Category Archives: હિતેન આનંદપરા

એના ટહુકા સંભળાય તને સહિયર ? – હિતેન આનંદપરા

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ

portrait_qa51_l-sml.jpg
( … ટહુકા સંભળાય તને સહિયર?!!!!!)

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં પલક વ્યાસના અવાજમાં ગવાયેલ ગીત :

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?
કોઈ ચહેરા પર નામ લખી ચાલ્યું ગયું
એને કેમ રે ભૂંસાય.. કહે સહિયર !

મારી વાતોનો લ્હેકો બદલાયો છે સૈ !
જોને શબ્દો નીકળે છે શરમાતા,
બધાં ઝાડ મને ચીડવે છે કેમ રે અલી
આમ લીલી થઈ ગઈ લાલ થાતાં ?
વર્તનમાં, નર્તનમાં, ચાલમાં કે આંખમાં
કંઈ જુદું વર્તાય તને સહિયર ?

પારેવાં વિસ્મયથી ચણતાં પૂછે
ચણમાં આટલી મીઠાશ ક્યાંથી આવી ?
કાલ લગી સુક્કી આ ચામડી પર ઓચિંતી
લથબથ ભીનાશ ક્યાંથી આવી ?
કહીએ તો ઘેલાં ના કહીએ તો મીંઢાં
ક્યાં લગ જિવાય કહે સહિયાર ?

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?

-હિતેન આનંદપરા

( આભાર -ઊર્મિસાગર.કોમ)

વસંત મળે – હિતેન આનંદપરા

ગઇ કાલે કેસુડો… અને આજે ગુલ્મ્હોર…! હું તો આ નીચેનો ફોટો જોઇને જ ગુલમ્હોર ગુલમ્હોર થઇ ગઇ… અને સાથે માણીએ હિતેનભાઇની એવી જ સુગંધી ગઝલ…

મળે ગુલમ્હોર એ અદાથી.....   Photo: Webshots.Com
મળે ગુલમ્હોર એ અદાથી..... Photo: Webshots.Com

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.

સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.

અમે જે પાનખરોમાં વિખેરી નાંખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.

ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.

કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે!

વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.

– હિતેન આનંદપરા

( આભાર – ઊર્મિસાગર.કોમ)

અર્ઝ કિયા હૈ : પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા… – હિતેન આનંદપરા

મુંબઇના સમાચાર પત્ર – મિડ ડે – માં ૧૮મી સપ્ટેમ્બરના દિવસે ‘સેટર ડે સ્પેશિયલ’ ના ‘અર્ઝ કિયા હૈ’ વિભાગમાં છપાયેલો આ લેખ અહીં તમારા માટે – અક્ષરસ: ..!! આશા છે કે હિતેનભાઇની કલમે ફરી હરીન્દ્ર દવેને માણવાની આપને મઝા આવશે.

સંવેદનાથી સભર-સભર સર્જક અને સજાગ રહીને અગ્રલેખોને અજવાળનાર તંત્રી સ્વ. હરીન્દ્ર દવેનો આવતી કાલે જન્મદિવસ છે. થ્રી ચિયર્સ હરીન્દ્ર દવે. તમારા શેરોથી અખબારના આ પાનાને આજે લીલુંછમ થવું છે.

બધાં દ્રશ્યો અલગ દેખાય છે, એ ભેદ સાદો છે
હું દેખું છું વિમાસણમાં, તમે દેખો છો સંશયથી
જવું છે એક દી તો આજ ચાલ્યો જાઉં છ મિત્રો!
હું મહેફિલમાં નથી આવ્યો ટકી રહેવાના નિશ્ચયથી

છતાં આ નિશ્ચયની વિરુધ્ધ હરીન્દ્રભાઇ અઢળક ચાહકોની સ્મૃતિમાં ધબકી રહ્યા છે. લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં ‘રજકણ સૂરજ થવાને શમણે’ અને ‘રૂપલે મઠી છે સારી રાત રે સજન’ ગીત હજી રેડિયો ફ્રીક્વન્સીને તરંગિત કરે છે. ‘ચાલ વરસાદની મોસમ છે વરસતા જઇએ’ ગઝલ વરસાદને ભીનાશ પહેરાવીને બાલ્કનીમાં બોલાવે છે. ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’ લોકગીત થઇ ચુક્યું છે. બીજા એક સદાબહાર ગીતને આ રીતે બિરદાવી શકાય : ‘માધવ ક્યાંક નથી મધુવનમાં’. મરણ સર્જકને છીનવી શકે, સર્જનને નહીં.

તંત્રી તરીકે જગતભરની ઘટનાઓનું અવલોકન આવા બારીક શેર તરફ કવિને દોરી જાય છે.

એવું, કશુંય ક્યાં છે, જે જીતી નથી જક્યો
ને જઇ રહ્યો છું જગથી સિકંદર થયા વિના

દરેક જણ પાસે નાની-નાની જીતનો આનંદ હોય છે. એક ડગલું આગળ જઈને મેળવેલી જીત ભલે સિકંદરની સરખામણી ન કરી શકે, પણ અરીસામાં આપણો ચહેરો જોઈને સંતોષનું એક સ્મિત તાગવા માટે પૂરતી છે. આપણા હોવાપણા માટે આ જીત એટલી જ જરૂરી છે જેટલી જરૂરી છે પ્રીત.

એ કઇ રીતે ટકે છે મને ના સમજ પડે
આ પ્રેમની ક્ષણોને તો આધાર પણ નથી

સમયના પ્રવાહમાં ટકી જતો પ્રેમ આપણને ટકાવી રાખે છે. પ્રેમમાં સત્ય અને સાતત્ય બન્ને જોઈએ. પ્રેમ આપણી સમજણ કરતાં વધારે પુખ્ત અને આપણી શ્રધ્ધા કરતાં વધારે સમૃધ્ધ હોય છે. એને ખબર છે કે રોમાંચની ગલીઓ રગદોળીને અંતે કઈ ગલીમાં પગલીઓ પાડવાની છે.

આંખોનું તેજ, વાળની ખુશ્બૂ, અધરનો રંગ
વાતો શરીરની કરી આત્મા સુધી ગયા

પ્રેમના હજારો રંગ છે. કોઇ રંગ રોમાંચનો તો કોઇ રંગ વિષાદનો, કોઇ રંગ મિલનનો તો કોઇ રંગ વિરહનો, કોઇ રગ સમીપનો તો કોઇ રંગ ક્ષિતિજનો, કોઇ રંગ અપેક્ષાનો તો કોઇ રંગ ઉપેક્ષાનો…

એય હશે પ્રણયના જમાનાનો એક રંગ
તું ઝંખતી હશે, મને ચાહત નહીં રહે

જેનું સાંનિધ્ય પામવા માટે તરસતા હોઇએ તેનો સહવાસ ન ગમે એવું બને? તાજા કુમળા વર્ષો પછી મૂરઝાવા લાગે ત્યારે કસોટીની શરૂઆત થાય છે. જીવન એકમાંથી અનેક તરફ ફંટાય, સાંજ પડે ને ઘરે ઉતાવળે પાછો વળતો પગરવ હવે કામ પતાવવાની વેતરણમાં હોય. કામની સાથે-સાથે અંદર રહેળી જિજીવિષા પણ પતતી જાય. ફરજના ઘરમાં ચાહતે નૉક કરીને પ્રવેશવાની પરવાનગી માંગવી પડે.

તારું તો એકે કામ ન કરવા મળ્યું અહીં
થાકી ગયો જગતના ઘણાં કામકાજથી

દુનિયા આપણી સાથે ડીલ કરે ત્યારે એનાં આગવાં સમીકરણો હોય છે. તમે કામના માણસ હો તો તમારી ટ્રીટમેન્ટ જુદી. હું તો બસ ફરવા આવ્યો છું ની જેમ ધ્યેયવિહીન મળવા આવો તો તમારી ટ્રીટમેન્ટ જુદી. સમય બદલાય ત્યારે ભલભલા બદલાઈ જાય છે.

એ બધાએ મળી કીધું કે જગ્યા ક્યાં છે હવે?
જેને જેને મેં જગતમાં જગ્યા કરી આપી

સારા માણસો માટે પર્યાય એ જ છે કે સારું કરીને ભૂલી જવું. ડગલે ને પગલે ઠેસ તૈયાર ઊભી હોય છે. નજર ચૂક્યા કે વાગી જ સમજો.

ઠોકર ફરી મળી, ફરી શ્રધ્ધા શરૂ થઇ
લ્યો, પાછી મારી વૃધ્ધ અવસ્થા શરૂ થઇ

ઠોકરો ફરી-ફરી ખાવાની ભલમનસાઈ રાખનારને દુનિયા મૂર્ખ ગણે છે. ગહેરી સમજણ ગુનાઓ માફ કરે છે, કારણ કે એ દૂરનું જોઈ શકે છે.

આકાશની સીમાઓ ખતમ થાય છે જ્યહીં
ત્યાંથી શરૂ જે થાય, એ મારા વિચાર છે.

*******

ક્યા બાત હૈ!

મને ચમત્કારોમાં શ્રધ્ધા છે. લીલું તરણું ધરતીની માટી તોડીને ઊગે એનાથી મોટો ચમત્કાર ક્યો હોઈ શકે? હિમાલયનાં શિખરો પર પ્રભાતનાં કિરણો સોનાની માફક પથરાઇ જાય એય એક ચમત્કાર છે. નદીમાં તણાતા પર્ણને વળગેલી કીડી એવો જ મોટો ચમત્કાર છે.

પુષ્પો પ્રત્યેનો પ્રત્યેક પરિચય એક નવો અનુભવ છે. જીવાતા જીવનની ક્ષણ ચમત્કાર જ છે. એ ક્ષણ દુન્યવી અર્થમાં સુખ લાવે કે દુ:ખ લાવે, નર્યા વિસ્મયનો પ્રદેશ તો એમાં જ હોય છે. હવે પછીની પ્રત્યેક ક્ષણ પુસ્તકનાં ન વાંચેલા પાનાં જેવી છે. બરાબર આ જ રીતે કવિતાનો કોઇ પણ શબ્દ મારા માટે ચમત્કાર છે.

