Category Archives: અછાંદસ

ગ્લૉબલ કવિતા : ૭૫ : પ્રિય મલિસા: – ટીસી ટોલ્બર્ટ

Dear Melissa:

I wish you (my mother once told me—mother of my child-
hood—even though water is water-weary—what is prayer if not quiet
who has made me—what hands you become when you touch—
who laid down on whose body—whose face and whose shoulders

worth shaking—what will I not hear when I look back
at you—who is not the mother of a daughter—who is not
the mother of a man—we are right to be afraid of our bodies—wind
is carried by what is upright and still moves what has) had

(been buried deep enough in the ground to be called roots—
when will this be the world where you stop—whatever broke
into you was torn by the contact—a face wears a face it can see—
what is alive is unrecognizable—need it be—who is my mother,

mother—no one—who hasn’t killed herself by
growing into someone—I’m sorry you have) never been born.

– TC Tolbert


પ્રિય મલિસા:
હું ઇચ્છું છું (મારી માએ મને એકવાર કહ્યું હતું—મા મારા બાળ-
પણની—ભલેને પાણી હોય પાણી-થાક્યું —શું છે પ્રાર્થના જો નથી શાંત
જે એણે મને બનાવી છે—કયા હાથ બનો છો તમે જ્યારે તમે સ્પર્શો છો—
કોણે મૂક્યા કોના શરીર પર—કોનો ચહેરો અને કોના ખભા

હલાવવા લાયક છે—હું શું નહીં સાંભળું જ્યારે હું ફરીને જોઈશ
તારા તરફ—જે મા નથી એક દીકરીની—જે મા નથી
એક પુરુષની—આપણે સાચા છીએ આપણા શરીરથી ડરવામાં—પવન
દોરવાય છે જે સીધું ઊભુ છે એનાથી અને તોય હલાવે છે જે) કે તું

(જમીનમાં એટલે ઊંડે દટાયું છે કે મૂળ કહી શકાય—
ક્યારે આ એ દુનિયા બનશે જ્યાં તમે અટકી શકો—જે કંઈ તૂટ્યું છે
તમારી અંદર એ ચીરાઈ ગયું છે સંપર્કથી—ચહેરો પહેરે છે ચહેરો જેને એ જોઈ શકે—
જે જીવંત છે એ ઓળખી શકાય એમ નથી—એમ જ હોવું ઘટે—કોણ છે મારી મા,

મા—કોઈ નહીં—કોણે પોતાની જાતને મારી નથી નાંખી
બીજા કોઈમાં વિકસીને—હું દિલગીર છું કે તું) કદી જન્મી જ ન હોત.

– ટીસી ટોલ્બર્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)


કૌંસ બહાર આવું-આવું કરતી (ટ્રાન્સજેન્ડર) બાળક/કીની સંવેદના

વાંદરી અને એના બચ્ચાની વાર્તા જાણીતી છે. હંમેશ મુજબની ચડસાચડસીમાં બિરબલે અકબરને કહ્યું કે પ્રાણીમાત્ર માટે પોતાની જાતથી વધીને બીજું કશું હોઈ શકે જ નહીં અને મા પણ આમાં અપવાદ નથી. અકબરને ખાતરી કરાવવા માટે એક હોજમાં બિરબલે એક વાંદરી અને એના નવજાત બચ્ચાને મૂકીને પાણી ભરાવવાનું શરૂ કર્યું. જેમ જેમ પાણી વધતું ગયું એમ એમ વાંદરી બચ્ચાને પહેલાં કેડ પર, પછી ખભા પર અને છેવટે માથા પર મૂકીને બચાવવા મથી પણ જ્યારે પાણી એના નાક સુધી પહોંચી ગયું ત્યારે જીવ બચાવવા વાંદરી બચ્ચાને ફેંકી દઈને બહાર કૂદી જાય છે. આવી જ એક ઘટનામાંથી પસાર થયા બાદ વાલિયો લૂંટારો પણ વાલ્મિકી બન્યો હતો. પારાવાર તકલીફોમાંથી પસાર થનાર મા-બાપ ક્યારેક પોતાના સંતાનોને કોસતા પણ હોય છે. આપણે ભલે ‘મા તે મા, બીજા વગડાના વા’ કેમ કહેતાં ન હોઈએ પણ જીવનમાં સમસ્યાઓના અડાબીડ કળણમાં ખૂંપી ગયેલી મા ક્યારેક પોતાના સંતાનને એમ કહી બેસે છે, કે આના કરતાં તો તને જન્મ જ ન આપ્યો હોત તો સારું હતું કે આના કરતાં તો મારા પેટે પાણો પાક્યો હોત તો સારું થાત. ટીસી ટૉલ્બર્ટ ‘પ્રિય મલિસા’ કવિતામાં આવી જ વાત લઈને આવ્યા છે.

ટીસી ટૉલ્બર્ટ. એને તમે સ્ત્રી ગણશો કે પુરુષ? કે પુરુષના શરીરમાં વસતી સ્ત્રી? એ પોતાની વેબસાઇટ ઉપર પોતાને ટ્રાન્સજેન્ડર અને જેન્ડરક્વિઅર નારીવાદી, સહયોગી, નર્તક અને કવિ તરીકે ઓળખાવે છે. ટ્રાન્સ અને જેન્ડરક્વિઅર કવિ અને કાવ્યશાસ્ત્રના એ એક અગ્રણી નેતા છે. પોતાની અ-જાતીયતા કે દ્વિ-જાતીયતાનો જાહેર સ્વીકાર કરી એ પોતાની જાતને S/he કહીને સંબોધે છે. એમણે કવિતામાં માસ્ટર ઑફ ફાઇન આર્ટ્સની પદવી મેળવી છે અને ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષક/શિક્ષિકા છે. હાલમાં એ ટક્સન, અરિઝોનાના રાજકવિનું બહુમાન ધરાવે છે. આ ઉપરાંત તેઓ ઇમરજન્સી મેડિકલ ટેક્નિશ્યન(EMT)નું રાષ્ટ્રકક્ષાનું સર્ટિફીકેટ ધરાવે છે. અવિકસિત અને નિર્જન જગ્યાઓ પર તમને સાહસયાત્રા પર લઈ જવાનું કામ પણ એ કરે છે. સામાજિક ચેતનાના નાનાવિધ અભિયાનો સાથે એ સંકળાયેલા છે. એ એટલી બધી સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લે છે કે એ બધાના નામ જ લખવા બેસીએ તો પાનાંના પાનાં ભરાઈ જાય. આમાનું મોટાભાગનું આપણા માટે તો પરગ્રહની વાત જેવું જ લાગે એમ છે, પણ આ માણસ આ જિંદગી જીવે છે અને એ પોતાની જાતને મનુષ્યના પ્રેમમાં માનવીય કૃત્યો કરનાર એક માનવીથી વિશેષ ગણતો નથી.

એમના મુખ્ય પુસ્તક ‘ગેફાઇરોમેનિયા’ (પુલો માટેનું ઝનૂન)માં એ સ્ત્રી અને પુરુષ, પ્રેમી અને જાત, કે નુકશાન અને રાહતની વચ્ચે પસંદગી કરવાના બદલે જે જગ્યાએ આ દોરાહાઓ ભેગા થાય છે એ જગ્યાઓ પર સ્વેચ્છાએ રહેવાનું પસંદ કરે છે. ટૉલ્બર્ટ સામાન્યલિંગીપ્રજા અને વિપરીતલિંગીઓ વચ્ચે પુલ બનાવવાનું કામ કરે છે, જે વાત એમના આ સંગ્રહમાં નજરે ચડે છે. એમની રચનાઓ ખૂબ જ વ્યક્તિગત લાગે છે, વ્યક્તિની લાગે છે અને એ છતાં એ કબૂલાતનામું બનતી નથી. એક પાત્રમાંથી બીજા પાત્રમાં પાણી ઢોળાતું રહે એમ એમનું કથન એક વાક્યમાંથી બીજામાં અને એક સંદર્ભમાંથી બીજામાં સતત રેલાયા કરતું હોવાથી અપાર વિસંગતિની વચ્ચે પણ અપાર સંવાદિતાની અનુભૂતિ થયા વિના રહેતી નથી. એમની કવિતા સતત ટુકડાઓમાં વિયોજિત થતી અને સમાંતરે જ પુનર્ગઠિત થતી અનુભવાય છે. જેમ એમની કાયા કોઈ એક લિંગમાં રહેવા તૈયાર નથી એમ જ એમની કવિતા પણ વર્ષોથી ચાલ્યા આવતા કવિતાના નિર્ધારિત લિંગી શરીરમાં રહેવા તૈયાર નથી. એટલે જ ટૉલ્બર્ટનો અવાજ અન્ય કવિઓથી સાવ અલગ ઊઠતો સંભળાય છે. એ કહે છે, ‘ઘણા લાંબા સમયથી મને કવિતા કેવું સ્વરૂપ લે છે એમાં એના વિષયવસ્તુ કરતાં વધુ રસ પડે છે. મને સ્વરૂપમાં વધુ રસ છે કેમકે વિષ્યવસ્તુ તો હું પોતે જ છું. હું પાનાંને શરીર તરીકે જોઉં છું અને મેં આ શરીરને કેવી રીતે વાપર્યું, અથવા એણે મને કેવી રીતે વાપર્યો/વાપરી, પ્રયોગ માટે, મૌન, આકાર, સંગીત, આનંદ, દૃશ્ય વિ. એમાં મને રસ પડે છે. મારો પ્રશ્ન હંમેશા આ જ રહ્યો છે: શરીરને કેવી રીતે કવિતામાં લઈ જવું, મારા શરીરને શી રીતે પાનાં પર શોધવું.’

કળા સમાજના કોઈ એક વર્ગ પૂરતી સીમિત નથી. મનુષ્યમાત્રને કળા સાથે અવિનાભાવી સંબંધ છે. સમાજનો કચડાયેલો વર્ગ પણ પોતાની રીતે કળાસાધના કરે જ છે. જેમ આપણી ભાષામાં દલિત વર્ગ ખાસ પ્રકારની દલિત કવિતાઓ રચે છે, એમ વિશ્વના દરેક દેશોમાં દરેક વર્ગના મનુષ્યો પોતાના સમાજ-વર્ગને રજૂ કરતી કવિતાઓ લખતા હોય છે. જે લોકો અ-જાતીય કે દ્વિ-જાતીય છે, એ લોકો પણ પોતાના સમાજને રજૂ કરતી રચનાઓ કરતા હોય છે. આ ટ્રાન્સજેન્ડર લોકો એટલે એવા લોકો જે પોતાની જન્મજાત જાતીયતાથી વિપરીત જીવે છે. લિંગપરિવર્તન કરાવનાર લોકો ટ્રાન્સસેક્સ્યુઅલ કહેવાય છે. ૧૯૬૫માં મનોચિકિત્સક જોન ઑલિવને ટ્રાન્સજેન્ડર શબ્દ પહેલવહેલીવાર વાપર્યો, આ શબ્દ જન્મજાત ખોટું લિંગ ધરાવનારાઓ, લિંગપરિવર્તન કરાવનારાઓ, વિપરીતલિંગી જીવન જીવનારાઓ તથા વિપરીતલિંગી વસ્ત્રધારીઓ- આ બધાને સમાવી લે છે. ૧૯૮૪માં ટ્રાન્સજેન્ડર સમાજની સ્થાપના થઈ અને ૧૯૯૨માં આ લોકો માટેના કાયદાઓ બનાવવા માટે પહેલું આંતરરાષ્ટ્રીય અધિવેશન ભરાયું. ટૉલ્બર્ટે સંપાદિત કરેલા ‘ટ્રબલિંગ ધ લાઇન’ સંગ્રહમાં આવા એક-બે નહીં, ૫૫ કવિઓની રચનાઓ સમાવાઈ છે. આ સંગ્રહમાં જેન (જય) બેઝેમર લખે છે: તમે પુરુષ છો કે સ્ત્રી? તમે દરવાજો છો કે બારી? ક્યારેક ક્યારેક હું ઘૃણાસ્પદ અથવા વિપરીત દેખાઉં છું જેથી પોતાને ખોટી રીતે વર્ગીકૃત થવાથી બચાવી શકું. હું શું છું એ હું શી રીતે કામ કરું છું અને શું બનાવું છું એ જ છે.’

– આ વર્તમાનનો અવાજ છે. ત્રીજા લિંગના મનુષ્યો હંમેશા સામાજિક ઉપેક્ષા અને તિરસ્કારના શિકાર થતા આવ્યા છે. હીજડા, કિન્નર કે વ્યંઢળ કહીને આપણે કદી એમને આપણી અડખેપડખે બેસવા દીધા નથી. પાશ્ચાત્ય દેશોમાં તો આવા લોકોની સ્વીકૃતિ અને સમાનાધિકારની વાત લગભગ સર્વસ્વીકૃત બની ચૂકી છે પણ આપણે ત્યાં આવા લોકોને હજીપણ સામાજિક માન્યતા મળી નથી, અને નજીકના ભવિષ્યમાં મળે એવું દેખાતું પણ નથી. સર્જનહારની ભૂલ આ લોકો માટે જનમકેદની પીડા બની રહે છે. એક લિંગના શરીરમાં ભૂલથી કેદ થઈ ગયેલો બીજા લિંગનો આત્મા આજીવન તરફડતો રહે છે. રાઇસ નામનો/ની એક સર્જક લખે છે: ‘જિંદગીના પહેલા ત્રીસ વર્ષ હું લેખનની મદદથી જ મારા શરીરથી ભાગી છૂટતો/તી હતો/તી, કેમકે મારી જાણ મુજબની આ એકમાત્ર સૌથી જાણીતી અને જીવવાલાયક જગ્યા હતી.’

‘પ્રિય મલિસા’ કવિતા વિપરીતલિંગી કવિની કવિતા છે. આ કવિતા માટે કવિ કહે છે: ‘મલિસા એ યુવતીનું નામ છે જે હું ક્યારેક હતો/તી, અને જ્યારે હું એ હતો/તી, મારી મમ્મી, ગાંઠમાં પૈસા ન હોવા છતાં છોકરાંઓને ઉછેરવાના આવતાં, હતાશા અને ગુસ્સાના આવેશમાં ક્યારેક ચિલ્લાતી, ‘મને થાય છે કે તું કદી જન્મી જ ન હોત.’ આ કવિતા એ જ ભાષાને ઊઘાડવાની કોશિશ છે જેથી સામેલ તમામ કોઈક નવું બની શકે.’ આજ શીર્ષકથી એમણે એક બીજી કવિતા પણ લખી છે, જેના વિશે એ કહે છે: ‘…અને જેમ એ સાચું છે કે એ (મલિસા) કદી મને છોડી ગઈ નથી, હું ઘણીવાર વિચારું છું કે શું મે એને છોડી દીધી છે? આ કવિતા એક રીતે એમ કહે છે, ‘આભાર, મલિસા, એ શરીર બનવા માટે જેમાં મારું મૃત્યુ મરી શકે છે.’

આમ જોઈએ તો આખી કવિતામાં શીર્ષકથી લઈને અંત સુધી એક નાનકડું વાક્ય જ છે: પ્રિય મલિસા, હું ઇચ્છું છું કે તું કદી જન્મી જ ન હોત. બસ! કવિતાનું શીર્ષક કવિતાનો જ એક ભાગ પણ છે શીર્ષકથી જ કવિતાની શરૂઆત થાય છે. પણ આ એક વાક્યની વચ્ચે-વચ્ચે બે વાર કૌંસની વચ્ચે જે સ્વગતોક્તિ આવે છે, એ આખી કવિતાને શીર્ષકને બાદ કરતાં ચૌદ પંક્તિઓ અને ચાર અંતરામાં વહેંચી દે છે. રચનાસ્વરૂપ પર ધ્યાન આપીએ તો આ રચના ત્રણ ચતુષ્ક અને એક યુગ્મ – એમ સૉનેટને મળતી આવે છે. આખી કવિતા એક ન બનેલી વાત ઇચ્છવાની અનિશ્ચિતતાની છે એટલે કવિએ પોતાની જાતને છંદ અને ઘણુખરું વ્યાકરણમાં બાંધવાનું સ્વીકાર્યું નથી. કવિતા સ્વચ્છંદમાં વહે છે કેમકે એની ગતિ પણ એ તરફની જ છે.

જીવનના કોઈ એક તબક્કે મા એની દીકરી મલિસાને કહે છે કે કાશ! તું જન્મી જ ન હોત! (તો આ ઉપાધિઓ સહન કરવાનો વારો જ ન આવ્યો હોત.) જો અને તો પર કોઈની જિંદગી જીવાતી નથી એ બધા જાણે છે ને એ છતાંય બધા જો અને તો પર જ જીવ્યે જતાં હોય છે. માના આ પ્રલાપની વચ્ચે મલિસા પોતાની જાતને ટુકડા-ટુકડામાં અભિવ્યક્ત કરે છે. મા ખુદ ઊઠીને સંતાનના અસ્તિત્વના આગમન સામે નાદારી નોંધાવે ત્યારે સંતાનના મનમાં કેવા ત્સુનામી ઊઠતા હશે? આ સમયે એવું કોઈ હશે જે સુસંગતતાથી વિચારી શકે? ટૉલ્બર્ટ જેમ્સ જૉયસ અને વર્જિનિયા વુલ્ફે પ્રચલિત કરેલી ‘સ્ટ્રીમ ઑફ કૉન્સિયશનેસ’ -જેમાં મનુષ્યની છિન્નભિન્ન ચાલ્યે રાખતી વિચારધારાને યથાતથ રજૂ કરવાની નેમ હોય છે- પ્રકારની કથનશૈલી પ્રયોજે છે. મા સામેના એના પ્રતિભાવો સળંગ નથી, અને સુસ્પષ્ટ પણ નથી. બાળકને બોજ ગણતી માના બળાપા સામે ડઘાઈ ગયેલા સંતાનના છુટકમુટક વિચારોને ટૉલ્બર્ટ ટુકડાઓને જોડવાની કોશિશ કર્યા વિના જ, એમાંથી કોઈ અર્થ તારવવાની સ્પષ્ટ ચેષ્ટા કર્યા વિના જ આપણી સામે રજૂ કરે છે.

માના એકવાક્યી નિસાસાની વચ્ચે બાળક આંતરિક એકાલાપ (ઇન્ટિરિયર મૉનોલૉગ) કરે છે, જેની શરૂઆત સ્વાભાવિકપણે માથી જ થાય છે. મારી માએ એકવાર કહ્યું હતું… પછી એ કહે છે કે મા એના બાળપણની. આખી કવિતામાં કવિ એકમાત્ર બાળપણ શબ્દને ‘બાળ’ અને ‘પણ’માં દ્વિભાજિત કરે છે, જેના પરથી સમજી શકાય છે કે જે રીતે શબ્દ, એમ જ એમનું બાળપણ પણ અડધેથી ચીરાઈ ગયું છે. બાળક જે જે બોલે છે એ તમામના અર્થ કાઢવા શક્ય નથી કેમકે આ ચિરાયેલા બાળ-પણના અસંબદ્ધ મનોભાવ છે. પહેલા અંતરામાં જે ‘મારી મા’ અને ‘મારા બાળ-પણની મા’ છે, એ બીજા અંતરામાં એક દીકરીની મા નથી, એક માણસની મા પણ નથી, ત્રીજા અંતરામાં એ ‘કોણ છે’નો પ્રશ્ન બની રહે છે અને કાવ્યાંતે મા કોઈની પણ મા રહેતી નથી. એક તરફ માનું વાક્ય આગળ વધે છે કે તું જન્મી જ ન હોત તો સારું થાત તો બીજી તરફ બાળકનો એકાલાપ માના અસ્તિત્વને ક્રમશઃ ભૂંસી નાખે છે. એક તરફ મા જે એક વાક્ય બોલે છે એ મૂકીએ તો કાવ્યાંતે બાળકની એકોક્તિનું અર્ધવાક્ય અને માનું અર્ધવાક્ય ભેગાં થઈને ‘હું દિલગીર છું કે તું કદી જન્મી જ ન હોત’ એમ વંચાય છે. આ વાક્ય માના ઉદ્ગારનો જ પત્યુદ્ગાર નથી તો બીજું શું છે? માના બળાપાની મિરર-ઇમેજ ઊભી કરીને કવિ આપણા સંવેદનાતંત્રને સૂન્ન કરી નાંખે છે.

બાળકની એકોક્તિના નામે કવિ જે નાના-મોટા ટુકડાઓ આપણને આપે છે એ દરેકના પોતપોતાની રીતે અલગ-અલગ અર્થ કરી શકાય એમ છે. પાણી પાણી થાક્યું છે, અર્થાત્ મા સંતાનથી થાકી ગઈ છે કેમકે સંતાન એ આખરે તો માનો જ અંશ છે. મા જો પાણી છે, તો સંતાન પણ એ જ પાણીનું ટીપું છે. માના બળાપાની સામે પણ બાળક શાંત છે કેમકે જો એ શાંત ન થઈ શક્યું હોય તો માએ જ શીખવેલી પ્રાર્થનાનો અર્થ શો? તમે કોઈકને અડો છો ત્યારે તમે કયા હાથ બનો છો? સ્નેહના? ધિક્કારના? તમે કોઈને અડો છો એ ઘડીએ એ હાથની ભાષા તમારા આખા અસ્તિત્વની ભાષા છે. તમે કોના શરીર પર હાથ મૂકો છો, તમે કોનું ધ્યાન ખેંચવા માંગો છો, તમે શું સાંભળશો જ્યારે તમે પાછા વળીને એની સામે જોશો ત્યારે કેમકે જે તમારી મા છે એ તો કોઈ દીકરીની કે અર્થવિસ્તાર કરીએ તો કોઈપણ મનુષ્યની જ મા નથી કેમકે કઈ મા ઇચ્છે કે સંતાન જન્મ્યું જ હોત તો સારું થાત? આપણું શરીર જ્યારે આપણું શરીર નથી એવું અનુભવાય ત્યારે શું ડર ન લાગે? સ્ત્રી તરીકે જન્મ્યા પછી ખબર પડે કે અંદર માહ્યલો તો પુરુષનો આવી ગયો છે અથવા એનાથી વિપરીત હોય તો શું ડર ન અનુભવાય? જિંદગીનો પવન આ દુવિધા દેખાતી હોવા છતાં ઉપર-ઉપરથી તો વહેતો જ રહે છે પણ જેને તમે તમારા મૂળ કહી શકો એને હચમચાવવાનું ચૂકતો નથી. એ વિશ્વ શું બનશે ખરું જ્યાં તમે અટકીને નિરાંતવા શ્વાસ લઈ શકો કે પછી તમારી અંદર જે તૂટી ચૂક્યું છે, ચીરાઈ ચૂક્યું છે સમયના મારથી, તમારા ચહેરા ઉપર જે ચહેરો ચડી ગયો છે, જે કંઈ જીવંત છે એ ઓળખવા-ઓળખાવાની પરિસીમાની બહાર પહોંચી ગયું છે? કદાચ એમ જ હશે કેમકે મા કોણ છે? તું તો નહીં જ. કારણ તેં તારી જાતને બીજા કોઈમાં વિકસીને મારી નથી નાંખી. મા તો પોતાના બાળકના જન્મ સાથે જ પોતાની જાતને ખતમ કરી નાંખે, બાળકનું અસ્તિત્વ જ એનું અસ્તિત્વ બની રહે, બાળકનો ચહેરો જ એના ચહેરા ઉપર ચડેલો દેખાય પણ અહીં એવું નથી એટલે જ સંતાન દિલગીર છે. કાવ્યાંતે આ દિલગીરી બાળક અને માતાની અર્ધોક્તિના સમન્વયમાંથી જન્મતા ઉચ્ચારણની વેદના બનીને આપણને ચીરી નાંખે છે.

મા શા કારણે વ્યથિત છે એ કવિ કહેતા નથી. કવિતા કદી બધું કહે નહીં પણ એક સામાન્ય લાગતા બળાપાની સામે બાળકના ચિત્તતંત્રમાં થતા ખળભળાટને આપણી સામે મૂકીને કવિ આપણને કહેવા માંગે છે કે બાળકોની સામે વગર વિચાર્યે કશું બોલતાં પહેલાં વિચારવું ઘટે. બાળક ખરેખર બાળક નથી હોતો, એ નાનો વયસ્ક જ હોય છે. એના મનોમસ્તિષ્કના કૌંસની વચ્ચે જે છૂટક-તૂટક પ્રતિભાવો તમારી નાસમજીની સામે ઊઠે છે એ જો કૌંસ બહાર આવશે તો તમારું જીવવું જ દુભર થઈ જશે, ધ્યાન રહે!

કુમાર ગૌતમની અંગ્રેજી કવિતા ‘હું કોણ છું?’ના થોડા અંશ આ સાથે જોવા જેવા છે:

હું વિચારું છું
કે હું કોણ છું?
એક શરીર જે અલગ આત્મામાં ફસાઈ પડ્યું છે
કે એક આત્મા શરીર સાથે કુમેળ ધરાવતો.

હું મનન કરું છું
કે કોણ યુદ્ધે ચડ્યું છે?
હું મારી જાત સાથે
કે દુનિયા મારી સાથે ઝઘડી રહી છે.

મને રમૂજ થાય છે.
કોણે મને ગુલામ બનાવ્યો?
મારી દ્વિધાઓ
કે સમાજે.

ગ્લૉબલ કવિતા : ૭૧ : ક્યારેક – શીનાઘ પ્યુ

Sometimes

Sometimes things don’t go, after all,
from bad to worse. Some years, muscadel
faces down frost; green thrives; the crops don’t fail,
sometimes a man aims high, and all goes well.

A people sometimes will step back from war;
elect an honest man, decide they care
enough, that they can’t leave some stranger poor.
Some men become what they were born for.

