Category Archives: વર્ષાગીત

ટહુકે છે લીલીછમ ડાળ – અનિલ જોશી

આજે સવારથી અહીં અમારા સાન ફ્રાન્સિસ્કોમાં મૌસમનો પહેલો વરસાદ ઝીલાઇ રહ્યો છે… અને સાથે કોમ્પ્યુટર પર ઝીલાઇ રહ્યા છે એક પછી એક ‘વરસાદી ગીતો’..!! તો થયું કે એ જ બહાને તમને પણ સંભળાવી દઉં આ એક મઝાનું ગીત…!

સ્વર – ફાલ્ગુની શેઠ
સ્વરાંકન – અજીત શેઠ

વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ
આ તો વરસે છે લીલુંછમ ઝાડ મારા વાલમા
પીળક તો ક્યારનું ઉડી ગયું ક્યાંક
આ તો ટહુકે છે લીલીછમ ડાળ મારા વાલમા…

ખોળો વાળીને ઘર વાળતી રે, ધીમા તાપે ચઢાવીને ભાત
સંજવારીમાં કેમ કાઢવાં રે, પડ્યાં ઓસરીમાં ચાંદરણાં સાત
ઓસરીએથી જાઉં ફળિયે, પછી ફળિયેથી ઓસરી ગઈ
પૈંડા બેસાડી ધક્કા મારજો રે, મારી વેળા ગોકળગાય થઈ…
વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ…

વાયરો આવેને ફૂલ ઝૂલતા રે, એમ કાનમાં ઝૂલે એરિંગ
પાથરણાં કેમ કરું પંડનાં રે, હું તો થઈ ગઈ સરગવાની શીંગ
કાને માંડી મેં જરીક ડાળખી, ત્યાં તો સંભળાતું ઝીણકલું પાન
પાંખડીનાં ઉંબરા વળોટતા રે, જુઓ સુરજમુખીના પીળા વાન…
વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ…

– અનિલ જોશી

રીમઝીમ બરસે બાદલ બરસે – સુન્દરમ્

સંવેદનાની સૂરાવલીની તૈયારી માટે ગયા રવિવારે અમે બધા મળ્યા ત્યારથી આ ગીત ગૂંજે છે. તો થયું, આજે તમને પણ આ ગીત સંભળાવી જ દઉં..! આમ તો દેશમાં વરસાદના જવાના એંધાણ છે – અને અમારે ત્યાં અહીં એના આવવાને હજુ વાર છે… પણ પિયુના આવવાના એંધાણ હોય ત્યારે તો ગમે તે મોસમમાં પણ વરસાદની સોડમ આવે, કાનમાં મોરના ટહુકા સંભળાય, અને મનમાં ગુંજે રીમઝીમ વરસતા વાદળના ઝંકાર…

સ્વર – વિભા દેસાઇ
સ્વરાંકન – ક્ષેમુ દિવેટીઆ

2009.09_ 064

રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ
બાદલ બરસે , રીમઝીમ બાદલ બરસે ,
રીમઝીમ બરસે , બાદલ બરસે
હો….મારું મન ગુંજે ઝનકાર , મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે , બાદલ બરસે
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ!!!!

સાવન ની સખી સાંજ સુહાગી
કરતા મોર પુકાર ,ગગન ગોખ થી
મદભર નૈના , વીજ કરે ચમકાર
મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે , બાદલ બરસે
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ

આંજણ આંજું , પહેરું પટોળા
સોળ સજું શણગાર ,
કઈ દિશ થી મારો કંથ પધારે
કોઈ દિયો અણસાર …
મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે , બાદલ બરસે
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ

– સુન્દરમ્

વરસે ઝડી વર્ષાની વ્હાલમા – ભાસ્કર વ્હોરા

સ્વરાંકન : ક્ષેમુ દિવેટીઆ
સ્વર : આરતી-સૌમિલ મુન્શી

વરસે ઝડી વર્ષાની વ્હાલમા
વ્હાલમા નીંદ ન આવે
પ્રણય ઘડી પાગલ થઈ સજની
સજની આમ સતાવે રે
…વ્હાલમા નીંદ ન આવે

