Category Archives: દક્ષેશ ધ્રુવ

કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે – વીરુ પુરોહિત

સ્વર – સોલી કાપડિયા
સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ

શીર્ષક વિનાની કોઈ વારતા....

કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

આસપાસ દર્પણનો આભાસી તડકો,
તું સૂરજ ના હોવાની ધારણા
લાગણીનું રણમાં ચણાતું મકાન
પારદર્શકતા સગપણનાં બારણાં

પડઘાતી દૂરતા નેવાંની ધારમાં,
ને ધોધમાર રોજ કોઈ વરસે..
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

રોજરોજ આંખ્યુંમાં ઈચ્છાનું પક્ષીઓ
મળવાનું આભ લઈ આવતાં
આપણા સંબંધ સખી એવા કહેવાય,
જાણે શીર્ષક વિનાની કોઈ વારતા

એકાદી આંગળીને બંસી બનાવી
કોઈ ફૂંકો તો ગોકુળ સળવળશે…
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

– વીરુ પુરોહિત

મને સુક્કા કદંબનું તે પાંદડું કહે – હરીશ મિનાશ્રુ

સ્વર: ઝરણા વ્યાસ
સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ

મને સુક્કા કદંબનું તે પાંદડું કહે
મને ગોકુળ કહે તો તને મારા સોગંદ,
મને મોરલી કહે કે મોર પીછું કહે
મને માધવ કહે તો તને મારા સાગંદ.

કેમ કરી આંસુને ઓળખશે ભાઈ?
હું તો પાણીમાં તરફડતી માછલી.
જીવતરની વારતામાં ગૂંથેલી ઘટના તો
ખાલીખમ શ્રીફળની કાચલી.

જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુંયે
દરિયો કહે તો તને મારા સોગંદ.

વેણુંમાં ફરફરતા આદમ ને ઇવ
જાણે સૂક્કેલા પાંદડાની જાળી,
ચપટી વગાડતાંમાં ઊડી ગઇ ક્યાંક
મારા ભેરુબંધોની હાથતાળી.

મને ડૂમો કહે કે ભીનું ડૂસકું કહે
મને માણસ કહે તો તને મારા સોગંદ.

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે – હરીન્દ્ર દવે

આજે કવિ શ્રી હરિન્દ્ર દવેનો જન્મદિવસ… એમના સર્જનો થકી હજુ આપણી વચ્ચે ધબકતા રહેલા.. અને આવનારા અસંખ્ય વર્ષો સુધી ગુજરાતી પ્રજા વચ્ચે જે ધબકતા રહેશે – એમને ફરી એકવાર યાદ કરી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે આજે માણીએ એમનું આ મઝાનું કૃષ્ણગીત – એમના પોતાના અવાજમાં, અને સાથે આશિતભાઇના કંઠે દક્ષેશભાઇનું અદ્ભૂત સ્વરાંકન..! (આમ તો ચાર વર્ષથી આ ગીત ટહુકો પર મૂક્યું હતું – પણ હમણા થોડા દિવસ પહેલા લયસ્તરો પર વાંચ્યું ત્યારે જ યાદ આવ્યું કે આનું સ્વરાંકન ટહુકો પર મુકવાનું બાકી જ હતું, તો હરીન્દ્રભાઇના જન્મદિવસે આ ગીત સ્વરાંકન સાથે ફરી લઇ આવી તમારા માટે..)

kaanuda

કાવ્ય પઠન – હરિન્દ્ર દવે

.

સ્વર – આશિત દેસાઇ
સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ

.

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યા,

એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?

બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

બાઇ હું તો કટકે ને કટકે કપાઉં – સુરેન ઠક્કર ‘મેહુલ’

આજે ફરી એક કૃષ્ણગીત… ના.. ખરેખર તો મીરાકાવ્ય..! આ ગીતનું સંગીત શરૂ થાય એના પરથી જ જાણે સ્વરકાર દક્ષેશ ધ્રુવના હસ્તાક્ષર દેખાઇ આવે છે..!

(બાઇ હું તો…. Photo: DollsofIndia.com)

* * * * * * *

સ્વર : નિશા ઉપાધ્યાય
સંગીત : દક્ષેશ ધ્રુવ

.

બાઇ હું તો કટકે ને કટકે કપાઉં,
મોરારીના મનમાં કેમે ના સમાઉં.

દેહ્યુંમાં જાગી દુજા ભવની બળતરા
લખ રે ચોર્યાશી ફેરા નથી મારે ફરવા
બાઇ હું તો નમતું જોખું ને ના તોળાવું
મોરારીના મનમાં કેમે ના સમાઉં.

બાઇ મીરા કહે મારા ઘટમાં ગોઝારો
ઘુમ્યો રે વંઠે મારા મનનો મુંઝારો

બાઇ હું તો ઘણું રે લખું ને ના વંચાવું
મોરારીના મનમાં કેમે ના સમાઉં.

મારી કાચી કાયા કેરા કુંભે – રવિ ઉપાધ્યાય

ગાયિકા : હંસા દવે
સંગીતકાર: દક્ષેશ ધ્રુવ

મારી કાચી કાયા કેરા કુંભે, જનનીએ પ્રગટાવ્યું રે…..
મારા કાળજડાનું કોડિયું….

મારા અંધ હ્રદયનું બંધ બારણું, અંબાએ ઊઘાડ્યું રે
માયાનું બંધન તોડિયું….. મારી

ભવના ઘાટે, કંટક વાટે,
ડગ ભરતો ને ઠોકર વાગે;
શ્રધ્ધા શક્તિમાં જ ધરીને,
દિવ્ય આશના શ્વાસ ભરીને…

ઝુકાવ્યું મેં સાગરમાં ત્યાં, માએ પાર ઊતાર્યું રે….
મારું ડગમગ કરતું હોડિયું ….. મારી

તિમિર ભરેલી દશે દિશામાં,
પંથ ન સૂજે ઘોર નિશામાં;
જનમ મરણના ઝંઝાવાતે,
જાપ જપ્યા માના દિનરાતે;

ઘોર તિમિર ઘનઘટા ગઇ ને જનનીએ ઝબકાવ્યું રે…..
મારાં નવજીવનનું પરોઢિયું……. મારી

– રવિ ઉપાધ્યાય
———————————-
સ્વ. નંદલાલ ભૂતા ટ્ર્સ્ટ દ્વારા બાહર પાડેલ ગરબાની અને ‘ચંડીપાઠ’ની કેસેટ હે મા ત્વમેવ સર્મમમાં સમાવિષ્ટ. નવરાત્રિ નિર્ઝરિણી અને ઉરના સૂર પુસ્તકમાં પ્રકાશિત

