Category Archives: શૌનક પંડ્યા

આભનો એક જ મલક – સુરેશ દલાલ

(સુરજ અને ચંદ્ર માટે આભનો એક જ મલક……)

સ્વર : શૌનક પંડ્યા
સંગીત : રિશિત ઝવેરી

.

સુરજ અને ચંદ્ર માટે આભનો એક જ મલક;
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.

આપણે એક જ ઝાડની જાણે જુદી જુદી ડાળી,
ફૂલની ઝીણા પાનની આડે તડકો રચે જાળી;
અંધારાની પડખે રમે અજવાળું અઢળક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.

રામજી મારા બોરમાં વસી શબરી કેરી ભુખ,
વાંસળી અને સૂરની વચ્ચે જોઈએ એક જ ફુંક;
વ્રજમાં વૈકુંઠ રમતું રહે જો શ્યામની મળે ઝલક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.

– સુરેશ દલાલ

એને સમજુની સાન ઘડી આલો – જગદીશ જોશી

આમ તો મને આ ગીતનો ભાવ એટલો ન સમજાયો, પણ રિશિત ઝવેરીનું સ્વરાંકન અને શૌનક પંડ્યાના સ્વરનો કમાલ કહી શકું કે આ ગીત તમારી સાથે વહેંચવાની લાલચ રોકી ન શકી..!!

ખરેખર તો એના ત્રણે આબ્લમ મને રિશિતે ઘણા વખતથી આપ્યા છે, પણ મેં આજે-કાલે કરતા ઘણો વખત કાઢી નાખ્યો, એ માટે રિશિતની માફી ચાહું છું. પોતાના ઘરના સ્ટુડિયોમાં ફક્ત ૧૬-૧૭ વર્ષની ઉંમરે બનાવેલા આ આલ્બમ સાંભળો ત્યારે રિશિતની કાબેલિયતના વખાણ કર્યા વગર રહી જ ન શકાય..!

ઊર્મિએ એક વાર કહ્યું હતુ એમ, કાવ્યમયની સાથેસાથ સંગીતમય બની ગયેલા સુરત શહેરનું એક ઉજળું પાસું એટલે – રિશિત ઝવેરી

સ્વર : શૌનક પંડ્યા
સંગીત : રિશિત ઝવેરી

એને સમજુની સાન ઘડી આલો, યા અલ્લાહ, યા અલ્લાહ..
મારે એકાદુ ગીત હજી ગાવું હો રામ, હો રામ..
એને પળનું ય પારખું કરાવો યા અલ્લાહ…
મારે પળમાં તો પ્રાણ થઇ જાવું હો રામ, હો રામ..

માંડેલુ ગીત કદી પુરું ના થાય કેમ
અંતરામાં અંતરાસ જાગતી
કોયલના કાનેથી ફુકડાની બાંગ બની
વનવનના વાયરાને ગાતી
મોરપિચ્છ અડકે તો સળગું, યા અલ્લાહ, યા અલ્લાહ..
કે વાંસળીના સૂરે નથી નાવું હો રામ, હો રામ…

એને સમજુની સાન ઘડી આલો, યા અલ્લાહ, યા અલ્લાહ..

વીજળીના ઝબકારે ધરતીને જોવી ને
ધરતીના કંપ થકી આભ
કહી કોણ શકશે કે વનવાતા સૂરજને
જોવા ન જોવામાં લાભ
કીનખાબી મીટ એક આલો, યા અલ્લાહ, યા અલ્લાહ..
કે સુક્કી નજરું ને કેમ વાવું હો રામ.. હો રામ..

યા અલ્લાહ.. યા અલ્લાહ…
હો રામ… હો રામ… હો રામ…

– જગદીશ જોશી

છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ – મુકેશ જોષી

આમ તો નવરાત્રી આવવાની એટલે ચોમાસું જવાના દિવસો આવી ગયા… પણ વાત જો છોકરીના હૈયાની હોય, તો ત્યાં કંઇ ચોમાસું કેલેન્ડર જોઇને ઓછું આવે છે? 🙂

અને મુકેશભાઇની કલમ હોય પછી તો પૂછવું જ શુ? મને યાદ છે આશિત દેસાઇએ એક પ્રોગ્રામમાં એવું કહ્યું હતું કે એમને મુકેશભાઇના ગીતોનો સંગ્રહ મળ્યો અને થોડા જ દિવસમાં એમણે લગભગ બધા જ ગીતો સ્વરબધ્ધ કરી દીધા..!! એમનું પેલું બાઝી પડ્યો રે વરસાદ… અને હવે તારામાં રહું? એ ગીતો તો કોઇ સ્વરબધ્ધ કરે એની રાહ જોઇ રહી છું ક્યારની.. (મને સ્વરાંકન કરતા નથી આવડતું ને, એટલે..)