વાદળીની વણઝારે વ્હાલમા
વ્હાલમા આભ ધ્રુજાવે રે
વીરહીણી એ થઇને સજની
સજની નીર વહાવે રે
…વ્હાલમા નીંદ ન આવે

વીજ બની ધનુ કામનું વ્હાલમા
વ્હાલમા ઉર મૂંઝાવે રે
એજ ધરાને મેઘની સજની
સજની પ્રીત સુહાવે રે
…વ્હાલમા નીંદ ન આવે

– ભાસ્કર વ્હોરા

આ વાયરાના તોફાને આવેલા વરસાદે – ભાગ્યેશ જહા

આજે કવિ શ્રી ભાગ્યેશ જહાના મઝાના શબ્દોને માણીએ – રવિનભાઇના એવા જ મઝાના સ્વરાંકન સાથે. કઈંક તો એવું છે સ્વરાંકન શબ્દો અને ગાયકોના સ્વરમાં, કે બસ – વારંવાર વારંવાર સાંભળ્યા જ કરીએ..!! અને આમ ભલે હમણાં જ વસંતપંચમી ગઇ એટલે બધા વાસંતી મૂડમાં હશો – પણ અહીં ‘બે એરિયા’માં અમે હજુ વરસાદની રાહ જોઇએ છીએ..! આ વર્ષે વરસાદે ભીંજવાનું ઓછુ અને હાથતાળી આપવાનું કામ વધારે કર્યું છે – તો આ ગીત સાથે જરા વરસાદને આમંત્રણ પણ આપી દઉં મારે ત્યાં આવવા માટે…

સ્વર – રવિન નાયક અને સાથીઓ
સ્વરકાર – રવિન નાયક

આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને....
આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને…. Oct 2011 – San Francisco, CA

આ વાયરાના તોફાને આવેલા વરસાદે ઉબંરની મર્યાદા તોડી;
એક બિંદુ ઝીલી ને આંખ એવી કુદી કે એણે આભ સાથે વાર્તા જોડી.

આ બારીમાં ટપકે છે ભીનું આકાશ
અને ચોમાસું છલકે ચોપાસ;
અહીં શેરીનાં દિવામાં એકલતા સળગે છે
ઉપર છે કાળું આકાશ.

આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને, ને આભે પણ કળીઓને તોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.

વૃક્ષોની નજરોનું પાથરણું પાથરીને
ધરતી એ ઓઢી’તી લીલાશ,
આ વરસાદે પલળેલું એકાકી ઝાડ,
એમાં આજે પણ કોરું આકાશ.

આ ધોધમાર પાણીનાં વહેતાં પ્રવાહમાં પગલાં એ કેડી એક છોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.
– ભાગ્યેશ જહા

એલી વાદળી – પ્રહલાદ પારેખ

સ્વર – સ્વાતિ પાઠક
સંગીત સંચાલન – ચિંતન પંડ્યા
વાદ્ય વ્રુંદ – ક્ર્મવીર મહેતા (તબલા), જયદીપ શાહ (કી બોર્ડ). અભિજીત ગોહિલ (સાઇડ રીથમ)

વાદળી ! ક્યાંરે રે ગૈ,એલીવાદળી ?
તને જોઇતી મેં દુર મારી સીમે;
તું તો આવંતી પાસ ધીમે ધીમે;
હતી જોઇ તારી વીજ,
હતું સુણ્યું તારું ગીત;
મેંતો આશાની માંડી’તી મીટજી
તને સુઝી શી આ મતિ ?
તેં તો આડી કરી ગતિ ! એલી વાદળી….

મેં તો જાણ્યું, તું વરસી અહીં જાશે,
મારા ખેતર સૌ અંકુરિત થાશે.
મારાં પંખીડા ન્હાશે,
મારા ઝરણાઓ ગાશે.
મારું મનડું ઉમંગે એ નાચશે જી !
ત્યાં તો થઇ તું અદીઠ !
આ તે કેવી તારી રીત ? એલી વાદળી….

હવે લાવે જો નીર ફરી વારે,
અને આવે જો ગામ ચડી મારે.
વેણ કે’વાને ત્યારે
મારા ડુંગરની ધારે
એક બેસી જોઇશ તારી વાટ જી.
બેન જાતી ના આમ
રાખી સુકું તમામ. એલી વાદળી….