Sometimes our best efforts do not go
amiss, sometimes we do as we meant to.
The sun will sometimes melt a field of sorrow
that seemed hard frozen: may it happen for you.

– Sheenagh Pugh

ક્યારેક

ક્યારેક બદમાંથી ચીજો બદતર નથી બનતી કદી,
ને કંઈક વર્ષો દ્રાક્ષ પણ હંફાવે છે હિમપાતને;
હરિયાળી ફૂલે-ફાલે, નિષ્ફળ પાક પણ જાતો નથી,
ક્યારેક માણસ ઊંચું તાકે, ને બધું સારું બને.

ક્યારેક લોકો પાછી પાની પણ કરે છે યુદ્ધથી;
ચૂંટે છે પ્રામાણિકને, ને કાળજી પૂરતી કરે,
કે કોઈ અણજાણ્યો ગરીબીમાં ન સબડે ભૂલથી.
કેટલાક લોકો જે થવાને જન્મ્યા છે, બસ, એ બને.

ક્યારેક કોશિશ શ્રેષ્ઠતમ એળે ન જાતી આપણી,
ક્યારેક જે કરવા વિચાર્યું હોય એ કરીએ છીએ.
સંતાપનું મેદાન જે થીજ્યું પડ્યું હો કાયમી
પીગાળશે ક્યારેક સૂરજ: આવું તમને પણ ફળે.

– શીનાઘ પ્યુ
(અનુ. વિવેક મનહર ટેલર)

મોટું કોણ? કવિ કે કવિતા? કળા કે કળાકાર?

ક્યારેક કવિતા કવિને પણ અતિક્રમી જતી હોય છે. કવિતાના વિરાટસ્વરૂપ સામે સર્જક અને એનું અન્ય તમામ સર્જન વામણા બનીને રહી જતા હોય છે. આ કળાની તાકાત છે કેમકે સર્જક માત્ર સર્જન કરતી વખતે જ પોતાના સર્જનનો માલિક હોઈ શકે, એકવાર શબ્દો કાગળ પર મંડાઈ ગયા કે એ પરાયા થઈ ગયા. સર્જક મટી જાય છે પણ અક્ષર મટતા નથી, કદાચ એટલે જ આપણે એને અ-ક્ષર કહેતા હોઈશું! આવી જ એક કવિતા બ્રિટિશ કવયિત્રી શીનાઘ પ્યુ લઈને આવ્યા છે.

શીનાઘ પ્યુ. કવિ, નવલકથાકાર, અનુવાદક અને વિવેચક. બર્મિંગહામ, ઇંગ્લેન્ડ ખાતે ૨૦-૧૨-૧૯૫૦ના રોજ જન્મ. હાલ શેટલેન્ડ ખાતે પતિ સાથે રહે છે. નિવૃત્ત થયા ત્યાં સુધી યુનિવર્સિટીમાં સર્જનાત્મક લેખન શીખવતાં હતાં. સાયબરસ્પેસના શોખીન. કહે છે, હું પુષ્કળ સમય ઓનલાઇન વેડફું છું. શીનાઘની કવિતા વાસ્તવ અને કલ્પના તથા ઇતિહાસ અને સાંપ્રતતાની વચ્ચેની ‘નો-મેન્સ લેન્ડ’માં લઈ જતી કવિતા છે. એની ભાષાની સરળતા બહુધા ભ્રામક છે. સરળતાનું પડ જરા ઊંચકતા જ અંદરથી કંઈક અણધાર્યું જ આપણા હાથમાં આવી પડે છે. કરકસરયુક્ત શબ્દ-પ્રયોજન તથા કાવ્યસ્વરૂપના યોગ્ય સંમાર્જનના કારણે એમની કવિતાઓ ભાવકને તરત સ્પર્શી જાય છે. ભૌગોલિક દૃષ્ટિએ એમને એંગ્લો-વેલ્શ કવિ ગણી શકાય પણ જે રીતે એમની કવિતાઓના વિષયવસ્તુ સ્થળ, ઇતિહાસ અને સંસ્કૃતિઓને બહોળા ફલક પર આવરી લે છે એ જોતાં એમને વિશ્વનાગરિક ગણવું વધુ ઉચિત થઈ પડે છે.

શીનાઘ પ્યુની આ નાની અમથી કવિતા ‘ક્યારેક’ અભૂતપૂર્વ લોકપ્રિયતા પામી છે અને લોકોએ જીવનના દરેક તબક્કામાં અને દરેક પ્રસંગોમાં, ખાસ કરીને શોકસભાઓમાં તથા શાળાઓએ અભ્યાસક્રમમાં ને પરીક્ષામાં આ કવિતા સેંકડોવાર વાપરી છે, વાપરી રહ્યા છે. લંડન, હેલસિંકી, પિટ્સબર્ગ જેવા શહેરની ટ્રામ, મેટ્રો અને સ્ટેશનમાં આ કવિતા રોજ સેંકડો મુસાફરો વાંચે છે. હકીકત એ છે કે સર્જક શીનાઘ પ્યુ આ કવિતાને બેહદ નફરત કરે છે. એ એના બ્લૉગ પર લખે છે કે આ કવિતા તમારે બિનવ્યાવસાયિક હેતુસર જ્યાં વાપરવી હોય ત્યાં વાપરો, પણ મારું નામ વાપરશો નહીં. આજે જ્યારે કવિતા નીચે કવિનું નામ લખવાનું રહી ગયું હોય તો કવિ હોબાળો મચાવી દે એવા સંજોગોમાં શીનાઘ પોતાનું નામ કવિતા નીચે ન લખવા આગ્રહ કરે છે. શીનાઘ કહે છે કે એ આ કવિતાને એટલા માટે નફરત કરે છે કે એ એમનું પ્રતિનિધિ કાવ્ય નથી. આ કાવ્ય એમની સાચી શૈલી અને સર્ગશક્તિ રજૂ કરતું નથી. એ કહે છે કે જો પહેલાથી ખબર હોત કે આ કાવ્ય આવું લોકપ્રિય બનશે તો એમણે વધુ મહેનત કરી હોત. ખેર, ‘ક્યારેક’ આવું પણ બને છે!

ક્યારેક’ કાવ્ય મૂળભૂતરીતે કવયિત્રીએ એંસીના દાયકામાં એક ઓળખીતા ખેલાડી માટે લખ્યું હતું. આ ખેલાડીને કોકેનનું વ્યસન હતું અને આ કવિતા એ ખેલાડી ગમે તે ભોગે વ્યસનમુક્ત થઈ શકશે એવી આશા સાથે લખાઈ હતી. શીનાઘ ભલે આ કવિતાથી ધરાઈ ગયાં છે પણ સેંકડો લોકો માટે આ કવિતા આશાનું કિરણ બનીને આવી છે. દુનિયાભરના લોકોએ પોતાની તથા પોતાના ઓળખીતાઓની મદદ કરવા માટે આ કવિતાનો સહારો લીધો છે. કવિની કવિતા માટેની નફરતનો લોકોએ જાયજો પણ લીધો છે ને કવિને એમ કહીને ઝાટ્ક્યા પણ છે કે તમારે જાતે જ તમારી કવિતાની ગુણવત્તા નક્કી કરવી હતી તો રાખવી હતી બધી તમારી પાસે. લોકોથી મોટો વિવેચક કોઈ નથી. લખો એવી કવિતા જે આ કવિતાને ટપી જાય. – કોઈપણ કવિ આ વાતનો શો જવાબ આપી શકે?

આર્થર કોનન ડોયલને એમની ઐતિહાસિક નવલકથાઓ વધુ વહાલી હતી, પણ લોકોને શેરલોક હોમ્સ જ એટલો ગમ્યો કે જેનાથી છૂટકારો મેળવવા લેખકે મારી નાખ્યો હતો, એ જ શેરલોક હોમ્સને એણે ફરી જીવતો કરવો પડ્યો હતો. અગાથા ક્રિસ્ટી પણ એના અમર પાત્ર ‘હરક્યુલ પોઇરો’થી પરેશાન હતાં કેમકે પ્રકાશકો એ સિવાય બીજું કશું લખવા જ નહોતા દેતા. ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’ની પ્રસિદ્ધિ અને બાકીના કામ તરફ સેવાતા દુર્લક્ષથી એના સર્જક એન્થની બર્ગેસ પણ વ્યથિત હતા. ફ્રાન્ઝ કાફ્કાએ તો પોતાનું ઘણુંખરું લખાણ સળગાવી દીધું હતું અને જે અધૂરા લખાણ મૃત્યુપર્યંત સળગાવી દેવા કહ્યું હતું એ જ ‘ટ્રાયલ’, ‘કેસલ’ અને ‘અમેરિકા’એ એને અમરત્વ આપ્યું. ‘વીની-ધ-પૂ’ના સર્જક મિલ્ને પણ વીનીને ધિક્કારતા હતા કારણ કે વીનીની ચકાચૌંધના કારણે એમનું બાકીનું સર્જન પોંખાયું નહીં. શીનાઘને પણ આ રચના સાથે આવો જ લવ-હેટનો સંબંધ છે.

રચનાની દૃષ્ટિએ ચાર-ચાર પંક્તિના ત્રણ અંતરાવાળું આ ગીત આયમ્બિક પેન્ટામીટરમાં લખાયું છે પણ કવયિત્રી પોતે આ રચના લખતી વખતે ગંભીર નહોતા એટલે એમણે ચુસ્ત પ્રાસ મેળવવાની દરકાર રાખી નથી એટલે આખરી અંતરાને બાદ કરતાં રચનામાં પ્રાસ શિથિલ જોવા મળે છે. ઘણી ભાષાઓમાં આનો અનુવાદ થયો છે પણ વિતાલી અશ્કેનાઝીએ કરેલો રશિયન અનુવાદ શીનાઘને પોતાની રચના કરતાંય વધુ ગમે છે. ગુજરાતીમાં અનુવાદ કરતી વખતે પ્રાસરચના અ-બ-અ-બ પ્રકારની પ્રમાણમાં નિયમિત કરી છે અને અંગ્રેજીમાં જે અપૂર્ણાન્વય (enjambment) છે એને અવગણીને પંક્તિ વધુ સુગમતાથી આસ્વાદ્ય બને એનું ધ્યાન રાખ્યું છે.

ક્યારેક’ શીર્ષક પરથી સમજી શકાય છે કે અહીં જે વાત છે એ રોજમરોજની નથી, કાયમની નથી પણ કદીમદીની છે. કવિતામાં જે વિધેયાત્મક્તા અને આશા છે એ હંમેશા પરિપૂર્ણતામાં પરિણમતા નથી. એટલે પહેલી નજરે ભલે કવિતા હકારાત્મક્તાની કેમ ન લાગે, હકીકતમાં એ નિરાશાઓથી ભર્યાભાદર્યા જીવન તરફ વધુ ઈશારો કરે છે. જો કે લોકોને ‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ (મણીલાલ દ્વિવેદી)વાળી વાત વધુ સ્પર્શી ગઈ છે. શીનાઘ કહે છે ક્યારેક ચીજો ખરાબમાંથી વધુ ખરાબ તરફ ગતિ નથી કરતી. બ્રિટનની કવિતા છે એટલે દ્રાક્ષની વાડીઓ અને બરફના કારણે થતું નુકશાન આગળ આવે છે. કવિ મસ્કાડેલ શબ્દ પ્રયોજે છે. મસ્કાડેલ એટલે સફેદ વાઇન જેમાંથી બનાવવામાં આવે છે એવી દ્રાક્ષની એક જાતિ. એક અર્થ મસ્કતની દ્રાક્ષ એવો પણ થાય છે જોકે વિકીપીડિયા એનો વિરોધ કરે છે. હિમવર્ષા દ્રાક્ષનો પાક વેડફી નાંખતી હોય છે પણ કવિ કહે છે ક્યારેક વરસો સુધી દ્રાક્ષનો પાક હિમપ્રપાતને પણ હંફાવીને વિજયી નીવડે છે. ચોતરફ હરિયાળી ફૂલે-ફાલે છે, પાક નિષ્ફળ જતો નથી. માણસ ઊંચુ નિશાન તાકે છે અને સફળ થાય છે. કવિનો આશાવાદ વધુ આગળ વધે છે. માણસજાત યુદ્ધથી પાછી ફરે છે, ચૂંટણીમાં પ્રામાણિક માણસની વરણી કરે છે, અજાણ્યા ગરીબોની દરકાર કરે છે. કેટલાક માણસો પોતે જે થવા સર્જાયા હોય એ જ બને છે.

ક્યારેક એવુંય બનતું હોય છે કે આપણા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રયત્નોના ગળામાં વિધિ સફળતાની વરમાળા પહેરાવે છે. ક્યારેક એવું બને છે કે આપણે જે કરવા ધાર્યું હોય એ સાચે જ કરી શકીએ છીએ. દુનિયાદારીની આડખીલી પગમાં વચ્ચે નડતી નથી. પીગળવા જ ન કરે એવા હઠીલા બરફાચ્છાદિત દુઃખના મેદાનને ક્યારેક સૂર્ય પીગાળી દે છે. અહીં ‘ફિલ્ડ’નો તરજૂમો ‘ખેતર’ કરવા મન લલચાઈ શકે છે કેમકે આગળ દ્રાક્ષ, હરિયાળી અને પાકની વાત આવી ચૂકી છે પણ કારણકે કવિતા એક ખેલાડીને માટે લખાઈ છે, અહીં (રમતનું) મેદાન શબ્દ જ ઉચિત ગણાશે. બીજું, કવિ તો હકીકતમાં બરફ (snow) લખવા માંગતાં હતાં. કેમકે જે ખેલાડી માટે આ લખાયું એ ખેલાડી કોકેઇનનો બંધાણી હતો અને કોકેઇનનો સફેદ રંગનો ભૂકો બરફની છીલ જેવો જ દૃષ્ટિગોચર થાય છે. પણ આજે જેમ ઘણાબધા કવિઓ કવિતા લખવા માટે કાગળ-કલમ વાપરવાને બદલે સીધા કમ્પ્યુટર કે હવે તો મોબાઇલમાં જ ટાઇપ કરે છે, એમ ટાઇપ કરતી વખતે ભૂલ થઈ ગઈ અને સ્નૉના સ્થાને સંતાપ (sorrow) ટાઇપ થઈ ગયું. કવિને મૂળ વિચાર કરતાં ભૂલ વધુ ગમી ગઈ અને એમણે ભૂલ સુધારી નહીં. હકીકત એ છે કે બરફના સ્થાને સંતાપ શબ્દ જ આ રચનાને કાવ્યકક્ષાએ લઈ જવામાં વધુ સહાયક નીવડ્યો છે. શીનાઘ કહે છે: ‘હું ઘણીવાર કી-બૉર્ડને સર્જનાત્મક પ્રક્રિયામાં જોડાવા દેવામાં માનું છું.’ ભાઈ, વાહ!

બાર પંક્તિની આશાવાદી કવિતાની આખરી અર્ધપંક્તિ આ કવિતાની અપ્રતિમ લોકચાહના માટેનું ખરું કારણ છે. આપણે બધા જ જાણીએ છીએ કે જીવનમાં મોટાભાગે ખરાબ વધુ ખરાબ બને છે, પાક અવારનવાર નિષ્ફળ જાય છે, ધાર્યું નીવડતું નથી, અકારણ યુદ્ધો થતા રહે છે, અપ્રામાણિક માણસો જ ચૂંટાઈને આગળ આવે છે, ગરીબોની અને અજાણ્યાઓની આપણે મોટાભાગે ઉપેક્ષા જ કરીએ છીએ અને આપણામાંથી મોટાભાગનાને એ જ વાતનો અફસોસ હોય છે કે આપણે જે બનવા માટે જન્મ્યા હતા, એ બની જ શક્યા નથી, બધી કોશિશ વ્યર્થ જાય છે, કરવા કંઈ ઇચ્છીએ છીએ અને થાય છે કંઈ, દુઃખના મેદાન કદી સાફ થતા જ નથી, જીવનમાં સુખનો સૂરજ કદી ઊગતો જ નથી. સરવાળે, જિંદગીમાં સૌને દુઃખ વધુ અને સુખ ઓછાં, નિષ્ફળતા ઝાઝી અને સફળતા જૂજ, લાચારી પુષ્કળ અને આઝાદી થોડાં જ મળ્યા હોવાનો અસંતોષ બહોળો અને સંતોષ અલ્પ જ અનુભવાય છે. પણ આ કવિતાની આખરી અર્ધપંક્તિ અમર્યાદિત આશાની વાત કરે છે જે સમગ્ર મનુષ્યજાતિની એકમાત્ર ઝંખના હોવાથી આ પંક્તિ કવિતાની સફળતાની ચાવી બની ગઈ છે. કવિ કહે છે, જીવનમાં જે બધું જ સકારાત્મક વસ્તુઓ ક્વચિત્ જ ફળતી હોય છે, એ બધી જ કાશ! તમને પણ ફળે! સામી વ્યક્તિ માટેની મહત્તમ સુકામના વ્યક્ત કરતી હોવાના કારણે આ અતિસરળ પંક્તિ લોકોના દિલમાં કાયમ માટે કંડારાઈ જવામાં સફળ નિવડી છે.

આશા એકમાત્ર એવું તણખલું છે જેના સહારે માનવજાત અસ્તિત્વના પહેલા દિવસથી આજદિન લગી જીવનસાગરમાં તરતી આવી છે અને અસ્તિત્વ ટકશે ત્યાં સુધી એના આધારે જ તરતી રહી શકશે. માણસના જીવનમાંથી આશા કાઢી લો તો શું બચે? પ્રાણવાયુ જે ફેફસાં માટે, એ જ આશા જીવન માટે છે. રાતના અંધારામાં માણસ આંખ મીંચીને માત્રને માત્ર એ જ કારણોસર ઊંઘી શકે છે કે રાત ગમે એટલી અંધારી કેમ ન હોય, સવાર તો પડવાની જ છે. માણસને જો એવી ખાતરી થઈ જાય કે આવતીકાલે સવાર પડવાની જ નથી, તો એ કદાચ ઊંઘી જ ન શકે. બર્નાર્ડ વિલિયમ્સે કહ્યું હતું: ‘એવી કોઈ રાત કે સમસ્યા છે જ નહીં જે સૂર્યોદય કે આશાને હરાવી શકે.’ દુઃખના દિવસો આપણે બેળે બેળે પણ એ કારણોસર જ પસાર કરી શકીએ છીએ કે દિલમાં ઊંડે ઊંડે એ આશા છૂપાયેલી હોય જ છે કે સુખના દિવસ આવશે જ. ઇસુના ૨૭૦ વર્ષ પૂર્વે થિઓક્રેટસે કહ્યું હતું: ‘જ્યાં જીવન છે, ત્યાં આશા છે.’ ઈસ્લામમાં તો અલ્લાહમાંના ભરોસાને જ આશા કહી છે. શેક્સપિઅર પણ કહે છે કે દુઃખી માણસો પાસે બીજી કોઈ દવા નથી, સિવાય કે આશા. મોટા મોટા મહાપુરુષો અને સંતો કહી ગયા કે આજમાં જીવો પણ માનવજાત પાસે જો આવતીકાલની આશા ન હોય તો એની આજ પણ શૂન્ય જ થઈ જાય. મૃત્યુ ગમે એટલું અફર કેમ ન હોય, માણસ જીવે છે જ એટલા માટે કે એને ખાતરી છે કે એ કાલે સવારે ઊઠવાનો જ છે, ભલે પછી મોઢેથી એ ‘કાલ કોણે દીઠી છે’નું પોપટિયું રટણ કેમ ન કરતો હોય!

શીનાઘની આ કવિતા આશાનો બુસ્ટર ડોઝ છે. એ ‘ક્યારેક’ ‘ક્યારેક’ની આલબેલ પોકારે છે પણ આપણને એમાંથી ‘હંમેશા’ ‘હંમેશા’નો જ પડઘો સંભળાય છે. એ ‘આવું તમને પણ ફળે’ કહે છે ત્યારે આપણા હાથમાંથી બધા હથિયાર હેઠા પડી જતા અને આપણે દોડીને આ કવિતાને આશ્લેષમાં લેવા જતા હોવાનું અનુભવાય છે. ‘ક્યારેક’ શબ્દ નાની-નાની આશાઓનો સમાનાર્થી બનીને આપણી પાસે આવે છે. આ કવિતાએ નિષ્ફળતાની ચરમસીમા પર ઊભેલા ઢગલાબંધ લોકોનો હાથ ઝાલીને સંજીવની બક્ષી છે. એટલે જ ક્યારેક કળા કળાકાર કરતાં મહાન સિદ્ધ થાય છે. હા, ‘ક્યારેક.’

ગ્લૉબલ કવિતા : ૭૦ : ચર્ચમાં – આર. એસ. થોમસ

In Church

Often I try
To analyse the quality
Of its silences. Is this where God hides
From my searching? I have stopped to listen,
After the few people have gone,
To the air recomposing itself
For vigil. It has waited like this
Since the stones grouped themselves about it.
These are the hard ribs
Of a body that our prayers have failed
To animate. Shadows advance
From their corners to take possession
Of places the light held
For an hour. The bats resume
Their business. The uneasiness of the pews
Ceases. There is no other sound
In the darkness but the sound of a man
Breathing, testing his faith
On emptiness, nailing his questions
One by one to an untenanted cross.

– R S Thomas


ચર્ચમાં

ઘણીવાર હું મથું છું
એની ચુપકીઓની ગુણવત્તાનું
વિશ્લેષણ કરવા. શું અહીં જ ભગવાન છુપાયો છે
મારી શોધખોળથી? મેં સાંભળવી બંધ કરી છે,
કેટલાક લોકોના ચાલી ગયા પછી,
એ હવાઓને જે પુનર્ગઠિત કરે છે પોતાને
નિગરાની માટે. એણે આ જ રીતે પ્રતીક્ષા કરી છે
પથ્થરો એની ફરતે ટોળું બનાવી બેઠા છે ત્યારથી.
આ છે કઠણ પાંસળીઓ
એક શરીરની જેને આપણી પ્રાર્થનાઓ જીવંત કરવામાં
નિષ્ફળ નીવડી છે. પડછાયાઓ આગેકૂચ કરી રહ્યા છે
તેમના ખૂણાઓમાંથી, એ જગ્યાઓનો કબ્જો મેળવવા માટે
જે પ્રકાશે બાનમાં રાખ્યો છે
એક કલાક સુધી. ચામાચીડિયાઓ
એમના ધંધે લાગી ગયાં છે. બાંકડાઓની બેચેની
શમી ગઈ છે. બીજો કોઈ જ અવાજ નથી
અંધારામાં સિવાય કે એક માણસના
શ્વસનનો, એના વિશ્વાસને ચકાસતો
આ ખાલીપે, એના પ્રશ્નોને એક પછી એક
ખીલે ઠોકતો એક ભાડૂતવિહોણી શૂળી પર.

– આર. એસ. થોમસ
(અનુ. વિવેક મનહર ટેલર)


ઈશ્વર: માનો તો મૈં ગંગા મા હૂઁ, ના માનો તો બહેતા પાની…

ઈશ્વર. શું છે ઈશ્વર? સત્ય કે અસત્ય? વાસ્તવ કે કલ્પના? સધિયારો કે ડર? જગન્નિયંતા કે કથપૂતળી માત્ર? આપણે એનું સર્જન છીએ કે એ આપણું? કોઈએ જોયો નથી, કોઈએ અનુભવ્યો નથી, કોઈએ જોયાનો દાવો કર્યોય હોય તો એ દાવાની સત્યાનૃતતા કોઈએ કરી નથી ને તોય માનવજાતે આજસુધીના ઇતિહાસમાં સૌથી વધુ વિશ્વાસ આ સંપૂર્ણતઃ ઇન્દ્રીયાતીત વિભાવનામાં જ મૂક્યો છે, ને મૂકતી રહેવાની છે. માણસે જે દિવસે પહેલવહેલીવાર ડર અનુભવ્યો હશે એ દિવસે કદાચ ઈશ્વરનો જન્મ થયો હશે અને ડર એ સહજ અને સ્વભાવગત અનુભૂતિ હોવાના કારણે કોઈપણ જાતના સંપર્ક કે સંદેશવ્યવહાર વિના દરેક યુગ, દરેક દેશ અને દરેક સંસ્કૃતિએ પોતાનો ઈશ્વર સ્થાપ્યો જ છે. દુનિયા આસ્તિકોથી ભરી પડી છે તો નાસ્તિકોનીય કંઈ કમી નથી. પણ ઈશ્વર ગળથૂથીથીજ એવો રક્તસંસ્કાર બની બેઠો છે કે એના અસ્તિત્વને સમુચુ નકારવું નાસ્તિકો માટેય આસાન નથી. પ્રસ્તુત કવિતામાં આર. એસ. થોમસ ઈશ્વરની વિભાવનાને ટટોલી જુએ છે.

રોનાલ્ડસ્ટુઅર્ટથોમસ. ૨૯-૦૩-૧૯૧૩ના રોજ કાર્ડિફ, વેલ્શ (યુ.કે.) ખાતે ખલાસીને ત્યાં જન્મ. મા-બાપનું એકમાત્ર સંતાન. ૨૩ વર્ષની વયે એન્ગ્લિકન ચર્ચમાં પાદરી બન્યા. ૧૯૪૦માં મિલ્ડ્રેડ એલ્ડ્રિજ સાથે લગ્ન, જે ૧૯૯૧માં એલ્ડ્રિજના અવસાન સુધી ટક્યા. ચિત્રકાર પત્નીની પ્રસિદ્ધિએ થોમસની કવિ તરીકે પ્રસિદ્ધ થવાની ઇચ્છામાં ભાગ ભજવ્યો. એલિઝાબેથ વર્નન સાથે બીજા લગ્ન. જેનો ઉપદેશ આપ્યો એ જ જીવન જીવ્યા. સ્વૈચ્છિક ગરીબીનો સ્વીકાર. ઘરની એકમાત્ર સાહ્યબીની ચીજ વેક્યુમ ક્લિનર પણ થોમસે એમ કહીને કાઢી નાંખ્યું કે એ બહુ અવાજ કરે છે. પ્રબળ રાષ્ટ્રવાદી હતા પણ માતૃભાષા છેક ૩૦ની ઊંમરે શીખ્યા એટલે કવિતા અંગ્રેજીમાં જ લખી. ૧૯૯૬માં નોબલ પારિતોષિક માટે નામાંકન થયું પણ મેળવવા જેટલા સૌભાગ્યશાળી ન નીવડ્યા. આજીવન નાના અમથા વેલ્શની બહાર ભાગ્યે જ નીકળ્યા હશે પણ યુરોપના મુખ્ય કવિઓમાંના એક ગણાયા. ૧૫૦૦થી વધુ કવિતાઓ લખી. ૮૭ વર્ષની જૈફ વયે ૨૫-૦૯-૨૦૦૦ના રોજ હૃદયરોગની બિમારીથી દેહાવસાન.

દેશના પારંપારિક વિચારો અને બીજી રીતે કહો તો, આત્માને હચમચાવી નાંખનાર કવિ. જેમ થોમસ હાર્ડીનું સમગ્ર સર્જન વેસેક્સની ફરતે રચાયું છે એમ આર. એસ. થોમસની કવિતા પણ વેલ્શના સામાન્યજનના જીવનમૂલ્યોનું સહજ ગાન છે. આપણે ત્યાં લક્ષ્મણે જેમ ‘કોમનમેન’ સર્જ્યો તેમ થોમસે એની કવિતાઓમાં ‘ઇઆગો પ્રિથેર્ચ’ નામના ખેડૂતનું સર્જન કરી વેલ્શના આત્માને અવાજ આપ્યો છે. એ પોતાના દેશબંધુઓની કઠોર આલોચના કરે છે પણ કરુણામય સમદૃષ્ટિ સાથે. કડવા કટાક્ષ પણ અનુકંપાસભર છે. ભાષા સરળ પણ લય મજબૂત. માનવમનના ઊંડાણમાંથી એમની કવિતા નીકળે છે અને ઈશ્વરની ઊલટતપાસ કરવા નીકળે છે. એમની રચનાઓમાંથી ઈશ્વરના છેતરામણા પ્રપંચ સામેનો આર્તસ્વર ઊઠે છે. એ ‘ક્રોસના કવિ’, ‘ચર્ચના કવિ’ તરીકે ઓળખાય છે. પણ ઈશ્વર વિશેની પારંપારિક કવિતાઓ કરતાં આ કવિતાઓ ઊફરી ચાલે છે. બહુધા એમાંથી નાસ્તિકતાનો સૂર ઊઠતો સંભળાય છે. એ ન સંભળાયેલી પ્રાર્થનાઓનો, એકલતાનો, અંધારાનો, ઈશ્વરના પથ્થરિયા મૌનનો જવાબ માંગે છે. એ કહેતા, ‘કેટલાક લોકો આતુર છે એ જાણવા કે મારા બે વ્યવસાયો વચ્ચે અથડામણ નથી થતી? તો હું હંમેશા જવાબ આપું છું કે ઈસુ કવિ હતા, નવો કરાર પણ એક કવિતા છે, અને મને કોઈ સમસ્યા નડતી નથી.’ એમની કવિતા એકાકી જીવની ‘નખશિખ શુદ્ધ, નખશિખ કડવી’ કવિતા તરીકે ઓળખાવાય છે. એ કહે છે, ‘મારો મુખ્ય હેતુ છે કવિતા બનાવવાનો. તમે પહેલાં તમારી જાત માટે બનાવો છો, બીજા લોકો પછી ઇચ્છતા હોય તો જોડાઈ શકે છે.’

૧૯૬૬માં લખાયેલ ‘ચર્ચમાં’ એક ગદ્યકાવ્ય છે. છંદ કે પ્રાસની પળોજણમાં પડવાના બદલે કવિ સીધી સરળ ભાષામાં પોતાની વાત બહુ ઓછી પંક્તિઓમાં રજૂ કરે છે. વીસ પંક્તિની કવિતામાં માત્ર નવ જ વાક્ય છે અને છેલ્લું વાક્ય તો કાવ્યાંતે જ પૂરું થઈ શકે એને બાદ કરીએ તો આખી રચનામાં બીજું એક જ વાક્ય પંક્તિ પતે ત્યાં પતે છે. એ સિવાયના સાતે-સાત વાક્યો પંક્તિની વચમાં પૂરાં થાય છે એટલે આખી કવિતામાં એક પંક્તિ બીજીમાં ને બીજી ત્રીજીમાં સતત ઢોળાતી રહે છે, જેને આપણે અપૂર્ણાન્વય (Enjambment/run-off lines) તરીકે ઓળખીએ છીએ. આ પ્રયુક્તિને લીધે કાવ્ય સળંગસૂત્રી હોવાનું અનુભવાય છે.

કવિતા ‘ઘણીવાર’થી શરૂ થાય છે, અર્થાત્ આ જે પણ કંઈ વાત કે મથામણ છે એ આજની કે એકવારની નથી, એ સતત ચાલતી આવેલી અને કદાચ સતત ચાલતી રહેનાર પ્રક્રિયા છે. કવિતાનો પ્રારંભ આત્મકથનાત્મકશૈલીમાં થાય છે પણ થોડી જ વારમાં હું નીકળી જઈને ‘અમારી પ્રાર્થનાઓ’ના ‘અમે’માં રૂપાંતરિત થાય છે અને એ પછી આખી કવિતા ત્રીજા પુરુષ કથાનકમાં રજૂ થતી હોય એમ લાગે છે. કવિ બહુ સિફતથી પોતાના ‘આઇ’ને દૂર કરી દે છે કેમકે એ જાણે છે કે ‘આઇ’નો બોજો માથા પર લઈને ઈશ્વરના દાદરા ચડી શકાનાર નથી. નાયક ચર્ચમાં બેઠો છે અને ઈશ્વરની તલાશમાં છે. ‘ઈશ્વર કણ કણમાં વસેલો છે’, ‘अहं ब्रह्मास्मि’ અને ‘મન ચંગા તો કથરોટમેં ગંગા’ આપણે ફક્ત બોલવા માટે જ બોલીએ છીએ, દિલથી કદી સ્વીકારતા નથી. ને એટલે જ વિશ્વભરમાં ધર્મસ્થાનોનું નિર્માણ અનવરત ચાલતું આવ્યું છે. ઈશ્વરને મળવા આપણે કદી આપણા કે બીજાના દિલ સુધી જતા નથી, મંદિર-મસ્જિદ-ગિરિજાઘરમાં જ જઈએ છીએ, કેમ જાણે આખી દુનિયાને પડતી મૂકીને ઈશ્વર ત્યાં જ આરામ ન ફરમાવતો હોય આપણી પ્રતીક્ષામાં. ઈશ્વર વિશેની કોઈપણ સંસ્કૃતિની એકેય વાતો તર્કસંગત નથી ને તોય ઈશ્વરના અસ્તિત્વને નકારવાની આપણી હિંમત નથી. ટી. એસ. ઇલિયટે કહ્યું હતું: ‘માનવજાત વધુ પડતી વાસ્તવિક્તા સહી શકતી નથી.’હરિવંશરાય બચ્ચન કહે છે: ‘આણે બનાવીને મંદિર-મસ્જિદ-ગિરજાઘર/ખુદાને કરી દીધો છે બંધ;/આ છે ખુદાની જેલ/જેને તેઓ-વ્યંગ તો જુઓ/કહે છે શ્રદ્ધા-પૂજાના સ્થાન.’

નાયક ચર્ચમાં નિયમિત આવે છે અને ચર્ચ ખાલી થઈ ગયા પછી પણ ત્યાં હાજર રહે છે. થોમસ પોતે પાદરી છે એટલે એ કદાચ એ પાદરીના ધર્મોપદેશ પતી ગયા પછીના ચર્ચની આ સ્થિતિ કલ્પે છે. એ અહીંની ચુપકીદીઓની ગુણવત્તાનું વિશ્લેષણ કરવા અવારનવાર મથે છે. મૌનમાંથી ઊઠતા પડઘા સાંભળવા એના કાન કાયમ આતુર રહે છે. પ્રશ્ન થાય છે, શું આ જ જગ્યા છે જ્યાં એની નજરોથી, પહોંચથી, શોધખોળથી પરે ઈશ્વર સંતાયો છે? લોકો ચાલ્યા ગયા પછીના ખામોશ વાતાવરણમાં મંડરાયા કરતી હવાઓ જાણે ચોકીપહેરો ભરવા માટે પુનર્ગઠિત થઈ રહી છે. નાયક હવે એની અવગણના કરવા માંડ્યો છે. મતલબ એવો પણ સમય હશે જ્યારે એ આ હવાઓને સુંઘતો, ગણકારતો હશે. પણ હવે એને લાગે છે કે પથ્થરો ટોળું જમાવીને બેઠાં છે ત્યારથી આ ચર્ચ, આ હવાઓ ઈશ્વરની આમ જ રાહ જોયા કરતાં હશે. ચર્ચમાંના આ પથ્થરો જાણે લાશની કઠણ પાંસળીઓ છે જેમાં વરસોની, સદીઓની પ્રાર્થના પણ પ્રાણ ફૂંકી શકી નથી. ઈસુના પુનરુજ્જીવન (Resurrection)ની વાયકા યાદ આવ્યા વિના નથી રહેતી. મૃત્યુના ત્રીજા દિવસે ઈસુ ખ્રિસ્ત ફરી જીવતા થયા હતા એ વાત ખ્રિસ્તી ધર્મના કેન્દ્રસ્થાને છે. ઈસુ પુનર્જીવિત થયા ન હોઈ શકે એમ જેઓ માને છે તેઓ હજી પાપમુક્ત થયા જ નથી એમ કહી દઈને ખ્રિસ્તી ધર્મ તમામ પ્રકારની આશંકાઓની શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકી દે છે. કોઈ જ ધર્મ આવા પૂર્ણવિરામોથી પર નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. (જલન માતરી)

નમું તને પથ્થરને? નહીં, નહીં
શ્રદ્ધા તણા આસનને નમું નમું. (સુન્દરમ્)

આમ, ઈશ્વરને શ્રદ્ધાનો વિષય બનાવી દઈને એના અસ્તિત્વની ખરાખરી તરફ આપણે આંખ જ મીચી દીધી છે. ચર્ચનો ધર્મનાદ ટાઢો પડી ગયો છે. લોકો ચાલ્યા ગયા છે. સ્થગિત હવા ત્યાંને ત્યાં ઘુમરાઈ રહી છે. પથ્થરો વધુ નિર્જીવ ભાસી રહ્યા છે. ઘડી પહેલાં જે સ્થાન પ્રકાશના તાબામાં હતું એને હડપવા ખૂણાઓના અંધારા આગેકૂચ કરી રહ્યાં છે. ‘એલાઇવ’ કવિતામાં થોમસ લખે છે: ‘અંધારું તારી હાજરીનો ગાઢો બનતો જતો ઓળો છે.’ દિવસભર ચુપચાપ ઊંધા લટકી રહેલ ચામાચીડીયાઓ પોતાના કામે લાગી ગયાં છે. ચામાચીડીયા આપણી અંધ શ્રદ્ધાના પ્રતીક છે. માણસોના હોવાથી બાંકડાઓ પણ જાણે કે બેચેન હતા, તે માણસોના ચાલી ગયા પછી તેમની બેચેની પણ ક્રમશઃ શમી રહી છે. અંધારામાં બધું જ ઓગળી ગયું છે, અવાજ સુદ્ધાં. અંધારું આમેય બધા ભેદભાવ મિટાવી દઈને બધાને એકાકાર કરી દઈ એક જ કક્ષાએ આણે છે, જે સહન કરવું મનુષ્ય માટે શક્ય નથી, ને કદાચ એટલે જ મનુષ્યમાત્ર અંધકારથી ડરે છે.

ટાંકણી પડે તો પણ સાંભળી શકાય એવી ચર્ચની નીરવ શાંતિમાં ત્યાં હાજર એકમાત્ર માણસના શ્વસનનો અવાજ એકમાત્ર અપવાદ છે. ‘ધ ઇકોઝ રિટર્ન સ્લૉ’માં એ લખે છે: ‘તમારે એવી પ્રતીક્ષાની કલ્પના કરવાની છે જે ઉતાવળી નથી કેમકે એ સમયાતીત છે.’ થોમસે જિંદગીનો મોટાભાગનો સમય ચર્ચની સેવામાં વીતાવ્યો હતો એટલે એની કવિતાઓમાં ચર્ચ અને ધર્મ સદૈવ કેન્દ્રસ્થાને રહ્યા છે. એમની કવિતાઓના સાચા નાયક ચર્ચ બહુધા ખાલી જ જોવા મળે છે, અથવા વધુમાં વધુ એક માણસ એમાં હાજર દેખાય છે. આ એક માણસ કવિનો આભ્યંતર અહમ્ (Alter ego)પણ હોઈ શકે છે. થોમસ છૂપા ઈશ્વરનો, નીરવતાનો કવિ છે. એ અંધારા એકાંતમાં પોતાનું અજવાળું શોધવા મથે છે. ‘ધ એમ્પ્ટી ચર્ચ’કવિતામાં એ કહે છે: ‘એ લોકોએ એના માટે આ પથ્થરની જાળ બિછાવી, મીણબત્તીઓથી લલચાવ્યો, જાણે કે એ એક મોટા ફૂદાની જેમ અંધારામાંથી અહીં આવી ચડવાનો ન હોય.’ આજ કવિતામાં એ આગળ કહે છે: ‘શા માટે, તો, હું ઘૂંટણિયે પડીને મારી પ્રાર્થનાઓ એક પથ્થરના હૃદય પર ફટકારું છું? શું એ આશામાં કે એમાંની એકાદ પ્રજ્વળશે અને આ પ્રકાશિત દીવાલો હું સમજી શકું એનાથી વધુ વિરાટ કશાકનો પડછાયો ફેંકી શકે?’

‘ન્યુક્લિઅર’માં એ કહે છે: ‘એવું નથી કે એ બોલી શકતો નથી; ભાષાઓ કોણે સર્જી, સિવાય કે ભગવાન?’ પણ અહીં પથ્થરોની નિર્જીવ વસ્તીમાં ખાલી ક્રોસની ઉપર એ એક માણસ પોતાના શ્વાસોચ્છ્વાસ વડે પોતાના પ્રશ્નો, પોતાની શંકાઓ, પોતાની શ્રદ્ધાઓને એક પછી એક ખીલે ઠોકી રહ્યો છે. ૩૧ ઓક્ટોબર, ૧૫૧૭ના દિવસે માર્ટિન લ્યુથરે વિટેનબર્ગ કેસલ ચર્ચના દરવાજે ચર્ચમાં પેસી ગયેલા સડાના વિરોધમાં પોતાના ૯૫ મુસદ્દાઓની નકલ ખીલે ઠોકી હતી એ વાત યાદ આવ્યા વિના નહીં રહે. અહીં પણ નાયક પોતાના વિશ્વાસને આ ખાલીપામાં, આ અંધારામાં ચકાસવા મથી રહ્યો છે. જેમ ઈસુના શરીરમાં એમ એ પોતાના પ્રશ્નોના શરીરમાં ખીલા ઠોકી રહ્યો છે. શું આનો મતલબ એવો સમજવો કે એ પોતાના જવાબો મેળવી રહ્યો છે? અહીં શૂળી ભાડૂતવિહોણી છે એ રૂપક ખાસ્સું અર્થગંભીર છે. આ રૂપકે સાહિત્યજગતને ચર્ચાના ચકડોળે ચડાવ્યું છે. આ ખાલી ક્રોસ હાજરી-ગેરહાજરી, શ્રદ્ધા-અશ્રદ્ધા, ક્રુસાહોરણ-પુનરુજ્જીવનના વિરોધાભાસ ઈંગિત કરે છે. સુધારાવાદી ખ્રિસ્તીઓ (પ્રોટેસ્ટન્ટ્સ) લોકોનો ક્રોસ ખાલી હોય છે જ્યારે પરંપરાગત રોમન કેથલિક સંપ્રદાયમાં ક્રોસની ઉપર ઈસુ ખ્રિસ્ત જોવા મળે છે. આ બિનનિવાસિત શૂળીનો એક અર્થ એવો કરી શકાય કે ઈશ્વર હવે અહીં નથી, ચાલ્યા ગયા છે. જ્યારે બીજો અર્થ પરંપરાગત ઈસુના ક્રુસારોહણ (crucifixion) અને પુનરુજ્જીવન તરફ ઈશારો કરે છે. એમ માની શકાય કે પુનરુત્થાન થઈ ચૂક્યું હોવાથી એ હવે ક્રોસ પર નથી. એવું પણ કહી શકાય કે આપણે જે સમાજ-સંસ્કૃતિમાં રહીએ છીએ એનું એ હદે પતન થઈ ચૂક્યું છે કે ભગવાન હવે અહીં રહી શકે એમ ન હોવાથી આપણને છોડીને ચાલ્યા ગયા છે. ‘ભાડુત’ શબ્દ પણ ધ્યાન માંગે છે. ભાડુત એટલે એક એવો શખ્સ જે બીજાના મકાનમાં રહે છે. મતલબ આ ક્રોસ એ ઈસુનું પોતાનું ઘર નથી, એ રોમન લોકોએ આપેલું ભાડાનું ઘર છે.

થોમસે કહ્યું હતું: ‘ગામડાંના દેવળમાં પાદરી તરીકે રહેવાના ફાયદાઓ અને પડકારોમાંનો એક છે શાંતિ અને એકલતા. ઘણો બધો સમય ઘૂંટણિયે પડીને ઈશ્વરને શોધવામાં, સંપર્ક સાધવાની કોશિશમાં જાય છે અને ઈનામમાં નીરવતા અને અનુપસ્થિતિની લાગણી મળે છે, કેમકે આપણે એનામાં છીએ, નહીં કે એ આપણી કોઈ ઈમારતો કે છટકાઓમાં.’પણ આ કવિતા છે. પાદરી થોમસ અને કવિ થોમસને એમણે કાયમ અલગ રાખ્યા હતા. ચર્ચમાં એમણે કદી પોતાની અંગત માન્યતાઓના જોરે ધર્મોપદેશ આપ્યો નહોતો. ચર્ચમાં એ બાઇબલની જ વાત કરતા. એટલે થોમસની અન્ય રચનાઓ તરફ નજર કરો કે ન કરો, એના પાદરી તરીકેની કારકિર્દીને ધ્યાનમાં લો કે ન લો, કવિતા કવિતા છે અને એ કદી અર્થ અને સમજણની પકડમાં આવી શકે નહીં એટલે આ કવિતાને તમે નાસ્તિકતાનું રણશિંગુ પણ કહી શકો અને આસ્તિકતાનો શંખનાદ પણ; કેમકે ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે એ માત્ર ને માત્ર જોનારાની નજર ઉપર જ અવલંબિત હોઈ શકે. તમે ખોબામાં જે અંજલિ ભરી છે, એ શ્રદ્ધા હશે તો સાક્ષાત્ ગંગાજળ છે, ને શ્રદ્ધા ન હોય તો નકરું પાણી…

ગ્લૉબલ કવિતા: ૬૯: કવિની અનિશ્ચિતતા – વેન્ડી કોપ



I am a poet.
I am very fond of bananas.

I am bananas.
I am very fond of a poet.

I am a poet of bananas.
I am very fond.

A fond poet of ‘I am, I am’-
Very bananas.

Fond of ‘Am I bananas?
Am I?’-a very poet.

Bananas of a poet!
Am I fond? Am I very?

Poet bananas! I am.
I am fond of a ‘very.’

I am of very fond bananas.
Am I a poet?

– Wendy Cope


કવિની અનિશ્ચિતતા

હું એક કવિ છું.
હું ખૂબ શોખીન છું કેળાંની.

હું કેળાં છું.
હું ખૂબ શોખીન છું એક કવિની.

હું એક કવિ છું કેળાંની.
હું ખૂબ શોખીન છું.

એક શોખીન કવિ ‘હું છું, હું છું’ની-
ખૂબ કેળાં.

શોખીન છું ‘શું હું કેળાં છું?
છું હું?’ની- એક ખૂબ કવિ.

કેળાં એક કવિના!
શું હું શોખીન છું? શું હું ખૂબ?

કવિ કેળાં! હું છું.
હું શોખીન છું ‘ખૂબ’ની.

હું ખૂબ શોખીન છું કેળાંની.
શું હું કવિ છું?

– વેન્ડી કોપ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતા તમાચાનો જવાબ તમાચાથી આપે?

ગાંધીજી તો કહી ગયા કે કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધરજો. પણ ગાંધીપગલે ચાલવું એટલે લોઢાના ચણા ચાવવા. સમાજની રક્તવાહિનીમાં આજે ભ્રષ્ટ-આચારના રક્તકણો જ વહે છે, માટે ગાંધીના પગલે ચાલવાનું નક્કી કરે એની તો આખી માત્ર ચાલવા પર ધ્યાન આપવામાં જ વ્યતીત થઈ જાય, માર્ગ કે મંઝિલ-બેમાંથી કશાયનો આનંદ લેવું એના માટે શક્ય જ ન બને. તમાચાનો જવાબ તમાચાથી ન આપો તો જીવવું દોહ્યલું થઈ પડે એવા (અ)સમાજમાં આપણે જીવી રહ્યાં છીએ. પણ શું કવિતા આવું કામ કરે ખરી? શું કવિતા એના કપડાં કાઢનારનાં કપડાં ઊતારે ખરી? વેન્ડી કોપની પ્રસ્તુત રચના આનો જવાબ આપે છે.

વેન્ડી કોપ. યુનાઇટેડ કિંગ્ડમમાં એરિથ, કેન્ટ ખાતે ૨૧-૦૭-૧૯૪૫ના રોજ જન્મ.માતા-પિતા એમને નાનપણથી કવિતાઓ સંભળાવતા એટલે કવિતા ગળથૂથીમાં જ મળી હતી એમ કહીએ તો ખોટું નથી. ૧૯૮૬થી માત્ર કલમના ખોળે માથું મૂકીને જીવવું આદરતા પૂર્વે ઓક્સફર્ડ અને લંડન ખાતે શિક્ષક હતાં. એમના પહેલા જ પુસ્તકની આશરે બે લાખ જેટલી પ્રતો વેચાઈ ચૂકી છે. બ્રિટિશ લાઇબ્રેરી દ્વારા ૨૦૧૧માં એમની હસ્તપ્રતો, રિપૉર્ટ્સ અને ૪૦૦૦૦ જેટલા ઇ-મેલ્સની કરવામાં આવેલી ખરીદી આજદિન પર્યંત કરવામાં આવેલ મોટામાં મોટી ખરીદી છે. ૧૯ વર્ષના સહવાસ બાદ ૨૦૧૩માં કવિ લોકલન મેકિનન સાથે લગ્ન કર્યા અને હાલ ઈલિ, કેમ્બ્રિજશાયર ખાતે રહે છે.

વ્યંગ એ એમનો પ્રમુખ કાકુ. અન્યોના વિષયવસ્તુનું વ્યંગ્યાત્મક અનુકરણ કરીને તેઓ મખમલમાં વીંટાળીને જૂતાં મારવામાં પ્રવીણ છે. ગંભીરતમ વિષયને હળવી રમૂજ સાથે રજૂ કરવામાં એક્કો. સમાજ અને સાહિત્યમાંના છીંડા તરફ એ તરોતાજા અને ખાસ તો, સ્ત્રીસહજ નમણા અભિગમથી જુએ છે, માટે એમની રચનાઓ વિવેચકોને અતિક્રમીને ભાવકો સુધી પહોંચી છે. કાવ્યસ્વરૂપ ઉપરની એમની સચોટ હથોટી અને ત્રુટિહીન ચોક્સાઈ એમને સમકાલીન પુરુષ કવિઓની બરાબરીમાં મોખરે બેસાડે છે. કવિતામાં એ સતત નવીનીકરણ રજૂ કરતાં રહ્યાં છે. સૉનેટ, લિરિક અને ક્રમશઃ ગદ્યકાવ્ય એમ એમની પરિવર્તનશીલ ગતિ નજરે પડતી રહે છે. લંડન રિવ્યૂ ઑફ બુક્સે એમને ‘જેટ-યુગના ટેનિસન’ કહી નવાજ્યાં છે.
કવિતા પર નજર કરતાં પહેલાં શીર્ષકને સમજવું જરૂરી બની રહે છે. ‘કવિની અનિશ્ચિતતા’ (The Uncertainty of the Poet) શીર્ષક જૉર્જો ડિ કિરિકો (Giorgio de Chirico) નામના ઇટાલિઅન ચિત્રકારે ૧૯૧૩ની સાલમાં ૨૫ વર્ષની નાની વયે બનાવેલા ચિત્રના નામ પરથી લેવામાં આવ્યું છે. જૉર્જો ચિત્રોમાં અધિભૌતિકી કળા (Metaphysical art)ના પ્રણેતા હતા, જેણે પરાવાસ્ત્વવાદીઓ(Surrealists)ને એ હદે આકર્ષ્યા કે લોકો એમને પરાવાસ્તવવાદના પિતાઓમાંના એક પણ કહે છે. પણ જેમ એઝરા પાઉન્ડની ઇમેજિસ્ટ ચળવળ ૧૯૧૨માં શરૂ થઈ એના જ હાથે ૧૯૧૭માં અંત પામી એ જ રીતે જૉર્જો પણ ૧૯૧૧માં અધિભૌતિકતા પ્રશસ્ત કરીને ૧૯૧૯માં પારંપારિક ચિત્રકળાના મૂલ્યો સ્વીકારીને અનુઆધુનિકતા તરફ વળી ગયા. કહે છે કે એમના અધિભૌતિક ચિત્રો પરિત્યક્તવ્યતા અને ખાલીપાની છબીઓ છે જે તાકાત અને આઝાદીનું નિરૂપણ કરે છે. એમનું ‘કવિની અનિશ્ચિતતા’ ચિત્ર પણ બહુચર્ચિત છે. આ ચિત્રની કિંમત આજે સાડા નવ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવે છે. ચિત્રમાં હાથ-પગ અને માથું કપાયેલ સ્ત્રીનું ધડ નજરે ચડે છે, જે કમરમાંથી જોનાર તરફ વળેલ છે. માનવામાં આવે છે કે આ પ્રેમ અને કામની દેવી એફ્રૉડાઇટનું ધડ છે. એની બરાબર સામે જ પાકાં મોટા કદના કેળાંઓની એક લૂમ પડી છે, જે શિશ્નનો આભાસ પણ ઊભો કરે છે. જમણી બાજુએ દરવાજા વગરની ત્રણ ગોળ કમાનોવાળી ભીંત નજરે ચડે છે અને એ ભીંત જ્યાં પૂરી થાય છે ત્યાં ચિત્રના મથાળે ચિત્રના આ નાકેથી પેલા નાકા સુધી ખેંચાયેલી ઈંટોની બનેલી નાનકડી દીવાલ છે જેની પેલે બાજુ એક ટ્રેન ધુમાડા છોડતી દોડતી, ચિત્રની છેક ડાબી કિનારી સુધી પહોંચી ગયેલી નજરે ચડે છે. જમણી તરફ દીવાલની પેલે તરફ એક હોડીના સઢ જેવો આકાર નજરે પડે છે. ધડ અને કેળાંની લૂમના પડછાયા યથાતથ પડવાના બદલે તીક્ષ્ણ ધાર અને ગાઢા રંગથી ચિત્રમાં અલગ તરી આવે છે.

