રગટ થયું હતું. એક સદીથીય વધુ વર્ષોનાં વહાણાં વહી જવા છતાંય એની તાજગી અને સૌંદર્ય લગરિક ઓઝપાયાં નથી. ચંદ્રકાન્ત શેઠના મતે ‘સાગર અને શશીનું સાલંકૃત સૌંદર્ય અનન્ય છે.’ નિરંજન ભગત આ કવિતાને ‘ગુજરાતી ભાષાનું સર્વોત્તમ અદ્વિતીય સંગીતકાવ્ય’ ગણાવે છે. પ્રસાદ બ્રહ્મભટ્ટ આ કવિતાને ‘આંતરબાહ્ય એકમયતાનો કલાનુભવ કરાવતી સર્વાંગસુંદર રચના’ કહી વધાવે છે. ઝુલણા છંદના પ્રલંબ લયમઢ્યું આ કાવ્ય ગુજરાતી કાવ્ય-સાહિત્યનું એક સોનેરી પૃષ્ઠ છે! શીર્ષક પછી કવિતાના મથાળે કવિ શંકરાભરણ શબ્દ મૂકે છે. શંકરાભરણ એટલે સાત શુદ્ધ સ્વરોયુક્ત એક સંપૂર્ણ જાતિ રાગ. તેનો ગ્રહસ્વર સા, વાદી સ્વર મ, સંવાદીસ્વર સા, અને ન્યાસ સ્વર ગ છે. અંગ્રેજીમાં તેને નેચરલ સ્કેલ કે ડાયા ટૉનિક સ્કેલ કહે છે. શંકરાભરણની ચાલમાં ચાલતા આ કાવ્યમાં કવિએ પરંપરિત ઝુલણા છંદના સાડત્રીસ માત્રાના નિયમનો સાયાસ ભંગ પણ કરેલો જણાય છે. નરસિંહ મહેતાએ બહુઆયામી રીતે આજ છંદનો વિનિયોગ કરી પ્રભાતિયાં રચ્યા હતાં. શંકરાભરણ કે શંકરો રાગ પણ પ્રભાતિયાના રાગને મળતો આવે છે. કવિ કાન્ત ગોપનાથના દરિયાકિનારે થતા ચંદ્રોદય અને એના કારણે સાગર અને એ રીતે ઊરમાં આવતી -જામતી- ભરતીને આલેખવા આ જ ઝૂલણા છંદ શંકરાભરણની ચાલમાં પ્રયોજે છે ત્યારે સૂર-શ્રુતિના લયાન્વિત આંદોલનો ભાવકને ઝૂમી ઊઠવા મજબૂર કરી દે છે. ‘ગાલગા’ ‘ગાલગા’ ‘ગાલગા’ના આવર્તનોમાંથી પ્રકટતા સંગીતમાંથી સાગરના ‘આવ-જા’ ‘આવ-જા’ ‘આવ-જા’ કરતા મોજાંનું દૃશ્ય-શ્રાવ્ય ચિત્ર એ રીતે ઊભું થાય છે કે એમ લાગે કે બીજો કોઈ છંદ આ કાવ્યમાં નભી શક્યો જ ન હોત! કાવ્ય પણ છંદ, રાગ અને સાગરની લહેરોની જેમ દ્રુતવિલંબિત લયમાં ચાલે છે. ક્યારેક લય ઝડપી (સ્નેહઘન કુસુમવન…ગહન) ભાસે છે અને ક્યારેક ધીમો (આજ મહારાજ…હર્ષ જામે), જાણે સાગરના મોજાંની સાથે તાદાત્મ્ય ન સાધતો હોય! સુરેશ જોષીના મતે ‘કથયિતવ્યના આકાર વિશેની આવી સૂક્ષ્મ સૂઝ ગુજરાતી કાવ્યસાહિત્યમાં એક વિરલ ઘટના છે.’

કવિતામાં ‘મહારાજ’ અને ‘પિતા’ એમ બે સંબોધન નજરે ચડે છે. કવિતા પાછળની વાર્તા આ સંબોધન પર થોડો પ્રકાશ ફેંકવામાં સહાયક નીવડે એમ છે. આ કવિતાનું પ્રેરકબળ ભાવનગરના મહારાજ ભાવસિંહ હતા. કહેવાય છે કે ગોપનાથના દરિયાકિનારે કવિની પીઠ પર હાથ મૂકીને ભાવસિંહે કવિને કવિતા લખવાનું આહ્વાન આપ્યું હતું, પરિણામે આ રચના થઈ હતી. એ રીતે મહારાજ સંબોધન મહારાજા માટે પ્રયોજાયું હશે એમ માની શકાય પણ એવું માનવામાં આગળ આવતું ‘પિતા’ સંબોધન નડતરરૂપ બને છે. એટલે, કાન્તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યા બાદનું આ કાવ્ય હોવાથી ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વર માટે વપરાતાં Lord અને Father સંબોધનોનો આ સીધો તરજૂમો હોવાનું સમજી શકાય છે. જો કે આ ગીત રચાવા પાછળની વધુ પ્રમાણભૂત હકીકત એ છે કે ૧૮૯૭માં કાન્તના કલાપી સાથેના અને ન્હાનાલાલ સાથેના મૈત્રી સંબંધનો આરંભ થયો હતો. ૧૯૦૨માં કાન્તના પત્ની ‘ન્હાની’ની પ્રસૂતિ સમયે ન્હાનાલાલ અને માણેકબહેન ભાવનગર આવીને કાન્ત સાથે રહ્યાં હતાં. આ સમયે કાન્ત અને ન્હાનાલાલ નાના ગોપનાથ ગયા હતા અને હાથબ બંગલાની અગાસીમાંથી સાગરતટ પર પૂર્ણિમાના ચન્દ્રનું દર્શન કર્યા બાદ પછી કાન્તે ૦૬-૦૬-૧૯૦૨ના રોજ ‘સાગર અને શશી’ કાવ્ય રચ્યું હતું. અને ન્હાનાલાલે ‘સાગરને’ તથા ‘પુર્નલગ્ન’ કાવ્યો રચ્યાં હતાં.

ખેર, કવિ અને કવિતાનો ઇતિહાસ ભલે કવિતા સમજવામાં ઉપકારક કેમ ન થતો હોય, ખરી મજા તો કવિતાને કવિતાના ધોરણે આસ્વાદવામાં જ રહી છે. કથક કહે છે કે, મહારાજ! આજે જળ પરથી ચંદ્રનો ઉદય જોઈને હૃદયમાં હર્ષ ‘જામે’ છે. જળ પરથી ચંદ્રોદય તો બનવાજોગ છે કે આ પૂર્વે પણ ઘણીય વાર જોયો જ હશે પણ જે મજા ‘આજ’માં છે, એ અભૂતપૂર્વ છે. વળી, હર્ષ થયો એમ કહેવાના બદલે કવિ હર્ષ સાથે કદી વપરાયેલ નહીં હોય એવું અનૂઠું ‘જામે’ ક્રિયાપદ પ્રયોજે છે. આ એક જ શબ્દ વડે કવિ અમૂર્ત હર્ષભાવને સફળતાપૂર્વક મૂર્ત કરી આપે છે. સમજી શકાય છે કે આ એવો ઘનીભૂત થયેલો આનંદ છે જેને સમય પણ પીગાળી, મિટાવી શકનાર નથી. સાગર અને શશી વચ્ચેનું સ્નેહસૂત્ર પણ ફરી યાદ કરી લેવા જેવું છે. ચંદ્ર આપણી સૌથી નજીકનો ગ્રહ- પૃથ્વીનો ઉપગ્રહ છે. શ્રીમદ્ભાગવત અનુસાર એ મહર્ષિ અત્રિ અને અનસૂયાનો પુત્ર છે. સમુદ્રમંથન દરમિયાન ઉત્પન્ન થયો હોવાના નાતે ચંદ્ર લક્ષ્મી અને કુબેરનો ભાઈ પણ કહેવાય છે. શંકર ભગવાને એને પોતાના માથા પર ધારણ કર્યો છે. ચંદ્રમાં રહેલ ડાઘાઓએ તો વિશ્વભરની કથાઓ-કવિતાઓને ચાલકબળ પૂરું પાડ્યું છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ચંદ્રનું ખાસ્સું મહત્ત્વ છે. ચંદ્રના ગુરુત્વાકર્ષણ અને તેના પૃથ્વી ફરતેના પરિક્રમણ દ્વારા જન્મતા કેન્દ્રગામી બળના કારણે સમુદ્રોમાં ભરતી-ઓટ આવે છે. શુક્લ કે સુદ પક્ષ દરમિયાન ચંદ્રની વૃદ્ધિની સાથોસાથ સાગરમાં ભરતી જન્માવતી લહેરો પણ વૃદ્ધિશીલ થતી જાય છે અને પૂર્ણિમાના દિવસે તો ચંદ્ર ચુંબકની જેમ ખેંચતો હોય એ રીતે આકાશ આંબતી લહેરો ઊછળે છે. કૃષ્ણ કે વદ પક્ષના પખવાડિયામાં મોજાંઓની આ ચંચળતા ક્રમશઃ મંદ થતી જાય છે. આપણાં શરીરનો મોટો ભાગ પાણીથી બન્યો હોવાથી ચંદ્રની કળાઓ આપણી માનસિક સ્થિતિ પર પણ અસર કરે છે એમ માનવામાં આવે છે. પૂનમની રાતોએ પાગલપનની તીવ્રતા અને આત્મહત્યાની સંખ્યા અન્ય દિવસોની સરખામણીએ વધુ હોવાનું મનાય છે. ચંદ્ર માટેના લેટિન શબ્દ લૂના પરથી જ લૂનેટિક (પાગલ) શબ્દ બન્યો છે.