સ્વર – સંગીત : શૌનક પંડ્યા

.

છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને,
છોકરાના હૈયે લીલોતરી
કૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો
છાપે છે મનમાં કંકોતરી
છોકરીના હૈયામાં….

છોકરાએ મનમાં સગાઈ કરી
છોકરીને ભેટમાં દીધેલું ઝાપટું
ખિસ્સામાં માય નહીં, છાતીમાં
મૂકે તો છોકરાને દર્દ થાય સામટું

છોકરાના હાથોમાં જાણે કે છોકરીએ
વરસાદી રેખાઓ કોતરી….
છોકરીના હૈયામાં….

છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાંઓથી
શ્રી ગણેશાય લખી નાખ્યું
મેઘધનુષ નામના મુહૂર્તમાં છોકરાએ
ફેરા ફરવાનુંય રાખ્યું

ગંગાને શોધતાં છોકરાને હાથ જાણે
લાગી ગઈ આખી ગંગોતરી…
છોકરીના હૈયામાં….

સુરત નહિ સ્વીકારે હાર -ગૌરાંગ ઠાકર

સુરતમાં બારમી જુને એક સગીર વિદ્યાર્થીની પર ધોળે દહાડે ચાલુ ગાડીમાં ત્રણ-ત્રણ નરાધમો દ્વારા એના સહાધ્યાયીની હાજરીમાં અમાનવીય બળાત્કાર થયો અને નરમાનુષોએ એની વિડીયો ક્લિપિંગ્સ પણ ઉતારી… રૂંવાડા ઊભા કરી દે અને લોહી ઊકળી ઊઠે એવા શહેરની અસ્મિતા પર સરિયામ થયેલા જનોઈવઢ ઘાની કોઈને કળ વળી નથી અને વળી શકે એમ પણ નથી.

અંતરમાં ઉઠેલા એવા જ એક આક્રોશમાંથી જન્મ થયો છે આ ગીતનો.  કેટલીયે દીકરીઓ અને એમના ઘરવાળાઓએ બદનામીના ડરથી આ નરાધમો સામે નમતું જોખીને એમની પાશવીવૃત્તિઓને અજાણ્યે પોષ્યે રાખી હતી.  આવા રાક્ષસો બીજી કોઈ દીકરી સાથે ફરી આવું ન કરી શકે એ ખાતર અને પોતાને થયેલા અન્યાયની સામે હરગીઝ માથું ન ઝુકાવી પોતાની બદનામીની જરાયે ચિંતા કર્યા વગર એ અપરાધીઓને આકરામાં આકરી શિક્ષા થાય એ માટે ન્યાય માંગવા આગળ આવેલી આપણી એ નીડર દીકરીને માટે “શૂરવીર” સિવાય બીજો કયો શબ્દ વાપરી શકાય????  આજે ફાધર્સ ડે છે.. અને આમ તો કાયમ ફાધર્સ ડે પર અહીં દરેક પપ્પા માટે મુકાયેલું કોઈ મજાનું ગીત મૂકીને માણીએ છીએ… પરંતુ આજનું આ ગીત માત્ર એક જ પપ્પા અને એમનાં કાળજાનાં ટુકડાં સમી એ વ્હાલી નીડર દીકરીને સ્નેહાર્પણ… દુનિયાની બધી દીકરીઓ, દીકરીનાં પપ્પાઓ અને એમનાં કુટુંબીજનોને આવી જ રીતે અન્યાય સામે લડવાની પ્રભુ શક્તિ આપે, એ જ પ્રાર્થના સહ…

સંગીત, સ્વરાંકન: શૌનક પંડ્યા
સ્વર: શૌનક પંડ્યા, સત્યેન જગીવાલા

જાગો..જાગો..જાગો…
સુરત નહિ સ્વીકારે હાર
જુલ્મીની પાડે સવાર

સીધેસીધો વાર થયો
હૈયે અત્યાચાર થયો
દીકરીનાં આંસુ ચોધાર
સુરત નહિ સ્વીકારે હાર……

સુરતના આતમ પર ઘા ..?
જનમાનસની આ હત્યા..?
પ્રશ્ન ઊભો છે સૌને દ્વાર
સુરત નહિ સ્વીકારે હાર…

નરાધમોને શિક્ષા થાય,
માસૂમ બાળા માંગે ન્યાય,
ફાંસી દઈ દો ચોકબજાર
સુરત નહિ સ્વીકારે હાર….