કહે છે કે, આ ચિત્રમાં વિશ્વની દેખાવે કામુક, ઊલટીસૂલટી અકારણની દુનિયાને ખૂબ બારીકાઈથી ઉપસાવવામાં આવી છે. સ્ત્રીનું ધડ અને પાકાં કેળાં ની પાછળ કમાનમાંથી નીકળી આગળ ધસતી દેખાતી ટ્રેન ઇન્દ્રિયજન્ય સુખ, એની નશ્વરતા અને બૌદ્ધિક તથા આધ્યાત્મીક મુસાફરી ઈંગિત કરે છે. આ ચિત્ર જેવું જે એક બીજું ચિત્ર ‘ધ ટ્રાન્સફૉર્મ્ડ ડ્રીમ’ છે. જૉર્જોના બીજા ચિત્રોના પણ શીર્ષકમાં પણ કવિનો સમાવેશ થયો છે, જેમ કે ‘ધ ડિપાર્ચર ઓફ ધ પોએટ’, ‘ધ ડ્રીમ ઓફ ધ પોએટ’ વિ. આ ચિત્રમાં જે અનિશ્ચિતતતા કેન્દ્રસ્થાને છે એને કવિ સાથે શા માટે સાંકળવામાં આવી હશે એ એક કોયડો છે પણ આ ચિત્ર બકવાસ છે એમ કહેનારો વર્ગ પણ છે. એ લોકો માને છે કે ચિત્ર નકરી અસંદિગ્ધતાથી ભર્યું પડ્યું છે અને ગમે એટલું ગણિત કેમ ન માંડો, દાખલાની રકમ જ મૂળે ખોટી મંડાઈ છે. અને ચિત્રને ‘કવિની અનિશ્ચિતતા’ નામ આપીને જૉર્જોએ કવિતાની ઠેકડી ઊડાડી હોય એમ લાગે છે.

વેન્ડી કોપ વરસો પછી ૧૯૯૨માં પ્રકાશિત ‘સિરીયસ કન્સર્ન્સ’માં જાણે tit for tat (જેવા સાથે તેવા) કરતાં હોય એમ એ જ શીર્ષક સાથે આ કવિતા લઈને આવે છે. વાત અનિશ્ચિતતાની છે એટલે વેન્ડી છંદોની નિયમિતતાનો ત્યાગ કરે છે, પ્રાસની પળોજણમાં પૂળો મૂકે છે અને બબ્બે પંક્તિઓના કુલ આઠ અંતરા આપણને આપે છે. સોળ પંક્તિની કવિતામાં કુલ મળીને માત્ર આઠ જ શબ્દો વપરાયા છે. માત્ર આ આઠ જ શબ્દોનો વાક્યવિન્યાસ ઊલટાવી-સૂલટાવીને આખી કવિતા લખવામાં આવી છે. ગુજરાતી અનુવાદ કરતી વખતે કથકનું લિંગ દર્શાવવાની ફરજ પડી છે. અંગ્રેજીમાં પ્રથમપુરુષ એકવચન ‘આઇ’ વાપરતી વખતે લિંગને અધ્યાહાર રાખવાની સગવડ છે, જે ગુજરાતીમાં નથી. ‘પોએટ’નો પ્રથમદર્શી તરજૂમો તો કવિ જ થાય પણ અંગ્રેજીમાં નારીવાદી કવિઓ પોતાને કવયિત્રી કહેવડાવવામાં ‘સેકન્ડ જેન્ડર’ હોવાનો સ્વીકાર અનુભવતાં હોવાથી પોતાને કવયિત્રીના બદલે કવિ જ કહેવડાવે છે. બીજું, આ આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલી કવિતા છે. મૂળ અંગ્રેજી રચના લખનાર સ્ત્રી હોવાથી અનુવાદ કરતી વખતે કથકને સ્ત્રીજાતિ તરીકે જ દર્શાવવું ઉચિત જણાય છે.

‘આર્સ પોએટિકા’ કવિતામાં આર્ચીબાલ્ડ મેકલીશ કહે છે: ‘A poem should be palpable and mute.A poem should be wordless. A poem should be motionless in time. A poem should not meanbut be.’ (કવિતા ઇંદ્રિયગમ્ય અને મૂક હોવી જોઈએ. કવિતા શબ્દહીન હોવી જોઈએ. કવિતા સમયમાં ગતિહીન હોવી જોઈએ. કવિતાનો અર્થ જરૂરી નથી, બસ હોવી જોઈએ)કવિતામાં ઘણીવાર જે સમજાય છે તે કવિતા નથી હોતી પણ જે અનુભવાય છે એ કવિતા હોય છે. કવિતામાં કવિએ લખેલા શબ્દોનીવચ્ચેનો શૂન્યાવકાશ વાંચવાનો હોય છે. કવિતાના શબ્દો તો ચિનુ મોદીના શબ્દોમાં ‘લુચ્ચાના સરદાર’ છે, એ બોલે છે કંઈ અને કહે છે કંઈ. શબ્દ નહીં, શબ્દનો પડઘો ખરી કવિતા છે. ધ્વનિ નહીં, પ્રતિધ્વનિ સાંભળતા આવડી જાય ત્યારે ખરી કવિતા સમજાય.

ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.

કવિતામાં વપરાયેલા આઠ શબ્દોમાંથી એકેયનો અર્થ સામાન્યજનથીય અજાણ્યો ન હોવા છતાં આ કવિતા જ્ઞાનથી નહીં, પણ કાનથી અને ધ્યાનથી સમજાય છે.એલિયટે પણ કહ્યું હતું:‘વિશુદ્ધ કવિતા સંવાદ સાધી લે છે, સમજી શકાય એ પહેલાં.’વેન્ડીની આ કવિતા પણ અર્થ આપણી સમજમાં ઊતરે એ પહેલાં તો આપણી સાથે વાતચીત કરી લે છે ને આપણા ચહેરા પર એક અકળ અકથ સ્મિત ભેટ ધરી દેછે. આ સમજી ન શકાય, કહી ન શકાય પણ કવિતામાંથી પસાર થતી વખતે બળજબરીથી આપણા ચહેરા પર ઊમડતું સ્મિત જ સાચી કવિતા છે.

પહેલી નજરે એમ લાગે કે શબ્દોની આ કેવી છોકરમત છે! આવું લખવું એ ડાબા હાથનો ખેલ પણ લાગે. પણ ધ્યાનથી જોતાં જ સમજાય કે વેન્ડીએ શબ્દોને આગળ-પાછળ ગોઠવીને, વાક્યવિન્યાસને તોડીમરોડીને નવા જ વાક્યવિન્યાસોનું, નવા જ અર્થોનું સર્જન કર્યું છે.ચિત્રમાં કેળાંઓની લૂમ પડી છે એ ધ્યાનમાં રાખીને વેન્ડી વાત માંડે છે. શીર્ષકમાં ‘કવિની અનિશ્ચિતતા’ પ્રસ્થાપિત કર્યા પછી પહેલું જ વાક્ય એ લખે છે કે ‘હું એક કવિ છું.’ મતલબ, હું અનિશ્ચિતતાથી ઘેરાયેલી છું અથવા હું પોતે જ એક અનિશ્ચિતતતા છું. અને પછી તરત જ શબ્દોની હેરફેર કરીને વાક્યોને પહેલી નજરે અર્થહીન બનાવીને રમૂજી લાગે એમ એકની એક વાત ગોળગોળ ફેરવીને એ કવિની અનિશ્ચિતતા નિશ્ચિત કરે છે. જૉર્જોના ચિત્રમાં જેમ કેળાંઓ એક પ્રતીક છે, એમ અહીં પણ કેળાંઓ પ્રતીકમાત્ર છે. શેનાં પ્રતીક છે એ કવિ કહેતાં નથી. કવિનું કામ બાંધી મુઠ્ઠી ખોલવાનું છે પણ નહીં. એ તો મુઠ્ઠી ધરે, મુઠ્ઠીમાં શું છે એ આપણે ધારી લેવાનું. કવિની મુઠ્ઠીમાંનો શૂન્યાવકાશ પણ પકડતાં આવડી જાય ત્યારે ખરી કવિતા તો હાથ લાગે છે, એ પહેલાંનું તો શબ્દોની રમત માત્ર.

ફકરે ફકરે સમીકરણ બદલાય છે. શરૂઆતમાં કવિને ખબર છે કે એ એક કવિ છે અને એ કેળાંની ખૂબ શોખીન છે. બીજામાં પોતે કેળાં જ છે ને કવિની શોખીન, સૉરી ખૂબ શોખીન છે એમ લાગે છે. ત્રીજામાં પોતે કેળાંની કવિ કે કેળાંની બનેલી કવિ હોય અને ખૂબ શોખીન છે એમ લાગે છે. અહીં શોખીન શેની એ અધ્યાહાર છે. આગળ એબ્સર્ડિટી વધે છે. ‘હું છું, હું છું’ની શોખીન એક કવિની વાત છે. આગળ હું કેળાં છું કે નહીંનો પ્રશ્ન હું છું?ના સનાતન હેમ્લેટિયા પ્રશ્ન સુધી લંબાય છે. ‘કેળાં એક કવિના’ વાંચીએ ત્યારે પ્રશ્ન થાય કે શું વેન્ડી સાચે જ કેળાંની વાત કરે છે કે કેળાં શબ્દોનું પ્રતીક છે? શું અહીં કેળાંનો અર્થ કવિના શબ્દો તરીકે લેવાનો છે? જો એમ હોય તો આખી કવિતામાં હવે ‘કેળાં’ના સ્થાને ‘શબ્દો’ મૂકીને વાંચીએ તો? કવિતાની તરત જ કેવી કાયાપલટ થાય છે, નહીં?! આને જ આપણે મેટામૉર્ફોસિસ કહેતાં હોઈશું ને? હવે ‘કેળાં’ને એના કઠબોલી (Slang) અર્થમાં જોઈએ તો? કેળાનો આકાર શિશ્નને મળતો આવે છે એટલે અશિષ્ટ ભાષામાં આપણે ‘કેળાં’ શબ્દને એ અર્થમાં અને ક્યારેક અપશબ્દ તરીકે પણ વાપરતા હોઈએ છીએ. ત્રીસીના દાયકામાં અંગ્રેજીમાં પણ ‘કેળાં’નો એક સંદર્ભ સેક્સ, યૌન વિકૃતિ સાથે સંકળાયેલો હતો. ‘કેળાંનો કવિ!’ એમ આપણે કહીએ એટલે આખી વાત એક સ્તરેથી ઊતરીને બીજા સ્તરે જઈ પહોંચે છે. Going Bananasનો સંદર્ભ પાગલપન, મૂર્ખતા સાથે જોડાયેલો પણ જોવા મળે છે. ૧૯૦૧માં ઓ હેનરીએ રાજકીય અને આર્થિક રીતે અસ્થાયી દેશ માટે ‘બનાના રિપબ્લિક’ શબ્દ ‘કોઇન’ કર્યો હતો. પી. જી. વૂડહાઉસ ૧૯૨૭માં ‘કેરી ઓન જિવ્સ’માં લખે છે: ‘This is pure banana oil.’ અહીં પણ કેળાંનો મતલબ મૂર્ખતા અને પાગલપન સાથે સંકળાયેલો જોઈ શકાય છે. જંગલીપન કે ગુસ્સા સાથે પણ ‘બનાના’ના અર્થના છેડા જઈ મળે છે. Going Apes પરથી આ શબ્દપ્રયોગ ઊતરી આવ્યો હોવાનું મનાય છે. ૧૯૮૭માં તો ‘ગોઇંગ બનાનાસ’ નામની અંગ્રેજી ફિલ્મ પણ બની હતી. એટલે કવિતાને હવે આ બધા અર્થોના પ્રકાશમાં જોઈએ તો ફરીથી આખી વાત જ બદલાઈ જાય છે. અને વેન્ડી, ચિત્રકાર, એના ચિત્ર અને એ બંને વસ્તુને ભૂલી જઈએ તો પણ કવિ ઉપર, કવિની અનિશ્ચિતતા ઉપર અને એથીય આગળ વધીને જીવન અને જીવનની અનિશ્ચિતતા, જીવનના પાગલપન ઉપર ગાળસરીખો વ્યંગ કરે છે.

શબ્દોની અદલાબદલી અને વાક્યોના અર્થફેરની આ રમત અંતે ‘હું એક કવિ છું’થી શરૂ થઈને ‘શું હું કવિ છું?’ના પ્રશ્નની અનિશ્ચિતતામાં પરિણમે છે ત્યારે આખી કવિતામાં શબ્દોની માયાજાળ જોઈને મલકાયા કરતો ભાવક ઘડીભર માટે સૂન્ન થઈ જાય છે. વેન્ડી પણ આ જ કહેવા માંગે છે કદાચ… મસ્તી મસ્તીમાં એ અસ્તિત્વના શાશ્વત પ્રાણપ્રશ્નને છેડી દે છે. આખી વાત અનિશ્ચિતતતાની છે પણ આખી ગતિ નિશ્ચિતતા તરફની છે એ હવે સમજી શકાય છે. એ પણ સમજી શકાય છે કે ચિત્રકારના ચિત્રમાંનો કવિ તરફનો વ્યંગ કદાચ કવયિત્રીને પસંદ આવ્યો નહીં હોય એ કદાચ કવિતા લખવા માટેનું નિમિત્ત બન્યો હોય પણ કવિતા કદી બદલાની ભાવનાથી લખાતી નથી હોતી. આક્રોશ એક ઉદ્દીપક બને એ ખરું પણ અંતિમ રાસાયણિક પ્રક્રિયા તો કવિના આત્મા સાથે જ થાય અને કવિનો આત્મા કદી હલકટ હોય નહીં જે તમાચાનો જવાબ તમાચાથી આપે.

ગ્લૉબલ કવિતા: ૬૮: એ દેશની દયા ખાજો – ખલિલ જિબ્રાન

Pity the nation

Pity the nation that is full of beliefs and empty of religion.

Pity the nation that wears a cloth it does not weave
and eats a bread it does not harvest
and drinks a wine that flows not from its own wine-press.

Pity the nation that acclaims the bully as hero,
and that deems the glittering conqueror bountiful.

Pity a nation that despises a passion in its dream,
yet submits in its awakening.

Pity the nation that raises not its voice
save when it walks in a funeral,
boasts not except among its ruins,
and will rebel not save when
its neck is laid between the sword and the block.

Pity the nation whose statesman is a fox,
whose philosopher is a juggler,
and whose art is the art of patching and mimicking

Pity the nation that welcomes its new ruler with trumpeting,
and farewells him with hooting,
only to welcome another with trumpeting again.

Pity the nation whose sages are dumb with years
and whose strongmen are yet in the cradle.

Pity the nation divided into fragments,
each fragment deeming itself a nation.

― Khalil Gibran

એ દેશની દયા ખાજો

એ દેશની દયા ખાજો જે માન્યતાઓથી ભરેલો અને ધર્મથી ખાલી છે.

એ દેશની દયા ખાજો જે પોતે નથી વણ્યું એ કાપડ પહેરે છે
અને એ રોટલી ખાય છે જે એણે નથી લણી
અને એ શરાબ પીએ છે જે એના શરાબખાનાંમાંથી નથી વહી.

એ દેશની દયા ખાજો જે લફંગાની નાયક તરીકે જયકાર કરે છે,
અને જે ઝાકમઝોળવાળા વિજેતાને ઉદાર સમજે છે.

એ દેશની દયા ખાજો જે પોતાના સ્વપ્નમાં આવેશને તિરસ્કારે છે,
અને જાગૃતિમાં તાબે થઈ જાય છે.

એ દેશની દયા ખાજો જે પોતાનો અવાજ ઊંચો નથી કરતો
સિવાય કે અંતિમયાત્રામાં હોય,
ઇતરાતો નથી સિવાય કે એના ખંડેરોમાં હોય,
અને બળવો નથી કરતો સિવાય કે
એની ગરદન પર તલવાર તોળાઈ હોય.

એ દેશની દયા ખાજો જેનો વેપારી લુચ્ચો હોય,
જેનો ફિલસૂફ કીમિયાગર હોય,
અને જેની કળા થીંગડિયાળ અને નકલચી હોય.

એ દેશની દયા ખાજો જે એના નવા શાસકને વાજતેગાજતે આવકારે,
અને હુરિયો કરીને વિદાય આપે,
ફક્ત બીજાનું ફરીથી વાજતેગાજતે સ્વાગત કરવા માટે.

એ દેશની દયા ખાજો જેના સાધુઓ વર્ષોથી ગૂંગા છે
અને જેના મહારથીઓ હજી પારણાંમાં છે.

એ દેશની દયા ખાજો જે ટુકડાઓમાં વહેંચાયેલો છે,
દરેક ટુકડો પોતાને એક દેશ ગણતો હોય.

– ખલિલ જિબ્રાન
(અનુ. વિવેક મનહર ટેલર)

એ દેશની દયા ખાજો…

રામરાજ્યની સ્પૃહા કોણે ન હોય? પણ રામરાજ્ય તો રામના નસીબમાંય નહોતું. એનેય કૈકયી-મંથરા, રાવણ ને અંતે ધોબી નડ્યા હતા. મનુષ્યજાતિને આદર્શ રાજ્યની ખેવના કાયમ રહી છે. ૧૫૧૬માં થોમસ મોરે ‘યુટોપિયા’ (આદર્શ કલ્પદ્વીપ) પુસ્તક લખીને આ શબ્દ લોકબોલીમાં રમતો કરી દીધો. સેમ્યુઅલ ટેઇલર કોલરિજે તો રીતસર બાર સદગૃહસ્થો અને બાર સદગૃહિણીઓની મદદથી ‘પાન્ટિસોક્રસી’ (Pantisocrasy) નામના સમાજની સ્થાપના કરી યુટોપિયા બનાવવાની કસરત કરી હતી. પણ યુટોપિયા શબ્દનો ખરો અર્થ જ ‘ક્યાંય નહીં’ (ou-ના, topos-સ્થળ) થાય છે. ખલિલ જિબ્રાન દેશને આદર્શ બનાવવો હોય, રામરાજ્ય સ્થાપવું હોય તો કઈ કઈ કમજોરીથી બચીને રહેવું જોઈએ એની વાત પ્રસ્તુત રચનામાં કરે છે.

જિબ્રાન ખલિલ જિબ્રાન. ૦૬-૦૧-૧૮૮૩ના રોજ લેબેનોન ખાતે ખલિલ અને કામિલાને ત્યાં ખ્રિસ્તી ગરીબ પરિવારમાં જન્મ. ગરીબીના કારણે બાળપણમાં માત્ર ઘરેલુ શિક્ષણ જ મળ્યું. ઉચાપતના ગુનાસર પિતાને જેલ થઈ અને સંપત્તિ જપ્ત થઈ ગઈ. આ કારણોસર નાનપણમાં જ માતાએ બાળકો સાથે બોસ્ટન, અમેરિકા ઉચાળા ભર્યા. શાળામાં એના નામની જોડણી Khalil ના સ્થાને ભૂલથી Kahlil લખાઈ ગઈ જેના કારણે આજે પણ એમના પુસ્તકોમાં બંને પ્રકારની જોડણી જોવા મળે છે. શાળેય શિક્ષણોપરાંત કળા પણ ભણ્યા. ૧૫ વર્ષની વયે ફરી બૈરુત ભણવા આવ્યા અને ‘કોલેજ પોએટ’ બન્યા. અમેરિકા પરત ફર્યા એ ગાળામાં એમના ભાઈ-બહેન ક્ષયરોગથી અને માતા કેન્સરથી નિધન પામ્યા. એકાધિક સ્ત્રીઓ સાથે સ્નેહસંબંધ. મેરી એલિઝાબેથ હસ્કેલ સાથે મૈત્રી થઈ જે આજીવન ટકી પણ લગ્નમાં ન પરિણમી. મેરીએ એમના ચિત્રો અને લખાણોમાં એટલા બધા સુધારા કર્યા કે સહલેખિકા જ કહી શકાય. પેરિસની આર્ટ સ્કૂલમાં પણ ભણ્યા. ૧૯૧૮ પછી મોટાભાગે અંગ્રેજીમાં જ લખ્યું પણ અમેરિકાનું નાગરિકત્વ કદી સ્વીકાર્યું નહીં. ૧૯૨૩માં ‘ધ પ્રોફેટ’ પ્રગટ થયું અને બે મહિનામાં તો પ્રથમ આવૃત્તિ ખપી પણ ગઈ. પચાસથી વધુ ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. એકલી અમેરિકન આવૃત્તિ જ નેવુ લાખથી વધુ વેચાઈ ચૂકી છે. ૨૦૧૨ સુધીમાં તો વિશ્વભરમાં એક કરોડથી વધુ પ્રત વેચાઈ ચૂકી હતી. કહેવાય છે કે દર બીજી-ત્રીજી મિનિટે હજી એક પ્રત વેચાઈ રહી છે. મરણ થયું ત્યારે જિબ્રાન પ્રોફેટના બીજા ભાગ ‘ધ ગાર્ડન ઑફ પ્રોફેટ’ લખી રહ્યા હતા. અને ત્રીજો ભાગ ‘ધ ડેથ ઓફ ધ પ્રોફેટ’નું તો એક વાક્ય જ લખી શક્યા હતા. ૧૦-૦૪-૧૯૩૧ના રોજ ન્યૂયૉર્ક ખાતે પારાવાર શરાબખોરીના કારણે યકૃત ખરાબ થવાથી અને ક્ષયરોગના બેવડા મારથી દેહાવસાન. એમની ઇચ્છા પ્રમાણે લેબેનોન ખાતે દફનાવાયા. કબર પર લખ્યું છે: ‘હું તમારી જેમ જીવંત છું, અને તમારી બાજુમાં જ ઊભો છું. આંખો બંધ કરો, અને આજુબાજુ જુઓ, તમે મને તમારી સામે જ ઊભેલો જોશો.’

ઉત્તમ ચિત્રકાર, કવિ અને લેખક. અંગ્રેજી અને અરબી એમ બંને ભાષામાં લખ્યું. ઓગણીસમી સદીમાં થઈ ગયેલા સિરિઅન લેખક ફ્રાન્સિસ મારાશની એમના લખાણમાં ઊંડી અસર જોવા મળે છે. એમના નિબંધ, કવિતાઓ, ગદ્યકાવ્યો અને કાવ્યાત્મક ગદ્ય વિશ્વસાહિત્યમાં અલગ તરી આવે છે. અરબી સાહિત્યની કાયાપલટ કરવામાં એમની બળવાખોરીનો પ્રમુખ ફાળો હતો. પારંપારિક ક્લિષ્ટ અરબી સાહિત્યને સરળ નિરાડંબરી ભાષા અને અંગ્રેજી રોમેન્ટિસિઝમની છાંટથી એમણે ચોંકાવી દીધું જેના પરિણામે અરબી સાહિત્યજગતમાં પુનર્જાગૃતિ (રેનેસન્સ)ના શ્રીગણેશ થયા. વિવેચકોએ એમની કળા અને સાહિત્ય બંનેની ખાસ્સી અવગણના કરી છે પણ હકીકત એ છે કે શેક્સપિઅર અને લાઓઝી પછી દુનિયામાં આજદિનપર્યંત સૌથી વધુ વેચાતા-વંચાતા કોઈ કવિ હોય તો તે જિબ્રાન છે. સમયની સાથે વધતી રહેલી એમની લોકપ્રિયતા કોઈ વિવેચનની મહોતાજ નથી.