આકાશ કઈ ઋતુનું છે એ કવિ કહેતા નથી. ચંદ્ર પણ કઈ કળાએ છે એ પણ કવિ કહેતા નથી પણ જે ચંદ્રોદય અનનુભૂત આનંદ અને સાગરમાં ભવ્ય ભરતી જન્માવે છે એ ચંદ્ર તો પૂર્ણિમાનો ફુલ્લકુસુમિત ચંદ્ર જ હોઈ શકે ને! રાતનો સમય છે અને રાતનું સૌથી મોટું સુખ એ છે કે એ કાળા રંગની પીંછીથી દુનિયાને રંગી દે છે અને આપણી નજરોથી ગાયબ કરી દે છે. અંધારામાં બહુ ઓછી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, પરિણામે જે કંઈ આપણે જોઈ શકીએ છીએ એનો પૂર્ણાનંદ લઈ શકીએ છીએ. અંધારામાં સમુદ્ર ઉપરથી ઊંચે ઊઠતા ચંદ્રના પ્રકાશમાં આકાશમાં વાદળો નજરે ચડે છે. રાત્રે વાદળો દેખાય છે માટે આ વરસાદ આણતાં કાળાં વાદળો નહીં, પણ હળવાંફૂલ થઈ ઊડતાં શુભ્ર વાદળો છે. મતલબ કે આ આકાશ ચોમાસાનું આકાશ નથી. કવિ કહે છે, ‘સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે.’ સ્નેહનાં વાદળો એ એ રીતે આકાશમાં ઘેરાઈ રહ્યાં છે, જાણે ફૂલોનાં વન ન હોય! સુરેશ જોષી ‘જોયું ને, વનમાં કુસુમ નહીં, કુસુમોનું જ વન’ કહીને કવિના શબ્દપ્રયોગમાં છૂપાયેલી કવિતા આબાદ શોધી બતાવે છે. અને ફૂલોનું વન હોય તો સુગંધનો દરિયો પણ હોવાનો જ. પણ આ સુગંધ શુદ્ધ અને ગહન-અકળ-ઊંડી સુગંધ છે. કવિએ જ્યાંથી સાગર પર ચંદ્રોદય જોયો હશે ત્યાં કદાચ બગીચો પણ હોય અને ફૂલોની ખુશબૂ નાક સુધી પહોંચી પણ હોય એ શક્ય છે પણ સાચું કવિકર્મ જ એ છે જે સમષ્ટિમાંના એક તત્ત્વને બીજામાં અને વયષ્ટિની એક ઇન્દ્રિયને બીજામાં ખબર પણ ન પડે એ નાજુકાઈથી ભેળવી દે છે. દૃશ્ય સાવ સાદું છે. કોઈ સાફ વાતાવરણવાળી ઋતુની રાતે દરિયા પરથી ચંદ્ર ઊગી રહ્યો છે અને સ્વચ્છ આકાશ આખું શ્વેત વાદળોથી ભર્યું પડ્યું છે, જે ચંદ્રના પ્રકાશથી વધુ દેદિપ્યમાન નજરે આવે છે. પણ કવિને અહીં સ્નેહનાં વાદળો નજરે ચડે છે ને આ વાદળોમાં આકાશમાં ફૂલોનું મઘમઘતું વન દેખાય છે. ત્રણ જ પંક્તિમાં જે દૃશ્ય આપણે આંખોથી પીવાનું હતું, એ કવિ આપણને ઘ્રાણેન્દ્રિયથી સૂંઘાડે છે. કેવો અદભુત ઇન્દ્રિયવ્યત્યય! દિલોદિમાગને તર કરી દેતી આ અવર્ણનીય સુગંધ વળી અકળ છે.

ચોથી પંક્તિમાં ‘નિજ’ શબ્દ વાપરીને કવિ આખી વાતને નવું જ પરિમાણ બક્ષે છે. કવિતા સામાન્યરીતે વયષ્ટિનું સમષ્ટિમાં વિસ્તરણ કરતી હોય છે, અહીં કવિ સમષ્ટિને વયષ્ટિમાં આટોપવાનું ભગીરથ કામ કરે છે. નજર જ્યારે સમુદ્ર પરથી થઈ રહેલ ચંદ્રોદય અને વાદળપુંજને નિરખી રહી છે, એ સમયે કથકની પોતાની ભીતર, એની ખુદના આકાશમાં પણ શુભ્ર વાદળાચ્છાદિત આભમાં ચંદ્રોદય થઈ રહ્યો છે અને કશીક ગહન ગંધથી આખું અસ્તિત્ત્વ તરબતર થઈ રહ્યું છે. કદાચ એટલે જ, કવિ કહે છે કે કાલના સર્વ સંતાપ શામે! કાળ બધી સમસ્યાઓનો વાહક છે. કાળના ઉધામા ઘણીવાર અસહનીય બની રહેતાં હોય છે. ક્યારેક વીતી ગયેલો સમય વીતાડે છે, ક્યારેક ન આવેલો સમય સતાવે છે તો ક્યારેક આજનો તાપ દઝાડે છે. સમયના ગર્ભમાં જ જીવનની સૌ સમસ્યા પણ રહેલી છે ને ઈલાજ પણ. એક અદભુત પ્રકૃતિચિત્રને પ્રત્યક્ષ નિહાળવાના સૌભાગ્યની પ્રતીતિ ઇન્દ્રિયગોચરતાને ઇન્દ્રિયાતીતતામાં પલોટે છે ત્યારે જે શાતા અનુભવાય છે એ સર્વ સંતાપ શમાવી દે છે. કાળા આભમાં ચમકતો ધોળો ચંદ્ર જાણે નૂતન જીવનરસથી છલકાતી ઈશ્વરની આંખ હોય એમ લાગે છે. પરિણામે તમામ ઉચાટો શાંત થઈ ગયાનું અનુભવાય છે. સુરેશ જોષી લખે છે: ‘આપણે મન કાળ એ સૌથી મોટી સીમા. કાળના પિંજરમાં રહેનારને આ અનુભવે એક વિશાળ કાલાતીત અવકાશમાં મૂકી દીધો. આ મુક્તિનો રસ તે કોઈ નવલ જ રસ છે અને એનું ઉદભવસ્થાન વાત્સલ્યમય પિતાના ધવલ નેત્રરૂપે ચન્દ્ર જ છે.’ દરિયાના મોજાં તો હજીય આવ-જા કરી જ રહ્યાં છે, ચંદ્ર પણ ક્રમશઃ ઉર્ધ્વગતિ કરી રહ્યો છે, વાદળો આકાશમાં અટક્યાં નથી, પવન પણ થંભ્યો નથી, પણ દર્શકની ભીતર હર્ષ અને શાતા હલાવી-પીગાળી-મિટાવી ન શકાય એ રીતે જામી ગયાં છે. કવિ ઇચ્છે છે કે ભાવકને પણ આ શાંતિની એટલી જ સઘન અનુભૂતિ થાય જેટલી એમને થઈ છે. માટે જ એ પોતાની વાત કરીને અટકી જવાને બદલે દોહરાવે છે: ‘પિતા! કાલના સર્વ સન્તાપ શામે!’ આ પુનરોક્તિ કવિચેતનાને ભાવકચેતના સાથે સંગોપીને દૃઢીભૂત કરે છે.

