Category Archives: મેઘબિંદુ

જન્મોજનમની આપણી સગાઇ – મેઘબિંદુ

ટહુકો પર પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલું આ ગીત, આજે સ્વર – સંગીત સાથે ફરી એકવાર….

સ્વર : હંસા દવે

સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

butterfly
(ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને……….)

.

સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:
આલબમ:તારાં નામમાં

.

જન્મોજનમની આપણી સગાઇ,
હવે શોધે છે સમજણની કેડી
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે
હવે આપણે સજાવેલી મેડી.

બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
કરતું રહ્યું છે આ મન
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી.

રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી
ખીલેલો લાગે આ બાગ,
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો, પણ
ખરી પડ્યો એનોય રાગ
ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને !
તારી સુગંધને ક્યાં વેરી?

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ… – મેઘબિંદુ

સૌથી પહેલા તો સૌને હોળી-ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ… માતૃભૂમિથી દૂર રહેતા મારા જેવા લોકોને આવા સમયે ઘર સૌથી વધુ યાદ આવે… પણ એમ ઉદાસ થવાને બદલે જરા મલકાઇએ આજે…. ફાગણનો ફાગ.. અને કેસુડાના કામણ કદાચ અમેરિકા અને બીજા દેશોમાં ન જોવા મળે… પણ ટહુકાનો સાદ તો પહોંચે છે ને ??

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

tahuko no saad

(બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ…. )

.

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે
કામણ કીધા અહીં કેસુડે એવા
કે મહેક્યા વિના તે કેમ રહીયે

ફૂલની ફોરમની પકડીને આંગળી
ફરવાને નીકળ્યો પવન
પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઉઠ્યાને
ઝૂમે છે આખુ ઉપવન

કલરવની કેડીએ રમતા પતંગિયાને
પકડ્યા વિના તે કેમ રહીયે
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે….

મઘમઘતી મંજરીની કાયા બદલાઇ
સાંભળીને વેણુ વસંતની
લીલેરા પાન સંગ ગાતા ગુલ્મહોર
લ્હાણી કરે છે સુગંધની

અરધી ભરાય મારા ઉમંગની હેલ
પછી છલક્યા વિના તે કેમ રહીયે
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે….

————-

એક જાહેરાત : આવતી કાલે ધૂળેટીના પર્વ નિમિત્તે રાગો ના રંગે રંગાવા… અને સૂર સંગીતની પિચકારીથી ભીંજાવા માટે ટહુકો.કોમ તરફથી આપને ભાવભર્યુ આમંત્રણ છે. 🙂