પ્રસ્તુત ગદ્યકાવ્ય ‘પ્રોફેટ’ના બીજા ભાગ ‘ગાર્ડન ઑફ ધ પ્રોફેટ’નો એક અંશ છે. અલમુસ્તફા એના મા-બાપના બગીચામાં આવે છે અને દરવાજો બંધ કરી દે છે જેથી કોઈ આવી ન શકે. લોકો જાણે છે કે એ બાગમાં એકલો છે પણ કોઈ એને ખલેલ કરવા દરવાજાની નજીક પણ આવતું નથી. એક-બે નહીં, ચાળીસ દિવસો સુધી અલમુસ્તફા એ મકાન અને બગીચામાં એકલા રહ્યા પછી એ દરવાજો ખોલે છે અને નવ માણસો અંદર આવે છે. એક સવારે હાફીઝ એને પૂછે છે, ‘સ્વામી, એ ઓરફાલિઝ શહેર અને એ ભૂમિ વિશે અમને કહો જ્યાં તમે બાર વરસ વિતાવી દીધાં.’ જવાબમાં અલમુસ્તફા જે કહે છે તે આ કવિતા છે. જિબ્રાન એમની આગવી શૈલી મુજબ એકદમ સીધીસટીક ભાષામાં જ વાત કરે છે. ૧૯૩૩માં આ પુસ્તક પ્રગટ થયું પણ વાત આજે સાડા આઠ દાયકા પછી પણ આજના ભારત માટે જ ન લખાઈ હોય એવી તંતોતંત પ્રસંગોચિત છે!

અખા ભગતના છપ્પા અને ભોજા ભગતના ચાબખા જેવી તીવ્રતા જિબ્રાનની મસૃણવાણીમાંથી પડઘાતી સંભળાય છે. પહેલી પંક્તિથી આગળ જ ન વધીએ, એ એક પંક્તિ જેટલો જ સુધારો પણ દેશમાં કરી શકીએ તો પણ આખો જન્મારો સાર્થક ગણાય! જિબ્રાન એ દેશની દયા ખાવાનું કહે છે જે ખોખલી માન્યતાઓથી ભર્યોપડ્યો છે પણ સાચા ધર્મના નામે ખાલીખમ હોય. ભારતવર્ષના સમગ્ર ઇતિહાસ પર નજર કરતાં આપણને જણાશે કે ધર્મના નામે આપણે શૂન્યથી વિશેષ કંઈ જ નથી. અખો બહુ સરસ વાત કરી ગયો:

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

આપણો ધર્મ એ બાહ્ય પહેરવેશ માત્ર છે, ભીતરનું શરીર તો એનાથી સાવ અલગ ને અળગું જ છે. ધર્મસ્થાનોમાં જઈને ભક્તિ કરવી, ગાયને ચારો નીરવો, ગંગામાં નહાવું, દિવસમાં પાંચવાર નમાજ પઢવાથી કે દર રવિવારે ચર્ચમાં સર્મન્સ સાંભળવાની નિયમિતતા એ જ આપણી ધાર્મિકતા. હરિવંશરાય બચ્ચન ‘બુદ્ધં શરણં ગચ્છામિ’ કવિતામાં કહે છે: ‘જ્યાં છે તારી વસ્તીઓ, તારા બજાર, તારી લેવડ-દેવડ, કમાઈ-ખર્ચના સ્થાન, ત્યાં ક્યાં છે રામ, કૃષ્ણ, બુદ્ધ, મહમ્મદ, ઈસુના કોઈ નિશાન? માનવતાનો થાત બુરો હાલ, જો ઈશ્વર હાજર રહત સર્વસ્થળ, સર્વકાળ. એણે બનાવડાવીને મંદિર, મસ્જિદ, ગિરજાઘર ખુદાને કરી દીધો છે બંધ; આ છે ખુદાની જેલ.’ ઓશોએ એના એક પ્રવચનમાં કહ્યું હતું, ‘દુનિયાને બચાવવી હોય તો ધર્મને મારી નાંખો.’ સાચી વાત છે. મનુષ્ય ઈશ્વરનું નહીં, ઈશ્વર મનુષ્યનું સર્જન છે. કોઈકે કહ્યું છે: ‘ઈશ્વરનો આવિષ્કાર કરતી વખતે, સૌથી અગત્યની બાબત એ દાવો કરવાની છે કે એ દરેક પ્રકારે અદૃશ્ય, અશ્રાવ્ય અને અતીન્દ્રિય છે’ ઈશ્વર એ સદીઓથી થતું આવેલું માનવજાતનું સામૂહિક બ્રેઇનવૉશિંગ છે. સાચું કહીએ તો ધર્મથી મોટો કોઈ અધર્મ જ નથી અને ઈશ્વરથી મોટું કોઈ અસત્ય નથી. ભગવાનના નામે જેટલા ખૂનખરાબા થયા છે એટલા તો કોઈ શેતાનના નામે પણ થયા નથી. ધર્મના નામે જેટલો અધર્મ થયો છે એની સામે રોજિંદા વ્યવહારનો અધર્મ તો રતીભાર પણ નથી. આજે પણ વાતવાતમાં ધર્મના નામે લોકો રસ્તા ઉપર આવી જાય છે. હકીકત એ છે કે સાચો ધર્મ કદી કોઈને કોઈપણ પ્રકારનું નુકશાન પહોંચાડી શકે જ નહીં. સાચો ધર્મ એટલે સમગ્ર સૃષ્ટિ પરત્વે કરુણા, સમદૃષ્ટિ. ધર્મ એટલે વયષ્ટિથી સમષ્ટિ સુધીનો સદભાવ. એટલે જ જિબ્રાન ધર્મથી ખાલી દેશની દયા ખાવા કહે છે.

પછીની વાતમાં ગાંધીજીના સ્વદેશી અને વિનોભા ભાવેના સર્વોદયની વાત નજરે ચડે છે. જે દેશ પોતાની મૂળભૂત જરૂરિયાત જાતે પૂરી ન કરી શકતાં બીજા દેશ પર અવલંબિત હોય એનાથી વધુ દયનીય દેશ બીજો કયો હોઈ શકે? સિંગાપોર અને મલેશિયા વચ્ચેની પાણીની તકરાર જાણીતી છે. બંને દેશો વચ્ચે અવારનવાર કરાર કરવામાં આવ્યા છે. એક જમાનો હતો જ્યારે સિંગાપોર એની પાણીની જરૂરિયાત માટે મલેશિયા પર પૂર્ણપણે આલંબિત હતો પણ ધીમે ધીમે સિંગાપોર પાણીની બાબતમાં સંપૂર્ણ સ્વાવલંબી થવા જઈ રહ્યું છે. જે કામ ૨૦૬૧ સુધીમાં કરવાનું હતું એ ૨૦૧૮ સુધીમાં લગભગ કરી દઈને સિંગાપોરે સ્વાવલંબનનું મસમોટું ઉદાહરણ બેસાડ્યું છે. અને કદની દૃષ્ટિએ સાવ ટચુકડું સિંગાપોર સ્વમાનની દૃષ્ટિએ આપણા કરતાં ચાર ચાસણી ચડે એમ છે.

જિબ્રાન કહે છે કે ગુંડાઓને નાયક સમજે અને સમૃદ્ધિની ઝાકમઝોળ કરનારને ઉદાર સમજે એ દેશનું ભલું થઈ રહ્યું. ભારતમાં પહેલાં ડાકુઓ ચંબલની કોતરોમાં ને જંગલોમાં વસતા હતા, હવે સંસદભવનમાં આવી ગયા છે. મોટાભાગના સાંસદો કે ધારાસભ્યો પર કોઈને કોઈ કેસ ચાલી રહ્યા છે, મોટા મોટા માથાંઓ કોઈને કોઈ કૌભાંડમાં સલવાયેલા છે. લોકશાહીના સ્થાને આપણે ત્યાં આજે ગુંડાઓની બેરોકટોકશાહી ચાલે છે.

જે દેશના સ્વપ્ન અને જાગૃતિના કાંટલા અલગ છે એ દેશની દયા ન ખાવ તો બીજું શું કરી શકો? આવેશ એ બેકાબૂ દોડતો અશ્વ છે, એની લગામ ખેંચીને ન રખાય તો એ ક્યારે જમીનદોસ્ત કરી દે એ કહેવાય નહીં. મરણાસન્ન થયા સિવાય અવાજ ઊંચો ન કરી શકે એ દેશનું વળી ભવિષ્ય શું? નાક દબાય ત્યારે જ મોઢું ખોલે એની પાસે શી આશા રખી શકાય? પ્રગતિ તો એ દેશ જ કરી શકે જેની વૃત્તિ આગ લાગતા પહેલાં કૂવો ખોદવાની ને પાણી પહેલાં પાળ બાંધવાની હોય. પોતાના ભવ્ય ભૂતકાળની ગાથામાં રાચતા રહીને કંગાળ વર્તમાન અને ચીંથરેહાલ ભવિષ્યને જોઈ શકવાની સહદેવદૃષ્ટિ ન હોય એ દેશની હથેળીમાં માત્ર વિનાશની રેખા જ અંકાયેલી છે. ‘સોનેકી ચિડિયા’ અને ‘સતયુગ’ના તૂટી ગયેલાં તણખલાં લઈને આપણે વર્તમાનના સાગરમાં હવાતિયાં મારવાથી વિશેષ શું કરી રહ્યાં છીએ આજે? જે દેશમાં માણસો ઈમાનદાર ન હોય, વિચારકો પ્રપંચમુક્ત ન હોય અને જેની પાસે પોતાની મૌલિક કળા પણ ન હોય એ દેશને તો ઈશ્વર જ બચાવે. (જો હોય તો!) એલેક્ઝાંડરે થિબ્સ જીત્યું હતું ત્યારે સૈનિકોને આખા થિબ્સને ધૂળમાં મેળવી દેવાની, મન ફાવે એમ લૂંટ મચાવવાની છૂટ આપતી વખતે કવિ પિન્ડારના ઘરને નુકશાન ન પહોંચે એ માટેની ચીમકી પણ આપી હતી કેમકે એ જાણતો હતો કે કળા શું છે અને કળાનું મહત્ત્વ શું છે.

ચડતા સૂરજને પૂજે અને આથમતાને ઠોકરે ચડાવે એવા દેશનું પણ કોઈ ભલુ કરી ન શકે. જિબ્રાને આ વાત આપણી આરંભથી જ ખોરંભે ચડેલી રેઢિયાળ લોકશાહી માટે જ લખી હોય એવું નથી લાગતું? આપણને શરૂથી જ ‘સાહેબ-કલ્ચર’ કોઠે પડી ગયું છે. ટોળાંની ગુલામ માનસિકતા જ એ છે કે સત્તા પર હોય એને માથે બેસાડવા ને સત્તા ગુમાવે એના પર ખિખિયાટા બોલાવવા ને ચક્ર આમ જ ચાલુ રાખવું. સાધુપુરુષો (સાચા!) દેશનો આત્મા છે કેમકે તેઓ દિશા બતાવે છે અને મહારથીઓ દેશની કાયા છે કેમકે તેઓ સુકાન સાચવે છે. સજ્જનો મૂંગા રહે ત્યારે જ દુર્જનો માથે ચડે છે. પ્લેટૉ ‘રિપબ્લિક’માં કહે છે: ‘(શાણા માણસો માટે શાસનના) અસ્વીકારની સૌથી ખરાબ સજા તેમના કરતાં વધુ ખરાબ માણસના હાથે શાસિત થવું એ છે.’

સરદાર પટેલ અંગ્રેજોના સમય પહેલાં થઈ ગયા હોત અને એમણે ગુલામી પૂર્વે અખંડ ભારતનું સર્જન કર્યું હોત તો અંગ્રેજો કદી ફાવી શક્યા ન હોત. કમનસીબે ભારત દેશ શરૂથી જ નાનાં-મોટાં પરગણાંઓમાં વહેંચાયેલો હતો ને શરૂથી જ એકત્વના અભાવે વિદેશી શાસકો આપણા પર અવારનવાર રાજ કરતા આવ્યા છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ દર થોડા વરસે કોઈ એક નવા રાજ્યની રચના કરવાની ફરજ પડે છે ને નવા સ્વતંત્ર દેશોની માંગણીને દબાવતા રહેવું પડે છે કેમકે ટુકડા બનીને જીવવાની મથરાવટી હજી બદલાઈ નથી.

આઠ-નવ દાયકા પહેલાં ખલિલ જિબ્રાને ઊંધા હાથે કાન પકડીને રામરાજ્ય-યુટોપિયા કેવું હોવું જોઈએ એનો ચિતાર આપણને આપ્યો હતો જે સમયની સાથે વધુને વધુ પ્રસ્તુત બનતો જાય છે. રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિનું ૩૫મું પુષ્પ યાદ આવ્યા વિના નહીં રહે:

જ્યાં મન નિર્ભય છે ને મસ્તક ઉન્નત છે;
જ્યાં જ્ઞાન મુક્ત છે;
જ્યાં વિશ્વ સાંકડી સ્થાનિક દીવાલોથી છિન્નભિન્ન થઈ વિખરાયેલ નથી;
જ્યાં શબ્દો સત્યના ગર્ભમાંથી પ્રગટે છે;
જ્યાં અથાક પ્રયત્નો એમની બાંહો ફેલાવે છે સંપૂર્ણતા તરફ;
જ્યાં વિવેકનું નિર્મળ ઝરણ ભૂલું નથી પડ્યું મૃત આદતોના ઉજ્જડ રણની રેતીમાં;
જ્યાં મન તારા વડે નિત-વિકસિત વિચાર અને કાર્યમાં આગળ દોરવાય છે-
એ સ્વતંત્રતાના સ્વર્ગમાં, હે મારા પિતા, મારા દેશને જગાડ.

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો – મકરંદ દવે

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી ઉઠે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે,
નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.

સ્વપ્નથી ભરપુર આ
મારા મિનારાઓ પરે
જ્યારે પ્રહારો વજ્રના આવી પડે,
નોબતો સંહારની આવી ગડે,
ને ધૂળભેગા કાટમાળો પીંખતી,
ઉપહાસની ડમરી કદી ઉંચી ચડે,
ત્યારે અરે!
પ્રેમે, પ્રફુલ્લિત કો સ્વરે,
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

એક દિ’ જેને, પ્રભુ!
અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે
હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સીંચતાં
ને કોઈ વેળા આખરે આ લોચનોને મીંચતા
એના પ્રકાશિત પ્રાણનું
એના હુલાસિત ગાનનું
એના હુલાસિત દાનનું ગાણું મુખે મારે હજો!

આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો,
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

– મકરંદ દવે

ગ્લૉબલ કવિતા: ૬૧: એક ઘરડી સ્ત્રી – અરુણ કોલાટકર

An Old Woman

An old woman grabs
hold of your sleeve
and tags along.

She wants a fifty paise coin.
She says she will take you
to the horseshoe shrine.

You’ve seen it already.
She hobbles along anyway
and tightens her grip on your shirt.

She won’t let you go.
You know how these old women are.
They stick to you like a burr.

You turn around and face her
with an air of finality.
You want to end the farce.

When you hear her say,
‘What else can an old woman do
on hills as wretched as these?’

You look right at the sky.
Clean through the bullet holes
she has for her eyes,

And as you look on
the cracks that begin around her eyes
spread beyond her skin.

And the hills crack.
And the temples crack.
And the sky falls
with a plateglass clatter
around the shatterproof crone
who stands alone.

And you are reduced
To so much small change
In her hand.

– Arun Kolatkar

એક ઘરડી સ્ત્રી

એક ઘરડી સ્ત્રી પકડી
લે છે તમારી બાંય
અને સાથે ચાલવા માંડે છે.

એને એક પચાસ પૈસાનો સિક્કો જોઈએ છે.
એ કહે છે એ તમને લઈ જશે
અશ્વનાળ મંદિર પર.

તમે એ ક્યારનું જોઈ ચૂક્યા છો.
તે લંગડાતી સાથે જ આવે છે
અને તમારા ખમીસ પરની એની પકડ ચુસ્ત કરે છે.

એ તમને નહીં જવા દે.
તમને ખબર છે આ ઘરડી સ્ત્રીઓ કેવી હોય છે.
તેઓ તમને ઝોડની જેમ વળગી રહે છે.

તમે પાછા ફરો છો અને એનો સામનો કરો છો
કાયમી નિવેડો લાવવાની દૃઢતા સાથે.
તમારે આ નૌટંકી ખતમ કરવી છે.

જ્યારે તમે એને કહેતી સાંભળો છો,
‘બીજું તો શું કરી શકવાની એક ઘરડી સ્ત્રી
આવી મનહૂસ ટેકરીઓ પર?’

તમે સીધું આકાશ તરફ જુઓ છો.
સાફ એ ગોળીઓના કાણાંઓમાંથી
જે તેણી પાસે છે આંખોના બદલે,

અને જેમ તમે જોતાં રહો છો
એ તડ જે એની આંખોની આસપાસ શરૂ થાય છે
એની ત્વચાની બહાર ફેલાઈ જાય છે.

અને ટેકરીઓ તરડાય છે.
અને મંદિરો તરડાય છે.
અને આકાશ ભાંગી પડે છે

વિશાળ કાચના ખણકાર સાથે
એ અતૂટ બેવડ વૃદ્ધાની આસપાસ
જે એકલી ઊભી છે.

અને તમને ઘટીને રહી જાવ છો
નાનું નિર્માલ્ય પરચૂરણ થઈને
એના હાથમાંનું.

– અરુણ કોલાટકર
(અનુ. વિવેક મનહર ટેલર)

ચીંથરેહાલ કપડાં, ઊઘાડા પગ, દિવસોથી ધોયા-ઓળ્યા વિનાના વાળ લઈને દારૂણ ગરીબીથી નીતરતો એક ચહેરો તમારી સમક્ષ હાથ લાંબો કરીને અપેક્ષાભરી નજરે આવી ઊભે અને જવાનું નામ જ ન લે ત્યારે તમે શું કરો છો? ભીખ આપો છો? હડધૂત કરો છો? નજર ફેરવી લો છો? ભીખ અને ભિખારી –વિશ્વભરના જનમાનસ માટે વણઉકેલ્યો કોયડો. આ સમસ્યાનો કોઈ ઉકેલ ખરો? ભીખ આપીને આપણે ભિખારીની સમસ્યા દૂર કરીએ છીએ કે વધારીએ છીએ? અને ભીખ ન આપીને આપણે આ સમસ્યાને નેસ્તનાબૂદ કરવામાં સહાયભૂત થઈએ છીએ? રસ્તે ભટકાઈ ગયેલા ભિખારીને બે પૈસા આપીને કોઈ એનું દળદળ ફિટવી શકનાર નથી પણ તોય ભિખારીને બે પૈસા આપીને લાખ રૂપિયાનું ‘પુણ્ય’ કમાવા માંગનાર અમીર ભિખારીઓનો તોટો નથી. દુનિયાના દરેક દેશમાં, અમેરિકા જેવા દેશમાં પણ ભિખારી સાથે તમારો ભેટો જરૂર થશે. ભીખ આપવી કે ન આપવીના ‘ટુ બી ઓર નોટ ટુ બી’ પ્રશ્નમાં અટવાતા જનમાનસને હચમચાવીને ભીખ મેળવી લેવાની ભિખારીઓની મૉડસ-ઑપેરન્ડી ક્યારેક આપણને વિચારતાં કરી દે છે. પણ ક્યારેક ભિખારી વેંત ઊંચેરો પણ સાબિત થઈ શકે છે. આવી જ કંઈ વાત લઈને આવી છે અરુણ કોલાટકરની આ કવિતા.

અરુણ બાલકૃષ્ણ કોલાટકર. ૦૧-૧૧-૧૯૩૨ કોલ્હાપુર, મહારાષ્ટ્રમાં જન્મ. ભોંયતળિયે પાંચ ઓરડા, પહેલા માળે ત્રણ અને એની ઉપર એક એમ નવ કમરાનું મકાન, જેને કવિ પત્તાના મહેલ સાથે સરખાવતા. મુંબઈની જે. જે. સ્કુલ ઑફ આર્ટ્સમાં ભણ્યા. પિતા શિક્ષણખાતામાં અફસર. પિતાનો કળાવારસો લોહીમાં ઊતર્યો. પાશ્ચાત્ય ચિત્રકારોએ એમને આકર્ષ્યા પણ પાશ્ચાત્ય સ્ત્રી-પુરુષોએ નહીં. ચિત્રકાર તરીકે હજી એકેય ચિત્ર વેચાયા ન હોવાથી બંને પરિવારોએ લગ્નનો વિરોધ પણ કર્યો હતો. દારૂની લત લાગી જવાના કારણોસર પ્રથમ પત્ની દર્શન છાબડાથી પારસ્પારિક સમજૂતીથી છૂટા પડી સૂનુ સાથે લગ્ન કર્યા. મુંબઈના શરૂના દિવસો દારુણ ગરીબીમાં વીત્યા. ‘ધ ટર્નઅરાઉન્ડ’ કવિતામાં એ લખે છે: ‘બોમ્બેએ મને ભિખારી બનાવી દીધો./મારા ધાબળાએ એક ખરીદાર શોધી કાઢ્યો/અને મેં સાદા પાણીની મિજબાની કરી.’ પણ પછી ગ્રાફિક ડિઝાઇનિંગ, માસ કમ્યુનિકેશન અને માર્કેટિંગના ક્ષેત્રમાં સ્થાપિત થયા. આંતરડાના કેન્સરથી ૨૫-૦૯-૨૦૦૪ના રોજ નિધન.

આઝાદીપશ્ચાતના પ્રમુખ દ્વિભાષી કવિ. મરાઠી અને ભારતીય અંગ્રેજી – એમ બંને ભાષામાં અગ્રણી. એમની મરાઠી કવિતા ૫૦ ને ૬૦ના દાયકાની ‘લિટલ મેગેઝિન મૂવમેન્ટ’ને અનુસરીને આધુનિકતાવાદના અર્ક સમ હતી. એમની કવિતાઓ ભારોભાર કટાક્ષ અને તિર્યક દૃષ્ટિના કારણે અળગી તરી આવે છે. રોજબરોજના પ્રસંગોમાંથી એ રમૂજ શોધી કાઢે છે. અચ્છા ચિત્રકાર હોવાના નાતે એમની રચનાઓમાં પણ મજાનાં ચિત્રો રજૂ કરે છે. શબ્દોની કરકસર અને કલમથી આબેહૂબ દૃશ્ય ઊભું કરી શકવાની સમર્થતાના નાતે એમની કવિતાઓ એઝરા પાઉન્ડની ‘ઇમેજીસ્ટ’ કવિતાઓની શ્રેણીમાં સ્વતંત્ર મૌલિક અવાજ સાથે બંધ બેસે છે. જાતીયતા અને કામુકતા પણ એમની કવિતામાં બિન્દાસ આવે છે. એક-એકથી ચડિયાતી મરાઠી-અંગ્રેજી કવિતા આપનાર આ કવિ મરાઠી કવિતાની વચ્ચે શુદ્ધ હિંદીમાં ‘दिखता नहीं मादरचोद दिखता नहीं’ લખીને ભાવકના સંવેદનતંત્રને ધરમૂળથી ઝંઝોડે પણ છે.

પ્રસ્તુત રચના કવિના સંગ્રહ ‘જેજુરી’માંથી છે. ‘જેજુરી’ ૩૧ કવિતાઓનો ગુચ્છ છે. અરવિંદ કૃષ્ણ મેહરોત્રા ‘જેજુરી’ વિશે કહે છે, ‘છેલ્લા ચાળીસ વર્ષમાં ભારતમાં લખાયેલી આ એકમાત્ર ઉત્તમોત્તમ કવિતા છે. આ ૩૧ કવિતા સડક જેમ સીધી દેખાતી હોવા છતાં એક જાદુઈ વર્તુળ રચે છે, જેમાંથી વાચક ઇચ્છે તોય છટકી શકતો નથી.’ આ સંગ્રહના બધાં શબ્દચિત્રો મહારાષ્ટ્રમાં પૂણે નજીકના ગામ જેજુરીમાં ખેંચવામાં આવ્યા છે. જેજુરી ગામ શિવનું સ્વરૂપ ગણાતા ખંડોબાનું ધામ છે. આજે તો એ મોટું તીર્થધામ બની ગયું છે. મહારાષ્ટ્રમાં ખંડોબા યાને મલ્લારી કે મલ્હારીનું સ્થાન ખૂબ અગત્યનું. અશ્વારુઢ ખંડોબાની આસપાસ મણિ અને મલ્લના વધની પરાક્રમગાથાઓ અને ચમત્કારો વણાયેલા છે. ખંડોબાની પ્રથમ બે પત્નીઓમાં મ્હાલસા સંસ્કૃતિનું તો બનઈ પ્રકૃતિનું પ્રતીક છે. બનઈને મેળવવા માટે ખંડોબા જુગારમાં મ્હાલસા સામે હારીને બાર વર્ષનો વનવાસ સ્વીકારે છે પણ વનવાસ બાદ મ્હાલસા બીજી પત્નીને સ્વીકારતી નથી એટલે જેજુરીમાં મહાભારત સર્જાય છે જેનાથી બચવા માટે ખંડોબાએ ટેકરીનું ઉપરનું અડધિયું મ્હાલસા અને નીચેનું બનઈને વહેંચી આપ્યું. આ પછી પણ ખંડોબાની બીજી ત્રણ પત્નીઓ થઈ. ‘જેજુરી’ને વિવેચકો ખંડોબા અને જેજુરી ગામની સાથે સાંકળી દે છે પણ આ કવિતાઓ હકીકતમાં શ્રદ્ધાના એક ગામ અને એક નામને પ્રતીક બનાવીને ભાવકને આગળ લઈ જતી કવિતાઓ છે. આ કવિતાઓમાં ઈશ્વર અને ધર્મ કરતાં વિશેષ માનવમનની ઊંડી અકળ દુવિધાઓ વધુ છતાં થાય છે. ‘જેજુરી’ હકીકતમાં માનવજીવન અને સંવેદનાઓના હૃદયંગમ ચિત્રો છે. એ ઇનકાર અને અવિશ્વાસ તરફનો સીધો અને બેબાક રવૈયો રજૂ કરે છે. કોલાટકર પોતે કહે છે કે, ‘હું નથી માનતો કે મારે એક યા બીજી રીતે ઈશ્વર વિષયક અભિગમ સ્પષ્ટ કરવાની જરૂર હોય.’

ફ્રેન્ચ નવલકથાકાર પ્રાઉસ્ટ કહે છે, ‘વસ્તુઓ ભગવાન છે.’ કોલાટકર પણ ‘અ સ્ક્રેચ’ કવિતામાં કહે છે: ‘શું ભગવાન છે/અને શું પથ્થર છે/વિભાજન રેખા/જો હોય તો/બહુ પાતળી છે/જેજુરીમાં/અને દર બીજો પથ્થર/ભગવાન છે કે એનો પિતરાઈ.’ એ કહે છે, ‘પથ્થરને કોતરો/અને એક દંતકથા ફૂટી નીકળશે.’ સાચી વાત છે. આપણો આખો દેશ આવા જેજુરીઓથી ભર્યો પડ્યો છે. જેજુરી તો પ્રતીક છે આપણી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની નો-મેન્સ લેન્ડ પર ફૂટી નીકળતાં યુદ્ધોનું. ઈશ્વર મૂળે તો આપણા ડર અને/અથવા શ્રદ્ધામાંથી જન્મેલું તત્ત્વ છે. એનું અસ્તિત્વ પોતે મહાપ્રશ્ન છે. પણ કોલાટકરને ઈશ્વરની વાત નથી કરવી. એને તો ઈશ્વરના નામનું તરણું પકડીને સંવેદનાનો મહાસાગર પાર કરવો છે.

કવિતાનું જે શીર્ષક છે એનાથી જ કવિતાની શરૂઆત પણ થાય છે. સ્વરૂપની દૃષ્ટિએ રચના અછાંદસ છે, ત્રણ-ત્રણ પંક્તિઓ-ત્રિપદીના ફકરાઓમાં વહેંચાયેલું. અંગ્રેજીમાં મોટાભાગના શબ્દો એકપદીય (મોનોસિલેબિક) છે જેના લીધે કવિતા વધુ ઝડપી અને મર્મવેધી બને છે. કથન ત્રીજા વ્યક્તિની દૃષ્ટિએ છે. જેજુરી ગામની એક પહાડી પર એક વૃદ્ધ ભિખારણ નાયકની બાંય પકડી લે છે ને વણનોતરી સાથે ચાલવા માંડે છે. નાયકને એ ગમતું નથી. કોઈ તમારા અહમને ઝાલી લે એ તમને ગમશે? વૃદ્ધાને પચાસ જ પૈસાની જરૂર છે. બદલામાં એ નાયકને અશ્વનાળ મંદિર બતાવવા લઈ જશે. અશ્વનાળ મંદિર (હૉર્સશૂ શ્રાઇન) જેજુરીની ટેકરીઓ પર આવેલી એ જગ્યા છે જ્યાંથી એવું માનવામાં આવે છે કે ખંડોબા ઘોડા પર એકબાજુ થઈને બેઠેલી એની પત્નીને લઈને ટેકરી કૂદી ગયા હતા. કૂદતી વખતે ઘોડાએ પર્વત પરના જે પથ્થરનો સહારો કૂદવા માટે લીધો હતો ત્યાં એની ખરીનું નિશાન રહી ગયું છે, પરિણામે ભક્તો એને અશ્વનાળ મંદિર તરીકે પૂજે છે. કવિએ ‘The Horseshoe Shrine’નામથી જ રચનારીતિના સંદર્ભે મજાની એક અન્ય કવિતા પણ લખી છે: ‘પથ્થરમાંની એ ખાંચ/હકીકતમાં લાત છે ટેકરીની બાજુમાં./ત્યાં જ ખરી/અથડાઈ હતી/વીજળીની જેમ/જ્યારે ખંડોબાએ/ભૂરા ઘોડા પર/પાછળ એકબાજુ થઈ બેઠેલી પત્ની સાથે/ખીણ પર થઈને કૂદકો માર્યો હતો/અને ત્રણેય/એક થઈને/તણખાની માફક/ચકમકના પથ્થર પરથી કૂદી ગયા હતા./એ ઘરે જે રાહ જોતું હતું/પહાડીની બીજી બાજુએ ઘાસની/ગંજીની જેમ.’

આ અશ્વનાળ મંદિર નાયક અગાઉ જોઈ ચૂક્યો છે એટલે એ આગળ ધપે છે પણ વૃદ્ધા લંગડાતી ચાલે, શર્ટનો કેડો મૂક્યા વિના એને વળગી રહે છે. નાયક જાણે છે કે આ ભિખારણથી છૂટકારો આસાનીથી નહીં જ થાય એટલે એ એને અવગણીને આગળ વધવાનો પેંતરો પડતો મૂકીને સમસ્યાનો મુકાબલો કરવા કટિબદ્ધ થાય છે અને ફરીને એની સામો જ થાય છે. નાયકની આંખમાંનો પથ્થરિયો નકાર વાંચી ન લીધો હોય એમ વૃદ્ધા પોતે ભીખ માંગવા સિવાય અને પર્યટન કે તીર્થસ્થળો બતાવવા સિવાય બીજું તો શું કરી શકનાર છે એમ કહીને કદાચ નિઃસાસો નાંખે છે.

નાયક આકાશ તરફ જુએ છે. કદાચ ભગવાન સામે આ બિખારણની ફરિયાદ કરવા માટે જ. ભિખારણની આંખ ભાવશૂન્ય છે. સમય અને ગરીબીની થપાટો ખાઈને આ આંખો એટલી તો ઊંડી ઊતરી ગઈ છે કે નાયકને લાગે છે કે જાણે એની આંખોના બદલે ગોળીઓથી કોઈએ કાણાં પાડ્યાં છે ને પોતે એમાંથી સાફ આરપાર જોઈ શકે છે. ‘ખાલી’ હવાથી ‘ભરેલા’ બે કાણાં જાણે કે. વૃદ્ધાવસ્થાના કારણે એની આંખોની આસપાસ પડેલી કરચલીઓ નાયકને ગોળી ચાલતાં કાણાં ફરતે જન્મેલી તડ જેવી લાગે છે અને આ તડ જોતજોતામાં તો વયષ્ટિથી સમષ્ટિમાં ફેલાઈ જાય છે. આ તડ એની ત્વચાથી આગળ વધે છે અને ટેકરીઓમાં તડ પડે છે, મંદિરોમાં તડ પડે છે. આ તડ હકીકતે તો દયાહીન હૈયાના પથ્થરિયા ઈરાદાઓ અને નિરર્થક શ્રદ્ધામાં પડી રહી છે. વૃદ્ધાની નિઃસહાયતા, એકલતા અને ભીખ માંગીને આજીવિકા રળવાની મજબૂરી સમજાતાં જ નાયકને પોતાના નકારનું આકાશ પડી ભાંગતું અનુભવાય છે. સૃષ્ટિ આખી રસાતળે જતી હોય એવી તિરાડ પોતાના અસ્તિત્વમાં પડતી એ જોઈ શકે છે. વિશાળ કાચ ભાંગી પડે એમ આખું આકાશ જાણે ખણકાર સાથે ભાંગી પડે છે પણ વૃદ્ધા કોઈપણ કંપન વિના, અટૂલી પણ અતૂટ અને અખંડ ઊભી છે. કાચ પડે અને તૂટે એ જ રીતે નાયકની ચેતનાનો ચૂરેચૂરો થઈ જાય છે. પચાસ પૈસા જેવી નજીવી મદદના બદલે મંદિર બતાવવા લઈ જવાની મદદની ઓફર કરનાર વૃદ્ધા સમક્ષ નાયકને લાગે છે કે પોતે એના હાથમાંના પરચૂરણના નાના મૂલ્યના સિક્કાથીય વધુ નાનો થઈને રહી ગયો છે.

ભિખારણ જ્યારે ભીખ માંગે છે ત્યારે નાયકને પોતે આ ટેકરીઓ જેવો ઊંચો લાગ્યો હતો. પણ જ્યારે ‘વાસ્તવ’ સાથે પનારો પડે છે ત્યારે નાયકને તરત જ સમજાય છે કે એ હકીકતમાં કેટલો ‘વામણો’ છે! નાયકના વિશ્વમાં પ્રલય સર્જાય છે પણ વૃદ્ધા અડીખમ ઊભી રહે છે. સૃષ્ટિ ધ્રુજી ઊઠે છે, તમે ધ્રુજી ઊઠો છો પણ એ ધ્રુજતી નથી. પહાડીઓના પથ્થરોની વચ્ચે જીવતો આ ઉદાસીન દુઃખી ગરીબ એકલ આત્મા હકીકતમાં તો સમયના માર્ગ પર જીવનનિર્વાહ અને અસ્તિત્વના સામર્થ્યની પરાકાષ્ઠાનું પ્રતીક છે… ભિખારી હોવા છતાં એની સમક્ષ આપણું મૂલ્ય ઘટીને કોડી બરાબર અનુભવાય છે… આપણી નજરે એ આપણા સમય અને ધ્યાન –બંનેને લાયક નથી પણ એ તો આ પહાડીઓ વચ્ચે પહાડી થઈને જ જીવે છે. એ આ જગ્યા જેટલી જ પુરાતન છે. એ આ જગ્યા જેટલી જ અચલ છે. સામા પક્ષે આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિને વળગી રહી શક્યા નથી. આપણે આપણા મૂળ, આપણી જમીન, આપણા વારસા સાથેનું જોડાણ ગુમાવી ચૂક્યાં છીએ.

ગ્લૉબલ કવિતા : ૫૭ : જંગલીને – – એલ્ઝ લાસ્કર-શુલર (જર્મન)

To the Barbarian

I cover your face
With my body and soul at night.

I plant cedars and almond trees
On the steppe of your body.

Tirelessly I search your chest
For Pharaoh’s golden treasures.

But your lips are heavy,
My miracles cannot redeem them.

Why won’t you lift your snowy skies
From my soul –

Your diamond dreams
Are cutting my veins.

I am Joseph wearing a sweet belt
Around my gaudy skin.

You are delighted by my sea shell’s
Frightened sound.

But your heart no longer
Lets the sea come in.

– Else Lasker-Schuler
(Eng. Trans.: Johannes Beilharz)

જંગલીને

હું તારો ચહેરો ઢાંકી દઉં છું
રાત્રે મારા શરીર અને આત્માથી.

હું દેવદાર અને બદામના વૃક્ષો રોપું છું
તારા શરીરના મેદાન પર.

થાક્યા વિના હું તારા વક્ષસ્થળને ફંફોસું છું
ફેરોના સુવર્ણ ખજાનાઓ માટે.

પણ તારા હોઠ ભારી છે,
મારા ચમત્કારો તેમને છોડાવી શકતા નથી.

શા માટે તું તારાં હિમાચ્છાદિત આકાશો ઊઠાવી નથી લેતો
મારા આત્મા પરથી-

તારા હીરક સ્વપ્નો
મારી રગોને કાપી રહ્યાં છે.

હું જોસેફ છું. હું મીઠો પટ્ટો પહેરું છું
મારી ભભકદાર ત્વચા ફરતો.

તું ખુશ થાય છે
મારા દરિયાઈ શંખના ગભરુ અવાજથી

પણ તારું હૃદય હવે
સમુદ્રોને ભીતર આવવા દેતું નથી.
ઓહ તું!

– એલ્ઝ લાસ્કર-શુલર (જર્મન)
(અંગ્રેજી અનુ.: જોહેનિસ બૈલહાર્ઝ)
(અનુ. વિવેક મનહર ટેલર)

‘નો એન્ટ્રી’ના દરવાજે ટકોરા મારતી સ્ત્રીની કવિતા…

પ્રેમમાં સમર્પણ ભાગ્યે જ અપેક્ષાથી પર હોય છે. ઇચ્છીએ કે ન ઇચ્છીએ પણ સંબંધમાં આશાનો પુલ બંધાઈ જ જતો હોય છે. એક હાથ આપવા માટે લંબાવીએ ત્યારે બીજી હથેળી જાણ્યે-અજાણ્યે લેવા માટે ખુલી જતી હોય છે. નિઃસ્વાર્થ પ્રેમનો યુટોપિયા માત્ર નવલકથા અને ફિલ્મોમાં જ જોવા મળે છે. વાસ્તવિક જિંદગીમાં સમર્પણના કોઈ ચરણ સમીકરણથી પર હોતા નથી. સંબંધે સંબંધે અને સમયે સમયે દાખલા જુદા અને દાખલે દાખલે જવાબ પણ નોખા. પ્રેમ, સમર્પણ અને અપેક્ષાનો આવો જ એક દાખલો લાવ્યાં છે જર્મન કવયિત્રી એલ્ઝ લાસ્કર-શુલર.

એલિઝાબેથ (એલ્ઝ) લાસ્કર-શુલર. જન્મ ૧૧-૦૨-૧૮૬૯ના રોજ જર્મનીના એલ્બરફેલ્ડ (હાલના વુપતાલ)ના યહૂદી બેન્કર પરિવારમાં. પણ કવયિત્રી માટે એનું દુન્યવી અને માનસિક જન્મસ્થળ અલગ છે. એ કહે છે, ‘મારો જન્મ ઇજિપ્તના થીબ્સમાં થયો, જો કે દુનિયામાં હું એલ્ગરફેલ્ડમાં થઈને આવી.’ આ રીતે એ પોતાના અહેસાસમાં જીવતી કલ્પન અને વાસ્તવ, કળાત્મક અને મધ્યમવર્ગીય અસ્તિત્વ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરે છે. ઓગણીસમી સદીના જર્મનીમાં યહૂદીઓના ચડતા સૂરજ સાથે એના પારિવારીક ઇતિહાસે તાલમેલ રાખ્યો હતો. સંપન્ન પરિવાર. છ સંતાનમાં સૌથી નાનાં. માના લાડકા અને માનો પ્રખર વાંચનશોખ લોહીમાં ઊતર્યો. એલ્ઝ કહેતાં કે મારી મા જ સાચી કવિ હતી, હું તો માત્ર એની કવિતાઓ જ કહું છું. ટીનએજમાં જ શાળા છોડી દીધી. ઘરે અભ્યાસ કર્યો. ૧૮૯૪માં બર્થોલ્ડ લાસ્કર સાથે લગ્ન. એ કહેતાં કે એના પ્રથમ સંતાન પૉલના પિતા એક ગ્રીક રાજકુમાર હતા પણ એ રાજકુમાર કદી જડ્યો જ નહીં. ૧૯૦૩માં વૉલ્ડન સાથે બીજાં લગ્ન. ૧૯૧૨માં ફરી છૂટાછેડા. બર્લિનના એક કેફેમાં એ પછીના ઘણા વરસો વીત્યાં. પ્રસિદ્ધિની ચરમસીમાએ પહોંચ્યા પછી એમણે ૧૯૩૩માં નાઝી સરકાર આવતા બર્લિન છોડી સ્વીટ્ઝર્લેન્ડ ભાગવું પડ્યું. ૧૯૩૯માં ઇઝરાઈલની ત્રીજી મુલાકાત દરમિયાન બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં સ્વીસ સરકારે એમને પરત ફરવા ન દીધાં અને એ ત્યાં જ રોકાયાં. ૨૨-૦૧-૧૯૪૫ના રોજ જેરુસલેમ ખાતે આર્થિક મુશ્કેલીઓ અને લાંબા સમયની નાદુરસ્ત તબિયતે અંતે હાર્ટએટેકના રૂપે એમનો ભોગ લીધો. બહુ જૂજ લોકોને નસીબ એવા માઉન્ટ ઓલિવ્સ પર દફનાવીને એમનું બહુમાન કરાયું.

એલ્ઝ અભિવ્યક્તિવાદ (એક્સ્પ્રેશનિઝમ)ના રાણી ગણાય છે. અભિવ્યક્તિવાદના જુવાળમાં એ પહેલેથી અગ્રેસર હતાં અને કદાચ સૌથી વધુ નોંધપાત્ર પણ. લોકો એમને ‘ઇઝરાઈલની શ્યામ હંસિણી’ અને ‘આધુનિક જર્મનીની સર્વશ્રેષ્ઠ ગીતકાર’ પણ કહે છે. એકલતા, ગરીબી અને મા-ભાઈ-દીકરાના ઉપરાછાપરી મૃત્યુએ એમને વધુ ને વધુ અંતર્મુખી બનાવ્યાં. દીકરાને એ જમાનામાં અસાધ્ય ગણાતો ટીબી હતો અને એને બચાવવાના વૃથા યત્નોમાં એમણે વરસો વીતાવ્યાં. આ મુશ્કેલ વરસોમાં એની ચિત્રકળા અને કાવ્યકળા જ એમની આજીવિકા હતાં. એમના કાવ્યસંગ્રહની બસો પ્રતમાં તો એમણે હાથે રંગ ભર્યા હતા. પુસ્તકોના કવર પણ એ જ તૈયાર કરતાં. એમના ગદ્ય અને પદ્યની જેમ એના ચિત્રો પણ નિહાયત મૌલિક હતા. એમના લેખન કે ચિત્રણની કોઈની સાથે સરખામણી શક્ય નથી. એમનો ચિત્કાર પણ એ માટેનો જ હતો ને એની જિંદગી પણ સંપૂર્ણ સ્વતંત્ર પુરુષસમોવડી સ્ત્રીની જ હતી.

‘જંગલીને’ એક મજાનું પ્રેમકાવ્ય છે. એલ્ઝ આમેય પ્રેમકાવ્યો માટે જ સવિશેષ જાણીતાં છે. શીર્ષકનો દરવાજો જોતાં જ સમજી શકાય કે મકાન અંદરથી કેવું હશે! આ જ શીર્ષકથી કવયિત્રીએ એક બીજું કાવ્ય પણ લખ્યું છે એના પરથી સમજી શકાય છે કે પ્રેમ અને પુરુષોની બાબતમાં એમનો અનુભવ કેવો રહ્યો હશે! એલ્ઝની ઘણીબધી કવિતાઓ ગઝલના શેરની જેમ બબ્બે પંક્તિના ફકરા પાડીને લખાયેલી જોવા મળે છે. આમ કરવા પાછળ કદાચ કોઈ નક્કર કારણ નથી. એવું બની શકે કે પ્રેમ કરવા માટે બે જ જણની જરૂર છે એ વાત કદાચ આ પંક્તિઓની જોડ દ્વારા એ કહેવા માંગતા હોય. કારણ ગમે એ હોય પણ બબ્બે પંક્તિમાં ભાવક સામે આવતાં આ નાનાં-નાનાં વાક્યો સળંગ કવિતા કરતાં થોડી અલગ અને અણધારી ચોટ કરવામાં વધુ સફળ રહે છે એટલું ચોક્કસ છે.

કવિતામાંથી પસાર થતાં જ સમજાય છે કે પ્રેમની આવી અનુભૂતિ એક સ્ત્રીની જ હોઈ શકે. પુરુષ પ્રેમમાં ગમે એટલો ઊંડો કેમ ન ઊતર્યો હોય, સંવેદનાની ઋજુતાની બાબતમાં એ કદી સ્ત્રી જેટલો ઊંડે ઊતરી શકતો જ નથી, કેમકે એનું ગંતવ્ય પ્રેમથી શરીર તરફનું તો સ્ત્રીનું શરીરથી પ્રેમ તરફનું હોય છે. સ્ત્રી હંમેશા પ્રેમ મેળવવા માટે સમર્પિત થતી હોય છે એટલે જ એ રાતના અંધારામાં પુરુષના ચહેરાને પોતાના શરીર અને આત્માથી ઢાંકી દે છે. મૂળ જર્મન કવિતાની પંક્તિનો શબ્દશઃ અનુવાદ ‘હું સૂઈ જાઉં છું રાત્રે/તારા ચહેરા પર’ છે. જોહેનિસે અંગ્રેજીમાં અનુવાદ કરતી વખતે ‘આત્મા’નું ઉમેરણ કર્યું છે. અનુવાદ આમેય એક પ્રકારનું અનુસર્જન છે. ૧૪મી સદીમાં પેટ્રાર્કે કહ્યું હતું કે, ‘અનુવાદ (મૂળને) સમકક્ષ હોવો જોઈએ પણ અદ્દલોદ્દલ નહીં. એ ચિત્ર કે પૂતળાં જેવો આબેહૂબ હોવાના બદલે સંતાન જેવો હોવો જોઈએ જેને જોતાવેંત પિતા નજર સામે આવી ચડે.’ આત્મા શબ્દ ઉમેરવાથી કવિતાની ફ્લેવર વધુ આસ્વાદ્ય બની છે. એ જ પ્રમાણે કાવ્યાંતે આવતા ‘ઓહ તું!’નો જોહેનિસે અંગ્રેજી અનુવાદ કરતી વખતે બિનજરૂરી ગણી છેદ ઊડાવી દીધો છે, પણ ગુજરાતી અનુવાદમાં મૂળ કાવ્યને અનુસરીને ‘ઓહ તું!’ રહેવા દીધું છે. મૂળ કવિતામાં સમુદ્રો બહુવચનમાં વપરાયું છે, જ્યારે અંગ્રેજી અનુવાદમાં એ એકવચન થઈ ગયું છે. ગુજરાતી અનુવાદ અહીં પણ એલ્ઝના મૂળ જર્મન કાવ્યને વફાદાર રાખ્યો છે.

કવિતા ‘હું’થી શરૂ થાય છે ને ‘તું’ પર સમાપ્ત. આ સ્ત્રીના પ્રેમની ગતિ છે. પુરુષનો પ્રેમ ‘હું’થી શરૂ થઈ ‘હું’ સુધી જ જઈ શકે છે. સ્ત્રી નૈસર્ગિકરીતે પાણી જેવી છે, એક જગ્યાએથી બીજી તરફ વહે એવી જ્યારે પુરુષ ફુગ્ગામાં કેદ હવા જેવો, ફૂટી ન જાય ત્યાં સુધી પોતામાં જ ઘુમરાયા કરે. એક જગ્યાએ એલ્ઝ કહે છે, ‘મારા હાથ તને વીંટળાઈ વળે છે/નાજુક તાંતણાંઓની જેમ.’ તો પ્રસ્તુત કવિતાના શીર્ષકવાળી અન્ય એક કવિતામાં એ કહે છે, ‘હું તને એ રીતે ચાહું છું જાણે હું મરી ન ગઈ હોઉં/અને મારો આત્મા તને વીંટળાઈ વળ્યો હોય’ – આ સ્ત્રી છે! એ मैं तो मरकर भी मेरी जान, तुम्हें चाहूँगा નથી કહેતી, એ મર્યા પછી માત્ર પ્રેમ નહીં પણ ચોકોરથી વીંટળાઈને માની જેમ હૂંફ અને રક્ષણ બંને આપવા ઝંખે છે.

કવયિત્રીએ વાત કરવા માટે રાતનો સમય પસંદ કર્યો છે. દિવસે તો પુરુષ પોતાનામાં જ મગ્ન હોવાનો. દિવસે દુનિયાદારી અને કામધંધામાંથી કયા પુરુષને ફુરસદ મળતી હશે? રાત જ એક એવો સમય છે જ્યારે પુરુષને સ્ત્રી યાદ આવે. રાતના અંધારામાં જ પુરુષ પ્રકાશે છે. આ સમય સ્ત્રી-પુરુષની નિકટતમતાનો સમય છે એટલે કવયિત્રી રાતની વાત ખોલીને બેઠાં છે. નાયિકા પોતાના તન-મનથી નાયકના ચહેરાને ઢાંકી દે છે. એક કવિતામાં એલ્ઝ કહે છે: ‘રાત્રે હું ચોરી લેતી હતી/તારા મુખનું ગુલાબ,/રખે કોઈ બીજી સ્ત્રી ત્યાં પ્યાસ છિપાવવા આવે.’ શરીર શરીરમાં ઓગળવાની શરૂઆત થઈ છે. રાત જીવનમાં આવતાં દુઃખ-દર્દ, મુસીબતોની કાલિમાને પણ ઈંગિત કરે છે અને નાયિકાના આચ્છાદનને પુરુષને આ સૌ સામે રક્ષણ આપવા માટેના કમિટમેન્ટ તરીકે પણ જોઈ શકાય. પુરુષના અસ્તિત્વમાં એ પોતાની આશાઓ રોપે છે. એ પ્રેમ આપે છે ને બદલામાં પ્રેમ ઝંખે છે. પુરુષ તો મેદાન જેવો સપાટ અને સાફ છે. એની પાસેથી કંઈક પામવું હોય તો પહેલાં વાવવું પડશે. શરીર-આત્મા-અપેક્ષા –બધું જ સમર્પી દીધા બાદ સ્ત્રી પોતાની શક્યતાઓ ફંફોસે છે. કહે છે, હું તારા વક્ષસ્થળને ફંફોસું છું-કદાચ ત્યાંથી કોઈક જૂનો ખજાનો હાથ જડી આવે. કવિની કમાલ આ ફંફોસવામાં નથી પણ ‘થાક્યા વિના’ ફંફોસવામાં છે, કેમકે એ જાણે છે કે અથાક ધીરજનું ઘરેણું સ્ત્રી જ પહેરી શકે.