જલધિ યાને સાગરના મોજાંઓના સમુહને કવિ જલધિજલદલ કહી સંબોધે છે. જેમ આકાશમાં વીજળી ચમકે છે એમ જ દરિયામાં આવતા-જતાં રહેતાં મોજાંઓ ઉપર રેલાતા ચંદ્રપ્રકાશના કારણે જાણે પાણી ઉપર વીજળી ચમકતી ન હોય એમ કવિને લાગે છે. આકાશના સરોવરમાં યામિની યાને રાત્રિની હોડી સરકી રહી છે. સુરેશ જોષી ‘યામિની’ શબ્દપ્રયોગમાં ‘યામ’ યાને પ્રહર, કાળનો શ્લેષ પણ સમાવિષ્ટ જુએ છે. નીચે દરિયો સતત ગતિશીલ છે પણ માથે આકાશ સરોવર જેવું નીરવ શાંત છે પણ વાતાવરણમાં કામિની કોકિલાનો કૂંજારવ પ્રાણ ભરી દે છે. દૃશ્યેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય બાદ હવે શ્રવણેન્દ્રિય પણ કામમાં આવે છે. અને જેમ-જેમ ઇન્દ્રિયો જાગૃત થતી જાય છે, તેમ-તેમ અનુભવ ઇન્દ્રિયાતીત થતો જાય છે. ભરતી જેવી રોજની ઘટના પણ હવે ભવ્ય ભાસે છે. સમગ્ર સૃષ્ટિ સમુલ્લાસિત થઈ રહે છે. જેમ આનંદની અવધિએ આપણે આપણને હળવાફૂલ થઈ ગયેલાં અનુભવીએ છીએ એમ જ ઉલ્લાસના આ મહાસાગરમાં સમગ્ર સૃષ્ટિ એવી તો હળવી થઈ ગયેલી ભાસે છે કે એકદમ સહજતાથી, સાવ અનાયાસ પાણીમાં સરી-તરી રહેલી હોડી જેવી નજરે ચડે છે. વળી, આ ઉલ્લાસની પરાકાષ્ઠા છે, પરમ આનંદની ચરમસીમા છે એટલે ફરી એકવાર કવિ પોતાની વાતની પુનરોક્તિ કરતાં ‘પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી’ના હર્ષોદ્ગારને બેવડાવે છે. જગતચેતના અંગતચેતના લગી અને અંગતચેતના ફરી જગતચેતના સુધી પ્રસાર પામે છે. વ્યક્તિ અને પ્રકૃતિ વચ્ચે અનુપમ સાયુજ્ય સર્જાય છે. સરવાળે કવિતા જે ચિત્રાનુભૂતિ ભાવકના ચિત્તતંત્ર પર સફળતાપૂર્વક છોડી જાય છે એ પછી કાયમ રહે છે…

દરિયાઈ લહેરો સાથેના છંદના તાલમેલ ઉપરાંત કવિતામાં જે વર્ણસગાઈ અને વર્ણાનુપ્રાસ કવિએ પ્રયોજ્યાં છે એ કદાચ ગુજરાતી કવિતામાં સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. જલધિ-જલ, દલ-દામિની-દમકતી, કામિની-કોકિલા-કેલિ-કૂજન-કરે, ભાસતી-ભવ્ય-ભરતી વગેરેમાં આવતી વર્ણસગાઈ સમુદ્રની લહેરોની જેમ એક પછી એક કવિતામાં આવ્યે રાખે છે અને લહેરોની છોળની જેમ ભાવકને વર્ણસંગીતથી ભીંજવ્યે રાખે છે. આજ-મહારાજ, ઘન-વન-ગહન, વિમલ-પરિમલ, નવલ-ધવલ, જલ-દલ, યામ્(ઇની)-(વ્)યોમ, દામિની-યામિની-કામિની, (વ્યોમ)સર-સર(તી), તર(લ)-તર(ણી)-સર(લ)-સર(તી) વગેરેમાં યમક અથવા વર્ણાનુપ્રાસની ચમત્કૃતિનું જે ગાન આલાપે છે એ પણ અલૌકિક છે. છંદ-અલંકારોના વ્યાકરણથી બિલકુલ અનભિજ્ઞ ભાવક પણ સાવ અજાણતાંય આ સંગીતમાં આપોઆપ લીન થયા વિના રહેતો નથી. કદાચ, એટલે જ એક સદીથીય વધુ સમય વીતી ગયો હોવા છતાંય અમર થવા સર્જાયેલ આ કવિતા કાવ્યરસિકોને અવર્ણનીય અનુભૂતિ પ્રદાન કરતી આવી છે, ને કરતી રહેનાર છે…

ગ્લૉબલ કવિતા: ૧૧૬ : આંસુ – ઉશનસ્

આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું :
લાવણ્ય એવું, વડવાગ્નિય કૈંક એવો;
એને રહ્યા મથી યુગોથી અસુર-દેવો;
પામી શક્યા ન તળિયું હજી એનું ઘેરું!

નાનું ટીપું જ, તટ જેવું કશું ન એને,
તોયે ન પાર હજી કોઈ ગયેલ, જાણું;
આ તો નરી જ મઝધાર બધે! પ્રમાણું,
ઘૂંટાયલી ભરતીનું રૂપ માત્ર જેને;

ના ટેરવું પણ શકે ડૂબી આંગળીનું,
તેમાં ગયાં સકલ વ્હાણ ડૂબી મહારાં;
તેમાં થયાં વિલીન ક્ષુબ્ધ તુફાન સારાં;
ના કો નિશાની શમણાંની ડૂબી તરીનું!


એવું અબોલ ઘન મૌન મુખે ધરીને
બેઠું, યથા શબ્દકોશ પૂરો ગળીને!

– ઉશનસ્

મૂંગું આંસુ દરિયાથી પણ ખારું લાગે? બોલો ને ભાઈ !

              આંસુ. આમ જોઈએ તો એક ટીપું જ માત્ર. એનું આયુષ્ય પણ કેટલું? આંખમાંથી સર્યું નથી કે ખતમ. આંગળીનું ટેરવું પણ આખું ભીનું ન કરી શકે એવા નાનેરા આંસુમાં જો કે દુનિયા આખી ડૂબી જાય છે. પહાડ સમા કઠોર નિર્ણયોને પીગાળી નાંખવાની તાકાત આંસુ ધરાવે છે. આંસુએ તો ઇતિહાસ રચ્યા છે અને બદલ્યા પણ છે જગ આખાના. આંસુ ગુલાબની કળી જેવા મઘમઘતા હોય છે તો ક્યારેક કાંટા જેવા નઠોર, તીક્ષ્ણ. આંસુ ક્યારેક પ્રિયજનના સાગર જેવા હૈયાના ઊંડાણનો તાગ કાઢી દેતા મોતી સમા મૂલ્યવાન હોય છે તો ક્યારેક સમજણના બારે વહાણના બેડાં ગરકાવ કરી દેનાર હોય છે. ક્યારેક એ બોલકાં હોય છે તો ક્યારેક સીવાયેલા હોઠ પાછળથી વહેતી રહેતી ચુપકીદીની નદી સમા. ક્યારેક પ્રગટપણે તો ક્યારેક અપ્રગટપણે, પણ માણસ આંસુ જરૂર સારે છે. આંસુ ઉપર લખાયેલી સર્વશ્રેષ્ઠ ગુજરાતી કવિતા  કઈ એમ કોઈ પૂછે તો કદાચ ઉશનસની આ કવિતા જવાબમાં સામે ધરી શકાય.

               ‘ઉશનસ્.’ નટવરલાલ પંડ્યા. બીજું ઉપનામ ‘આરણ્યક.’ જન્મ વડોદરા જિલ્લાના સાવલી ખાતે ૨૮-૦૯-૧૯૨૦ના રોજ. ગૌડ બ્રાહ્મણ. માતા લલિતાબહેન. પિતા કુબેરભાઈ રણછોડભાઈ પંડ્યા. ચાર ભાઈ અને એક બહેનમાં તેઓ સૌથી નાના. રાશિ મુજબનું નામ ચંદ્રકાન્ત પણ ક્યારે નટવર નામ પડી ગયું એ કવિનેય યાદ નહોતું. બાળપણ વીત્યું રુદ્રમાળના ખાંચામાં. મહેસાણા, સિદ્ધપુર, સાવલી, ડભોઈ, વડોદરા એમ અલગ-અલગ ગામ-શહેરોમાં પ્રાથમિક વિદ્યાભ્યાસ. અભ્યાસ ગુજરાતીમાં બી.એ., સંસ્કૃતમાં એમ. એ., ટીચિંગ ડિપ્લોમા અને હિન્દીમાં કોવિદ. ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન એક વર્ષ કોલેજ છોડી દીધી હતી. ૧૯૩૯માં કાલોલના શિવશંકર ભટ્ટની દીકરી શાંતા સાથે લગ્ન. ત્રણ દીકરીઓના પિતા બન્યા. ૧૯૪૨-૪૬ દરમિયાન વડોદરાની રોઝરી હાઇસ્કૂલમાં શિક્ષક અને આકાશવાણીમાં ‘નભોવાણી’ના તંત્રી. નવસારીની ગાર્ડા કોલેજમાં ૧૯૪૭થી ૫૭ સુધી અધ્યાપક રહ્યા બાદ વલસાડને કર્મભૂમિ બનાવી. ૧૯૫૭થી આર્ટ્સ કોલેજ, વલસાડમાં અધ્યાપક અને ૧૯૬૮થી શરૂ કરી ૧૯૮૦માં આચાર્યપદેથી નિવૃત્ત થયા. ૧૯ વર્ષની વયે એમનું પ્રથમ કાવ્ય ‘પ્રસ્થાન’માં પ્રગટ થયું અને ૩૫ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રસૂન.’ દોઢ ડઝનથી વધુ કાવ્યસંગ્રહો આપ્યા. ઉશનસની કવિતા અનુગાંધીયુગ સાથે અનુસંધાન ધરાવે છે. પણ સાથોસાથ ગાંધીયુગની કવિતા સાથે પણ તાલમેલ ધરાવે છે. કવિ ઉપરાંત તેઓ સમર્થ વિવેચક, ચરિત્રકાર, નાટ્યકાર અને નવલકથાકાર પણ હતા. ૧૯૭૯માં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ. ૧૯૭૬ માં યુરોપ-કૅનેડા-અમેરિકાનો પ્રવાસ. ૧૯૫૯માં કુમારચંદ્રક, ૧૯૭૧માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. આ સિવાય અસંખ્ય પારિતોષિકોથી સન્માનિત થયા. નિધન ૦૬-૧૧-૨૦૧૧ના રોજ વલસાડ ખાતે.

