Category Archives: હિમાંશુ ભટ્ટ

ચાલો પછી તો આપણે મળશું ફરી કદી – હિમાંશુ ભટ્ટ

આજે હિમાંશુભાઇની એક સાદ્યંત સુંદર રચના… ( બધા જ શેર સરસ મજાના છે. અને એમાં પણ મક્તા તો મને ખૂબ જ ગમી ગયો..!

મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી

આ ગઝલ પાછળ પણ એક વાર્તા છે – જે આપ હિમાંશુભાઇના ‘એક વાર્તાલાપ‘ પર વાંચી શકશો.

‘આપણે મળશું ફરી કદી..’ આ શબ્દો આમ જુઓ તો છેતરામણા છે. એક જ શહેરમાં રહેતા મિત્રને આ શબ્દો કહ્યા હોય તો કેટલા routine લાગે ! પરંતુ દૂર-દેશમાં રહેતા મિત્રો મળે, અને છૂટા પડતી વખતે આ જ શબ્દો કહે ત્યારે કેટલી લાગણીઓ છલકાય છે એમાં… ખબર છે કે જલ્દી નથી મળવાના.. મહિનાઓ કે વર્ષો નીકળી જશે….

અને ઘણીવાર છૂટા પડતી વખતે ક્યાંય એવું પણ હોય છે કે – ફરી મળશું ખરા?… તો પણ ક્યાં કોઇ કહી શક્યું છે કે ફરી નહી મળીએ કદાચ..! ત્યારે પણ શબ્દો અને કદાચ લાગણીઓ એ જ કહેતી હોય છે.. મળશું ફરી કદી…

અને મનોજભાઇ એ  जाने बहार हुस्न तेरा बेमिसाल है… ના સંગીત પર આ ગઝલ એવી સરસ રીતે રજૂ કરી છે કે જાણે આ સંગીત આ શબ્દો માટે જ બન્યું હોય..!

સ્વર : મનોજભાઇ મહેતા

ચાલો પછી તો આપણે મળશું ફરી કદી
બાકી રહી જે વાત તે કરશું ફરી કદી

ભીનાશ કોઇ પણ હવે તો સ્પર્શતી નથી
ઝાકળ થઇને ફુલથી ઝરશું ફરી કદી

ઘરથી પરે આ ઘર કર્યું, ચાલો ભલું થયું
શું મેળવ્યું ને શું ગયું? કળશું ફરી કદી

ગુંજ્યા કરે છે ચોતરફ, પડઘા અતિતના
વાળીને આજ, કાલમાં વળશું ફરી કદી

મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી

– હિમાંશુ ભટ્ટ (૨૦૦૪)

એક બસ સમજણ જો આવી જાય તો ? – -હિમાંશુ ભટ્ટ

એક બસ સમજણ જો આવી જાય તો ?
જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?

મોક્ષની વાતો બધા કરતા રહે,
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો ?

કેમ છે ભીંતો અને સરહદ બધે ?
ચોતરફ વિશ્વાસ વ્યાપી જાય તો ?

આમ તો એ શું હતું ? શબ્દો હતા..
પણ જરા, જો ક્યાંક વાગી જાય તો ?

જેમનાથી જિંદગી દોડ્યા કર્યું,
એ હતું શું ? યાદ આવી જાય તો ?

જે નથી ભૂલ્યો, નથી કરતો હવે,
વાતમાં એ વાત આવી જાય તો ?

પ્રેમ જ્યાં સાચો હશે, બાંધે નહીં,
લાગણી જો નામ પામી જાય તો ?

પાછલી વાતો બધા ભૂલી જશે,
આખરી તું દાવ જીતી જાય તો !

-હિમાંશુ ભટ્ટ

મુસાફિરને આજે – હિમાંશુ ભટ્ટ

આજે હિમાંશુભાઇની એક સદાબહાર ગઝલ, એક સુમધુર સ્વર સાથે… અને ખૂબી તો એ છે, કે સંગીતાબેન આમ તો professional composer નથી, પણ આ ગઝલ એમની ખૂબ જ ગમતી ગઝલ, અને એને બસ ગણગણતા એમણે એને compose કરી, અને પછી એકાદ વર્ષ પછી સંગીતસાથે record કર્યું.

લયસ્તરો પર વિવેકભાઇએ આ ગઝલ વિષે જે વાત કરી, એ અહીં ફરીથી આપને પીરસવાની લાલચ હું રોકી નથી શકતી.

‘કોઈ એક ગઝલના બધા જ શેર સુંદર હોય એવું કવચિત્ જ બનતું હોય છે. આ ગઝલને જરા ઝીણવટથી જોઈએ તો આવું સુખદ આશ્ચર્ય અહીં શબ્દના પગલે-પગલે વેરાયેલું ભાસે છે. નડવું એ મૂળે માણસની પ્રકૃતિ છે. કંઈ ન હોય તો અભાવ અને બધું જ હોય તો સ્વભાવ નડે છે. ગઈ ગુજરી ભૂલી ન શક્વાના કારણે આપણે આવનારી જીંદગી પ્રેમથી જીવી નથી શક્તાં એ વાત પણ કેટલી સહજતાથી કહી દીધી છે! અને જીવનનો મોહ કોને ન હોય? ગઝલના મક્તાના શેરમાં લગાવોની વાત કરીને કવિએ કમાલ કરી દીધી છે એવું નથી લાગતું?! ‘
– વિવેક ટેલર
આવી સુંદર ગઝલ આપણા સુધી પહોંચાડનાર દરેક કલાકારનો ખૂબ આભાર..

સંગીત-સાથ – શ્રી અરૂણ પટેલ-સુવિન બેંકર
સ્વર – સંગીતા ધરીઆ

dishao1

.

મુસાફિરને આજે, દિશાઓ નડે છે,
વિકલ્પો નડે છે, વિસામો નડે છે.

ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

લઈ એ ફરે છે હૃદયમાં દીવાલો
ના ભૂલી શક્યો જે, બનાવો નડે છે.

નવા નેત્રથી એને, જોવું છે જીવન
ઊગી છે જે આંખે, અમાસો નડે છે.

તને તારું જીવન, ફરી પાછું દેતાં,
હવે એને થોડા, લગાવો નડે છે.

– હિમાંશુ ભટ્ટ … 2005

કરે લાચાર જે મનને – હિમાંશુ ભટ્ટ

Originally uploaded by Paren.

કરે લાચાર જે મનને, ખપે એવા સહારા શું?
સફર તો છે ઘણી બાકી, તું શોધે છે કિનારા શું?
સજાવી આંખમાં સપનું કદી જીવન જીવી તો જો
પછી કળશે તને બંધુ, કે ડાહ્યા શું, દિવાના શું…

—————-

કવિ શ્રી હિમાંશુ ભટ્ટની અને મને ઘણી ગમતી બે ગઝલો : લયસ્તરો પર

એમની અન્ય ગઝલો અને રચનાઓ વાંચો એમના બ્લોગ પર : એક વાર્તાલાપ