આટલું કર્યા પછી પણ પુરુષ તો ચુપ જ છે. સ્ત્રીના તન-મનની ભેટ સ્વીકારીને કદાચ એ સ્ખલન-સંતૃપ્ત થઈ પડ્યો છે ને સ્ત્રીની લાખ કોશિશ છતાં એણે જે સાંભળવાની ઇચ્છા છે, એ કહેતો નથી. સ્ત્રી તો પોતે જ એક ચમત્કાર છે. એનું અસ્તિત્વ કોઈ જાદુથી કમ નથી. પુરુષની અંદર ઓગળી જવાના એના જાદુ પાછળ એક ‘આઇ લવ યુ’ કે ‘આઇ કેર ફૉર યુ’થી વિશેષ એ ભાગ્યે જ ઝંખતી હોય છે પણ પુરુષના ભારી હોઠ સામે એના આ ચમત્કારો વિફળ છે. એક બીજી કવિતામાં આવા જ જાદુની વાત એલ્ઝા હકારાત્મક્તાથી કરે છે: ‘આપણે જ્યારે એકમેક સામે જોઈએ છીએ/આપણી આંખો ખીલી ઊઠે છે./અને આપણે ચકિત થઈ જઈએ છીએ/એ જાદુઓથી જે આપણે સર્જીએ છે./અને બધું જ નકરી મીઠાશ છે.’ પ્રસ્તુત કવિતામાં જાદુ એકપક્ષી છે એટલે મીઠાશ જન્મતી નથી.

સંભોગ સમાપ્ત થઈ ગયો છે. પુરુષની ઉત્તેજના સ્ખલન સુધી જ સીમિત હોવાની. એ બાદ તો ‘ગરજ સરી ને વૈદ વેરી’ જેવો જ ઘાટ હોય છે. સંભોગની બીજી જ ક્ષણે પુરુષ નસકોરાં બોલાવતો હોઈ શકે છે પણ સ્ત્રી સામાન્યરીતે આ મધમીઠી ક્ષણોને, આ સાયુજ્યને મમળાવ્યા વિના આંખ મીંચતી નથી. આપવાનું આપી દીધા બાદ હવે એ પોતાના અસ્તિત્વ, પોતાના સ્થાન વિશેના જવાબ ઝંખે છે. એ સવાલ કરે છે કે શા માટે તારો પ્રતિભાવ આવો ઠંડો છે? પોતાના આત્મા પર એ આ બરફ જેવા ઠંડા પ્રતિસાદના આકાશોનો બોજ અનુભવી રહી છે. પુરુષ તો એના સ્વપ્નોની દુનિયામાં ખોવાઈ ગયો છે કેમકે એના માટે એના સ્વપ્નો જ હીરા જેવા મૂલ્યવાન છે. પણ આ હીરાની ધાર સ્ત્રીના હોવાપણાંની રગોને ચીરી રહી હોવાનો એને કોઈ અહેસાસ જ નથી. એક કવિતામાં એલ્ઝ આવો જ ધારદાર પ્રશ પૂછે છે: ‘હું વિકસું છું તારી સાથે એક થવા માટે./તું શા માટે મને ચીરી નાંખે છે?’ પણ આ સવાલો રાતની ગુફામાં નિરુત્તર પડઘાતા રહેવાને જ જન્મ્યા છે.

નાયિકા કહે છે કે હું જોસેફ છું. પોતાના ઑલ્ટર ઇગો(આભ્યંતર અહમ્)ને સંતોષવા એલ્ઝે ઇજિપ્શ્યન જુસુફ, થીબ્સના રાજકુંવરનું સર્જન કર્યું હતું જે એમના લખાણ અને ચિત્રોમાં સતત ડોકા દે છે. પોતાના પત્રો નીચે પણ ક્યારેક એ એના નામથી સહી કરતાં. આ જુસુફ બાઇબલનો સ્વપ્નદૃષ્ટા કવિ જોસેફ જ છે જેને ઈર્ષ્યાળુ ભાઈઓએ ગુલામ તરીકે વેચી દીધો હતો ને આપબળે ફેરોનો વજીર બન્યો હતો. પોતાને જોસેફ કહીને કવયિત્રી કદાચ આટલું અવમાન થયા બાદ પણ જોસેફની જેમ રાખમાંથી ઊભા થયા હોવાની ખુમારી બતાવવા માંગે છે. પણ તરત જ સ્વીકારે છે કે હું મારી રંગબિરંગી ત્વચા ઉપર એક મીઠો પટ્ટો પહેરું છું. ગમે એટલા રંગ બદલે, ગમે એ સ્વરૂપે એ પુરુષ પાસે આવે, પુરુષ એના તરફ દુર્લક્ષ જ સેવે છે. શરીરે બાંધેલો પટ્ટો ભલે મીઠો કેમ ન હોય, સોનાનો કેમ ન હોય, બંધન તો બંધન જ છે ને નાયિકા એનાથી બચી નથી શકતી. સ્ત્રીના ગભરુપણાથી પુરુષ ખુશ છે. પણ એ સ્ત્રીના ભીતરનો શંખનાદ સાંભળવા તૈયાર નથી. કહે છે કે શંખને કાન પર માંડીએ તો ભીતરથી દરિયાના ઘુઘવાટા સંભળાય છે. પુરુષ સ્ત્રીની લાચારીથી ખુશ છે પણ શંખની ભીતરથી આવતી સ્ત્રીના ભૂતકાળની ચીસો તરફ દુર્લક્ષ સેવે છે. એનું હૃદય ‘નો એન્ટ્રી’નો દરવાજો છે જેના પર સ્ત્રીના અસ્તિત્વના ટકોરાનો કોઈ પ્રતિસાદ નથી મળ્યો, નથી મળવાનો. એનું હૃદય સ્ત્રીની સંવેદનાના સાગરોને પોતાની ભીતર કદી આવવા દેતું નથી એ વાસ્તવિક્તા છે. ‘ઓહ તું!’ના આર્તસ્વર સાથે કવિતા પૂરી થાય છે ને આપણી ભીતર કંઈક ચીરાવું પ્રારંભાય છે…

આમ, આ રચના કોઈપણ ભોગે પ્રેમીને સંપૂર્ણ પામવા માટેની તડપ અને સરવાળે સાંપડતી નિષ્ફળતાનું ગાન છે. પ્રેયસી પોતાનું સર્વસ્વ સોંપી દે છે. પ્રેમી ઉપર પોતાની જાત ન્યોછાવર કરી દે છે. પોતાની આશાઓ રોપે છે. પોતાની શક્યતાઓ ફંફોસે છે; પણ પ્રેમીજનના બીડાઈ ગયેલા હોઠ ખોલાવી શકતી નથી, એના ઠંડા પ્રતિભાવો અટકાવી શકતી નથી અને એના હૃદયની ભીતર જઈ શકતી નથી.

ગ્લૉબલ કવિતા : ૫૬ : સ્ત્રીઓને શું જોઈએ છે? -કિમ એડોનિઝિયો

“What Do Women Want?”

I want a red dress.
I want it flimsy and cheap,
I want it too tight, I want to wear it
until someone tears it off me.
I want it sleeveless and backless,
this dress, so no one has to guess
what’s underneath. I want to walk down
the street past Thrifty’s and the hardware store
with all those keys glittering in the window,
past Mr. and Mrs. Wong selling day-old
donuts in their café, past the Guerra brothers
slinging pigs from the truck and onto the dolly,
hoisting the slick snouts over their shoulders.
I want to walk like I’m the only
woman on earth and I can have my pick.
I want that red dress bad.
I want it to confirm
your worst fears about me,
to show you how little I care about you
or anything except what
I want. When I find it, I’ll pull that garment
from its hanger like I’m choosing a body
to carry me into this world, through
the birth-cries and the love-cries too,
and I’ll wear it like bones, like skin,
it’ll be the goddamned
dress they bury me in.

– Kim Addonizio


સ્ત્રીઓને શું જોઈએ છે?
હું ઇચ્છું છું એક લાલ ડ્રેસ.
હું ઇચ્છું છું કે એ પાતળો અને સસ્તો હોય,
હું ઇચ્છું છું એ ખૂબ તંગ હોય, હું ઇચ્છું છું એ પહેરવા
જ્યાં સુધી કોઈ એને મારા પરથી ચીરી ન કાઢે.
હું ઇચ્છું છું કે એ સ્લીવલેસ અને બેકલેસ હોય,
આ ડ્રેસ, જેથી કોઈએ અનુમાન ન કરવું પડે
કે અંદર શું છે. હું ઇચ્છું છું ચાલવા
શેરીમાં કલામંદિર અને હાર્ડવેરની દુકાનની
ચમકતી ચાવીઓ ભરી બારી પાસે થઈને,
મિ. અને મિસિસ વૉંગ પાસે થઈને જેઓ એક દિવસ જૂના ડૉનટ્સ
એમના કાફેમાં વેચી રહ્યા છે, કાસિમ બ્રધર્સ પાસે થઈને
જેઓ ટ્રકમાંથી અને લારી પર બકરાં લટકાવે છે,
ચીકણાં મુખાગ્ર ખભા પર ઊંચે ચઢાવે છે.
હું ઇચ્છું છું એ રીતે ચાલવા જાણે હું એકલી જ
સ્ત્રી આ પૃથ્વી પર હોઉં અને હું મારી પસંદગી કરી શકું છું.
મને એ લાલ ડ્રેસ કોઈપણ રીતે જોઈએ જ છે.
હું ઇચ્છું છું કે એ મારા માટેના
તમારા ખરાબમાં ખરાબ ડરોને દૃઢીભૂત કરે,
તમને બતાવી આપે કે મને તમારી કંઈ પડી નથી
અથવા કંઈ પણ સિવાય કે
હું શું ઇચ્છું છું. મને જ્યારે એ મળી જશે, હું એ વસ્ત્રને એમ ખેંચી કાઢીશ
એના હેંગરમાંથી જેમ હું શરીર પસંદ ન કરતી હોઉં
મને આ દુનિયામાં લઈ આવવા માટે,
જન્મના રુદન અને સંભોગના ચિત્કારોમાં થઈને પણ,
અને હું એને પહેરીશ હાડકાંની જેમ, ચામડીની જેમ,
એ એજ કમબખ્ત ડ્રેસ હશે,
જેમાં તેઓ મને દફનાવશે.

– કિમ એડોનિઝિયો
(અનુ.: વિવેક મનહર ટેલર)
હાંસિયામાંથી બહાર આવતી સ્ત્રીનો લાલ ડ્રેસ

ઇડનગાર્ડનનું સફરજન હોય કે પંચવટીનું સુવર્ણમૃગ – સ્ત્રી હંમેશા એક કોયડો બની રહી છે. સ્ત્રી એટલે એક એવું તાળું જેની પહેલાં તો ચાવી જ જડે નહીં, ને ચાવી જડી જાય તો જે ચાવીથી આજે ખુલે એ જ ચાવીથી કાલે ખુલે નહીં, ને આજે એક ચાવીથી તો કાલે વળી બીજી ચાવીથી ખુલે ને ક્યારેક એકાધિક ચાવીથી તો ક્યારેક એકેયથી નહીં ખુલે. સ્ત્રીનું રસાયણ શાસ્ત્રથી પર છે. એની ફિઝિયોલોજી પુસ્તકોના પાનાંમાં સમાઈ શકે એમ નથી. કલાપીએ કહ્યું હતું:

સ્ત્રી – જે સૌ ઉપકારની વિવિધતા, સંસારની રોશની,
ઉષ્મા વિશ્વવિહારની, રસિકતા સાક્ષાત જે ઈશ્વરી;
જેની સુન્દરતા, કૃપા, જગતને આહ્લાશદ પાઈ વહે –
તેને આ મુજ બીન સોંપી શરણું, તેને જ ગાતું રહે.
પુરુષ લાગણીઓનો સરવાળો હોય તો સ્ત્રી ગુણાકાર છે ને એટલે જ સ્ત્રીનો પરિઘ પુરુષના વર્તુળની ક્યાંય બહાર વિસ્તરેલો છે. अच्छा है दिल के पास रहे पासबान-ए-अक्ल, लेकिन कभी कभी इसे तन्हा भी छोड दे -આ શેર ઈકબાલ જ લખી શકે, કોઈ સ્ત્રી નહીં કેમકે સ્ત્રી એના દિલ પર અક્કલનો પહેરેદાર બેસાડતી નથી. એ દિલથી જ વિચારે છે. બાલમુકુન્દ દવે યાદ આવે:

બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સર્જી નારી ઊર:
ઊરને દીધો નેહ, ને વળી નેહને દીધો વ્રેહ!

પણ આ પુરુષોનો નજરિયો છે અને પુરુષના દૂરબીનમાં તો એ કાચ જ નથી જેમાંથી સ્ત્રીને જોઈ શકાય. સાચી સ્ત્રીને જોવી હોય તો ચશ્માં પણ સ્ત્રીના જ હોવા ઘટે. કિમ એડોઝોનિયો આજની સ્ત્રીનું તાળું ખોલવામાં મદદરૂપ થાય એવી ચાવી લઈને આવ્યાં છે.

કિમ એડોનિઝિયો. ૩૧-૦૭-૧૯૫૪ના રોજ વૉશિંગ્ટન ડીસી, અમેરિકા ખાતે જન્મ. ટેનિસ ચેમ્પિઅન પૌલિન બેટ્ઝ અને રમત લેખક બૉબ એડિનું સંતાન. બે યુનિવર્સિટીમાં ગયાં. બંને છોડી દીધી. છેવટે સાન ફ્રાન્સિસ્કો યુનિવર્સિટીમાં મેળ પડ્યો અને BA ને MA થયાં. હાલ તેઓ ઑકલેન્ડ, કેલિફૉર્નિયા ખાતે રહે છે અને શિક્ષણ, વર્કશોપ અને સર્જનમાં પ્રવૃત્ત રહે છે. ઢગલાબંધ પારિતોષિકો પણ મેળવ્યાં. કવિતાના સાત પુસ્તકો ઉપરાંત બે નવલકથા, બે નવલિકાસંગ્રહ અને કાવ્યકળા વિષયક બે પુસ્તકો. સંગીતની જાણકારી પણ મજાની. બે મ્યુઝિક સીડી બહાર પડી છે જેમાં એમણે લયાત્મક પઠન ઉપરાંત હાર્મોનિકા પણ વગાડ્યું છે.

કિમની કવિતા ચાતુર્યયુક્ત વક્રોક્તિ, નીડર આલેખન, અને શેરી-મહોલ્લાની ભાષાના કાકુના કારણે ઉફરી તરી આવે છે. એમની કવિતા સાર્વત્રિકરૂપે સહાનુભૂતિ અને સમ-વેદના જન્માવે છે. શૃંગારિક પ્રેમથી લઈને મૃત્યુ સુધી એ બેહિચક લખે છે અને એટલે જ એ નોંધપાત્ર બન્યાં છે. જે લોકો હજી જન્મ્યા નથી એમની સાથે સંવાદ કરવાનો વૉલ્ટ વ્હિટમેનનો વિચાર એમને પ્રભાવિત કરે છે. કિમ કહે છે, ‘લેખન એક અનવરત આકર્ષણ અને પડકાર છે, તદુપરાંત આધ્યાત્મિકતાનો એકમાત્ર પ્રકાર છે જેનો હું લગાતાર અભ્યાસ કરી શકું છું. મેં શરૂઆત એક કવિ તરીકે કરી અને હંમેશા કવિતા તરફ જ પાછી વળીશ – એ ઊંડી ખોજ અને બિરાદરીની ભાવના માટે જે મને એમાંથી મળે છે.’

કિમની આ કવિતા “સ્ત્રીઓને શું જોઈએ છે?”નું શીર્ષક તો કદાચ આદમના પતનના દિવસથી પૂછાઈ રહેલો સનાતન પ્રશ્ન છે. રચનાની દૃષ્ટિએ આ અંગ્રેજી મુક્તપદ્ય છે, જેને ગુજરાતીમાં કટાવ છંદમાં લખાતા મુક્તપદ્ય સાથે સરખાવી શકાય. અહીં કોઈ દેખીતી પ્રાસરચના નથી પણ આંતર્પ્રાસ ઘણી જગ્યાએ જોવા મળે છે. એ ઉપરાંત કવયિત્રીએ સ્ત્રીના વિચારો જેમ એકમાંથી બીજામાં ઢોળાય એમ વાક્યોને પણ એક પંક્તિમાંથી બીજીમાં ઢોળાવા દીધાં છે અને એ રીતે પ્રવાહ વહેતો રાખ્યો છે. ક્યાંક અધવચ્ચે જ અટકી જતી સ્ત્રીની જેમ વાક્ય પણ પંક્તિની અધવચ્ચે જ પૂરું થઈ જાય છે.(આમ જો કે સ્ત્રી ક્યાંક અટકે નહીં એટલે કદાચ આખી રચનામાં આવું બે જ વાર બન્યું છે!) શીર્ષકનો પ્રશ્ન ‘સ્ત્રીઓને શું જોઈએ છે?’ અને પહેલી પંક્તિના જવાબ ‘હું ઇચ્છું છું એક લાલ ડ્રેસ’ની વચ્ચે જ કવિતા આમ તો સમાપ્ત થઈ જાય છે, પણ મજા જવાબના વિસ્તરણમાં છે. કવિતા આઇ-હુંથી આરંભાય છે અને સત્તાવીસ પંક્તિના કાવ્યમાં સત્તર વાર આ આઇ-હું ડોકિયું કરે છે અને દસ વાર ‘હું ઇચ્છું છું’નો સાદ સંભળાય છે એટલે નાયિકાના મનમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત અને મહત્ત્વ દૃઢીભૂત છે એ સમજી શકાય છે.

મીરાંબાઈ ભલેને ગાઈ ગયાં કે, ‘મુજ અબળાને મોટી મિરાત બાઈ, શામળો ઘરેણું મારે સાચું રે’, આજની નારીની મોટી મિરાત એનો શામળો નહીં, પણ એનો પોતીકો, એનો વહાલેરો ‘આઇ-હું’ છે. દુનિયાના વર્તુળમાં આજની નારી પોતાની જાતને કેન્દ્રમાં મૂકે છે ને એ સાચું પણ છે. સંસારનું કેન્દ્રબિંદુ હકીકતમાં તો સ્ત્રી જ હોઈ શકે પણ પુરુષે આદિકાળથી સ્ત્રીને ‘સેકન્ડ સેક્સ’ની કક્ષામાં ગોઠવી દઈને આધિપત્ય પચાવી રાખ્યું છે. સ્ત્રીને માટે ‘પુરુષ-સમોવડી’થી મોટી કોઈ ગાળ જ ન હોઈ શકે. મેં તો મારી દીકરીને દીકરાની જેમ જ મોટી કરી છે કહેનાર મા-બાપ જાણ્યે-અજાણ્યે સ્ત્રીનું હાંસિયામાં ધકેલાઈ ગયેલું અસ્તિત્વ સ્વીકારે છે અને વરસમાં એકવાર ભીખમાં મળેલા ‘વીમેન્સ ડે’ પર પોરસાતી સ્ત્રીઓ પણ હાંસિયા સિવાયના આખા પાના પર પુરુષના અધિકાર પર સહી-સિક્કા કરી આપતી હોય છે. બહાદુરીના પર્યાયવાચી વિશેષણ કયાં તો કે ‘પુરુષાતન’ અને ‘મર્દાનગી’! આ કારણોસર જ સદીઓથી સ્ત્રીઓએ સ્ત્રીસમાનતાના આંદોલન કરતાં રહેવું પડ્યું છે. ને એટલે જ આવી કિમ જેવી કોઈ સ્ત્રી ઊભી થાય અને માયા એંજલુની ભાષામાં ‘હું એ જોવા ઇચ્છું છું કે યુવતી બહાર જાય અને દુનિયાને કોલરથી ઝાલે. જિંદગી ચુડેલ છે. જરૂરી છે કે તમે બહાર આવો અને કુલા પર લાત મારો’ આર્તસ્વરે પોકારે ત્યારે સહજ આનંદ થાય. જી.ડી.એન્ડરસન કહે છે: ‘નારીવાદ સ્ત્રીઓને મજબૂત બનાવવાની વાત જ નથી. સ્ત્રીઓ તો પહેલેથી જ મજબૂત છે. એ તો વિશ્વ એ તાકાતને જે નજરિયાથી જુએ છે એ બદલવાની વાત છે.’

ભર્તૃહરિ ‘શૃંગારશતક’માં કહે છે:

नूनं हि ते कविवरा विपरीतवाचो
ये नित्यमाहुरबला इति कामिनीस्ता:।
याभिर्विलोलतरतारकदृष्टिपातै:
शक्रादयोऽ पि विजितास्त्वबला: कथं ता:॥

(નિત્ય સ્ત્રીને અબળા કહેનાર તે કવિવરો ખરેખર ખોટી વાત કરનારા છે; જેઓએ પોતાના ચપળ નેણકટાક્ષથી ઇંદ્રાદિને પણ જીતી લીધા હોય તેઓ અબળા શી રીતે ગણાય?) અહીં પણ છાશ લેવા જવું ને દોણી સંતાડવાની વિસંગતિથી જ્ઞાત સબળા એક જ પંક્તિમાં પોતાના મનની વાત જાહેર કરે છે કે મારે લાલ ડ્રેસ જોઈએ છે. લાલ રંગ ભડકીલો-તેજસ્વી રંગ છે. લાલ રંગની તરંગલંબાઈ બધા રંગોમાં સૌથી વધુ હોય છે એટલે ખૂબ દૂરથી જોવામાં આવે તો પણ હવાના કણો એને બીજા રંગોની ઝાંખો કરી શકતા નથી. આ જ કારણોસર ટ્રાફિક સિગ્નલમાં ‘સ્ટૉપ’ની સંજ્ઞા માટે લાલ રંગ વપરાય છે. લાલ રંગ જોખમ પણ ઇંગિત કરે છે. લાલ રંગ લોહીનો પણ રંગ છે અને તીવ્ર પ્રેમ, વાસના, ક્રોધ, હિંસા, તાકાતનો પણ. લાલ રંગ ઉત્તેજનાનો રંગ છે. લાલ રંગ ક્રાંતિનો રંગ છે. માંસાહારનું સૂચન પણ લાલ રંગ જ કરે છે. ખાસ વ્યક્તિઓનું સ્વાગત પણ લાલ જાજમ બિછાવીને કરાય છે. એટલે નાયિકા બીજા કોઈ નહીં પણ માત્ર લાલ રંગનો ડ્રેસ જ માંગે છે એમાં ઘણું બધું આવી જાય છે.

પણ આ ઇચ્છાની સાથે બીજી ઘણી બધી વાતોનો અંકોડા ભેરવાયેલા છે. નાયિકા જાણે છે કે પુરુષો સ્ત્રીને જુએ છે ત્યારે હંમેશા વસ્ત્રોની આરપાર જ જુએ છે અને એની ઇચ્છા કપડાં ફાડીને સ્ત્રીને નિર્વસ્ત્ર કરવાની જ હોવાની. એટલે જ નાયિકા ઇચ્છે છે કે આ ડ્રેસ પાતળા કાપડનો, સસ્તો અને તંગ હોવો જોઈએ, જેથી એક તો નયનસુખિયાઓએ કલ્પના કરવાની તકલીફ ન લેવી પડે અને ચીરી નાંખવામાં આવે તો પોષાય. બીજું પોષાક સસ્તો હોય તો કદાચ લોકો પોષાકને બદલે પોષાકની અંદરની વ્યક્તિ પર વધુ ધ્યાન આપે. એને રાજમાર્ગ પર કેટવૉક નથી કરવું. એને વાસ્તવિક જિંદગીની તમા વધુ છે. આ ડ્રેસ પહેરીને એ એ શેરીઓમાં ચાલવા ઇચ્છે છે જ્યાં મોટી-મોટી દુકાનો હોય, કાફેટેરિયા હોય. હાર્ડવેરની દુકાનની બારીમાં લટકતી ચમકતી ચાવીઓ ધ્યાન ખેંચે છે. શું આ લાલચટ્ટાક ડ્રેસની ચમકતી ચાવીથી એ કોઈ તાળું કે તાળાં ખોલવા ઇચ્છે છે? કે પછી ભલે ચળકતી હોય, તે છતાં કોઈપણ ચાવી એના અસ્તિત્વનું તાળું ખોલી નહીં શકે એ વાતનો અહીં ઈશારો છે? વાસી ડૉનટ જૂની તકિયાનુસી પ્રથાઓમાં કેદ લોકો તરફની એની બેદરકારીનાં દ્યોતક છે. કસાયેલા શરીરવાળા કસાઈ ભાઈઓની દુકાન પણ શેનો ઈશારો કરે છે? જેના પર મરેલા પ્રાણીઓના મુખાગ્ર લટકાવ્યા હોય એ ખભા ઊંચા અને માંસલ જ હોવાનાને? જોનારાની મનોવાસના પરિપૂર્ણ થાય એમ કહેનારી નાયિકા પણ પોતાની મનોવાસના સંતોષવા નીકળી હોય એમ લાગે છે કેમકે એ એ રીતે ચાલવા ઇચ્છે છે જાણે સમગ્ર પૃથ્વી પર એ એકલી જ હોય જેથી સૌનું ધ્યાન માત્ર એના તરફ જ હોય અને એને પોતાના શિકારનું ચયન કરવાનો –સ્વયંવર કરવાનો- નિર્બાધ અધિકાર હોય! ને એટલે જ તો યેનકેન પ્રકારે પણ એને આ લાલ ડ્રેસ જોઈએ જ છે.