મૌનનો ટહુકો – સુરીલા સ્વરકાર સ્વ. દક્ષેશ ધ્રુવ

જેમના સ્વરાંકનો માટે ગુજરાતી સંગીત એમનુ ઋણી છે – એવા સુરીલા સ્વરકાર શ્રી દક્ષેશ ધ્રુવને જરા વધુ નજીકથી ઓળખવાનો પ્રયાસ…   

(વધુ વાંચવા અહીં ક્લિક કરો)

સ્વરકાર શ્રી દક્ષેશ ધ્રુવ

મૌનનો ટહુકો – સુરીલા સ્વરકાર સ્વ. દક્ષેશ ધ્રુવ

Picture-DD

જેમના સ્વરાંકનો માટે ગુજરાતી સંગીત એમનુ ઋણી છે – એવા સુરીલા સ્વરકાર શ્રી દક્ષેશ ધ્રુવને જરા વધુ નજીકથી ઓળખવાનો પ્રયાસ…

————————–

કલ્લોલીની હઝરત (દક્ષેશભાઇના સાળી અને લેખિકા) :

શ્રી દક્ષેશભાઇ ધ્રુવના શાળા જીવનના દિવસોનો મને આછો ખ્યાલ છે. સફેદ શર્ટ-સફેદ શોર્ટ, જે કદાચ મોર્ડન સ્કૂલનો યુનિફોર્મ હશે. એ દિવસોથી જ એમના અવાજમાં સુંવાળપ હતી. તે પછી તો શિક્ષણના અનેક સ્તરો પસાર કરી એક સફળ સોલિસિટર તરીકે તેઓએ ધ્રુ એન્ડ કંપનીનું નામ ઉજાળ્યું.

ગુજરાત રીસર્ચ સોસાયટીને તેઓએ લગભગ ૩૦ વર્ષ સુધી માનદ સોલિસિટર તરીકે સેવા આપી. અનેક સમસ્યાઓનો તેઓ કૂનેહથી ઉકેલ લાવતા. શાંત સ્વભાવ છતાં જરૂર પડે ત્યારે મક્કમતાથી માર્ગદર્શન આપતા હતા. જ્યારે તેમનો પુત્ર ભાઇ શ્રીરાજ સોલિસિટરની પરીક્ષામાં સૌ વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબરે સફળ થયો, ત્યારે ખબર પડી કે દક્ષેશભાઇ પણ પ્રથમ નંબરે સફળ થયા હતા.

એમના સોલિસિટર તરીકેના અતિ વ્યસ્ત કામમાં પણ સંગીતનો શોખ મોખરે રહ્યો છે. સંગીત એમના માટે એક passion હતું, શાસ્ત્રીય સંગીતની તાલિમ દક્ષેશભાઇએ મોર્ડન સ્કૂલથી જ સ્વ. યશવંતભાઇ પુરોહિત પાસે લીધી – એમનું સદભાગ્ય કે યશવંતભાઇ મોર્ડન સ્કૂલના સંગીત શિક્ષક હતા. સુગમ સંગીત માટે સ્વ. નીનુભાઇ મઝુમદારનું માર્ગદર્શન મળ્યું.

દક્ષેશભાઇની સ્વરરચનાઓમાં શાસ્ત્રીય સંગીતની છાંય સાથે ખૂબ મીઠાશ હતી. સાહિત્યનો શોખ હોવાને કારણે ઘણા જાણીતા કવિઓની કાવ્યરચનાઓને શબ્દના અર્થને અનુરૂપ સ્વરબધ્ધ કરી. એમની અનેક સ્વરરચનાઓમાં ‘થાંભલીનો ટેકો’ તથા ‘બાઇજી તારો બેટડો મને ઘડી ઘડી પજવે છે’ એ મારા ખૂબ પ્રિય ગીતો છે. સ્વરરચના એક નદીના શાંત પ્રવાહની જેમ વહે છે. મારા માતાને તથા મને શ્રી દક્ષેશભાઇની સ્વરરચના અતિપ્રિય છે.

દક્ષેશભાઇની જ સ્વરરચનાઓનો કાર્યક્રમ ભારતીય વિદ્યાભવનના અંધેરી સ્થિત કલ્ચરલ સેન્ટરે ખૂબ સફળતાથી રજુ કર્યો હતો.

આજે દક્ષેશભાઇ આપણી વચ્ચે નથી, પણ હાર્મોનિયમ લઇને બેઠેલા એમની સ્વરરચનાઓ હંમેશ જીવંત રહેશે.

– કલ્લોલીની હઝરત

—————————————————————–

નીરા દેસાઇ (દક્ષેશભાઇના મોટાબેન) :

એક અંગત દ્રષ્ટિ – સ્વરકાર દક્ષેશ ધ્રુવની ભીતરમાં

બહેન મેઘનાએ ભાઇ દક્ષેશના સંગીતકાર – સ્વરકાર અંગે કંઇક લખાણ મોકલવા ઘણા સમયથી કહ્યું હતું, પરંતુ કોણ જાણે કેમ કલમ ઉપડતી જ ન હતી! ખેર, દક્ષેશ – જેને અમે બહેનો ‘બાબો’ કહેતા હતાં તે તો અમારા હ્રદયના ખૂણે ખૂણે વસી ગયો છે કે એને વિષે સંગીત ચાહક અને ગીતોને પોતાની બંદિશ દ્વારા પ્રાણ અર્પનાર રૂપે જ વાત કરવી ઊચિત રહેશે.થોડીક પૂર્વભૂમિકા બાંધી દઉં. દક્ષેશ મારાથી લગભગ દસ વર્ષ નાનો, મોટી બહેનનું અત્યંત માન જાળવે. કપરા સંજોગોમાં પોતે હાથ ઝાલે અને નાનપણનું વયનું અંતર ધીમે ધીમે ઓછું થતું ગયું અને સંગીતના ઉપભોક્તા રૂપે હું એની નજીક આવી અને એના સ્વરકાર તરીકેના પ્રયોગોને સમજવા મથતી થઇ.

દક્ષેશને નાનપણથી જ ગાવાનો શોખ હતો, કંઠમાં મીઠાશ હતી અને સમય જતા તાલિમ પામીને એ અવાજ ઘુંટાયો અને વધારે મધુર બન્યો. લાંબી માંદગી – વિશેષતઃ હ્રદયની અને શ્વાસની તકલીફ – ને પરિણામે ગાવાનું બંધ થયું, પરંતુ સ્વરનિયોજનમાં એ ઓતપ્રોત થવા માંડ્યો. બાળપણનું કુટુંબીજનોમાં જાણીતું એનું ગીત ‘પીપુડીવાળાનો પેલો તનમનીયો’ આજે પણ બધા સ્વજનો યાદ કરે છે. કુટુંબનું વાતાવરણ સંગીત ઉત્તેજક હતું, મારા પિતા ગાઇ શકતા નહીં, પરંતુ સાંભળવાનો અને બેઠકો યોજવાનો અત્યંત શોખ. માતાનો કંઠ મધુર અને ગરબા ગાવામાં તેમજ ગવડાવવામાં અગ્રેસર હતા. એવી પણ કંઇક માન્યતા છે કે દક્ષેશના કંઠની મુલાયમતા તેમજ શાસ્ત્રીય સંગીતની લગન અમારા સ્વર્ગસ્થ મામાનો હોઇ શકે. અમારા નાનાજીની અમદાવાદની અગાશીમાં એક રાત્રે, રજાઓમાં બધા ભેગાં થયા હતા, અને સંગીતની મહેફીલ ગોઠવાઇ હતી, ત્યારે ભાઇ દક્ષેશ અને માસીની દીકરીએ એવી જુગલબંધી કરી હતી કે કોઇ ત્રીજાને ગાવાનો અવકાશ જ મળ્યો નહીં.