– હરીન્દ્ર દવે.

રહેવા દે – હિતેન આનંદપરા

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.

પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્ર્વાસ રહેવા દે.

વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઇશ્ર્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.

મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.

જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.

તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.

પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તુ મારા માટે થોડી પ્યાસ રહેવા દે.

– હિતેન આનંદપરા

ફાગણ ફેન્ટેસી – જય વસાવડા

આજે ફાગણ સુદ પડવો..! રંગીલા ફાગણ મહિનાનો પહેલો દિવસ.. અને ફાગણનું એક ગીત જે તમારા માટે લાવવાની હતી, એના શબ્દો કદાચ તૈયાર મળી જાય એ આશાએ એની પ્રથમ પંક્તિ google કરવામાં જય વસાવડા લિખિત આ સ્પ્રેક્ટ્રોમીટરમાં પ્રકાશિત લેખ મળી ગયો. જાણે એક મોતી શોધવા ડુબકી મારો અને આખો ખજાનો મળે..! અને ‘ગમતું’ મળે તો ગુંજે ભરાય? એટલે હું એ આ આખો લેખ જ તમારા માટે લઇ આવી.. ગુજરાતી કવિતાના રસિયાઓ માટે આ લેખમાં પ્રસ્તુત ફાગણની કવિતાઓ ખજાનો પુરવાર થશે એની મને ખાત્રી છે..!

ફાગણ ફેન્ટેસી : રંગી સારી ગુલાબી ચુનરિયા રે, મોહે મારે નજરિયા સાંવરિયા રે…!

‘ગુજરાત સમાચાર (સ્પ્રેક્ટ્રોમીટર) માં પ્રકાશિત – ૧૬ માર્ચ, ૨૦૦૩

* * * * *

હવા મહીં કો’ વેરતું આછો અબીલગુલાલ
હસી ઉઠે, છંટાય ત્યાં, હૈયા લાલમલાલ
અહીં’યે છંટાય વળી તહીં’યે છંટાય
હૈયે છંટાય લાલલાલ, આંખમાંથી ઉડે ગુલાલ!
* * *

બહેકે જૂઇ ચમેલડી, બહેકે મલયસમીર
ફરકે મઘમય મ્હેંકતા વનદેવીના ચીર
પલાશ પુષ્પિત શોભતો જાણે દવની ઝાળ
વન વન આંચ લગાડતો ફાગણ ભરતો ફાળ
* * *

ધરા હૈયેથી ઉઠયો શું ભડકો રે હો!
એના રંગે રંગાઇ ગયો તડકો રે હો!

વનની વચ્ચોવચ સોહે પલાશ
ધરતીની આજે પુરાઇ છે આશ!

આજ ઉઘડયો શો અગ્નિ-ઉમળકો રે હો
ધરા હૈયેથી ઉઠયો શું ભડકો રે હો!
* * *

ફાગણ ફૂલ્યો ફુલડે, જાણે સુહાગી ફાગ
કંઠે આવી ઉછળે હરદમ ભર્યો જે રાગ
કેસૂડાંને ફૂલડે કે મનડો ડૂલ્યો રે, ફાગણ ફૂલ્યો રે!

તારો મારગ ઢૂંઢતા કે મારો ભુલ્યો રે…
વન વન મહેંકે મ્હેંકતો કે જીયરો ખુલ્યો રે
જોબનને ઝરૂખડે કે આતમ ઝૂલ્યો રે….
* * *

હતાશ બેઠી હોળિકા ખોળે લઇ પ્રહલાદ
પોતે ભસ્મ થઇ, મળ્યો શિશુને પ્રભુ-પ્રસાદ
‘ફાગ ખેલો! રાગ રેલો! આજ આવી ફાગણી!’

હવા ગાતી ફરે ઘર ઘર મઘુરમદીલી રાગણી
થતા પુલકિત અંગ સારાં, ચોંકી ઉઠે રક્ત ધારા
ધસે ફુંફવતી સફાળી જયમ મત્ત કો માગણી
આજ આવી ફાગણી!

