Category Archives: આલાપ દેસાઇ

વીજ, વાદળ, વાયરો – હિતેન આનંદપરા

સ્વર,સ્વરાંકન: આલાપ દેસાઈ

.

વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં,
છોકરી જેવી ધરાને બથ ભરે વરસાદમાં.

પ્રિયજન સાથે અબોલા આ ઋતુમાં ક્યાં સુધી ?
રીસ સાથે બે જણાંયે ઓગળે વરસાદમાં.

કામ પર જાવાનું મન થાતું નથી તો નહીં જઉં,
બહુ જ થોડાં જણને આવું પરવડે વરસાદમાં.

આમ તો એ આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.

સાવ રોજિંદા જીવનમાં શુષ્ક થઈને જીવતો,
આપણી અંદરનો માણસ ખળભળે વરસાદમાં.

મોર જેવી માનવી પાસે પ્રતીક્ષા પણ નથી,
એટલે એની ‘કળા’ જોયા કરે વરસાદમાં.

ઘર પછીતે યાદની વાછટ છવાતી જાય છે,
ટેરવાં પર સ્પર્શ જૂનો તરફડે વરસાદમાં.

– હિતેન આનંદપરા

મને ચઢી ગઇ રોમ રોમ ટાઢ -દાન વાધેલા

સ્વર : હિમાલી વ્યાસ
સ્વરાંકન : આલાપ દેસાઈ
આલબમ : સૂરવર્ષા

.

મને ચઢી ગઇ રોમ રોમ ટાઢ..
ગાજ નહિ,વીજ નહિ..
પુનમ કે બીજ નહિ..
ઓચિંતો ત્રાટક્યો અષાઢ..
મને ચઢી ગઇ..

ઘર માં થી ઉંબરા ની મર્માળી ઠેસ..
છતાં ચાલી હું મીણ જેમ પીગળી..
માજમ ની રાતે આ મન એવું મુંઝાણું..
જાણે કે વીંટળાતી વિજળી..
કોને ખબર છે કે ગામ આખું કોરૂં..
પણ ડુબ્યાં આ મેડી ને માઢ..
ઓચિંતો ત્રાટક્યો અષાઢ..
મને ચઢી ગઇ..

દરિયા ના મોજા તો માપી શકાય..
અરે ફળિયા ની ફાળ કેમ માપવી..
સોળ સોળ ચોમાસા સંઘરેલી છત્રી ને..
શેરી માં કોને જઇ આપવી..
રૂદિયા માં ફુવારા ફુટે છે જાણે કે..
પીલાતો શેરડી નો વાઢ..
ઓચિંતો ત્રાટક્યો અષાઢ..
મને ચઢી ગઇ…
-દાન વાધેલા

હું થઇ જઈશ પરાગ જો -જવાહર બક્ષી

સ્વર: આલાપ દેસાઈ
સંગીતઃ આશિત દેસાઈ
આલ્બમ: ગઝલ રુહાની

.

હું થઇ જઈશ પરાગ જો ઝાકળ બનીશ તો
ધુમ્મસની જાળમાં ફસાઈ જઈશ તો..

કોઈ મને ઉઠાવી જશે તારા શહેરમાં
અધવચ્ચે ઊંઘમાંથી જાગી જઈશ તો..

તારા વહાણ આવવાનો થઇ જશે સમય
ને હું જ એકાએક વમણ થઇ જઈશ તો..

હમણાં તો અલવિદા કહી છુટ્ટા પડી જશું
રસ્તામાં ક્યાંક હું તને પાછો મળીશ તો..
-જવાહર બક્ષી

આ ધોધમાર વરસે – નયના જાની

સ્વરઃ પાર્થિવ ગોહિલ
સ્વરાંકનઃ આલાપ દેસાઈ

.

આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે !

ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે !

ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળોય સાર વરસે !

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે !

છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂરને ઘુઘવતો એવો ખુમાર વરસે !
– નયના જાની

ઘેરો થયો ગુલાલ – જવાહર બક્ષી

સ્વર: આલાપ દેસાઈ
સંગીતઃ આશિત દેસાઈ
આલ્બમ: ગઝલ રુહાની

.

આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો.
બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો.

આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો.
આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો.

જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે.
મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો.

તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ
મારી તરસના તાપથી દરિયો થઇ ગયો.

મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

-જવાહર બક્ષી

ટેવ છે – મુકેશ જોષી

આજે આલાપ દેસાઇનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ આ એકદમ મઝાનું એક ગીત….!!