શાસ્ત્રીય સંગીતમાં રસ કેળવવામાં અને પાયાનું ચણતર કરવામાં શ્રી યશવંતભાઇ પુરોહિતનો અનન્ય ફાળો છે. શાળાના અન્ય શિક્ષક કવિ પ્રહલાદ પારેખની ગેય કવિતાએ દક્ષેષના સંગીત નિયોજનમાં મધૂરતાનું સિંચન કર્યું છે. થોડો સમય શાસ્ત્રીય સંગીતકાર શ્રી ફિરોઝ દસ્તુર પાસે પણ તાલિમ લીધી હતી. આમ છતાં સંગીત નિયોજનમાં શ્રી નીનુ મઝુમદારની તાલિમ તથા પ્રભાવ વિશેષતઃ જોઇ શકાય છે. ખાસ કરીને સ્વરની મુલાયમતામાં. પાયાના ઘડતરમાં આ બધા મહાનુભાવોની તાલિમ બાદ, વડીલ દિલિપભાઇ ધોળકીયા, વિનાયક વોરા જેવાની છત્રછાયા મળતાં સંગીત ગુંથણી ઘડાતી ગઇ. અગ્રજ અને મિત્ર જેવા પુરૂષોત્તમ ઉપાધ્યાયનું સાનિધ્ય સંગીતમાં સુગંધ ઉમેરતું ગયું. આ ઉપરાંત આશિત દેસાઇ, સંગીતચાહક મનીષ શ્રીકાંત તેમજ બહોળા મિત્ર વર્તુળની ઉત્તેજક બેઠકો એના ગાયક તેમજ વિશેષતઃ બંદીશકારના પોતને ઊજાગર કરતાં ગયાં.

untitled1

(સુરેશ દલાલ, ક્ષેમુ દિવેટીયા, દક્ષેશ ધ્રુવ, પુરુષોત્તમ ઉપાધ્યાય)

સારા સંગીત નિયોજક માટે મારી દ્રષ્ટિએ અત્યંત મહત્વની અનિવાર્યતા તે યોગ્ય ગીતની પસંદગી છે. અને આને માટે વિશાળ વાંચન તેમજ અન્ય સર્જકોની કૃતિઓ અંગેની પરખ મહત્વનો ભાગ ભજવે છે.

અહીં દક્ષેશના જીવનમાં જેણે અગત્યનો ભાગ ભજવ્યો છે તે અમારી ભાભી અને એની પત્નિ ચેતનાનો ઉલ્લેખ જરૂરી છે. દક્ષેશની સંગીત સાધનાના પ્રત્યેક તબક્કામાં એ સહાનુભૂતિપૂર્વક રસ લેતી હતી અને એને પ્રોત્સાહિત કરતી હતી. દક્ષેષને વાંચનનો અત્યંત શોખ હતો. અન્ય વાંચન ઉપરાંત કવિતાના પુસ્તકો તેમજ સામાયિકોમાં કવિતાઓનું વાંચન એને અત્યંત આનંદ આપતું. મને યાદ છે કે એની છેલ્લી અમેરિકાની મુસાફરી કરતી વખતે અમે બંને ‘ઇમેજ’ની દુકાને ગયા હતાં, ડૉ. સુરેશ દલાલે કવિતાના પુસ્તકોનો ખજાનો એની સમક્ષ ખૂલ્લો મુક્યો અને કહે કે તારે જેટલાં પુસ્તકો જોઇએ તે લઇ જા! આ સાહિત્ય પ્રેમ એના સ્વરનિયોજનમાં પસંદિત ગીતોમાં શબ્દને મચડતા કે અર્થવિહીન પંક્તિઓ ધરાવતા કે પછી કાવ્યતત્વને ક્ષતિ પહોંચાડતા ભાગ્યેજ જણાશે. ઉદાહરણ તરીકે લઇએ તો માધવ રામાનુજનું ‘ગોકુળમાં કોકવાર આવો’, ભગવતીકુમાર શર્માનું ‘મારે રુદિયે બે મંજીરા’, રમેશ પારેખનું ‘તમે આવો તો વાત કહું શ્યામ’, વિનોદ જોષીનું ‘થાંભલીનો ટેકો’, હરીન્દ્ર દવેનું ‘કાનુડાને બાંધ્યો છે’, રમેશ પારેખનું ‘મીરાં કહે પ્રભુ અરજી લઇને’ કે સુરેશ દલાલનું ‘પગ ઘુંઘરું બાંધ મીરા નાચી’ – વગેરેના ઉલ્લેખ કરવા ગમે.

દક્ષેશના સ્વભાવની (સંગીત સંબંધિત) એક બહુ જ મહત્વની વિશિષ્ટતા હતી – તે કે એના સંગીત સર્જન ક્ષેત્રે અત્યંત self effacing હતો. સારું સંગીત સર્જન હોય, અન્યની બંદિશની મહેફિલ હોય તો એ ભરપૂર માણી શકતો અને પોતાની જાતને કે સંગીત નિયોજનને જરા પણ આક્રમક રીતે રજુ કરતો નહીં.

પરંતુ એ જ દક્ષેશ જ્યારે સંગીતનો વર્ગ લેતો હોય કે કોઇને વ્યક્તિગત તાલિમ આપતો હોય ત્યારે શિસ્તનો આગ્રહી અને રિયાઝમાં જરા પણ બેદરકારી સહી શકતો નહીં. – એ દ્રષ્ટિએ કડક શિક્ષક હતો. પણ સાથે સાથે યોગ્ય શાગિર્દને પોતાની બધી જ શક્તિનું દાન આપતો. અંગત રીતે વાત કરું તો પાછલી ઉંમરમાં મને સંગીત શીખવાની તીવ્ર ઇચ્છા હતી. દક્ષેશ મોટી બેનને ના પાડી શકે નહીં એટલે બનતા સુધી એ પ્રસંગ ટાળે. છેવટે લગભગ છેલ્લા ૬ મહિના ઉપર એણે મને તાલિમ આપવી શરૂ કરી. અને રિયાઝમાં જરા પણ ગરબડ કરું તો ધીરે રહીને કહે કે તમારે જરા ધ્યાન આપવું પડશે. દક્ષેષના વિદ્યાર્થીઓ એના આ શિસ્તના આગ્રહની ખૂબ પ્રશંસા કરે છે.

શાસ્ત્રીય સંગીતનો પાયો હોવાથી એના સ્વરનિયોજનમાં અનેક રાગો જેવા કે ભૈરવી, પીલુ, ખમાજ, બાગેશ્રી, ચંદ્રનંદન, અહીર ભૈરવ ની અસર જણાય છે. એનો પ્રિય રાગ – ભૈરવી. ‘વિરાટનો હિંડોળો’ એ ગાતા થાકતો નહીં. એક પ્રસંગ યાદ આવે છે. એક રાત્રે અમે બધાં કુટુંબીજનો બેઠાં હતાં. મારા પતિ અક્ષયભાઇ તેમજ નણંદ સુધાબેન પણ સંગીતના રસિયા.. દક્ષેશ કહે કે આજે હું તમને ભૈરવી સંભળાવું છું – અને એ છેલ્લી ગાઇ લઉં પછી તમે ઘરે જજો, પરંતુ એની ભૈરવી તો એક ન હતી, અનેક હતી. – વિવિધ ગીતો જે ભૈરવીમાં ગવાયા છે તેની હારમાળા અમારી સમક્ષ ખડી કરી, અમારાથી તો ઊઠાયું જ નહીં.

દક્ષેશના સ્વરનિયોજનમાં નાજુકાઇ છે, મૂલાયમતા છે, આક્રમકતાનો અભાવ આપણા હ્રદયને સ્પર્શે છે. ‘અમને પાગલને પાગલ્ કહી..’, કાનુડાને બાંધ્યો છે, ‘જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી’, બાઇજી તારો બેટડો’, ‘આ તો બીજમાંથી ઊગ્યું’, ‘પાંચિકા રમતી’તી’, ‘પીડાના ટાંકણાની ભાત લઇ’ કે રમતિયાળ ‘સૈયર તારા કીયા છુંદણે’, ‘બાઇ હું તો કટકે ને કટકે’ વગેરે જેવા ઉદાહરણો યાદ આવે છે.

અમને કુટુંબીનજોને એમ લાગે છે કે એમા સંગીત નિયોજનમાં સ્થાયીભાવ કરુણાનો (pathos) છે. એ પોતે પણ એની નોટબુકમાં લખતો, ‘Our Sweetest Songs are those that felleth of our Saddest Thoughts’. આ વાદ્યને કરૂણગાન વિશેષ ભાવે. આથી ઝમકદાર ગીતોની ગુંથણી ઓછી જણાય છે. દા.ત. – ‘આકળ વિકળ’, ‘ફાગણની કાળઝાળ’, ‘અલ્લક મલ્લ્ક’. સંગીતનિયોજનની એની શરૂઆત પણ ‘ગલત ફેહમી’, ‘આપને તારા અંતરનો એક તાર’, ‘જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી’ એવા ગીતોથી થઇ હતી.

હું તો નાનપણથી જ એના સંગીતને માણતી આવી છું. સંગીત સાંભળવાની લગની, એમાંની સ્વરબંધારણામા કંઇ સૂઝે તો એનો ઉપયોગ કરવો, મિત્રો સાથે સંગીતની બેઠકો માણવી, અને એનો સાચો સ્વરપ્રેમ એને વાડાબંધીમાથી મુક્ત રાખ્યો હતો. શરમાળ પ્રકૃતિ અને નિજાનંદ માટેનું સંગીત નિયોજન, પછી એની ગણના થાય કે ન થાય, એની કોઇ મહેચ્છા નહી. પરિણામે ‘અજાતશત્રુ’ નું બિરૂદ પ્રાપ્ત કરી શક્યો. કોઇ પણ સાથે સ્પર્ધાત્મક વ્યવહાર રાખ્યા વિના ‘એકલો જાને રે’ જેવી મનોભાવના સેવી અને આચારી.

છેલ્લા લગભગ દસેક વર્ષથી તે વિવિધ માંદગીઓના વારાખેરામાંથી પસાર થઇ રહ્યો હતો એટલે ઘણીવાર નિરાશા – હતાશાની પકડમાં જકડાઇ એ અનિવાર્ય અનુભૂતિ છે. અને એનું સૂચન કુટુંબીજનોને એની સંગીત વિમૂખતામાં દ્રષ્ટિગોચર થતું. અંદર અંદર અમે એમ પણ વાત કરીએ કે બાબાની તબિયત ક્યારે સારી કહેવાય કે જ્યારે એને સંગીત સાંભળવાનો ઉત્સાહ આવે.

મને તો એ પણ યાદ આવે છે કે છેલ્લા બે-ત્રણ વર્ષમાં એની રાતની ઊંઘ જતી રહી હતી, હું પણ ક્યારેક અનિદ્રાનો અનુભવ કરતી ત્યારે મધરાતે કેટલીયવાર હતાશામાં સાથે સંગીત સાંભળવાનો આનંદ માણ્યો છે.

સંગીતની લગની, તાલિમ માટેની તૈયારી અને આગ્રહ, સારું સંગીત સાંભળવા મળે ત્યાં દોડી જવું, પોતાનું સંગીત શાંત થઇ ગયું ત્યારે અન્યને સંગીતની દીક્ષા આપી, છેવટ સુધી નવા નવા અખતરા કરી એણે પોતે આનંદ મેળવ્યો છે અને બીજાઓને લૂટાંવ્યો છે. આવા નિરાભીમાની, કલાપ્રેમી, કલા ઉત્તેજક નાનાભાઇને મોટીબેનની ભાવ સભર અંજલી.

– નીરા દેસાઇ

—————————————————————–

અમર ભટ્ટ.

જેમને મળવાથી ને જેમના સ્પર્શમાત્રથી અનોખા સ્પંદનો અનુભવાય એવા શ્રી દક્ષેશ ધ્રુવ વિષે થોડી વાત કરતાં અત્યંત આનંદ અને રોમાંચ અનુભવું છું. તેઓ વ્યવસાયે Solicitor પણ જીવથી સંગીતકાર હતાં. અમે નાનાં હતાં ત્યારે દક્ષેશભાઇનાં મુંબઇથી અમદાવાદ આવવાની રાહ જોતાં, કારણ કે દક્ષેશભાઇ અમદાવાદ આવે ત્યારે પોતાની સાથે તેમનાં સ્વરનિયોજન લાવે અને અમને શીખવાડે. એટલું જ નહીં, પણ અન્ય ખૂબ જાણીતા સ્વરકારો જેવા કે શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય, શ્રી આશિત દેસાઇ વગેરેનાં ગીતો પણ અમને વહેંચે. મને ગુજરાતી કવિતા અને સંગીતમાં રસ લેતો કરવામાં શ્રી દક્ષેશ ધ્રુવનો સિંહફાળો છે. મુંબઇમાં દક્ષેશભાઇનું ઘર એટલે સૌ સંગીતકારો – ગીતકારો માટેની પરબ. ત્યાં સંગીત-કવિતાની આપ-લે થાય. સૌ કોઇ દક્ષેશભાઇને ત્યાં આવી પોતપોતાની રચનાત્મક કૃતિઓ share કરે. અજાતશત્રુ દક્ષેશભાઇનો પ્રેમ, સ્નેહ સૌને એમના ભણી આકર્ષતો. મને કવિશ્રી હરિકૃષ્ણ પાઠકની આ પંક્તિઓ ખૂબ ગમે છે –

આ તો ઠીબનાં પાણી
તરસી પાંખને કો’ક દી ઊંડી આરત લાવે તાણી
ન્હોય નદીનાં નીર કે એમાં ઊમટે ઘમ્મરપૂર
થીર ના કોઇ તળાવ કે એમાં ઊગવાં કમળફૂલ
થાક ભરેલાં પળનો પોરો પામતાં એ જ કમાણી
નેહ ભીની મટકીમાંથી ખેવના કેરી લ્હાણી
આ તો ઠીબનાં પાણી…

કૈંક આવું જ દક્ષેશભાઇને ઘેર પહોંચતા લાગતું – ‘નેહની ભીની મટકીમાંથી ખેવના કેરી લ્હાણી’.

આજે જ્યારે દક્ષેશભાઇને યાદ કરું છું ત્યારે યાદ આવે છે એમનું infectious – ચેપી સ્મિત. કવિશ્રી મુકેશ જોષી લખે છે તેમ – ‘દુશ્મનો હથિયાર હેઠાં મુકશે, મ્યાનમાંથી કાઢશે તું સ્મિત જો..”

untitled2

(દક્ષેશ ધ્રુવ, આલાપ દેસાઇ, આશિત દેસાઇ)

યાદ આવે છે એમનાં મીઠાં, ગુજરાતીપણાથી ભરપૂર, કોમળગંધર પ્રધાન ગીતો. કેટકેટલાં અમર સ્વરનિયોજનો આપણને એમની પાસેથી મળ્યાં છે – ‘ગોકુળમાં કોકવાર આવો તો કાન, હવે રાધાને મુખને બતાવશો’, ‘સૈયર તારા કિયા છુંદણે મોહ્યો તારો છેલ, કહેને… ‘, ‘કે મને પાણીની જેમ કોઇ સ્પર્શે’, ‘થાંભલીનો ટેકો’, ‘બાઇજી તારો બેટડો’, ‘કાનુડાને બાંધ્યો છે હીરના દોરે’. મને ગર્વ છે જે એમનાં બે સ્વરનિયોજનો થયાં તે વખતે હું પ્રત્યક્ષ હાજર હતો – ‘મારે રૂદિયે બે મંજીરા’ – જેને પછી ગુજરાતીનાં મૂર્ધન્ય કલાકાર શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયનો અવાજ મળ્યો અને એ ગીત અમર બની ગયું – અને ‘પીડાનાં ટાંકણાંથી ભાત લઇ દરવાજે ઊભો છું’ – જે પ્રથમવાર ગાવાનું સદભાગ્ય મને સાંપડ્યું. આ બંને સ્વરરચનાનું મારી હાજરીમાં અવતરણ થયું.

જો કે દક્ષેશભાઇએ પોતાનાં ગીતો આગ્રહ કે aggressive પ્રયાસ ક્યારેય નથી કર્યો અને એટલે જ એમનાં ગીતોની CDનું શીર્ષક – ‘મૌનના ટહુકા’ યથાર્થ જ છે. દક્ષેશભાઇનાં પોતાના અવાજમાં ગીતો સાંભળવા એ પણ એક લ્હાવો હતો. દક્ષેશભાઇને અત્યંત નજીકથી જાણતો હોવાનો મને અત્યંત આનંદ છે. જો મારા જીવનમાં દક્ષેશભાઇ ન મળ્યાં હોત તો હું સંગીત-કવિતાને આટલી બધી માણી શક્યો હોત? શું હું પુરૂષોત્તમભાઇ, આશિતભાઇ જેવા કલાકારોને આટલી નિકટતાથી ઓળખી શક્યો હોત?

દક્ષેશભાઇ વ્યક્તિ તરીકે અને સંગીતકાર તરીકે મારા હ્રદયમાં કાયમ છે.

– અમર ભટ્ટ.

—————————————————————–

ગૌરાંગ દિવેટીયા : મૌનનો ટહુકો – સુરીલા સ્વરકાર સ્વ. દક્ષેશ ધ્રુવ

કોઇ સુગમ સંગીતનો સાચો ભાવક હોય – જેણે દક્ષેશ ધ્રુવને જોયા ન હોય પણ એમના સ્વરાંકનોથી પરિચિત હોય. પ્રથમવાર સ્વરકાર તરીકે એમની ઓળખાણ થાય પછી કોઇ સ્વરાંકન સાંભળો તો તરત કહી શકો કે આ સ્વરાંકન દક્ષેશ ધ્રુવ સિવાય બીજા કોઇનું હોઇ જ ન શકે. આમ સંગીત અને વ્યક્તિ એકબીજાના પર્યાય બની ગયા છે. એમણે સ્વરબધ્ધ કરેલા કેટલાક પ્રચલિત ગુજરાતી ગીતો છે જેની સફળતા અને લોકપ્રિયતાનો વ્યાપ લોકગીતો સુધી લગભગ પહોંચી ગયો છે. આવુ સદ્ ભાગ્ય બહુ ઓછા સંગીતકારોને મળે છે. ‘ગોકુળમાં કોકવાર આવો તો કાન’, ‘થંભલીનો ટેકો ને ઓસરીની કોર’, ‘કાનુડાને બાંધ્યો છે હીરના દોરે’ વગેરે સ્વરાંકનોની પ્રથમ પંક્તિ ની રજુઆત થાય ને કાર્યક્રમને ચાર ચાંદ લાગી જાય !

સ્વીકારવું જોઇએ કે કેટલાક સુંદર અકસ્માતો એમના જીવનમાં સર્જાયા – સંસ્કારી નાગર કુટુંબમાં જન્મ, નાનપણથી જ સંગીત અને સાહિત્યનું વાતાવરણ અને એમાં પાંગરેલી રૂચિ, શાસ્ત્રિય ને સુગમ સંગીતના મુર્ધન્ય સંગીતકાર શિક્ષકોનું માર્ગદર્શન – ખ્યાતનામ કલાકારોનો ઘરોબો અને તેમનું પ્રોત્સાહન – આ બધા એમના વણમાંગ્યા વરદાનો કહી શકાય. શ્રી નીનુ મઝુમદાર, યશવંતરાવ પુરોહીત, વિનાયક વ્હોરા, પુરૂષોત્તમ ઉપાધ્યાય, ક્ષેમુ દિવેટીયા જેવા ધુરંધર સ્વરકારોના સતત સહવાસમાં રહેતા. આ બધી અનુકુળતાઓ એમના સ્વભાવની સાનુકુળતા સાથે સોનામાં સુગંધની જેમ ભળી ગઇ અને સોલીસીટર દક્ષેશ ધ્રુવ સ્વરકાર દક્ષેશ ધ્રુવ બન્યા અને ખ્યાતનામ સ્વરકારોમાં સ્થાન પામ્યા.

વ્યવસાયે વકીલાત પણ વ્યાસંગે સંગીત સંગીત અને સંગીત જ. પાછળના વર્ષોમાં તબિયત સાથ ન આપતા કાનુની વ્યવસાય પાર્ટ-ટાઇમ શોખ રહોય અને સંગીત એમની પૂર્ણકાળની પ્રવૃતિ બની રહી. એમની લાંબી નાદુરસ્ત તબિયતના સમયમાં સંગીત એ એમની સાચી દવા બની રહી. શરૂઆતના યુવાનીના વર્ષોમાં રેડિયો અને બીજા કાર્યક્રમોમાં પર્ફોર્મિંગ આર્ટીસ્ત તો હતા જ પણ વધુ એમનું પ્રદાન સ્વરકાર તરીકે રહ્યું. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક સંસ્થાઓમાં સક્રીય ભાગ ભજવ્યો. થોડા વર્ષો સુધી ‘સંગતિ’ સંસ્થા મારફત અનેક કલાકારો સાથે મળી સુંદર કાર્યક્રમો આપ્યા. એમાં સક્રીય જવાબદારી નિભાવી.

સુગમ સંગીત એ એમની આંતરિક જરૂરીયાત તો સુંદર સરળ સ્વરાંકનો એનો સ્વાભાવિક આવિષ્કાર હતો. એક રીતે એમના પ્રદાન કરતા વધુ ઉજળુ પાસુ હતુ – યુવાન કલાકારોને તૈયાર કરવાનું – પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવાનું – એમનું ઘર સંગીત કલાકારો માટે અને કવિ કલ્પનાનું ‘કશા કારણ વિના જઇ શકો’ એવું સુરીલું સ્થાન હતું. ઉગતા કલાકારોને આશ્રય મળતો – વરિષ્ટ કલાકારોને સાચા ભાવકનો અહેસાસ અને આશ્વાસન મળતા. નામી – અનામી અનેક કલાકારો માટે એમનો અજાતશત્રુ માફક સ્નેહસંબંધ એક હંમેશનું સુરીલું સંભારણુ બની ગયું છે. છેલ્લા થોડા વર્ષોમામ એમના અઠવાડિક સંગીતના વર્ગમાં અનેક કલાકારોએ માર્ગદર્શન મેળવ્યું. એ તો એમના ઋણી રહેશે જ. એમની ગેરહાજરી એમના વિદ્યાર્થી – કુટુંબીજનોને વધુ સાલશે.

untitled3

(આલાપ દેસાઇ, દક્ષેશ ધ્રુવ, ઐશ્વર્યા મજમુદાર, આશિત દેસાઇ)

એમના સ્વરાંકનોને એક જ વાક્યમાં મુલવવાના હોય તો સ્વ. શ્રી નરસિંહરાવ દીવેટીયાની જાણીતી ઉક્તિ -થોડા ફેરફાર સાથે યાદ કરવી પડે – ‘આ વ્યક્તિ’ને તો કરૂણગાન વિષેશ ભાવે.’ કોક ધ્રુવ પંક્તિ જેમ કરૂણભાવ એમના સ્વરાંકનોનો ધ્રુવભાવ હતો. પણ એમા રડમસ નહી પણ શાંત કારૂણ્ય ભાવ હતો. રડો નહિ પણ આંખ તો ભીની જરૂર થાય એવી એમના સ્વરાંકનોની અસર હતી. જે આજે પણ ભાવકો અનુભવે છે. આ સાથે સુરીલાપણુ એમનો સ્થાયી સ્વભાવ હતો. એ જ એમની સફળતાની પારાશીશી ગણાય. એમના સ્વરાંકનો સાંભળી મોટેથી ‘વાહ વાહ’ થાય એના કરતા અંદરથી ‘આહ’ની લાગણી જરૂર થાય. એમના સ્વરાંકનોમા સરળતા, કોમળતા અને પારદર્શકતા હતી.

સ્વરાંકનો માટેની કવિતાની પસંદગી એમની આગવી વિશેષતા હતી. કાવ્યની સ્વરગુંથણી પછી એ કાવ્ય જાણે એમને માટે જ કવિએ રચ્યું છે એવી લાગણી થાય. અતિશ્યોક્તિના જોખમે એવુ પણ કહેવાનું મન થાય કે એવું બીજુ સ્વરાંકન કદાચ આપણને ખુંચે. મોટા ગજાના સ્વરકારોના સ્વરાંકનો સાંભળી આવી લાગણી થતી હોય છે. કવિના શબ્દો પૂરેપૂરા આત્મસાત કરી એના ભાવને અનુરૂપ સ્વરનિયોજન કરવું એ એમની વિશિષ્ટ શૈલી હતી. એમનું સ્વરાંકન સાંભળ્યા પછી કદાચ કવિને પણ પોતાનું કાવ્ય વધુ ગમે એમ પણ બનતુ. એક એક શબ્દ સૂર થઇ રેલાય ને ભાવકો એમાં તરબોળ થાય એવુ અનેક કાર્યક્રમોમાં બન્યું છે. છેલ્લા ત્રણ-ચાર દાયકાના ભાવકો એમના સાક્ષી છે. એને એમના અનેક સ્વરાંકનો સુગમ સંગીતનો વારસો બની સુગમ સંગીતના ઇતિહાસનો એક ભાગ બની ગયા છે.

આ જાતના સ્વરાંકનો અત્યારે પણ સુજ્ઞ ભાવકો અને નિષ્ણાતોના રસનો વિષય બનવો જોઇએ એમ લાગે છે. દક્ષેશભાઇના સ્વરાંકનોના મૂળમાં ઘણુ બઘુ હશે પણ એનો પ્રધાન સૂર ઊંડી સંવેદના લાગે છે. ન સંભળાય એવો શાંત ચિત્કાર સાચા ભાવકોને જરૂર સ્પર્શશે. શરૂઆતના વર્ષની એમની તાલિમ – જેમની પાસે લીધી એમની શૈલી ને પછીના વર્ષોની સક્રિયતા ને જેમની સાથે કર્યુ એનો અભિગમ – આ બધાએ એમના સ્વરાંકનો પર ઘેરી અસર કરી હોય એમ લાગે છે. સૂર પ્રત્યેની પ્રતિબધ્ધતાને સર્જકનું સાચુકલુ વ્યક્તિત્વ આના ચાલક બળો હતા.

છેલ્લે એટલુ ઉમેરવુ જોઇએ – જેના વગર દક્ષેશભાઇ વિશે વાત પુરી થઇ જ ગણાય. એમને વિશે કાંઇ લખવુ કે બોલવુ એમની ગેરહાજરીમાં જ શક્ય બને. એમની હાજરીમાં કાંઇ કહેવાય એ એમને માટે અસહ્ય હતુ. પોતાના વિશે એમનો કંઇ બોલવાનો તો સવાલ જ ન્હોતો. એટલે એમણે બોલ્યા કરતા ગાયુ વધારે. એ જ એમની ભાષા હતી. અત્યારના મહોલમાં આ અસંભવ લાગે. (કદાચ અવ્યવહારૂપણામાં પણ ખપો ! ) પણ પ્રસિધ્દ્ધિથી દૂર ભાગવુ એ જ એમનો સ્વભાવ હતો. માણસો ખૂબ ગમતા પણ એકલતાને પણ વ્હાલ કરતા. છેલ્લા થોડા વર્ષોની નાદુરસ્ત તબિયતની મજબૂરતા તો હતી જ પન નમ્ર સ્વીકાર કર્યો એ પણ એટલુ જ સાચુ. જો કે એમનું એકાંત પણ ભરચક હતુ, કારણ કે સંગીતથી ભર્યુ ભર્યુ હતુ. ઝગમગતો રંગમંચ, અનેક વ્હક્તિઓનો ઘોંઘાટ, શ્રોતાઓની ભીડ – આ બધાથી અલિપ્ત રહીને એમના ખાટલા પર એમના હાર્મોનિયમ સાથે. નવા જૂના સ્વરાંકનો બે ચાર ભાવકો – અંગત મિત્રો – કુટુંબીજનોને સંભળાવવા એ જ એમની મહેફિલ હતી. અને એ જ એમના સંગીતનું પ્રયોજન હતું. એમના પરિચિતોને તો જરૂર લાગશે કે એમના વિશે આવુ કાંઇ લખાય કે વંચાય તેથી પન એ જ્યાં હશે ત્યાં થોડાક તો જરૂર સંકોચાશે.

આ શરમ અને સંકોચને સૂરીલી સલામ…. !!

– ગૌરાંગ દિવેટીયા

અમને પાગલને પાગલ કહી વારો નહીં – જગદીશ જોષી

આ ગીત સમજવા માટે તો મને તમારી થોડી મદદ જોઇશે. પણ મારા તરફથી એક ખાત્રી આપું, કે ગીત સાંભળવાની એટલી મજા આવશે કે થોડુ ના સમજાયું હોય તો પણ કશો ફેર જ ન પડે….

દક્ષેશ ધ્રુવના સંગીતમાં સોલી કાપડિયા અને આલાપ દેસાઇએ એવો તો સુંદર આલાપ છેડ્યો છે કે વાહ…. વારંવાર સાંભળ્યા જ કરીયે… આમ પણ ગુજરાતી ગીતોમાં ‘male duets’ અને ‘female duets’ ઓછા જોવા મળે છે… એ રીતે પણ આ ગીત ખાસ કહેવાય..

સંગીતની સાથે સાથે ગાયકોનો એક-બીજા સાથેનો તાલમેલ પણ કેવો સરસ છે… !!

સંગીત : દક્ષેશ ધ્રુવ
સ્વર : આલાપ દેસાઇ, સોલી કાપડિયા

paagal

(સોલી કાપડિયા & આલાપ દેસાઇ)

.

અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.

બારી ખોલો ને કરો બારણા તો બંધ
છલકાઇ નહીં એ તો કેવો ઉમંગ
માટીમાં મ્હેક છે, માટીમાં મ્હેક છે..
તારો (?) નહીં રે…

જળની આ માયા મેં છોડી નહીં
અમને આપ્યા હલેસા પણ હોડી નહીં
હું તો મારો નહી, હું તો મારો નહી..
ને હું તો તારો નહીં રે

અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.

આમ અચાનક જાવું નો’તું – દેવજીભાઈ મોઢા

સ્વર : આરતી – સૌમિલ મુન્શી
સંગીત : દક્ષેશ ધ્રુવ

.

આમ અચાનક જાવું નો’તું,
જાવું’તું તો તરુવર ફરતું વેલી શું વીંટળાવું નો’તું!

તેં મનભર મુજને એવું ચાહ્યું
કે ઊખડી તું એનું દુખ થયું જે કોઈને ના જાય કહ્યું,
(આજ સખી એણે આંખલડીના કાજલની કરી ચોરી)

તેં મનભર મુજને એવું ચાહ્યું
કે ઊખડી તું એનું દુખ થયું જે કોઈને ના જાય કહ્યું,
જાવું’તું તો ચંદરને થઈ એક ચકોરી તારે ચાહવું નો’તું!

તેં પ્રણયામૃત એક પાત્ર ધર્યું,
મુજ કાજે શું શું તેં ના કર્યું, પણ આજ ભાગ્યનું ચક્ર ફર્યું,
(ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા)

તેં પ્રણયામૃત એક પાત્ર ધર્યું,
મુજ કાજે શું શું તેં ના કર્યું, પણ આજ ભાગ્યનું ચક્ર ફર્યું,
જાવું’તું તો ખોબે ખોબે હ્રદયસભર અમી આપવું નો’તું!

તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
(દાડમડીના ફૂલ રાતા ઝૂલણ લ્યો વણઝારી)

તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
મટકીથી શીતળ જળ ઝર્યું, કિન્નરી કંઠથી કવન કર્યું.
(લ્યો લ્યો રે દાદા ચુંદડી)

તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
મટકીથી શીતળ જળ ઝર્યું, કિન્નરી કંઠથી કવન કર્યું.
જનમ જનમ યાદ રહી જાય એ ગાણું તારે ગાવું નો’તું!