              કવિતાને એમણે ચાહી કે કવિતાએ એમને ચાહ્યા એ કહેવું દોહ્યલું છે. કવિતાને તેઓ એક જાતનું Home coming ગણતા હતા. વિપુલમાત્રામાં વિવિધતાસભર કાવ્યો એમણે આપ્યા. એમની કવિતાઓ પર કાલિદાસ, રવીન્દ્રનાથ, શેક્સપિયર જેવા મહાકવિઓ ઉપરાંત ગાંધીજી, વિનોબા જેવી વિભૂતિઓ અને ઉમાશંકર, બ.ક.ઠાકોર, સુન્દરમ્ જેવા પંડિતયુગ અને ગાંધીયુગના કવિઓનો પ્રભાવ જોવા મળે છે. પણ અન્ય યુગપુરુષ કવિઓની જેમ નવા યુગની કવિતા- ખાસ તો ગઝલ સામે નાકનું ટોચકું ચડાવવાને બદલે એમણે પોતાની સ્થિતિસ્થાપકતાનો સબળ પુરાવો આપીને બે-ચાર ગઝલો નહીં, આખો ગઝલ સંગ્રહ પણ આપ્યો. ગઈ કાલ અને આજની વચ્ચે આવું અદભુત સમતુલન જાળવી શકનાર ગુજરાતી કવિ ભાગ્યે જ બીજો કોઈ થયો હશે. જો કે ગઝલ અને કંઈક અંશે ગીત એમને જોઈએ તેવા હસ્તગત થઈ ન શક્યા, ગઝલ તો ખાસ. ગઝલશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ન હોવાના કારણે અને ગઝલ અને સૉનેટનો મૂળભૂત તફાવત સમજી શકવામાં નિષ્ફળ જવાના કારણે એમના વિપુલ સર્જનમાંથી ગઝલ કહી શકાય એવી રચના શોધવું કપરું થઈ પડે છે. સુરેશ દલાલ એમના વિશે લખે છે: ‘ગુજરાતી કવિતામાં ઉશનસની કવિતા વૈપુલ્ય અને વૈવિધ્યથી તો જુદી તરી આવે છે, પણ સવિશેષ જુદી તરી આવે છે એમની ભાષાથી. ઉશનસે કાવ્યનાં અજમાવી શકાય એટલાં બધાં જ સ્વરૂપો અજમાવ્યાં છે. એમની કુંડળીમાં સૉનેટનો ગ્રહ સૌથી પ્રબળ. ઉશનસની કલમ પોતાના વ્યાપમાં અનેક વિષયોને સમાવી લે છે. એમની કવિતામાં જનમપૂર્વેનું કોઈ વિરહનું દર્દ છે અને એમના શબ્દોમાં સંભળાય છે ‘માટીનો ડૂમો.’ કવિએ જીવન અને જગતને છેક છેડા પરથી નહીં પણ મધ્યમાં રહીને સમતોલ દૃષ્ટિથી જોયું છે. ઉશનસ્ એટલે ‘લૂંટવ્યું એટલી લ્હાણ’નો કવિ.’ ધીરુ પરીખ એમને સિસૃક્ષાનો પાતાળઝરો કહી ઓળખાવે છે.  

              પોતે ‘ઉશનસ્’ ઉપનામ શા માટે પસંદ કર્યું એ વિશે કવિએ જાતે કહ્યું હતું: ‘એ જમાનો જ ઉપનામ રાખવાનો હતો. એનાથી પ્રેરાઈને મેં પણ એંક ઉપનામો વિચારેલાં, પરંતુ જ્યારે ‘ગીતા’માં कवीनाम् उशना कविः વાંચ્યું ત્યારે ‘ઉશનસ્’ ઉપનામ ગમી ગયું, રાખી લીધું.’ ગીતાના દસમા અધ્યાયના સાડત્રીસમાં શ્લોકમાં શ્રીકૃષ્ણ પોતાનો પરિચય આપતાં અર્જુનને ‘કવિઓમાં હું ઉશના કવિ છું’ એમ કહે છે ત્યારે એ પ્રખર વિચારક, પ્રચંડ મેધાવી અને કુશાગ્ર રાજનીતિજ્ઞ અને અસુરોના ગુરુ એવા શુક્રાચાર્યની વાત કરે છે. ‘ઉશનસ્’ ઉપનામના મૂળ વિશે વિચારીએ ત્યારે કવિની પ્રજ્ઞા કેવી હશે એનો પણ ખ્યાલ મળે છે. ડૉ. અશ્વિન દેસાઈના મતે ‘ઉશનસ્’નો કોશગત અર્થ ભલે ગમે તે હોય પણ, કવિના કાવ્યકોશમાં ‘ઉશનસ્’નો અર્થ થાય છે –વ્યાકુલ વૈષ્ણવ.       

              કવિએ પ્રસ્તુત સૉનેટ માટે વસંતતિલકા છંદ પ્રયોજ્યો છે, જે ૧૪ અક્ષરનો અખંડ રૂપમેળ છંદ છે. ગણ ત, ભ, જ, જ + ગા ગા છે અને લગાત્મક બંધારણ ગાગાલગા લલલગા લલગા લગાગા છે. આઠમા અક્ષરે યતિ આવે છે. બાહ્ય સ્વરૂપની દૃષ્ટિએ આ શેક્સપિરિઅનશાઈ સૉનેટ છે, જેમાં ત્રણ ચતુષ્ક અને એક યુગ્મક મળીને ચૌદ પંક્તિ બને છે અને abba cddc effe gg પ્રકારની ચુસ્ત પ્રાસયોજના પ્રયોજવામાં આવી છે. ગુજરાતી સૉનેટોમાં ચુસ્ત પ્રાસરચના બહુ ઓછા કવિઓ સફળતાપૂર્વક કરે છે. કવિની ભાષા પરની હથોટી કેવી મજબૂત હશે એ આના પરથી સમજી શકાય છે. કવિતાનું શીર્ષક ‘આંસુ’ સ્વયંસ્પષ્ટ છે. શીર્ષક વાંચતા જ એક ભાવચિત્ર નજર સમક્ષ આવી ઊભે છે.

              આંસુ આમ તો લાગણીની અભિવ્યક્તિની એક ભાષા જ છે, પણ એ આંખોની તંદુરસ્તી માટે પણ એ અનિવાર્ય છે. સજીવજગતમાં માત્ર મનુષ્યની આંખમાંથી જ આંસુ ટપકે છે એમ કહેવાય છે. અશ્રુગ્રંથિઓમાં મૂળભૂત આંસુ (બેઝલ ટિઅર્સ) નિરંતર બનતાં રહે છે, જે આંખમાં આવ્યે રાખે છે પણ આંખ ભીની રાખવા માટે જરૂરી પ્રવાહીથી વિશેષ બનેલું પ્રવાહી આંખ અને નાક વચ્ચેની નળી (નાઝો-લેક્રિમલ ડક્ટ) વાટે ગળાના પાછળના ભાગેથી થઈ પેટમાં ઊતરી જાય છે, એટલે આપણને આંસુનું એકધારું ઉત્પાદન વર્તાતું નથી, સિવાય કે રડવા બેસીએ. આ આંસુ દરેક પલકારા સાથે આંખોને ધોઈને સાફ કરે છે, અને સતત ભીની રાખે છે. આ આંસુમાં બેક્ટેરિયા સામે લડનાર તત્ત્વ હોય છે, જે સારી દૃષ્ટિ માટે અનિવાર્ય છે. પવન, ધુમાડા કે કાંદો કાપતી વખતે આવતાં આંસુ પ્રતિક્ષિપ્ત આંસુ (રિફ્લેક્સ ટિઅર્સ) કહેવાય છે અને જો કે લાગણીના કારણે આવતા આંસુ (ઇમોશનલ ટિઅર્સ)નું રાસાયણિક બંધારણ અલગ હોય છે. એમાં પ્રોટીન-યુક્ત અંતઃસ્ત્રાવોની માત્રા વધુ હોય છે. લાગણીશીલ બનીને રોવાથી તન અને મન –બંનેને લાભ થાય છે. આ આંસુ મન શાંત કરે છે અને આવેશને ઠંડો પાડે છે. આસપાસના માણસો તમને સહારો આપવા પ્રેરાય છે. રડવાના કારણે શરીરમાં ઓક્સિટોનિન અને એન્ડોર્ફિન ઉત્પન્ન થવાથી દર્દ ઓછું અનુભવાય છે. તણાવ ઘટે છે અને મૂડમાં સુધારો અનુભવાય છે. ઊંઘ પણ સારી આવે છે. મોટાભાગના સમાજમાં સ્ત્રીઓ અને બાળકોના આંસુઓ સહજ સ્વીકારાયાં છે પણ પુરુષોનું રડવું અજુગતું ગણાય છે. કેટલાક લેટિન વિસ્તારોમાં પુરુષોનું રૂદન પણ સામાજિક સ્વીકૃતિ પામ્યું છે. પ્રાચીન ગ્રીક કથાઓમાં શિકારને લલચાવવા માટે મગર ખોટાં આંસુ સારતાં હોવાની વાતો આવે છે, જેના પરથી કોઈ ખોટેખોટું રડતું હોય એને આપણે ‘મગરનાં આંસુ’ કહીએ છીએ.