સ્વર / સંગીત – આલાપ દેસાઇ
આલબ્મ – ગઝલ TRIO

ટેવ છે એને પ્રથમ એ માપશે ને તોલશે
ખુશ થશે તો પ્રેમનું આકાશ આખું ઢોળશે

નામ ઇશ્વરનું ખરેખર યાદ ક્યાં છે કોઇને?
પૂછશો તો મંદિરોના નામ કડકડ બોલશે

ઓ મદારી દૂધ શાને પાય છે તું નાગને?
તું મલાઇ આપશે તો માણસો પણ ડોલશે

– મુકેશ જોષી

રહેવા દે – હિતેન આનંદપરા

સ્વર / સંગીત – આલાપ દેસાઇ
આલબ્મ – ગઝલ TRIO

આ નથી કઈ તારું કામ રહેવા દે,
પ્રેમના ગામે મુકામ રહેવા દે

ગોકુળની માટી ને ખૂલાસા દેવાના,
આ શોભતું નથી ને શામ રહેવા દે

પ્રેમમાં એ શર્ત છે ઝૂકવું પડે,
પણ આ રીતે ડંડવત પ્રણામ રહેવા દે

– હિતેન આનંદપરા

રેડિયો 17 : આશિત – હેમા – આલાપ દેસાઇ

આવતી કાલે અમારા Bay Area ના ગુજરાતીઓને આશિત – હેમા – આલાપ દેસાઇને સાંભળવાનો લ્હાવો મળવાનો છે..! તમે પણ આવશો ને? અહીં સિલિકોન વેલીમાં રહેતા તમારા મિત્રોને પણ જાણ કરવાનું ભૂલશો નહી..! વધુ માહિતી – અહીંથી મળી રહેશે…!

આશિત – હેમા – આલાપ દેસાઇ in USA & Canada (Aug-Sep 2011)

For Bay Area Event – http://bayvp.org/

અને આજે અહીં આપણે માણીએ એમના ગીતોનો ગુલાલ….!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા – ભગવતીકુમાર શર્મા

સાંભળો એ બધા ગીતો કાન સુધી તો પહોંચે… એમાંથી કેટલાક મન સુધી – હ્રદય સુધી જાય..! પણ આ એક ગીત સાંભળો ત્યારે જાણે કાનનું અસ્તિત્વ જ નથી જણાતું..! સ્વર સીધો હ્રદયના ખૂણે ખૂણે પ્રસરી જાય..  અમુક ગીતો એવા હોય કે એના પર નિબંધ લખી શકાય.. અને છતાંયે એક વાર સાંભળો પછી એને બીજી કોઇ વાત કહેવાની જરૂર જ ના પડે.

આ ગીતના શબ્દો, સ્વર અને સંગીત – ભેગા મળીને એવો જાદુ રચે છે કે… તમે જાતે જ સાંભળી લો! હું તો બસ એટલું કહીશ કે – એક અનોખી દુનિયાની સફર માટે તૈયાર થઇ જાવ.

સ્વર – આલાપ દેસાઇ
સ્વરાંકન – ઉદયન મારૂ

આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા,
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિના તે નામના મંજિરા
બાજે રણકાર નામ મીરાં…

મહેલ્યુંમાં વૈભવના ચમ્મર ઢોળાઇ
ઉડે રણમાં તે રેતીની આગ
મીરાંના તંબુરના સૂરે સૂરેથી વહે
ગેરૂવા તે રંગનો વૈરાગ

ભગવું તે ઓઢણું ઓઢ્યું મીરાએ
કીધા જરકશી ચૂંદડીના લીરા
સાચો શણગાર નામ મીરાં…

રણને ત્યજીને એક નિસરે રે શગ
એને દરિયે સમાવાના કોડ
રાણાએ વિષનો પ્યાલો ભેજ્યો
એણે સમરી લીધા શ્રી રણછોડ
જળહળમાં ઝળહળનો એવો સમાસ
જાણે કુંદનની વીટીંમા હીરા
જીવતો ધબકાર નામ મીરાં…

– ભગવતીકુમાર શર્મા

દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે – જવાહર બક્ષી

આજે સાંભળીએ આલાપ દેસાઇના સ્વરમાં, આલાપનું જ સ્વરાંકન – અને ૨૦૦૭ના ગુજરાત સમાચાર સમન્વય પ્રોગ્રામ વખતે થયેલી રજૂઆતનું રેકોર્ડિંગ..! આલાપ દેસાઇને સાંભળવા એ તો લ્હાવો છે જ – પણ એ જ્યારે તબલા હાથમાં લે ત્યારે લાગે કે બીજા કોઇ જ વાજિંત્રની જરૂર જ નથી..! અને અમેરિકા-કેનેડાના ગુજરાતીઓને એમના સ્વર-સ્વરાંકન અને તબલાનો ટહુકો ટૂંક સમયમાં જ સાંભળવા મળશે.
Click : આશિત – હેમા – આલાપ દેસાઇ in USA & Canada (Aug-Sep 2011)

સ્વર – સ્વરાંકન : આલાપ દેસાઇ

કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે! .. Photo: Vivek Tailor

દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.

કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે,
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે.

દશે દિશાઓમાં સતત એક સામટી જ સફર,
અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે.

અટકવું એ ગતિનું કોઈ રૂપ હશે,
હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.

– જવાહર બક્ષી