કામશાસ્ત્ર કહે છે: ‘कामश्चाष्ठगणो स्मृतः’ (સ્ત્રીમાં પુરુષ કરતાં આઠગણી વધારે કામવૃત્તિ હોય છે.) ગાયક મેડોના કહે છે, ‘હું મજબૂત છું, હું મહત્ત્વાકાંક્ષી છું, અને હું બરાબર જાણું છું કે મારે શું જોઈએ છે. ભલે એ મને હલકટ બનાવે, વાંધો નહીં.’ મેરી ક્યુરી આજ વાત શિષ્ટ ભાષામાં કહી ગયાં: ‘આપણે માનવું જ જોઈએ કે આપણને કશાક માટેની બક્ષિસ મળી છે, અને એ પણ કે આ કશુંક, કોઈ પણ કિંમતે મેળવવું જ જોઈએ.’ દુનિયાના સર્ટિફિકેટની રાહ કે પરવાહ કરવા બેસીશું તો બેઠાં જ રહી જઈશું. નાયિકા પ્રગલ્ભ છે, એ સ્ત્રીઓ તરફ કરવામાં આવેલી અસમાનતાને જ હથિયાર બનાવીને પુરુષોના જગત આખાને ઝબ્બે કરવા નીકળેલી રણચંડી છે. એ તો ઇચ્છે પણ એ જ છે કે આવા લાલ ડ્રેસમાં એને આમ ચાલતી જોઈને લોકો એના વિશે ખરાબમાં ખરાબ વિચારે અને વિચારતા હોય (વિચારે જ છે!) તો એમના આ વિચારોનું ખંડન કરવાને બદલે દૃઢીભૂત કરવામાં એને મજા આવે છે. ‘હા! હું તો આવી જ છું, થાય એ કરી લ્યો’નો તમાચો પુરુષોના ગાલ પર ફટકારવામાં એને મજા આવે છે. એને કોઈની તમા નથી. હા, એ હકીકતમાં શું ઇચ્છે છે એ બતાવવા જોકે નથી માંગતી. અહીં એનું ચારિત્ર સાચા અર્થમાં પ્રકાશે છે. પોતે કેવી ‘બીચ’ છે એ બતાવવામાં એને કોઈ છોછ નથી પણ પોતાનું ભીતર તો એ ભીતર જ સંગોપી રાખવા માંગે છે.

કાવ્યાંતે એ કહે છે કે જો આવો ડ્રેસ મળી આવશે તો એ જન્મ લેવા માટે શરીરની પસંદગી ન કરતી હોય એમ હેંગરમાંથી એને ખેંચી કાઢશે. જન્મ લેતી વખતના રુદન કે સંભોગની પરાકાષ્ઠાના ચિત્કારોમાં પસાર થઈને પણ એ આ ડ્રેસ મેળવશે અને એને પોતાનાં હાડકાંની જેમ, ચામડીની જેમ ધારણ કરશે. અને આ એ જ કમબખ્ત વસ્ત્ર હશે જેમાં લોકો એને અંતસમયે દફન પણ કરશે. લલ ડ્રેસનો ખરો રંગ છેક છેલ્લે અહીં આવીને ઊઘડે છે. આ લાલ ડ્રેસ એના ચારિત્ર સિવાય કંઈ નથી. આ ડ્રેસ એની ઇચ્છાઓ, એના ચારિત્ર્ય, એના અસ્તિત્વનું જ પ્રતિક છે, કેમકે લોકો એને આ કપડાંઓમાં જ જોવાના છે. લોકો એનું મૂલ્યાંકન એની ઇચ્છાઓ, એનો સ્વભાવ, એનું ચારિત્ર્ય જોઈને જ નક્કી કરવાના છે ને એટલે જ એ ઇચ્છે છે કે આ ડ્રેસ બને એટલો પાતળો હોય, બને એટલો તંગ હોય, સ્લીવલેસ હોય અને વળી બેકલેસ પણ હોય જેથી એ ખરેખર જેવી છે, લોકો એને એ જ સ્વરૂપે જુએ. એ ઇચ્છે છે કે લોકો એ પોતે પોતાની જાતને જેવી દેખાડવા ઇચ્છે છે એમજ જુએ, નહીં કે પોતપોતાનાં જજમેન્ટના ચશ્માંમાંથી.

ગ્લૉબલ કવિતા : ૫૫ : પાણીની કૂંચી -ઓક્ટાવિયો પાઝ

The Key of Water

After Rishikesh
the Ganges is still green.
The glass horizon
breaks among the peaks.
We walk upon crystals.
Above and below
great gulfs of calm.
In the blue spaces
white rocks, black clouds.
You said:
. Le pays est plein de sources.
That night I washed my hands in your breasts.

– Octavio Paz
(Trans.: Elizabeth Bishop)

પાણીની કૂંચી

ઋષિકેશ પછી
ગંગા હજીય લીલી છે.
કાચની ક્ષિતિજ
ટેકરીઓમાં તૂટી જાય છે.
અમે સ્ફટિક ઉપર ચાલીએ છીએ.
ઉપર અને નીચે
શાંતિની મહાન ખાડીઓ.
ભૂરા અવકાશમાં
સફેદ પથ્થરોમાં, કાળા વાદળોમાં.
તેં કહ્યું’તું:
. ये देश स्त्रोतों से भरपूर है।
એ રાત્રે મેં મારા હાથ તારા સ્તનોમાં ધોઈ લીધા હતા.

-ઓક્ટાવિયો પાઝ
(અનુ.: વિવેક મનહર ટેલર)

મન ચંગા તો કથરોટ મેં ગંગા

પ્રેમ. અનુભૂતિ તો એક જ છે પણ પ્રેમને નિરખવા માટે દરેકેની પાસે અલગ ચશ્માં છે અને દરેકના ચશ્માંમાંથી એ અલગ દેખાય છે અને વળી એક જ ચશ્માંમાંથી પણ અલગ અલગ સમયે એ અલગ અલગ નજર આવે છે. કેલિડોસ્કૉપ જ જોઈ લ્યો. જેટલીવાર જુઓ, નવી જ ભાત જોવા મળે. સ્ત્રી અને પુરુષને પોતપોતાની જાતીયતાની સમજણ આવી હશે એ પહેલાં આદિમાનવયુગમાં પણ પ્રેમનું અસ્તિત્વ હશે જ. લાગણી, ગમો, પ્રેમ, સમ્-ભોગ –આ બધું એક જ સમયરેખા પરના અલગ-અલગ બિંદુઓ જ છે માત્ર. ઑક્તાવિયો પાઝ એક નાનીઅમથી કવિતામાં એના ચશ્માંમાંથી એની નજરે આપણને એની પ્રેમની વિભાવના અહીં બતાવે છે.

ઑક્તાવિયો પાઝ લોસાનો. ૩૧-૦૩-૧૯૧૪ના રોજ મેક્સિકોમાં લેખક પરિવારમાં જન્મ. પિતા અને દાદા બંને રાજકીય પત્રકાર. દાદાની અંગત લાઇબ્રેરી લોહીમાં ઉતરી. ઑક્તાવિયોએ પારિવારીક પરંપરાનો નિર્વાહ કર્યો. ૧૯ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ. ૨૦ની ઉંમરે ‘બરાન્ડલ’ નામનું સાહિત્યિક સમીક્ષાનું સામયિક મિત્રો સાથે મળીને આદર્યું. ૨૪ની વયે ‘ટોલર’ નામનું સામયિક શરૂ કર્યું. કાયદાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો. રાજદ્વારી સેવામાં જોડાયા. ૧૯૬૨થી છ વર્ષ એ ભારતમાં મેક્સિકોના એલચી બનીને રહ્યા પણ ભારત સાથેનો એમનો સંબંધ છેક ૧૯૫૧થી હતો. ભારતની સંસ્કૃતિ, સભ્યતા, તત્ત્વચિંતન, કળા અને લોકાચાર સાથે પાઝ જે રીતે ભળી શક્યા છે એ અદભુત છે. એલિયટ વાઇનબર્ગરે કહ્યું, ‘બીજો કોઈ પાશ્ચાત્ય કવિ ભારતમાં એટલો ઓગળી ગયો નથી, જેટલો પાઝ. ચાળીસ વર્ષ સુધી ઓક્ટાવિયો પાઝની જિંદગી અને કામમાં ભારત મેક્સિકોનું જોડિયું બનીને રહ્યું.’ ઓલિમ્પિક રમતોની સાંજે, ૦૨-૧૦-૧૯૬૮ના રોજ સરકાર દ્વારા કરાયેલ લગભગ ૨૦૦ જેટલા વિદ્યાર્થી દેખાવગીરોના નરસંહારના વિરોધમાં રાજીનામું આપ્યું. ભારત છોડતાં પહેલાં વડાપ્રધાન ઇંદિરા ગાંધીના આમંત્રણને માન આપીને એમના પરિવાર સાથે ભોજન પણ લીધું. એ પછી પ્રોફેસર અને સંપાદકની જિંદગી. ૧૯૩૭માં એલેના ગારો સાથે લગ્ન. એક પુત્રી. ૧૯૫૯માં છૂટાછેડા. ૧૯૬૫માં મેરી-જૉઝે ટ્રામિની સાથે બીજા અને આખરી લગ્ન. ૧૯૯૦માં સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક. ૧૯-૦૪-૧૯૯૮ના રોજ મેક્સિકો ખાતે જ કેન્સરના પ્રતાપે દેહવિલય. એમના મૃત્યુની ઘોષણા મેક્સિકોના પ્રમુખે ખુદ કરી કરી હતી.

ઉત્તમ કવિ અને લેખક. પદ્યમાં ગદ્યના રંગ અને ગદ્યમાં પદ્યની છાયા સતત આવજા કરતા જોવા મળે એ એમની ખાસિયત છે. એમની કવિતાઓ મુખ્યત્વે અતિયથાર્થવાદ, અસ્તિત્વવાદ ઉપરાંત માર્ક્સવાદ, હિંદુત્વ અને બૌદ્ધત્વના રંગે રંગાયેલી જોવા મળે છે. પૂર્વ અને પશ્ચિમનો, કળા અને વિવેચનાનો અભૂતપૂર્વ સમન્વય એમની કૃતિઓમાં જડે છે. ઑક્તાવિયોની કવિતાઓ મેક્સિકોના સમાજ, પ્રેમ, કામપ્રાચુર્ય, સમય અને બૌદ્ધવાદથી રસાયેલી છે. ફિલસૂફી, ધર્મ, રાજકારણ, કળા, અને મનુષ્યજાત વિશે એ ઝીણું કાંતે છે. મેન્યુઅલ દુરાન કહે છે, ‘સ્વની અને એક જ સાંસ્કૃતિક પ્રથાની ખૂબ જ ધીમી, લગભગ સૂક્ષ્મદર્શક તપાસ અચાનક વિસ્તરીને સાર્વત્રિક બની ગઈ પણ પોતાની આગવી લાક્ષણિકતાનો ભોગ લીધા વિના.’ મેક્સિકો નામના દૂરબીનમાંથી એ બ્રહ્માંડદર્શન કરાવી શક્યા છે એટલે જ એમની કવિતા સર્વકાલીન, સર્વપ્રાંતીય અને સાર્વજનિક બની રહી. એ માનતા કે કવિતા ‘આધુનિક યુગનો ખાનગી ધર્મ’ છે.

પ્રસ્તુત રચનાના શીર્ષક વિશે ગુજરાતી કવિતાની સૌપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરો.કોમ (layastaro.com)ના સ્થાપક ધવલ શાહ કહે છે, ‘પાણી આજે (અને હંમેશાથી) આધ્યાત્મિકતાની ચાવી રહ્યું છે. જેમ આપણે હિંદુઓ ગંગાને પવિત્ર ગણીએ છીએ અને એને મોક્ષનો દરવાજો ગણીએ છીએ, એમ મોટાભાગના ધર્મોએ વિશ્વ આખામાં જળાશયો સાથે આધ્યાત્મિક અર્થચ્છાયાઓ સાંકળી છે. માટે જ કવિએ પાણીને ચાવી (આધ્યાત્મિકતા માટેની) કહ્યું છે.’ એક રીતે જોઈએ તો શીર્ષકની આ સમજૂતિમાં જ આખી કવિતા પૂરી થઈ જાય છે. એક જગ્યાએ પાઝ કહે છે, ‘કવિતા વાંચવી મતલબ આપણી આંખોથી સાંભળવું; અને એ સાંભળવી મતલબ આપણા કાનોથી એને જોવી.’ એ એવું પણ પૂછે છે, ‘શું એ વધુ સારું નથી કે જિંદગીને કવિતા બનાવવા કરતાં જિંદગીમાંથી કવિતા બનાવાય? અને શું કવિતાનો પ્રાથમિક હેતુ, કાવ્યસર્જન હોવાના બદલે, કાવ્યાત્મક ક્ષણોનું સર્જન ન હોઈ શકે?’ તો આ કવિતાને કોરાણે મૂકીને આપણે પાઝે સર્જેલી કાવ્યાત્મક ક્ષણોને આંખથી સાંભળીએ અને કાનથી જોઈએ તો?

પાઝનું ભારત સાથેનું જોડાણ આ રચનામાં સાફ નજરે ચડે છે. સાવ નાની અમસ્તી રચના છે પણ ગાગરમાં સાગર જેવી. ઋષિકેશ અને ગંગાથી વાતની શરૂઆત થાય છે. ગંગા સાથેનો આપણો સંબંધ આદિથી જ પવિત્રતા, શુદ્ધિકરણ અને મોક્ષનો રહ્યો છે. વિષ્ણુએ વામનાવતારમાં બલિ પાસે માંગેલ ત્રણ પગલાં જમીન મેળવવા માટે સ્વર્ગમાં પગ લંબાવ્યો ત્યારે કહે છે કે બ્રહ્માએ જે પાણી વડે એમનું પાદપ્રક્ષાલન કર્યું હતું એ જ ગંગા. એટલે જ ગંગા બ્રહ્માની પુત્રી પણ ગણાય છે. પછી જ્યારે કપિલમુનિએ ક્રોધવશ સગરરાજાના સાંઠ હજાર પુત્રોને બાળી નાંખ્યા ત્યારે એમના વંશજ ભગીરથે પૂર્વજોના આત્માની મુક્તિ માટે તપશ્ચર્યા આદરીને ગંગાનું પૃથ્વી પર અવતરણ કર્યું અને ગંગાના આવેશથી પૃથ્વી-પાતાળને રક્ષવા માટે શંકર ભગવાને એને પોતાની જટામાં ઝીલી લીધી. ગંગામાં નહાવાથી જનમભરના પાપ ધોવાઈ જાય છે અને મુક્તિ મળે છે એ હિંદુ ધર્મની સનાતન માન્યતા છે. માણસ અવસાન પામે ત્યારે એના મુખમાં ગંગાજળ મૂકવાનો રિવાજ પણ આ જ કારણોસર પ્રચલિત થયો છે અને લાશ પણ મોક્ષાર્થે જ ગંગામાં વહાવવામાં આવે છે. ગંગાનું પાણી વર્ષો સુધી સાચવવા છતાં સડતું નથી એ એની લાક્ષણિકતા છે પણ આજે ગંગા વિશ્વની સૌથી પ્રદૂષિત નદીઓમાં પાંચમા ક્રમે આવે છે એ દુર્ભાગ્ય પણ વાસ્તવિક્તા છે.

કવિ કહે છે, ઋષિકેશથી આગળ નીકળ્યા પછી પણ ગંગા હજી લીલી જ છે. નિર્મળ આધ્યાત્મિકતા અને જાતીયતાના બે ધ્રુવ વચ્ચે સમતુલન જાળવતી આ લઘુરચનામાં કવિ રંગોની નાજુક પીંછી ફેરવીને એક મજાનું ચિત્ર ઊભું કરે છે. ગંદા કપડાં પાણીમાં ધોવામાં આવે તો પાણી ગંદુ થઈ જાય છે પણ ગંગા ઋષિકેશમાં હજારો-લાખો લોકોના પાપ ધોઈને આગળ વધે છે એ છતાં હજી લીલી છે. લીલો રંગ મોટાભાગે અહીં ફળદ્રુપતાની નિશાની છે. આટઆટલા પાપ ધોવા છતાંય ગંગા હજી પણ જેટલા શ્રદ્ધાળુઓ આવે એ બધાના પાપ ધોઈ શકે એટલી ફળદ્રુપ છે. એવુંય ગણી શકાય કે શહેર પૂરું થયા બાદ આરંભાતી વનરાજીનો હરિતવર્ણ ગંગાજણ ઝીલતું હોય. એક શક્યતા એવી પણ છે કે લીલો રંગ ગંગાનું પ્રદૂષણ ઈંગિત કરતો હોય. જો કે જોકે કવિતામાં આવતા બધા જ સંદર્ભો સ્વચ્છતા અને પવિત્રતા સાથે સંબદ્ધ છે એટલે આ અર્થઘટન સાચું નથી લાગતું. પાઝ ભારતીય સંસ્કૃતિથી વાકેફ હતા એટલે એવું પણ વિચારી શકાય કે લીલો રંગ આગળ નિર્દિષ્ટ થતી કામકેલિનો નિર્દેશ પણ કરતો હોઈ શકે. બને. કવિતાની મજા જ એ છે કે દરેક ભાવક એને પોતાની દૃષ્ટિએ મૂલવીને આનંદ લઈ શકે. પાઝ પણ કહે છે, ‘કવિતાનો હેતુ માનવજાતમાં આશ્ચર્યની શક્યતાને પુનર્સ્થાપિત કરવાનો છે.’

ઋષિકેશ પછી ગઢવાલ હિમાલય શરૂ થઈ જાય છે અને આ પર્વતોની ટેકરીઓમાં કાચ જેવી સ્વચ્છ ક્ષિતિજ જાણે ટુકડા-ટુકડા થઈ જતી હોય એમ લાગે છે. કાવ્યનાયક અને નાયિકાનો અહીં ‘અમે’થી કાવ્યપ્રવેશ થાય છે. બંને જણ સાથે સ્ફટિક ઉપર સાથે ચાલે છે. ‘સ્ફટિક’ શબ્દ શુદ્ધતા અને સૌંદર્ય છતા કરે છે. પ્રેમમાં બે જણ સાથે હોય ત્યારે સૃષ્ટિ આખી બદલાઈ જાય છે. પાઝ કહે છે, ‘પ્રેમ કરવો યાને યુદ્ધ કરવું, દરવાજા ખોલવા. દુનિયા બદલાઈ જાય જો બે જણ એકમેક સામે જોઈ શકે અને જુએ તો.’ પ્રેમ દુનિયા બદલી શકે છે. બે અલગ-અલગ વ્યક્તિ જેમ પ્રેમમાં એકમેકમાં ભળી જાય એમ ભારતની ગંગાની અડોઅડ મેક્સિકોની ખાડીઓ મૂકીને કવિ બે સંસ્કૃતિઓને એકમેકમાં ઓગાળી દે છે. જેમ ગંગા આપણા માટે પવિત્ર છે એમ કોઈપણ મેક્સિકન માટે એમના દેશની ખાડીઓ મહાન અને શાંતિદૂત જેવી પવિત્ર છે.

બંને પ્રેમીઓ સંબંધની શુદ્ધતામાં વિચરી રહ્યાં છે. ઉપર-નીચે, મનોમસ્તિષ્કમાં બધે જ સમુદ્રખાડી જેવી નિશ્ચલ શાંતિ પ્રવર્તી રહી છે. ભૂરો અવકાશ સંબંધની વિશાળતા, સફેદ પથ્થરો સાફ નિયતની દૃઢતા અને કાળાં વાદળો પ્રેમભર્યા વરસવા આતુર હૈયા સૂચવતા હોય એમ લાગે છે. પાઝના મતે ‘પ્રેમ અન્યના અસ્તિત્વ સોંસરા જવાની કોશિશ છે, પણ એ ત્યારે જ સફળ થાય જ્યારે સમર્પણ પારસ્પરિક હોય.’

આખી રચના સ્પેનિશ ભાષામાં છે પણ કવિએ સહેતુક એક પંક્તિ -‘ Le pays est plein de sources ’-ને ફ્રેન્ચ ભાષામાં લખીને અલગ તારવી છે. આ પંક્તિનો મતલબ છે, આ દેશ સ્ત્રોતોથી, ઝરણાંઓથી ભરપૂર છે. દેશ સર્વનામ હવે સરહદ વળોટી ચૂક્યું છે. પૂર્વ અને પશ્ચિમ હવે એક થઈ ચૂક્યાં છે. બે પ્રેમીઓ ‘અમે’ થઈને મ્હાલી રહ્યાં છે અને અહીં પુણ્યઝરાઓનો તોટો નથી. ખરાબ કામો, ખરાબ સ્વભાવ, ખરાબ ભૂતકાળ – બધું જ જેમાં ઝબોળીને શુભ્ર-શુદ્ધ થઈ શકાય એવા ઝરણાંઓથી આ દેશ ભરપૂર છે. આ વાક્ય આખી કવિતાને, બે ધ્રુવોને એકબિંદુએ લઈ આવે છે, એ અર્થમાં આ પંક્તિ પૂર્વાર્ધ અને એક પંક્તિના ઉત્તરાર્ધ વચ્ચેનો મિજાગરો છે. અને એટલે જ કવિએ અલગ ભાષા વાપરીને સચેત કવિકર્મની સાહેદી આપી છે. એટલે જ અનુવાદ કરતી વખતે આ પંક્તિને અલગ તારવવા માટે હિંદી ભાષાનો પ્રયોગ એટલા માટે કર્યો છે કે મૂળ કવિ અને કવિતાનો હેતુ માર્યો ન જાય.

પાઝ કહે છે, ‘પ્રેમ કરવો એટલે આપણા નામને અનાવૃત્ત કરવાં.’ એ એમ પણ કહે છે, ‘પ્રેમ એ સૌંદર્યની કામના નથી, એ સંપૂર્ણતા માટેની તડપ છે.’ આ વાત આખરી પંક્તિમાં નજરે ચડે છે. આખી વાત વીતી ગયેલી એક રાતની છે. કવિ કહે છે કે એ રાત્રે એમણે પોતાના હાથ તેણીના સ્તનોમાં ધોઈ નાખ્યા હતા. વાત તો સંભોગની જ છે પણ કવિ આ સંભોગને ગંગાની પવિત્રતા અને મેક્સિકોની ખાડીની મહાનતાની કક્ષાએ લઈ જાય છે. માનવ શરીરને કવિ એના શુદ્ધ સ્વરૂપમાં જુએ છે. પાઝ કહે છે, ‘મનુષ્ય ક્યારેય એ નથી જે એ છે, પણ એ છે જે એ શોધે છે.’ અહીં પણ કવિ સેક્સભૂખ્યો પ્રેમી નથી, એ પ્રેયસી સાથે સાયુજ્યતા ઝંખતો પૂજારી છે. ૧૯૮૪માં ઇંદિરા ગાંધીએ પાઝને ફરી આમંત્ર્યા હતા પણ ઇંદિરાની હત્યા થઈ. પછી ૧૯૮૫માં રાજીવ ગાંધીના આમંત્રણને માન આપીને પાઝ છેલ્લીવાર ભારત આવ્યા હતા. ભારત સાથેનો એમનો અનુબંધ એક પ્રવાસી કે રાજદ્વારીનો કદીય હતો નહીં. પહેલવહેલીવાર ભારત આવ્યા ત્યારે પહેલા જ દિવસે તાજ હોટલમાં કપડાં બદલીને એ સીધા શેરીઓમાં વસતા ભારતને આલિંગવા દોડી ગયા હતા. એક સમયે એમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનુંય વિચાર્યું હતું. લેટિન અમેરિકાની નસોમાં વહેતું ભારતીય રક્ત પ્રેમને પૂજાની કક્ષાએ લઈ આવે છે. પ્રેયસીના સ્તનમર્દનને ગંગાસ્નાન દરમિયાન પોતાની તમામ મલિનતાઓને ધોવા સાથે સરખાવીને પાઝ એક જ પંક્તિમાં સાવ સાદી લાગતી કવિતાને એવરેસ્ટની ઊંચાઈએ લઈ જાય છે.

ખ્રિસ્તી ધર્મમાં પણ પાણીનો એવો જ મહિમા છે. બાપ્ટિઝમ વિના ચર્ચપ્રવેશ શક્ય નથી. ધર્મસ્થળે પ્રવેશતાં પહેલાં કે પ્રાર્થના-ઉપદેશ પહેલાં અને પછી પાદરીઓ હાથ-પગ ધુએ છે. કહે છે: ‘હે પ્રભુ! મને મારા અધર્મમાંથી ધોઈ નાંખ અને મારા પાપમાંથી સાફ કર.’ પાઝનો પાક અભિગમ એમની વાતમાંથી પણ સાફ થાય છે: ‘કામકેલિ સહજ છે; તે પ્રકૃતિમાં એક ભૂમિકા ભજવે છે. વિચાર પરિચિત છે, પણ એમાં એક વિસંગતિ છે: કામવાસનાથી વધુ સાહજીક બીજું કંઈ નથી; અને બીજું કંઈ નથી જે એ સ્વરૂપો કરતાં ઓછું સાહજિક હોય જેમાં એ પ્રગટ અને સંતુષ્ટ થાય છે.’ સમજી શકાય છે કે પાઝ માટે મનની જિંદગી તનની જિંદગીથી બહુ અળગી કે અલગ નથી. કદાચ આજ ‘મન ચંગા તો કથરોટમેં ગંગા’ની વિચારધારા કાવ્યાંતે ઝળાંહળાં થાય છે જ્યારે સ્તનને પવિત્ર ગણીને નાયક એમાં પોતાના હાથ ધુએ છે.

અંતે પાઝની જ ‘સનસ્ટોન’ નામની દીર્ઘકવિતાનો એક અંશ મમળાવીએ:

કેમકે બે શરીર, નગ્ન અને વીંટળાયેલાં,
સમય પરથી કૂદી જાય છે, તેઓ અભેદ્ય છે,
કશું જ તેમને સ્પર્શી નહીં શકે, તેઓ મૂળ તરફ પરત ફરે છે,
ત્યાં કોઈ તું નથી, હું નથી, આવતીકાલ નથી,
ગઈકાલ નથી, નામ નથી, બે જણનું સત્ય
એક જ કાયામાં, એક જ આત્મામાં,
ઓહ સંપૂર્ણ હોવું…