              જો કે આંસુઓની કવિતામાં કંઈ નવું અને મૌલિક નથી. હજારો વર્ષોથી દુનિયાભરના તમામ ભાષાઓના તમામ કવિઓના ઊર્મિકાવ્યોમાં પ્રેમીઓના આંસુઓ અત્યંત છૂટથી અને કવચિત્ તો કંટાળો આવી જાય એ હદે વહેતાં જ આવ્યાં છે ને વળી વહેતાં જ રહેવાનાં છે. હૉમરના ‘ઑડિસી’માં ઑડિસિયસ મૃત્યુશય્યા પર એની માતાને ભેટવા માંગતા ખારાં આંસુઓથી મળતી રાહત ચાખવાની વાત કરે છે. જોન ડનનું અમર કાવ્ય ‘અ વેલિડિક્શન: ઑફ વિપિંગ’ પણ અવશ્ય યાદ આવે. જોન કહે છે કે છૂટાં પડતાં પહેલાં મને રડવા દે, જેથી મારા આંસુ પર તારો ચહેરો છપાઈ જાય અને સાધારણ રીતે વેડફાઈ જવા સર્જાયેલા આંસુ ‘સિક્કા’ બનીને બહુમૂલ્યવાન બની જાય. ગર્ભાશય જેવો આકાર ધરાવતા આંસુ એ પછી પ્રિયાની છાપથી ‘ગર્ભવતાં’ બને છે, દુઃખભર્યાં ‘ફળ’ બને છે, ‘પૃથ્વી’ બની રહે છે, અને અંતે ખારા સમુદ્રની ‘ભરતી’ બને છે, જે પ્રિયાના ચંદ્રથીય અદકેરા ચહેરાને લઈને તોફાને ચડે છે અને નિઃસાસાનો શ્વાસ નાયકને ડૂબાડવા માટે કારણભૂત બની રહેશે એવો અંદેશો કવિ વ્યક્ત કરે છે. ‘મેઘદૂત’માં કાલિદાસ પણ બહુ અદભુત વાત કરે છે:

              मत्संभोग: कथमुपनयेत्स्वप्नजोऽपीति निद्रा-

              माकाङक्षन्तीं नयनसलिलोत्पीडरुद्धावकाशाम्॥ (ઉત્તરમેઘ: ૩૦)

               (કોઈક રીતે સ્વપ્નમાં પણ મારી સાથે સમાગમનું સુખ મળી જાય એ માટે તે ઊંઘ ઇચ્છતી હશે પણ આંખોમાં ઊભરાતાં આંસુઓના કારણે ઊંઘ પણ આવતી નથી.)  

              આંસુની ખારાશ પકડીને કવિ કવિતા આદરે છે. આંસુને સમુદ્રનું લઘુત્તમ સ્વરૂપ ગણાવે છે. સમુદ્રનું જેવું લાવણ્ય છે, એવું જ આંસુનું પણ છે. લાવણ્ય શબ્દ લવણ યાને મીઠાં પરથી બન્યો છે. નામે મીઠું સ્વાદે ખારું છે પણ એના વિના બધી રસોઈ નકામી. સ્વાદનું ઐશ્વર્ય એ લવણનું સૌંદર્ય છે. પ્રામાણિક આંસુઓ અંદરથી આવે છે ને અંતરની સફાઈ કરે છે. પરિણામે રડતી વ્યક્તિ પર વધુ વહાલ આવે છે. માટે જ કવિ આંસુ અને સમુદ્ર વચ્ચેની ખારાશ અને સુંદરતાને લાવણ્ય વિશેષણથી જોડી આપે છે. સ્વાદ અને સૌંદર્ય પછી સમુદ્ર સાથેની આંસુની બીજી સમાનતા વડવાનલની છે. એવું માનવામાં આવે છે કે દરિયાના પેટાળમાં એક આગ ભભૂકી રહી છે. પુરાણોમાં લખ્યું છે કે વડવાનલ કે વડવાગ્નિ એ જળમાંનો પૌરાણિક અગ્નિ દેવતા છે. વડવા એટલે ઘોડી અને અનલ એટલે અગ્નિ. વડવાનલનું મોં ઘોડી જેવું અને શરીર અગ્નિના ભડકા-જ્વાળાઓનું બનેલું છે. સમુદ્રમાં રહીને વડવાનળ એનું જળશોષણ કરે છે. સમુદ્રમાં હોવા છતાં તે ઓલવાઈ જવાના બદલે સદા પ્રજળતો જ રહે છે. વડવાગ્નિ એ વરુણ (જળ) અને અગ્નિ વચ્ચેના મેળનો સંકેત છે. મનાય છે કે સમુદ્રના જળને પીને તે મળદ્વારે કાઢી નાંખે છે અને તે પાણી મીઠું થાય છે, જેને લાવીને મેઘ દુનિયામાં વૃષ્ટિ કરે છે. બૃહસ્પતિની પત્ની તારાના છ પુત્રોમાંનો એક પુત્ર તે આ વડવાનલ. વિભીષણે હનુમાન વડવાનલ સ્તોત્ર પણ રચ્યું છે, જે તમામ પરેશાનીઓમાંથી મુક્તિ અપાવે છે. ‘કુમારસંભવમ્’ના સર્ગ ૮માં કાલિદાસ કહે છે: ‘ज्वलन इव समुद्रान्तर्गतस्तज्जलेषु.’ સમુદ્રના પેટાળમાં રહેલો વડવાગ્નિ એનાં જળ પીને પણ શાંત થતો નથી. આંસુની અંદર પણ એક આગ છે, જે આંખ આંસુઓ સાર્યે રાખે તોય બુઝાતી નથી. કવિ સરખામણીમાં હજી આગળ વધે છે. સમુદ્રમંથનની વાત આવે છે. વિષ્ણુના કૂર્માવતારમાં કાચબાની પીઠ ઉપર મંદરાચલ પર્વત મૂકીને ફરતે નાગરાજ વાસુકિને વીંટાળીને એક છેડેથી દેવો અને બીજે છેડેથી દાનવો અમૃત મેળવવા માટે ક્ષીરસાગરનું મંથન કરે છે. પણ એ તો એક જ વારનું હતું. આંસુનું પેટાળ તાગવા માટે તો દેવો અને દાનવો યુગયુગોથી મથી રહ્યા છે પણ એનું ઘેરું તળ કોઈને હજીય હાથ ચડ્યું નથી… આમ જે આંસુને કાવ્યારંભે સમુદ્રનું લઘુત્તમ રૂપ કહી કવિ કાવ્યારંભ કરે છે એ સમુદ્રને માત્ર ચાર જ પંક્તિમાં આંસુનું લઘુત્તમ રૂપ બનાવી દે છે. આ છે કવિકર્મ! આ છે કવિતા!

              આંસુ સાવ નાનું ટીપું જ છે. નદીને કિનારો હોય, સાગરને, તળાવને કિનારા હોય પણ આંસુને કોઈ કિનારો નથી. પણ તોય એની પાર આજ લગી કોઈ ઊતરી શક્યું હોય એની જાણ નથી. આંસુને તમે આમથી તાગો કે તેમથી, એમાં અહીંથી ઝંપલાવો કે તહીંથી, જ્યાં જુઓ ત્યાં બધે જ તટહીન નરી મઝધાર જ છે. અહીં તો પ્રણયની પેઠે જ ‘ડૂબ્યા છે તે તર્યા સાચા પછી ભવપાર શા માટે’ (રઘુનાથ બ્રહ્મભટ્ટ) જેવી વાત છે. કવિ ફરી આંસુને સમુદ્રથી અદકેરું સ્થાન આપતાં કહે છે કે આંસુ એ ઘૂંટાયેલી ભરતીનું રૂપ છે. સમુદ્રમાં તો ભરતી આવે ને મોજાં કંઠાઓ ધમરોળી નાંખે પણ આંસુ તો ચુપચાપ ટપક્યે રાખે. ભીતર કેટલું ઘૂંટાઈ ભર્યું છે એની સામાને જાણ સુદ્ધાં થતી નથી. ‘પારકી થાપણ’ ફિલ્મમાં લતાના અમર કંઠે અવિનાશ વ્યાસના શબ્દો અમરત્વ પામ્યા છે: ‘આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી, સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી.’ કેવી સાચી વાત! ‘દર્દ હો કે ખુશી જીવનની હો, બેયમાં આંખમાં તરે ઝાકળ.’ પારદર્શક હોવા છતાં આંસુનું કારણ જોઈ શકાતું નથી અને આંગળીનું ટેરવુંય ડૂબી ન શકે એવું ટચૂકડું હોવા છતાં આંસુ આપણાં બારે બેડાં ગર્ક કરી શકવાની હિકમત ધરાવે છે. ભલભલી વ્યાકુળતા અને તોફાન આંસુમાં વિલીન થઈ જાય છે. આંખોના સમુદ્ર પર શમણાંની જે તરી બાઝે છે, એનુંય નામોનિશાન આંસુના સાગરમાં બચતું નથી. આપણી સમગ્ર ઇચ્છાઓ, જીવનભરના સપનાંઓ આંસુના વમળમાં ઊં…ડે ગરકાવ થઈ જાય છે. તરીનો એક અર્થ વહાણ, હોડી પણ થાય છે. સપનાંની હોડી આંસુમાં ડૂબી જાય છે એવો અર્થ પણ અહીં લઈ શકાય.