પુષ્પભર પેલી નમેલી, ચારૂ ચમકે જો ચમેલી
ચંદ્ર ચળકે, સિંઘુ સળકે! તારલા મૃદુ મીઠું મલકે
રે! અકેલી તું જ શું આજે ઉદાસ અભાગણી?
ધીરી હલકે ધરા હીંચે વિશ્વખાટ સુહાગણી
આજ આવી ફાગણી!
* * *

છૂટે હાથે ફુલ વેરતી આવી,
હૈયે હૈયે રસ પ્રેરતી આવી
માનવઉર મ્હેંકાવતી આવી,
પ્રીતના ગીત લ્હેકાવતી આવી
વિશ્વનો આનંદ ઢૂંઢતી જોગણ ફાગણી આવી
ચાંદની એનો અંચળો શોભન ફાગણી આવી
ક્ષિતિજ કૂદતી, પૃથ્વી ખુંદતી, મદીલી ડોલતી, રસ હિલોળતી
દ્વેષના ક્લેશના ઇંધણ બાટતી, રંગ-ઉમંગ ગુલાલ ઉછાળતી
રંગભરી પિચકારીએ સૃષ્ટિના વનો બધા છંટકાવતી આવી
માનવના સૂતા હૃદય મંડળે કોકિલફુલ ટહુકાવતી આવી
અમી છલકતી છાતડી લાવી, ફાગણી આવી!
*****

ઉઉહમ્ફ! આવી કાવ્ય પંકિતઓ પર નજર નાખીને હાંફ ચડી ગઇ? આપણી ભાષાના જ નહિં, કોઇપણ ભાષાના ઉત્તમ કવિશ્રેષ્ઠ ગણાય એવા ઉમાશંકર જોશીની કેટલીક કૃતિઓની સિલેકટેડ પંકિતઓની આ ‘મેલડી’ છે. રિમિકસ કલ્ચરના બંદાઓને મેલડી શું એ સમજાવવું નહિં પડે. કોણ જાણે કેમ, ગુજરાતીમાં લખાયેલી કવિતાઓ પ્રત્યે ઘણાં ધાવણા વાચકોને એક બચકાની ચીડ હોય છે. આ જ બધા પાછા દર દસ મિનિટે ‘આઇ લવ ઇન્ડિયા’ અને ‘ગુજરાતના ગૌરવ’ના ગગનભેદી પોકારો કરતાં ફરે છે! ગુજરાતીના ડિયર બેબી રિડર્સ, જે દેશ અને રાજયની ભાષામાં લખાયેલું સાહિત્ય વાંચવા અને પચાવતા ન આવડતું હોય ત્યાં એ દેશ ટકવાના કે એ ટકાવવામાં આપના ફાળાના ખ્વાબ પણ જોવા એ કયામત હી કયામત હૈ! જો ફિલ્મગીતો ગમે, તો કવિતા પણ ગમે જ! જરૂર રસરૂચિ કેળવવાની છે. કવિતા એટલે ભાષાની ડાળીએ ખીલેલા શબ્દપુષ્પોની સુગંધનું મોજું! એમાં તરબોળ થવાની શરૂઆત અત્યાર સુધી ન કરી હોય તો એ હોળીએ જ કરીએ. ફાગ કે ફાગુ કાવ્યોની ગુજરાતમાં સંસ્કૃત સાહિત્ય કે જૈનાચાર્યોના યુગથી ચાલતી પરંપરા છે. પરંપરા પૂર્વે ભૂલાઇ ગયેલા કવિ રત્નાએ લખેલું :-

ફાગણ આવ્યો હે સખી, કેસૂ ફુલ્યાં રસાળ
હૃદે ફુલી ન રાધિકા, ભ્રમર કનૈયાલાલ
સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ
અંતરમાં અતિ ઉપજે, હોળી રમવાની આશ
વસંત વધાવવાને હું જતી, કુમકુમ ભરીને કચોળ
કેસરી સાળુ રે પ્હેરવા, મુખ ભરી તંબોળ
અબીલ-ગુલાલ ઉડે ઘણાં, વાગે તાલ મૃદંગ
કોકિલ શબ્દ સોહામણા, કંપે અબળાનું અંગ!

કોન્વેન્ટ જનરેશનના રીડર-‘રીડરાણી’ઓ માટે કેટલીક ટિપ્સ. તંબોળ એટલે પાન. કેસૂ કે કિંશૂક એટલે કેસૂડાંના ફૂલ. હવે કેસૂડો એટલે શું એવું પૂછવા કરતાં તો કેસૂડાના રંગમાં સાઇનાઇડ ઘોળીને આપી દેજો! પલાશ એટલે ખાખરો ઉર્ફે કેસૂડાંનું ઝાડ. વઘુ વિગત માટે જો ચડે જોશ, તો પ્લીઝ રિફર ભગ્વદ્ગોમંડલ કોશ!

જે તરવરાટ અને થનગનાટ મેટ્રોસિટીઝમાં વીક-એન્ડમાં ગ્રાન્ડ પાર્ટીઝમાં હોય છે, એ અનુભૂતિ એક જમાનામાં કેવળ ફાગણમાં થતી. સ્ત્રી-પુરૂષ, બાળક-વડીલ, દોસ્ત-દુશ્મન બધા ભેદ ભૂલીને તમામ સંબંધોની લાજશરમ મૂકીને ઘુળેટી પર બસ સાથે નાચવાનું, ઝૂમવાનું, એકબીજાને રંગવાના… એકબીજાની કાયાઓ મસ્તીમાં રગદોળવાની… ભીંજાવાનું અને ભીંજવવાના… ચીતરવાનું અને ચીતરવાના… ન કોઈ રોકે, ન કોઈ ટોકે… બસ રહેમાન સ્ટાઈલમાં ગાતા જવાનું : મુઝે રંગ દે, મુઝે રંગ દે, રંગ દે, રંગ દે હાં રંગ દે….

ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે
પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો
શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો
ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.
કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કો પાસેવાળા પડી રહ્યા, આઘાને રંગે રોળ્યા
કોઈનો ભીજે કંચવો, કોઈના સાડી-શેલા
કોઈના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!

આ મેલોડિયસ મેલડી કવિ બાલમુકુંદ દવેની છે… અડધી સદી અગાઉ રચાયેલી! કાન-ગોપીના સિમ્બોલ વડે હોળી-ઘુળેટી ખરેખર બંધિયાર ભારતીય સમાજમાં નર-નારીના ફ્લર્ટંિગ માટે ઉઘાડું ફટાક મુકાઈ જતું ફાટક હતું. અંગઉલાળા ને આંખઈશારાથી દેહ પર રંગ અને મનમાં કામતરંગ ઉડી જતા ઠંડીનો પડદો ઉઘડતો… અને તખ્તા પર મિલન સમાગમના અશ્વો હણહણાટી બોલાવી હોળીની અગનમાં જલતા! બાલમુકુંદ દવેના જ શબ્દોમાં કોઈ ઘેરૈયો અને રંગનાર છોગાળો યુવક, કોઈ રૂપ ઢોળાય એમ નજરમાં રંગો પૂરાય એવી ગોરીને કહેતોઃ

‘દિલદડૂલો સમાલજે ગોરી!
ફાગણવાયુ કમાલ છે હોરી!

બા’ર જો ડોકાશે બારી ઉઘાડી,
વાગશે કો’કના નેણની ગેડી!’

ઘૂળેટીની ટિખળી મસ્તીમાં ગોરી પણ રોકડુ પરખાવતી:
‘નીરમાં સરી જાય ઘડૂલો,
એવો નથી મારો દિલદડૂલો,
ઘેરૈયા ખાલી વેણથી ખીજી,
બંધબારણે રે’ય એ બીજી!’

ઘેરૈયો કહેતો:
‘વાયરા વનના જાય ન બાંઘ્યા,
એવા અમારા મન હે રાધા!
કોકના દિલમાં વસવા ખાનગી,
માગતા અમે નથી પરવાનગી!’

અને સામેથી મળતો ૨૧મી સદીનો લટકાળો જવાબ:
‘આપમેળે રંગ રેલાઈ જાય તો,
અમે નથી એને લુછીએ એવા
તરસ્યા કંઠની પ્યાસ છીપાય તો,
અમે નથી ઘર પૂછીએ એવા!’

ઘૂળેટીને જો ધારો તો એક ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ બનાવી શકાય તેમ છે. વેસ્ટર્ન કલ્ચરના વિરોધ કરતાં આ વઘુ પોઝિટિવ પડકાર છે. શું નથી આ તહેવારમાં? ઉલ્લાસ છે, સમાનતા છે, મસ્તી છે, નશો છે. સંગીત છે, કુદરત છે, ડાન્સ છે, જોશ છે, પ્રકાશ છે અને કોઈપણ ઉત્સવના બ્રાન્ડ પોઝિશનિંગ માટે અનિવાર્ય એવા છોકરા અને છોકરી છે! વસંતની મંજરી આંબે જ થોડી આવે છે, જીવનમાં પણ ટીનએજમાં ઝણઝણાટીના મ્હોર બેસે છે! પ્રિયકાંત મણિયારે લખેલું :

છેલછબીલે છાંટી છેલછબીલે છાંટી
જમુના જલમાં રંગ ગુલાબી વાટી….

અણજાણ એકલી વહી રહી હું મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઈ હું જ રહેલી કોરી
શ્રાવણના સોનેરી વાદળ વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી એ જ ભૂલ થૈ ભાસે

તરબોળ ભીંજાણી થથરી રહું, હું કેમ કરીને છટકું
માધવને ત્યાં મનવી લેવા, કરીને લોચન-લટકું
જવા કરૂં ત્યાં એની નજરથી અંતર પડતી આંટી
છેલછબીલે છાંટી!

અને ગુજરાતીનાં મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહ કે જેમને ખાખરામાં શીમળો જોગી દેખાય છે અને ફાગણની હવામાં ઉડતા સૂકા પાંદડામાં ઝાંઝરના સ્વર સંભળાય છે. (આવી કલ્પનાઓને લીધે જ વગર પિચકારીએ કાવ્યો લખેલા ફકરાઓ કરતા વઘુ રંગીન બનતા હોય છે)… એમણે આ જ અનુભૂતિની પૂર્તિ કંઈક આમ કરી છે- અગેઈન ઈન મેલડી મિક્સઃ

ફરી ફરી ફાગુન આયો રી
મંજરીની ગંધ, પેલા કિંશુકનો રંગ,
કોકિલ કેરો કંઠ
હોજી માટો જીવ લુભાયો રી!
દુનિયા કેરા ચોકમાં આજે કોણ છોરી, કોણ છેલ?
ગાનમાં ઘેલા, રંગમાં રોળિયા, રમતા રે અલબેલ!

હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ,
મોરી ભીંજે ચુંદરિયા, તું ઐસો રંગ ન ડાલ
હો સાંવર લીની કેસર ઝારી, મૈને લીનો ગુલાલ

હો બાજે ઢોલક ડફ બાંસુરિયા, વસંતરો રત ગાવૈરી
હો કોઈ કિસીકી સુન નહિ પાવૈ, અપની ઘૂન મચાવૈરી
હો રંગરંગમેં હિલમિલ રૂમઝૂટ ખેલત ભયે નિહાલ!

આવું વાંચતાવેંત સીધા જૂની પેઢીને ગમતા શાસ્ત્રીય સંગીતની દુનિયામાં પહોંચી ગયા છો? આમ તો આપણા જૂનવાણી માનસને ગુલાબી કરતા ભગવો રંગ વઘુ ગમે છે! તો હોળીની ઝાળોમાં પ્રગટતા ઉનાળાના ચેનચાળાને ઝડપવા કેસૂડાંની કલગીવાળો કેસરિયાળો સાફો પહેરીને, જૂની પેઢીના શબ્દસ્વામી વેણીભાઈ પુરોહિતના શબ્દોનો રંગ આંખોમાં આંજી લો.

સખી, કેસરિયો રંગ
રંગ છાંટે છે છેલડો રે…
નેણ નીતરતો રંગ, અંગ ભીંજે અલબેલડો રે
ચગે સાંવરિયો મોર, ઔર નાચે છે તાનમાં રે…
સખી ફાગણ બેફામ, જામ પીધા છે સાનમાં રે…

ફાગણી રંગોત્સવની લિજ્જત એ છે કે એમાં ગાલમાં ખીલેલા ગુલાબોને માત્ર દૂરથી સૂંઘવાના નથી… એના સ્પર્શનું સુખ પણ મળે છે! અંગે અંગ હોળી રમવાના જંગમાં ભીંસાય, કોઈ ઓઢણી સરે ને કોઈ ઝભ્ભો ચિરાય… કોઈ ગુલાબી આંખોના જવાબી સરનામાવાળી પાંખો ફૂટી શકે છે. સ્વ. અમૃત ઘાયલે લલકારેલું :

એક ‘રસનું ઘોયું’ એમ મને ‘ટચ’ કરી ગયું
ખંજરો હૃદયમાં જાણે કોઈ ‘ખચ’ કરી ગયું!

એ સૂર્યને ય આજ તો સૂરજમુખીનું ફૂલ
બહુ ઢીલોઢફ, ને છેક પીળોપચ કરી ગયું!

સંતને પણ સતત મસ્ત બનાવે એવી વસંતમાં ગોવિંદસ્વામીએ ઘાયલની શરારતથી સાવ ઉલટી જ કેફિયત આપેલીઃ

કાજળકાળા આભમહીંથી તારલા વાટે તેજ ચૂએ છે
સૌરભની પિચકારી ભરી ફૂલડા રંગે હોળી રમે છે!

મદભર્યા મુજ જોબનગીતો ઝીલવા આજે કોઈ નથી રે
ફાગણના મઘુ-ફૂલ-હિંચોળે ઝૂલવા સાથે કોઈ નથી રે!

વેલ, વેલ. તમે હોળી રમવા માટે રંગેચંગે સજજ હો, પણ તમારી સામે કે સાથે કોઈ રમવાવાળુ ન હોય તો? વેરી સેડ, રિયલી બેડ! પછી સુંદરમની જેમ ગાઈને માંગણી કરશો?

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ

વનની વાટે રે વહાલા એક ફૂલ દીઠું લોલ
એકલ કો ડાળ, એક એકલડું મીઠું લોલ.

રૂપલિયા વાટ મારી, રૂપલિયા આશ લોલ
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાશ લોલ
કેસૂડો કામણગારો જી. લોલ.

કે પછી ‘હોલિયા મેં ઉડે રે ગુલાલ’ જેવા ધીંગા ઉન્માદ અને જોરૂકા ઉત્સાહથી ભેરૂબંધો કે બહેનપણીઓની ટોળી જમાવી, બચ્ચા કચ્ચાની ફોજ લઈને પહેલા તો જીવનની થપાટો ખાઈને શુષ્ક થઈ ગયેલા ધોળા વાળોને રંગી નાખશો? એ શ્વેતકેશમાં ઉઠેલા રંગોના ચાંદરડાઓ વિખૂટા રહેતા વડીલોમાં પણ ઉંડે ઉંડે રંગોળી ચીતરશે, અને એમનામાં ગૌરવના ગુલમહોર ફૂટશે કે ‘મને રંગવાવાળુ પણ કોઈક છે, હજુ હું સાવ સૂકાઈ ગયેલું ઠુંઠુ નથી! પછી ગોકીરોદેકારો હલ્લાગુલ્લાના ‘રંગગુલ્લા’ ખાતા-ખવડાવતા જો ફાગણની ફોરમ લાગી જાય… ભીંજાતા ભીંજાતા કોઈ હીરોને આ વસંત પૂરતી હિરોઈન કે કોઈ નાયિકાને હોળીની જવાળાઓમાં તપાવતો નાયક મળી જાય.. તો જાણે લીલાલાલ વાદળી કાળા રંગ ઉપર પડે એક પીળો તેજલિસોટો! રંગ સાચો, સંગ સાચો, બાકીનો સંસારે થાય ખોટો! જો સતરંગી સપનાના સંગાથમાં બે અલગ કાયાના રંગો એક બીજામાં ભળીને એક નવો માયાનો રંગ રચે, તો હિતેન આનંદપરાનું ગીત ટહૂકે..