– પ્રહલાદ પારેખ

મારી આંખોએ બેઠું ચોમાસું..! – એષા દાદાવાળા

તને કહી દઉં છું હું સાચે સાચું
મારી આંખોએ બેઠું ચોમાસું..!

ઘેરાતા હોય આકાશે વાદળા
મારી અંદર તું એમ જ ઘેરાતો,
વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો
છાતીમાં ડૂમો થઇ જતો.
આગાહી વિના સાવ ઓચિંતો કોઈ વરસાદ જેમ આવે તો માનું..!!

આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી
હું શબરી નથી કે નથી મીરાં,
હું તો ઉતાવળી થાઉં તને મળવા
થોડા તારે ય થવાનું અધીરા..!
મળવાનું રોજ રોજ થાયે મને મન તને શોધતા ક્યાં આવડે છે બહાનું..?

– એષા દાદાવાળા

આષાઢી સાંજનાં અંબર ગાજે – ઝવેરચંદ મેઘાણી

૨ વર્ષ પહેલાના અષાઢ મહિનામાં સંભળાવેલું આ ગીત – આજે ફરી એકવાર… ગીત જો કે એટલું મઝાનું છે કે અષાઢ હો કે વસંત – એના તાલ સાથે ડોલવાનું મન થઇ જ જાય..! થોડા વખત પહેલા ‘ડગલો’ આયોજિત ‘મેઘાણી વંદના’ કાર્યક્રમમાં જ્યારે માધ્વીબેન-અસીમભાઇ અને સાથીઓએ આ ગીત રજૂ કર્યું ત્યારે મારા જેવા કેટલાય શ્રોતાઓ માટે ખુરશીમાં બેસી રહેવું મુશ્કેલ થઇ ગઇ હતું..! 🙂

સ્વર : માધ્વી – અસીમ મહેતા અને સાથી (હેતલ બ્રહ્મભટ્ટ, સુમોહા પટેલ, આણલ અંજારીઆ)
ડગલો કાર્યક્રમ ‘મેઘાણી વંદના’ દરમ્યાન રજૂઆત

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

Posted on – July 19, 2010

આષાઢી બીજ આવી અને ગઇ.. અને આમ તો મમ્મી એ ૧૦-૧૨ દિવસ પહેલા યાદ કરાવેલું કે તારી પાસે પેલું ‘અષાઢી મેઘના અંબર ગાજે’ વાળું ગીત હોય તો અષાઢ મહિનો શરૂ થાય ત્યારે મૂકજે… પણ બીજી બધી દોડા-દોડીમાં રહી જ ગયું…

તો ચલો, માણીએ આ મઝાનું ગીત – અને સાથે પાર્થિવ ગોહિલનો અવાજ… એમણે વર્ષો પહેલા સારેગામાની મેગા ફાઇનલમાં કરેલી રજૂઆત સાથે..!

આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે,મેઘાડંબર ગાજે !
—આષાઢી.

માતેલા મોરલાના ટૌકા બોલે
ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે.—
આષાઢી .

ગરવા ગોવાળિયાના પાવા વાગે
પાવા વાગે,સૂતી ગોપી જાગે.
—આષાઢી .

વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે
—આષાઢી.

ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,
ચૂંદડભીંજે,ખોળે બેટો રીઝે.
—આષાઢી.

આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે મેઘાડંબર ગાજે !

***********

(શબ્દો માટે ગોપાલકાકાનો આભાર)

છઠ્ઠી વર્ષગાંઠ Special : વરસાદી ગીતો

ટહુકોના એક ખાસ મિત્રએ થોડા દિવસ પહેલા એક ફરમાઇશ કરી.. કે જુન ૨૦મી એ અષાઢી બીજ આવે છે – ગરમ ગરમા ચા અને ભજીયા ખાતા ખાતા સાંભળવાની મઝા આવી જાય, એવું કોઇ મઝ્ઝાનું વરસાદી ગીત મુકજો..!