              કાવ્યાંતે કવિ કહે છે કે આંસુ અબોલ ઘન મૌન મુખે ધરીને બેઠું છે. મૌન ઘન એટલે કે ઘાટું, નક્કર, પોલાદી છે એમ કહીએ ત્યાં સુધી તો બરાબર છે પણ અબોલ મૌન? મૌન તો અબોલ જ હોય ને? ને જે અબોલ હોય એને મૌન જ કહેવાય ને? કે માત્ર છંદ સાચવવા માટે વપરાયેલ ભરતીનો શબ્દ ગણી શકાય આને? ના, કવિ મૌનને કદાચ એટલું સઘન બનાવવા માંગે છે કે જેમાં શબ્દનો લેશમાત્ર પણ અવકાશ હોઈ જ ન શકે. આંસુને મુખ આપીને કવિ સજીવારોપણ અલંકાર પ્રયોજે છે અને મુખને તો હોઠ અને ખુલે તો બોલ પણ હોવાના જ. બીજી બાજુ આંસુને હોઠ હોઈ જ ન શકેની વાસ્તવિક્તાનો તંતુ ઝાલીને બોલ જન્મવાની વૈજ્ઞાનિક અશક્યતાનો નિર્દેશ કરીને આંસુનું મુખ ખૂલે તોય એબો અવાજ અબોલ જ રહેનાર છે એમ કહીને મૌનની સઘનતાને ગાઢી બનાવી મૂર્તિમંત કરે છે. પણ રહો! આ અબોલ ઘન મૌન મુખ ધરાવતું આંસુ પાછું અબોલ તો છે જ નહીં. એના પેટમાં તો આખા જીવતરની ભાષા ભંડારાયેલી છે, એ તો આખેઆખો શબ્દકોશ ગળીને બેઠું છે… રડતા પ્રિયજનના આંસુના મુખેથી ઉચ્ચારાતા આ જીવનકોશને સાંભળવાના કાન તમારી આંખ પાસે હોવા જોઈએ, બસ!                   

              યશોધરા પ્રીતિ નામના એક કવયિત્રી आँसू માટે લખે છે કે युग बदलते है, कहानियाँ बदलती हैं, आँखे बदलती हैं, मैं शाश्वत हूँ| જગદીપ ઉપાધ્યાય લખે છે: ‘ફૂલો કોમળતા ડાળીની, માણસની કોમળતા આંસુ.’ ચિનુ મોદી તો આંસુ ઉપર ઇચ્છાના નખની નિશાની પણ ઉકેલી આપે છે. એક જ આંખમાંથી ટપકતાં આંસુ પણ અલગ-અલગ સમયે અલગ-અલગ અર્થ ધરાવે છે. એક જ કુળના હોવા છતાં બે સગી બહેનોના દીકરાઓ કવિ બને અને એક જ વિષય ઉપર કવિતા કરે ત્યારે કેવો ચમત્કાર થાય તે પણ જોવા જેવો છે. કવિશ્રી ઉશનસના મસિયાઈ ભાઈ જયન્ત પાઠકે પણ આંસુ ઉપર સૉનેટ રચ્યું છે. તેઓ કહે છે, આંસુ એકી સાથે કઠણ અને કુમળું છે. એકી સાથે શીતળ અને દાહક છે. એ વર્ષા પણ છે અને વીજળી પણ છે. એ મૂંગા મોંએ ભીતરના મેલને ધોઈને હૃદયને સ્વચ્છ પણ કરે છે અને કાંઠા તોડીને ભીતરના ભલભલા જહાજ-મોતી ને માછલીઓને ડૂબાડી પણ દે છે. આંસુ પીડે પણ છે અને દયા દાખવી જીવાડી પણ શકે છે. એક જ પદાર્થને બે અલગ અલગ માણસો કેવી સંવેદનાથી આળખે છે એ સરખાવીએ. જયન્ત પાઠકનું ‘આંસુ’ માણીએ:

હશે આંસુ જેવી કઠણ -કુમળી કોઈ ચીજ કે !
ડુબાડે પોતાને શીતલ જલ ને ટાઢક કરે;
ડુબાડે પોતાને જળ ફફળતે, દાહક ઠરે;
પડે વર્ષા થૈને, પડત થઈને ઉગ્ર વીજ કે.

કશું રોવું ! ધોવું હૃદય ભીતરી સ્વચ્છ જલથી,
વહાવી દેવું સૌ મલિન નિજ મૂગા પ્રવાહમાં
તટોને તોડીને ઊછળવું થઈ વ્હેણ વસમાં;
લહેરો જેવી કે અલસ જળલીલા જ અમથી.

તમે આવો આંસુ ! નયન અધીરાં રાહ નીરખે
થવા ખારો ખારો અતલ ગહનાબ્ધિ, લહરમાં
રમે જેની નૌકા તનુ, પ્રબલ લોઢે વળી ડૂબે
જહાજો, મોતી ને માછલી ધસતાં કૈં ભીતરમાં.

અહો, આંસુ જેવી અજબ ચીજ લાવણ્યમય જે
ક્ષતોમાં પીડે ને બની સદય જિવાડીય શકે !

ગ્લૉબલ કવિતા : ૧૦૮ : ભણકારા – બળવંતરાય ક. ઠાકોર

ગ્લૉબલ કવિતાના મેન્યુમાં હવેથી લોકલ કવિતા પણ ઉમેરાય છે… એકાંતરે અઠવાડિયે ગુજરાતી કાવ્યાસ્વાદ રજૂ કરીશ… આપને આ ફેરફાર કેવો લાગ્યો એ જરૂર કહેજો…

આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
ઊંચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.
માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલમહિં બંધાઇ સૌંદર્યઘેલો
ડોલે લેટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો.

ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે ડોલંતી ગતિ પર સજૂં બીનના તાર મંદ,
તેમાં આ શી – રજનિ ઉરથી, નર્મદા વ્હેનમાંથી,
સ્વર્ગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,
– પુષ્પે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની
બાની ભીની નિતરિ નિગળે અંતરે શીય, સેહ્ ની !

– બળવંતરાય ક. ઠાકોર

કવિતા ક્યાંથી આવે છે? શી રીતે આવે છે? જાણો છો?

            શરીર પર જે સ્થાન ચામડીનું છે, એ જ સ્થાન મનુષ્ય માટે કળાનું છે. મનુષ્ય જ્યારે બોલતા પણ નહોતો શીખ્યો ત્યારે પણ એને કળામાં રસ પડતો. લાખો વર્ષ જૂની ગુફાઓમાંથી મળી આવેલાં ભીંતચિત્રો આ વાતની સાહેદી પૂરાવે છે. દુનિયાભરની અલગ-અલગ સંસ્કૃતિઓમાંથી જે પણ જૂનામાં જૂની હસ્તપ્રતો મળી આવી છે, એમાં કવિતા મોખરાનું સ્થાન ધરાવે છે. કવિતામાં મનુષ્યને રસ પડે જ છે પણ કવિતાની સર્જનપ્રક્રિયામાં તો સવિશેષ રસ પડે છે. કાવ્ય ગોચર છે પણ કાવ્યસર્જન અગોચર છે, ને કદાચ એટલે જ પરાપૂર્વથી સૃજનપ્રક્રિયાનો તાગ મેળવવાની કળાકારોની નેમ રહેતી આવી છે. અંદર કોઈક છે, જે મનોજ ખંડેરિયાની ભાષામાં સર્જકને મજબૂર કરે છે કાગળ પર પોતાને અવતારવા માટે:

             મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું’,

            મને કોઈ મનમાંથી આપે છે જાસો.  

            કવિની ભીતર આ કઈ ગંગા ફૂટે છે, જેને સમયસર જટામાં ઝીલી ન લેવાય તો સૃષ્ટિનું ધનોતપનોત નીકળી જાય એની કવિઓને પહેલી કવિતા લખાઈ એ દિવસથી તલાશ છે. પ્રસ્તુત રચનામાં બ.ક.ઠા. સર્જનપ્રક્રિયાનું આવું જ એક પાનું ઉકેલવાની કોશિશ કરે છે.