આવ, તને હુ રંગી નાખું મારા રંગે
લાગણીઓની છાલક એવી મારૂં
અડતાવેંત જરીમાં પ્રસરે લાલી લાલી
તારા આખા અંગે
લે પીચકારી છપાક દઈ છૂટી કે,
આ કેસરિયા પાણીમાં પૂર અચાનક
ગુલાલ છોયી શરમ પછેડી તાણી નીકળે

કોની છે મગદૂર ચડે જે સામે જંગે
હોળી હરેક વર્ષે આવે, આ વર્ષે પણ આવી.
તો આ નવા ફૂટેલા ઝરણા જેવું આખર શું છે?
પહેલાની હોળીતો સાવ જ એકલપેટી ઓસરતી
ને આ વેળામાં ફેર ગણું તો સાથે તું છે
એકલ દોકલ ભીંજાવાની વાત જુદી

ને વાત જુદી કંઈ ભીજાવાની તારી સંગે
આવ તને હું રંગી નાખું મારા રંગે !

ફિનીશ! ફેન્ટેસી ઓવર… ફાગણની કેટકેટલીયે કલ્પનાઓને અઘૂરાં પણ મઘૂરાં સપનાઓની સલામ. એન્ટર ટુ રિયાલિટી! આમ તો વયોવૃઘ્ધ બાળસાહિત્યકાર રમણલાલ સોનીએ એક કવિતામાં દિવાળી સાથે હોળીને સરખાવીને હોળીને સામાન્ય માણસનો યાને ધાણી દાળિયાની ફાંકા મસ્તી પર જીવીને ફાટેલા કપડે શેરીઓમાં રંગારંગ ધમાલ કરવાનો સમાજવાદી તહેવાર ગણાવેલો. ફાગણમાં તડકો છે. ગરમી છે. મોૅઘવારી છે. મજદૂરી છે, પાણીની તંગી છે. આખા પર્વનો ‘મુડ’ કોળિયો કરી જતી કાળમુખી પરીક્ષાઓ છે. અને આમ તો ફાગણવાળું ભારતીય કેલેન્ડર પણ કોને યાદ છે?

સૌથી વઘુ દુઃખ તો એ વાતનું છે કે ફાગણની ફેન્ટસી વિહાર કરાવતા આવા આપણી જ ભાષાના, આપણા જ કવિઓના ગીતોમાં, એના ઉત્સવમાં, એની છોળોમાં રંગાવાનો કોઈને રસ નથી! ન સરકારને ન પ્રજાને! પણ વાસ્તવિકતા ભૂલવા ટી.વી. ચાલુ કરો તો એક ચેનલ પર અંગ્રેજી ગીત સંભળાશે. ‘કલર મી રેડ!’ અને બીજી પર પંજાબી પોપગીત ‘તેરી આંખ કા ઈશારા… રંગ રા રી રિ રા રા !’

ચિયર્સ ટુ કલર્સ!

ફાસ્ટ ફોરવર્ડ

મોરે કાન્હા જો આયે પલટ કે
અબ કે હોરી મૈં ખેલૂંગી ડટ કે

ઉન કે પીછે મૈં ચૂપકે સે જા કે
યે ગુલાલ અપને તન પે લગાકે
રંગ દૂગી ઉન્હે મૈં લિપટ કે..

કી જો ઉન્હોંને અગર જોરાજોરી
છીની પિચકારી બૈંયા મરોડી
ગાલિયાં મૈને રખ્ખી હે રટ કે

અબ કે હોરી મૈં ખેલુંગી ડટ કે.

(શ્યામ બેનગલની ફિલ્મ સરદારી બેગમ’ની ઠુમરી)

– જય વસાવડા

આપણું મળવાનું ક્યાં સંભવ હવે – હિતેન આનંદપરા

આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર
ફોડ પાડીને કહું તો, લાભ કે વળતર વગર

જંગલો ખૂંદી વળેલો, ગામનો જણ – શહેરમાં
બેધડક રસ્તા ઉપર નીકળી શકે નહીં ડર વગર

કાળ તો તત્પર સદા, મારા પ્રહારો ઝીલવા
હું જ પાગલ હાથ ફંગોત્યા કરું ગોફણ વગર

માણસોને ચારવા નીકળી પડેલું આ નગર
સાંજના, ટોળું બની પાછું ફરે માણસ વગર

હું હજારો યુધ્ધનો લઇને અનુભવ શું કરું ?
જિંદગીમાં કાયમી લડવાનું છે લશ્કર વગર

તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.