અમને થયું – ચા અને ભજીયાની મઝા કંઇ પાંચ મિનિટ માટે ઓછી હોય? એટલે એકને બદલે આ બધા જ ગીતો લઇ આવ્યા..!! અરે, ચા મુકવા માટે ગેસ ચાલુ કરો એ પહેલા આ નીચેના પ્લેયર પર ક્લિક કરતા જાવ..! (અને speaker નો volume વધારતા જાવ). પછી ચા મુકાય, ભજીયા માટે કાંદા – બટાકા – રતાળુ એવું બધું કપાય, અને ભજીયા તળાય અને ખવાય – ત્યા સુધી આ મઝાના વરસાદી ગીતો સાંભળો..!!

આ આષાઢી સાંજનાં ફોટા નીચેનાં પ્લેયર પર ક્લિક કરો – અને સાંભળો વરસાદી ગીતો….  Hours of our favorite music without interruption..!! :)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

૦૧ આવ રે વરસાદ… – સંજય વિ. શાહ

૦૨ અઢી અક્ષરનું ચોમાસુ – ભગવતીકુમાર શર્મા

૦૩ ગરજ ગરજ વરસો – કાંતિ અશોક

 

Continue reading →

તારા વિનાનું મારું પહેલું ચોમાસું – એષા દાદાવાળા

બીજું તો કંઈ નહીં ખાસ
મારે તને આટલું જ કહેવાનું
તારા વિનાનું મારું પહેલું ચોમાસું…!

વરસાદી ટીપાં એમ સ્પર્શતા મને
જાણે તારી આંગળીઓનો જાદુ
ધોધમાર વરસાદ ને છત્રી જો એક
એક છત્રીમાં બેઉ કેમ માશું?
વાછટના સ્પર્શે એમ થાતું મને કે હવે આવીને અડકે છે તું…..!

અંદરથી ઉકળાટ થાતો મને
ને તોય આંખથી વરસે ના પાણી
તારા વિના આ વરસાદે પલળુમ
તો લાગું રાજા વિનાની કોઈ રાણી
આવી તું જાય તો ભીનાશ ઉકેલતાં એકમેકને સમજાશું….!

સૂની પથારી, બે-ચાર તમરાં ને
કાળું આકાશ બિવડાવે…
બ્હારથી રાખે મને સાવ કોરી
ને ભીતરે આખી પલળાવે
જલ્દી તું આવે એ આશાએ મેં તો ઊંધું મૂક્યું છે પવાલું…!

– એષા દાદાવાળા

ગરજ ગરજ વરસો – કાંતિ અશોક

સ્વર : આશા ભોસલેં, ઉષા મંગેશકર
સંગીત : મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મ : તાના-રીરી (૧૯૭૫)

ગરજ ગરજ વરસો જલધર

દીપકથી દાઝેલાં તનને
શીતળ જળથી પરસો

ગરજ ગરજ વરસો જલધર

તરસ્યાની ના તરસ છીપાવે
એ વાદળ કોને મન ભાવે

આકાશી આ હેલ છલોછલ
સંઘરીને શું કરશો ?

ગરજ ગરજ વરસો જલધર

પરદુઃખમાં થઈને દુઃખીયારા
લઈએ ખોળામાં અંગારા

જલતાને ઠારો તો જુગજુગ
ઠાર્યાં એવાં ઠરશો

ગરજ ગરજ વરસો જલધર

ગગન ઘોર ઘન
શ્યામ શ્યામ તન
મેઘરાજ આવો

થર થર થર થર મેરુ કંપે
જલ થલ જલ વરસાવો
આવો….આવો

ગરજ ગરજ વરસો જલધર

કનક કામિની
દમક દામિની
નૂર નભમાં રેલાવો

ઝરમર મોતી વસુંધરાને પાલવડે ટંકાવો
આવો….આવો

ગરજ ગરજ વરસો જલધર

– કાંતિ અશોક

ઐશ્વર્યા મજમુદારે સ્વર્ણિમ ગુજરાતન કાર્યક્રમ Detroit (Michigan) માં April 30, 2011 ના દિવસે ગાયેલું આ તાના-રીરી ફિલ્મનું અદ્ભૂત ગીત ‘ગરજ ગરજ વરસો જલધર’. સેલફોનમાં રેકોર્ડ કરેલું છે.