            પ્રોફેસર બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. ૨૩-૧૦-૧૮૬૯ના રોજ ભરૂચ ખાતે જન્મ. ભરૂચમાં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ રાજકોટમાં અને મેટ્રિક મુંબઈથી. જેમ શાળા, એમ કોલેજમાં પણ વારાફરતી ભાવનગર, મુંબઈ અને પૂણેને લાભ આપ્યો. ૧૮૯૩માં એમ.એ. કર્યા વિના જ પૂણેની કોલેજ છોડી દીધી. વારાફરતી કરાંચી, વડોદરા, અજમેર, અને અંતે પૂણેની કોલેજોમાં આધ્યાપક તરીકે સેવા બજાવી. ૧૯૨૪માં નિવૃત્ત થયાના ત્રણ વર્ષ બાદ પૂણે છોડી દસ વર્ષ વડોદરા અને ત્યારબાદ અંત સુધી મુંબઈ રહ્યા. રાજકોટના રાજકુમારના અંગત સહાયક બન્યા. અજમેર નગરપાલિકાના ચેરમેન થયા. શાળા, કોલેજ અને વ્યાવસાયિક પરિભ્રમણ જોઈને ખ્યાલ આવે છે કે ફરે તે ચરે કહેવતનો એમનાથી ઉચિત પ્રયોગ ભાગ્યે જ કોઈકે કર્યો હશે. ૦૨-૦૧-૧૯૫૨ના રોજ નિધન.    

            ઉત્તમ કવિ અને સર્વકાલીન શ્રેષ્ઠ વિવેચક. એ સિવાય નાટ્યકાર, નવલિકાકાર અને અનુવાદક પણ ખરા. ખાસ્સા પ્રયોગખોર. વિશ્વસાહિત્યના ઊંડા અભ્યાસુ પ્રો. ઠાકોર ગુજરાતી સૉનેટના પિતા ગણાય છે. એ આપણે ત્યાં પહેલવારકુ સૉનેટ લાવ્યા પણ અને સ્થિર પણ કર્યું. અંગ્રેજી બ્લેન્ક વર્સ (પ્રાસહીન પદ્ય)ની નજીક જવા માટે ભાગ્યે જ પ્રયોજાતા અગેય પૃથ્વી છંદનો એમણે એ હદે નવોન્મેષ કર્યો કે અનુગામી પેઢીઓનો એ પ્રિય છંદ બની રહ્યો. ગુજરાતી પિંગળને એના નિર્ણાયક તબક્કામાં જે રીતના પ્રભાવી નેતાની આવશ્યકતા હતી, એ ઠાકોરના રૂપમાં સાંપડ્યા. પ્રવાહી પદ્યના એ પ્રબળ હિમાયતી હતા. પ્રવર્તમાન વૃત્તો સાથે એમણે કરેલ સભાન પ્રયોગો ગુજરાતી કવિતાનું બહુમૂલ્યવાન ઘરેણું છે. પંડિતયુગના સાક્ષર કવિ હોવા છતાં એમણે કવિતામાં રસોર્મિ, વિચાર-બુદ્ધિ, અર્થસઘનતા, વિષયબાહુલ્ય વિ.ને પ્રાધાન્ય આપ્યું હતું. વેવલાવેડામાં રમમાણ, પોચટ, આંસુ સારતી, વધુ પડતી શબ્દાળુ ગુજરાતી કવિતાના તેઓ વિરોધી હતા. બ.ક.ઠા.ની કાવ્યરીતિએ અનુગામી પેઢીઓને દીર્ઘકાળ સુધી પ્રભાવિત કરી છે.  

             ભણકારા’ સૉનેટ વિશે વાત કરતાં પહેલાં સૉનેટનો ઇતિહાસ જોઈ લઈએ. નદી એના ઉદગમસ્થાનેથી નીકળે છે ત્યારે નાનકડી ધાર સમી હોય છે, પણ પ્રવાહ જેમ જેમ આગળ વધે તેમ તેમ એમાં અનેક નાળાં-વેકળાંઓ ઉમેરાતાં જાય છે અને પ્રવાહ વિશાળ થતો જાય છે. નદી માર્ગમાં ક્યાંક ઝરણાં જેવી તોફાની, તો ક્યાંક ધોધ જેવી વિકરાળ અને વળી ધીર-ગંભીર થયેલી પણ જોવા મળે છે. અલગ-અલગ પૃષ્ઠભૂ સાથે સમરસ થઈ આગળ વધતી નદી માર્ગમાં સેંકડો વળાંક લઈ આખરે સાગરમાં ભળી જઈ સાગર બની જાય છે. કવિતા વહેતી નદી જેવી છે… કવિતા કવિના ઉરઝરણથી ફૂટીને ભાવકના ઉરસાગરમાં ભળી જાય છે. કાળના પટ પર વહેતી કવિતાના માર્ગમાં હજાર ચડાવ-ઉતાર આવે છે, એમાં સતત કંઈને કંઈ નવું ભળતું રહે છે, એ સતત જૂનું કાંઠે છોડીને આગળ વધે છે અને સમયે સમયે એના રૂપરંગ પણ સતત બદલાયે રાખે છે. મહાકાવ્ય, ખંડકાવ્ય, આખ્યાનકાવ્ય, નાટ્યકાવ્ય, સૉનેટ, ગીત, ગઝલ, અછાંદસ –એમ કાવ્યના પ્રકારો સમયસમયાંતરે નદીના રૂપની જેમ બદલાતા આવ્યા છે.

            સૉનેટ આવો જ એક કાવ્યપ્રકાર છે. ૧૩મી સદીમાં ઇટલીમાં સિસિલિઅન કવિઓ જેમ કે જિઆકોમો ડ લેન્ટિની જેવાના હાથે સૉનેટનો જન્મ થયો, પેટ્રાર્કના હાથે એ શુદ્ધિકરણ પામ્યું અને ૧૬મી સદીમાં સર થોમસ વાયટ તથા હેન્રી હૉવર્ડ, અર્લ ઑફ સરેનો હાથ ઝાલીને એ અંગ્રેજીમાં આવ્યું. શેક્સપિઅર, મિલ્ટનના હાથે એનો નવોન્મેષ થયો અને પ્રસિદ્ધિના ચરમશિખરે એ પહોંચ્યું. ૧૯મી સદીના અંતભાગમાં સૉનેટ ગુજરાતમાં આવ્યું. જમશેદજી નસેરવાનજી પેટિટ નામના પારસી કવિના સંગ્રહ ‘મારી મજેહ અને બીજી કવિતાઓ’માં ચૌદ પંક્તિની રચનાઓ જોવા મળે છે પણ એમાં સૉનેટના મૂળભૂત સૌંદર્યનો અભાવ છે. એમના પછી ૧૮૮૮માં બ. ક. ઠાકોરે ‘ભણકારા’ સૉનેટ આપ્યું, જેને ગુજરાતી ભાષાના સર્વપ્રથમ સૉનેટનું બહુમાન મળ્યું છે. સર્વપ્રથમ હોવા છતાં આ સૉનેટ ક્યાંયથી ઊણું ઉતરતું ભાસતું નથી એ પ્રથમ પ્રયત્ને જ કોઈ સાહસવીર એવરેસ્ટ આંબી લે એવી વિરલ સિદ્ધિ છે. વીસમી સદીમાં સૉનેટે ગુજરાતમાં એવી લોકચાહના મેળવી કે સૉનેટ લખ્યું ન હોય એને કવિ હોવાનો દરજ્જો મળવો મુશ્કેલ હતો પણ ભાષાની ક્લિષ્ટતા અને અન્ય કેટલાક કારણોસર એ ગીત-ગઝલ-અછાંદસના આક્રમણને ખાળવામાં વિફળ રહ્યું અને વીસમી સદીના અંતભાગથી લઈને આજદિન સુધીમાં સૉનેટની લોકપ્રિયતા સતત ઓસરતી આવી છે.

             ભણકારા’ સૉનેટ અષ્ટક અને ષટક મુજબ ખંડ-વહેંચણીના કારણે પેટ્રાર્કશાઈ સૉનેટ હોવાનો ભાસ કરાવે છે. (શેક્સપિરિઅન સૉનેટ ત્રણ ચતુષ્ક અને એક યુગ્મકનું બનેલું હોય છે.) પણ પેટ્રાર્કશાઈ સૉનેટથી વિપરિત ઠાકોરે અ-અ બ-બ ક-ક ડ-ડ પ્રકારે પ્રાસરચના કરી હોવાથી ગઝલના મત્લાઓમાંથી પસાર થતા હોવાના ભણકારા સંભળાય છે. આ નવીન પ્રાસરચનાના કારણે રચના વધુ પ્રવાહી પણ બની છે. કવિતાની મંદ ગતિને અનુરૂપ કવિએ મંદાક્રાંતા છંદ પ્રયોજ્યો છે. એ જમાનામાં છંદનું માપ જાળવવા માટે લિપિમાં હૃસ્વ-દીર્ઘની જે છૂટો લેવાનો રિવાજ હતો એ અહીં પણ નજરે ચડે છે. મોટા ભાગની પંક્તિઓમાં પંક્તિ અને વાક્ય કે વાક્યાંશ હાથમાં હાથ મિલાવી ચાલે છે. પંક્તિ પૂરી થાય ત્યાં વાક્ય પણ પૂરું થાય છે. માત્ર પાંચમી, સાતમી અને તેરમી પંક્તિમાં અપૂર્ણાન્વયનો હાથ ઝાલીને વાક્ય એકમાંથી બીજી પંક્તિમાં રેલાય છે. આત્મકથનાત્મક શૈલીના આ સૉનેટમાં અષ્ટક પછી તરત ભાવપલટો (વોલ્ટા) આવે છે અને કાવ્યાંતે ધારી ચોટ પણ.    