દાદાગીરી દૂર કરો,
શાસન થોડું ક્રુર કરો
અબળા નારીનાં ચિત્કાર
સુરત નહિ સ્વીકારે હાર…

-ગૌરાંગ ઠાકર

નાદાન મનને એ બધું ક્યાં ભાન હોય છે – કિરણ ચૌહાણ

સ્વર – સંગીત : શૌનક પંડ્યા

.

નાદાન મનને એ બધું ક્યાં ભાન હોય છે,
આંસુની પૂર્વભૂમિકા અરમાન હોય છે.

તેઓ સુખી છે જેમને બીજાના દુઃખ મહીં,
દુઃખી થવાનું દોહ્યલું વરદાન હોય છે.

મિત્રો જો શત્રુ નહિ બને તો એ કરેય શું ?
દુશ્મન ઉપર તમારું વધું ધ્યાન હોય છે !

હાથે કરીને ગુંચવ્યું છે કોકડું તમે,
નહિતર તો જીવવું ઘણું આસાન હોય છે.

ઝઘડો કરીને થાકી ગયાં ચંદ્ર ને નિશા,
ઝાકળનાં બુંદ રૂપે સમાધાન હોય છે.

– કિરણ ચૌહાણ

એક ઘેરો રંગ છે મારી ભીતર – વિવેક મનહર ટેલર

શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એજ જંગ છે મારી ભીતર.

સ્વર – સ્વરાંકન : શૌનક પંડ્યા

( મારી ભીતર… Photo : Dr. Vivek Tailor )
* * * * * * *

.

એક ઘેરો રંગ છે મારી ભીતર,
મૌન છે પણ તંગ છે મારી ભીતર.

હોઠ ખૂલવાનું નહીં શીખ્યાં કદી ,
જીભ પણ બેઢંગ છે મારી ભીતર.

લોહીમાં સૂરજ કદી ઉગ્યાં નહીં,
જો, નિશા અડબંગ છે મારી ભીતર.

ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું,
આયનાઓ દંગ છે મારી ભીતર.

બેઉ પક્ષે હું જ કપાઉં, કેવું યુદ્ધ
મન-હૃદયની સંગ છે મારી ભીતર!

શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એજ જંગ છે મારી ભીતર.

હું નવી દુનિયામાં જન્મેલી ગઝલ,
કાફિયા સૌ તંગ છે મારી ભીતર.

શ્વાસ નશ્વર, થઈ ગયાં ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.

– વિવેક મનહર ટેલર

અડબંગ= મરજી મુજબ ચાલનારું, જક્કી, હઠીલું.
અક્ષૌહિણી= જેમાં ૨૧,૮૭૦ હાથી, ૨૧,૮૭૦ રથ, ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ હોય તેવી ચતુરંગી સેના (કૃષ્ણ ભગવાને યુદ્ધ પૂર્વે અર્જુન અને દુર્યોધન સામે ક્યાં તો નિઃશસ્ત્ર એવો હું અથવા મારી અઢાર અક્ષૌહિણી સેના એવો મદદનો વિકલ્પ આપ્યો હતો)
કાફિયા= ગઝલમાં ‘રંગ’, ‘સત્સંગ’, ‘જંગ’ જેવા સમાન પ્રાસી શબ્દો મત્લાની બંને પંક્તિના અંતે તથા ત્યારબાદ દરેક શેરની બીજી પંક્તિના અંતમાં આવે છે જેને “કાફિયા’ કહે છે.

પ્રિયે મને ના છેડ… – ભુપેન્દ્ર વકિલ

સ્વર : શૌનક પંડ્યા
સંગીત : સુનિલ રેવાર

.

પ્રિયે મને ના છેડ…
નયન ઇશારે ઇજન દઇને
પ્રિયે મને ના તેડ !

અધવચ્ચે આ જનમેળામાં
ઊરવીણા ના છેડ
પ્રિયે મને ના છેડ…

– ભુપેન્દ્ર વકિલ

કોયલ ગાતી વનવગડામાં
છાની માની ગીત
પગરવનો સંચાર થતો
બની જતી લજ્જિત
પ્રિયે મને ના છેડ…

પ્રેમ કુમુદ તો રમવા કાજે
રવિ કિરણ ના ચહાય
શશિ પર કરતા કોમળ સ્પર્શે
હસી હસી છલકાય
પ્રિયે મને ના છેડ…