Category Archives: બાલમુકુન્દ દવે

ક્ષેમુદાદાને શ્રધ્ધાંજલી : આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી – બાલમુકુન્દ દવે

શ્રાવણ મહિનો શરૂ થયો ત્યારથી વિચારતી હતી કે એકાદ દિવસ આ ગીત મુકુ… (જે આમ જુઓ તો લગભગ ૫-૬ મહિનાથી સાચવી રાખ્યુ હતુ, શ્રાવણ મહિનામાં મુકવા માટે)

અને ગઇ કાલે જ ક્ષેમુદાદાની વિદાયના સમાચાર મળ્યા…

તો આજે સાંભળીએ અમર ભટ્ટ અને કાજલ કેવલરામાની – ના સુરીલા અવાજમાં એમનું આ મઝાનું ગીત…
એમના બીજા ગીતો ટહુકો પર અહીં કલિક કરી સાંભળી શકો છો.
https://tahuko.com/?cat=245

.

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઇ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઇ ઝીલો જી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઇ ઝીલો જી.

આ જલધારામાં ઝૂલતી કોઇ ઝીલો જી
પેલી તૂટે મોતનમાળ હો કોઇ ઝીલો જી
આ લટ લહેરાતી લળી લળી કોઇ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઇ ઝીલો જી.

આ નથી ટપકતાં નેવલાં કોઇ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઇ ઝીલો જી
આ સમણાં કેરા કરા પડે કોઇ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઇ ઝીલો જી

આ ચળકે વાદળ-તલાવડી કોઇ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઇ ઝીલો જી
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઇ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઇ ઝીલો જી

આ દૂધે ધોયા ડુંગરા કોઇ ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઇ ઝીલો જી
આ જતિ-સતીનાં તર રેલે કોઇ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઇ ઝીલો જી

વનચંપો – બાલમુકુંદ દવે

વગડા વચ્ચે.. આટલા શબ્દો સાંભળીને તમને કયું ગીત યાદ આવે? મને સૌથી પહેલા તો ‘વગડાની વચ્ચે તળાવ.. મનનો માનેલો મારો રસિયો, ગાગરડી મારી ફોળે છે..’ એ યાદ આવે..!! પણ જેમણે અવિનાશ વ્યાસનું આલ્બમ ‘અમર સદા અવિનાશ’ સાંભળ્યું હશે – એને તો ‘વગડાની વચ્ચે વાવડી ને વાવડ્ીની વચ્ચે દાડમળી’ – એ મસ્તીભર્યું ગીત યાદ ન આવે તો જ નવાઇ..!!

પરંતું આપણા ‘Senior Citizen’ મિત્રોને તો સૌથી પહેલા આ ગીત આવે એની guarantee..!

સ્વર : “રોહીણી રોય” (રંજન જોષી), દિલિપ ધોળકિયા
સંગીત : અજિત મર્ચંટ

.

વગડા વચ્ચે તલાવડી રે, તલાવડીની સોડ
ઊગ્યો વનચંપાનો છોડ

વસન્ત આવ્યો વરણાગી રે, ઝૂલે કેસરિયા ઝૂલ
બેઠા વનચંપાને ફૂલ

જલપાનેતર લહેરિયા રે, કમલિની મલકાય
ભમરો ભૂલીભૂલી ભરમાય

વનચંપાની પાંદડી રે, ખીલે ને કરમાય
ભમરો આવે ઊડી જાય

રાતે ખીલે પોયણી રે, પોયણી પૂછે વાત
ચંપા, જીવને શા ઉચાટ

મત પૂછ તું પોયણી રે, સૂની ઉરની વાટ
મનના મન જાણે ઉચાટ

ત્રણે ગુણની તરવેણી રે, રૂપ રંગ ને વાસ
તો યે ભ્રમર ન આવે પાસ

નભથી ચૂએ ચાંદની રે, પોયણી ઢાળે નીર
રોતાં તલાવડીનાં તીર

વગડા વચ્ચે તલાવડી રે, તલાવડીની સોડ
એવો વનચંપાનો છોડ

-બાલમુકુંદ દવે

કેવા રે મળેલા મનના મેળ – બાલમુકુન્દ દવે

સ્વર : હર્ષિદા રાવલ , જનાર્દન રાવલ

.

કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ ?

ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાની જાળી,
જેવી માંડવે વીંટાઇ નાગરવેલ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

તુંબું ને જંતરની વાણી
કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

સંગનો ઉમંગ માણી,
જિંદગીંને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !