Category Archives: મેઘલતા મહેતા

દિવડીએ દીપમાળ સજાવો – મેઘલતા મહેતા

સૌ મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ… અઢળક.. વ્હાલભરી.. ટહુકાભરી.. દીવાની જ્યોતભરી.. ઘૂઘરા અને મઠિયાભરી.. તનકતારા અને ચકરડી ભરી… રંગોળીના રંગભરી… સ્વજનના સંગભરી શુભેચ્છાઓ..!!

સ્વરાંકન – માધ્વી અને અસીમ મહેતા
સ્વર – માધ્વી મહેતા

(Picture: BBC News)

દીવડીયે દીપમાળ સજાવો
ઝગમગ જ્યોત જલાવો
દીવડીયે દીપમાળ સજાવો ..

ચાંદો સૂરજ ગગન દીપક બે
રાતદિવસને અજવાળે …
દીવડીયે દીપમાળ સજાવો ..

નવલખ તારા ટમટમ ટમકે
મેઘમંડળમાં વીજળી ચમકે ..
દીવડીયે દીપમાળ સજાવો ..

હ્રદય મંદિરીયે દીપક પ્રગટે
નયન મંદિરીયે જ્યોતિ ઝબૂકે ..
દીવડીયે દીપમાળ સજાવો ..

– મેઘલતા મહેતા

સૈયર મારો સાહ્યબો રીસાયો સારી સાંજ – મેઘલતા મહેતા

રીસાયેલા સાહ્યબાને મનાવવા આ ગીત/ગરબાની નાયિકાએ કેટકેટલું કરવું પડ્યું… પણ જોવાનું એ છે કે સાહ્યબો આખરે કઇ તરકીબથી રીઝાયો એ તો ખબર જ ના પડી.. (નહીંતર કોઇકવાર મારે/તમારે રીસાયેલા સાહ્યબાને મનાવવામાં કામ લાગ્યું હો’ત 🙂 )

સ્વર : માધ્વી મહેતા
સંગીત : દિલીપ ધોળકિયા

.

સૈયર મારો સાહ્યબો રીસાયો સારી સાંજ

એને કેટલું મનાવ્યો,
કંઇ કંઇ રીતે મનાવ્યો
સૈયર તોયે સાહ્યબો રીસાયો સારી સાંજ

સૈયર મેં તો હોંશે હોંશે રાંધ્યા ધાન
સૈયર મીઠા મીઠા રાંધ્યા પકવાન
તો યે સાહ્યબો ન રીઝ્યો સારી સાંજ

સૈયર મેં તો સોળે સજ્યા શણગાર
સૈયર સજ્યાં ઝળહળતા હીરાના હાર
તો યે સાહ્યબો ન રીઝ્યો સારી સાંજ

સૈયર મેં તો થાકી લીધા રે અબોલડા
સૈયર હું તો બેસી રહી ચૂપચાપ
તો યે સાહ્યબો ન રીઝ્યો સારી સાંજ

સૈયર મારા મૌનનો કરાવ્યો એણે ભંગ
સૈયર મારો સાહ્યબો રીઝી ગ્યો મુજ સંગ
સૈયર.. હે સૈયર.. હે હે સૈયર…
સાહ્યબો રીઝાયો સારી સાંજ…