– હિતેન આનંદપરા

તને ખોટું જો લાગે તો હું શું કરું? – હિતેન આનંદપરા

શોભિત દેસાઇ આ ગીતની શરૂઆતમાં જ કહે છે એમ – ખોટું લગાડવાનો પણ એક અલગ જ મહિમા, એક અલગ જ મઝા છે. ખરેખર તો કોઇને ખોટું લાગશે એ ખબર હોવા છતાં ‘એમાં હું શું કરું’ કરીને ખસી જવાની મઝા એટલા માટે છે કે કોઇને ખોટું લાગે તો જ તો એમને મનાવવાનો લ્હાવો મળે ને? અને ખોટું લગાડનાર પણ કોઇ મનાવશેની આશા સાથે જ રીસાતા હોય છે. ખબર જ હોય કે કોઇ નથી મનાવવાનું, તો કોઇ ખોટું લગાડે ખરું?

લયસ્તરો પર ઘણા વખત પહેલા વાંચલું ત્યારથી ઘણું જ ગમી ગયેલું ગીત.. અને હમણા થોડા વખત પહેલા એ સંગીત સાથે જડી ગયું..

અને આ સ્વરાંકન અને ધ્વનિત જોષીનો સ્વર એટલો ગમી ગયો કે સવારથી (એટલે કે છેલ્લા ૩ કલાકથી) આ ને આ જ ગીત સાંભળી રહી છું. તમને ગમે કે ન ગમે તો એમાં હું શું કરું? મને ગમ્યુ એ વહેંચવાની ટેવ… 🙂

જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂરના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢુ છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી

– શોભિત દેસાઇ
( આ ગઝલ પંકજ ઉધાસના સ્વરમાં અહીં સાંભળી શકો છો )

સ્વર- સ્વરાંકન : ધ્વનિત જોષી

(મને આછકલું અડવાની ટેવ….   Photo from Flickr)

.

તને ખોટું જો લાગે તો હું શું કરું?
મને આછકલું અડવાની ટેવ.

હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
તને ભીનું ન લાગે તો હું શું કરું?
મને કોરુંકટ રડવાની ટેવ.

રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊછળતા દરિયાની ટેવ.

હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ.

– હિતેન આનંદપરા

બચપણ મળી આવે – હિતેન આનંદપરા

bachapan.jpg

(બચપણ…. photo by Meghna Sejpal)

————————————

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે

ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે

ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર
કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે

મને બહુ થાય છે ઇચ્છા કે હું પાદર જઇ બેસું,
અને બહુ દૂરથી લલકારતો ચારણ મળી આવે.

ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ
મળો એ શખ્સને, ને સાવ સાધારણ મળી આવે

ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસ્માર પેટીમાં
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે

શૈશવ જો ઓચિંતુ આવી ભટકાય તો – હિતેન આનંદપરા

chakali.jpg

ચકલીની ચીંચીં પર ઓવારી જાય મારી ઓસરીનો થાક,
શૈશવ જો ઓચિંતુ આવી ભટકાય તો મારો શો વાંક?

ચહેરે કરચલીઓ વધતી જો જાય
તો હૈયે કરચલીઓ વધતી હશે?
હોડીની ઉંમર વધે તો વધે
પાણીની ઉંમર કંઇ વધતી હશે?

દરિયાના મોજાં પર બલિહારી જાય : ખારી બે આંખ.

ભીંતો અડીખમ ને વૃક્ષો અડીખમ
તોય જુઓ કેટલો છે ફેર,
એક ઉપર માણસનો થપ્પો લાગે
બીજા પર કુદરતની મ્હેર.

ઝાડ પરના માળામાં સંસારી થાય, બે ટહુકા બે પાંખ.

જો મઠારો જિંદગીને તો જ કંઇ નક્કર મળે – હિતેન આનંદપરા

liberty.jpg

એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે
જો મઠારો જિંદગીને તો જ કંઇ નક્કર મળે

હર વખત એ પ્રશ્ન ઘૂમરાયા કરે હું કોણ છું?
હર વખત એ પ્રશ્નનો ઉત્તર મને અધ્ધર મળે

વાત જે કરવી હતી એને, કદી ના થઇ શકી
રાહ જોતા રહી ગયા કે આગવો અવસર મળે

કાશ થોડી લેતી દેતી હોત તો મળતાં રહેત
પણ હિસાબો એની સાથેના બધા સરભર મળે

એક સધિયારો અપાવે બે અડોઅડ આંગળી
હૂંફના નામે મઢેલાં સ્પર્શનાં અસ્તર મળે

ક્યાંક ખૂટે, ક્યાંક ટૂટે, તે છતાં લખતાં રહો
શક્ય છે આ માર્ગ પર, આગળ જતાં ઇશ્વર મળે