            રાત્રિના છેલ્લા પહોરનો સમય છે. થોડી વારમાં જ રાતનું સ્થાન ઉષા લેશે. ભડભાંખળું થવામાં જ છે. આવા સમયે શાંત વહેતી નર્મદા નદીમાં એક નાની અમથી નાવમાં કવિ આડા પડ્યા-પડ્યા પ્રકૃતિપાન કરી રહ્યા છે. નર્મદા જેવી નદીમાં આવા સમયે નાનકડી નાવમાં કોઈ પાગલ જ એકલો નૌકાયાને નીકળે! કવિ જો કે શાણપણ અને ગાંડપણની વચ્ચેની પાતળી ક્ષિતિજ પર વસવાટ કરતું પ્રાણી છે. કવિ જ શા માટે, કળાકારમાત્રને આ વાત લાગુ પડે છે. દુનિયાથી અલગ ચાલવા માટે ગાંડપણ અનિવાર્ય છે. અને ભણકારાના નાયક પાસે એ પૂરતી માત્રામાં હોવું જોઈએ એમ માની શકાય છે. જ્યાં નાવ છે ત્યાં નર્મદાનો પટ ખાસ્સો વિશાળ હોવો ઘટે કેમકે એક તરફ કિનારા પરનું ધુમ્મસ આઘે ઊભું છે અને નદીના શાંત પાણી પણ સુપ્ત છે. દૂર કિનારે ધુમ્મસમાં અદૃશ્ય હોઈ માંડ નજરે ચડતાં વૃક્ષો ઊંઘી રહ્યાં હોવાની મજાની કલ્પના સાથે સૉનેટનો પ્રારંભ થાય છે. અને નર્મદા જાણે કોઈ સુંદરી સૂતી હોય એમ શાંત છે. ઊંઘમાં કોઈ મીઠું સ્વપ્ન આવે અને હોઠ ધીમું-ધીમું મલકે એમ શાંત સૂતી નર્મદાસુંદરી પણ સોહી રહી છે. છાતી ધડકે અને શ્વાસોચ્છવાસની ક્રિયા સાથે સ્તનયુગ્મ જેમ ઊંચાનીચા થાય એમ નદીના નિદ્રાવશ નીર હળુહળુ ઊંચાંનીચાં થાય છે. સ્તન પરનો તલ જે રીતે સ્તનની સાથે આપોઆપ પડે-ઊપડે એ જ રીતે નાયકની નાવ પાણીમાં આપોઆપ ધીમીધીમી હાલકડોલક થાય છે. (મેળે એટલે આપોઆપ) અહીં કવિતાનું પ્રથમ વાક્ય પૂરું થાય છે અને કવિનો કેમેરા દૂરની સૃષ્ટિ પરનું ઝૂમ સંકોરીને પોતાના પર ક્લૉઝ-અપ સુધી આવ્યો હતો એ હવે વાઇડ-એંગલ લેન્સ વડે ચાંદની અને વાયુ જેવા પ્રકૃતિતત્ત્વો પર ફોકસ કરે છે.  

            માણસને ઊંઘવા માટે અંધારું જોઈએ છે. આંખ પર પ્રકાશનો ધોધ વરસતો હોય તેવામાં ઊંઘવું દોહ્યલું છે. કવિ પ્રભાત પૂર્વેના ચાંદનીજડિત અંધકારમાં કિનારે ધુમ્મસમાં સૂતાં વૃક્ષો અને શાંત સરિતાજળની પેઠે સૃષ્ટિ સમગ્ર હજી નિદ્રાધીન હોવાનું કલ્પે છે. નિજના માથે ઊગેલી શુદ્ધ ચાંદની નજરે પડી જાય તો સૂતેલી આ સૃષ્ટિ ચોંકીને સફાળી જાગી જાય એનો ડર ન હોય એમ ચાંદની પણ આ સમયે તારા-નક્ષત્રોના ફૂલોની ચાદરમાં જાણે લપાઈ રહી હોય એમ સુપેરે પ્રગટ થતી નથી. સંધ્યાકાળે સૌંદર્યઘેલો થઈ ભમરો કમળના ફૂલમાં રસપાન કરવા ભરાય છે ત્યારે એને ભાન નથી હોતું કે રાત ચડતાં જ કમળ બીડાઈ જશે અને એ રાતભર માટે કેદ થઈ જશે. રાતભર કમળના ફૂલમાં બંધાઈ ગયેલો ભમરો, રાતભરની કેદની તથા ઊંઘની અસરના કારણે જે રીતે નાજુક પગલે ડોલે, સૂએ એમ આ પવન પણ ધીમો-ધીમો વાઈ રહ્યો છે. ટૂંકમાં, આ એવો સમય છે, જ્યાં જડચેતન સઘળું જાણે હજી ઘેનમાં છે.

            ષટક્ (છેલ્લી છ પંક્તિના બંધ)માં કાવ્યસર્જનની હિમમોતી સરે તેવી રહસ્યમય અલૌકિક્તા અભિવ્યંજિત થાય છે. હોડીમાં સૂતા સૂતા કવિ અનાયાસ સ્ફુરેલા છંદોના લવારા કરે છે. આ છંદ-આ કવિતા સાવ નવી છે અને અધૂરી પણ છે પણ એ કોઈપણ જાતના પ્રયત્ન વિના સ્વયંસ્ફુરિત છે એટલે એ અગત્યની છે. નાયકને પ્રશ્ન પણ થાય છે કે શું એ કવિતાના લવારા કરી રહ્યો છે કે પછી નદીના ડોલતા પાણીની ગતિ ઉપર મંદ-મંદ રણકતી વીણાના તાર સજાવી રહ્યો છે. નિતાંત પ્રકૃતિના અસીમ ખોળામાં અર્ધનિદ્રા-અર્ધજાગૃતિના સમાધિસુખનો આનંદ લેતી વખતે આ ભણકારા શેના થાય છે? પુષ્પની પાંદડીઓ પર રાત્રિના આ છેલ્લા પ્રહરમાં શુદ્ધ હિમમોતી સમા ઝાકળના ટીપાં સરી રહ્યાં છે. આ ટીપાંઓનું ઉદગમસ્થાન કયું? આ ઝાકળબુંદો જાણે રાતના હૈયામાંથી, નર્મદાના વ્હેણમાંથી, આકાશગંગામાંથી સરી રહેલ ચાંદી જેવી ચાંદનીની રજમાંથી કે પછી ફીણમાંથી બનેલ વાદળીમાંથી બન્યાં છે. પ્રકૃતિના હૈયામાંથી રાત ટપકી રહી હોય, નર્મદાના વ્હેણમાંથી કોઈક અગમ વાણી ફૂટી રહી હોય, આકાશગંગામાંથી ચાંદની નહીં, ચાંદીના કણ વરસી રહ્યાં હોય અને ફીણમાંથી કોઈ વાદળ બંધાઈ રહ્યું હોય એવી રીતે કવિના સુકોમળ પુષ્પ જેવા હૃદયની પાંદડીઓ પર બરફમાંથી બનેલ મોતી ન હોય એવાં પરિશુદ્ધ કાવ્યઝાકળબુંદ ઝમી રહ્યાં છે. કવિના અંતરમાં છાનીછપની ન જાણે શી-શી તરેહની છાની ભીની બાની નીતરી રહી છે, નીંગળી રહી છે…  ‘સેહ્ ની’ એ કવિનું પોતાનું તખલ્લુસ છે, જેનો ૧૮૯૦ પછીથી એમણે ત્યાગ કર્યો હતો.

            રૉબર્ટ ફ્રોસ્ટે કહ્યું હતું, ‘કવિતા ત્યારે થાય છે જ્યારે લાગણીને એનો વિચાર મળી જાય અને વિચારને એના શબ્દો.’ પ્રકૃતિમાં ઊઠી રહેલા ભણકારાઓને કવિ સાંભળે છે અને એની લાગણીઓને વાચા મળે છે. ઝોન કોક્ટો (Jean Cocteau) પણ યાદ આવે: ‘કવિ શોધ નથી કરતો. એ સાંભળે છે.’ ભણકારા એટલે ભ્રાંતિજનક અવાજ. ભણકાર એટલે અવાજ નહીં, અવાજનો આભાસ. અહીં પ્રકૃતિ બિલકુલ નીરવ છે. નદી, વૃક્ષો, વાયુ, ચાંદની, નાવ, નાવમાં સૂતેલો નાયક –બધું જ શાંત છે. ક્યાંય કોઈ અવાજ નથી. પ્રક્તિની આ શાંતતાના ભણકારા કવિહૃદય ઝીલે છે. કુદરતની અવર્ણનીય રમણીયતાના ભણકારા કવિઉરમાં કાવ્યપિંડ બાંધવામાં કેવા સહાયક થાય છે એ કવિએ અજરામર સૉનેટની સહાયથી તાદૃશ કરી આપ્યું છે. સર્જનપ્રક્રિયા શું હોઈ શકે એ વિશેની આ અભૂતપૂર્વ રચના ગુજરાતી વાણીરાણીનું અમૂલ્ય છોગું છે.