———————–

કવિએ પતિ અને પત્નીના સંબંધને ઝાડ અને વેલની ઉપમા આપી છે. ઝાડ જમીનમાં ઊંડે પોતાના મૂળિયાં દાટે છે અને ટટ્ટાર થઈ એક સ્વમાનથી પોતાના અસ્તિત્વને દુનિયાની વચ્ચે ખડું કરે છે. થાક્યાંને છાંયો આપી વિસામો આપે છે, ભૂખ્યાંને ફળપાન આપી ખોરાક આપે છે. ઝાડની ગતિ હંમેશા ઊર્ધ્વ હોય છે અને એક ઉચ્ચ ધ્યેયનું demonstration કરી જાય છે. આવા કલ્યાણના કામોમાં થાકેલા પાકેલા ઝાડને એક દિવસ એક નાજુક નમણી વેલ આવીને પૂછે છે કે તમે આ બધું એકલા કરો છો, તો મને તમારી જીવનસાથી બનાવશો? આપણે બન્ને સાથે સંસાર માંડશું- અને ઉદભવ્યું પહેલવેલું લગ્ન! વેલી એ નબળાઈનું નહીં, નમણાઈનું પ્રતિક છે. વેલી ઝાડ ફરતે વીંટળાય છે ત્યારે એ એક આધાર શોધે છે એટલું જ માત્ર બસ નથી, એ ઝાડની રુક્ષતાને ઢાંકતો શણગાર પણ બને છે! ઝાડના થડની એકએક ખરબચડી ચામડીને વેલ ઢાંકે છે. વેલીના વીંટળાવાથી ઝાડને એક નવું જીવન મળે છે, એના જીવનની એકેએક ઘટનાઓને મીઠો અર્થ મળે છે. અને વેલ પણ પોતાનાં મૂળિયાં ઝાડની અંદર ખૂંપે છે, વેલનો શ્વાસ કહો, ધડકન કહો, પ્રાણ કહો એ સઘળું એનું ઝાડ છે! વેલીની દરેક લાગણીઓને સમજે છે એ ઝાડ! આવી વેલ સંપૂર્ણ ખીલી ઊઠે છે, મ્હોરી ઊઠે છે, મહેંકી ઊઠે છે, ભરાઈ જાય છે…….પતિ અને પત્નીનું પણ આવું જ છે- પતિ એ ઝાડ અને પત્ની એ વેલ!

આવાં વૃક્ષ અને વેલ જેવાં પતિ અને પત્નીને ભાગ્યવશાત જુદાં પડવાનું થયું ત્યારે એમના ઉપર શું વીતતું હશે? કવિ ખૂબ જ સરળ ભાષામાં પતિની એ વેદનાને વ્યક્ત કરતાં કહે છે કે આમ અચાનક જાવું નો’તું, જાવું’તું તો તરુવર ફરતું વેલી શું વીંટળાવું નો’તું! એ વેદના એટલી તીવ્ર હોય છે કે ઘડીભર તો કહેવાનું મન થઈ જાય કે આમ મને છોડી દેવાના હતા તો આટલો બધો પ્રેમ કેમ કર્યો?? બન્નેને એ જુદાઈનો શૂન્યાવકાશ સહન કરવો કપરો લાગે છે. પતિનું આ દુખ એ કોઈને કહી શકતો નથી કારણ કે કોઈ એને સમજી શકે એટલું sensitive છે જ નહીં. અને આ કહેતાં કહેતાં એને હમણાં જ દૂર થયેલી પત્ની યાદ આવે છે…આજ સખી એણે આંખલડીના કાજલની કરી ચોરી એ ગીતને સ્ત્રીના અવાજમાં મૂકીને સ્વરકાર દક્ષેશ ધૃવે કમાલ કરી છે. જુદાઈમાં ઝૂરતો પતિ કે જેની સંવેદના વિયોગથી ક્ષુબ્ધ થઈ ગઈ છે, જેને થાય છે કે વેલી શું વીંટળાવું નો’તું, એને પાછી પત્નીની મીઠી યાદ આવી જાય છે એના પ્રતિક રૂપે આ ગીતની પંક્તિ સ્ત્રીના અવાજમાં આવે છે- કાજલની કરી ચોરી….પતિની પાછી ભૂતકાળનાં સંસ્મરણોની સફર આગળ ચાલે છે- એણે મને ખોબે ખોબા ભરીને પ્રણયામૃત પાયું હતું, એણે પોતાના પ્રાણ રેડીને કેટકેટલું કર્યું હતું મારા માટે! આખી દુનિયાને એક બાજુ પર રાખીને ધસમસતી નદીની જેમ મને વળગી પડી હતી એ! સ્વરકાર અહીં પાછા પત્નીના અવાજમાં એક ગીત લઈને આવે છે- ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા! પણ પાછો એ વિરહી જીવ વર્તમાનમાં આવે છે ત્યારે બોલી પડે છે કે હ્રદયસભર અમી આપવું નો’તું!! પતિનું આ મીઠી યાદો વાગોળવી અને પાછું કહેવું કે આટલો બધો પ્રેમ કરવો નો’તો એ ચાલુ જ રહે છે….

પતિને યાદ આવે છે પત્નીનું એ ગીત કે જે પતિ કોઈ કામથી બહારગામ ગયા હોય ત્યારે ફોન ઉપર વારંવાર ગાતી હતી, મસ્તી ચડે ત્યારે ગાતી હતી, કૃતજ્ઞતાથી ઘેલી થઈને ગાતી હતી…એવું તો એ ગીત એના કાનમાં ગાયું હતું કે એ એમનું જીવનસંગીત બની રહ્યું હતું. બન્નેનાં જીવન જ એક ગીતરૂપ બની ગયાં હતાં કે લોકો એ ગીતને ગાતાં હતાં, અનુસરતાં હતાં. છોકરો અને છોકરી હમણાં જ પ્રેમમાં પડ્યા હોય તો આ પતિપત્નીનાં જીવનગીત સમું જીવવાના એકબીજાને કોલ આપતાં હતાં! પત્નીનો એક એક બોલ જાણે મટકીથી શીતળ જળ ઝર્યું! પત્નીના જીવનની એક એક ક્ષણ એના માટે કવિતા બની રહેલી. સ્વરકાર અહીં પણ પત્નીના અવાજમાં બે ગીત લાવી મૂકે છે….પણ આખરે તો એ કરૂણ વાસ્તવિકતા આવી ઊભી કે જનમ જનમ યાદ રહી જાય એ ગાણું તારે ગાવું નો’તું! શું કરે એ પરાધીન હ્રદય? એને ખબર છે કે પત્નીની મીઠી યાદો જ એના શેષ જીવનનું પાથેય છે, છતાં પલભર તો બોલાઈ જાય છે કે તમે આટલો બધો પ્રેમ મને કેમ કર્યો?

Note: અહીં પતિપત્નીના એકબીજાથી દૂર જવાના સંદર્ભમાં ઉપરનું લખાણ લખાયું છે, પરંતુ હકીકતમાં કવિ દેવજીભાઈ મોઢાએ પોતાની સહધર્મચારિણીના મૃત્યુ સમયે આ રચના કરી હતી. એના સ્વરનિયોજન માટે ક્ષેમુભાઈ દિવેટીયાને આ ગીત આપવામાં આવ્યું હતું, પણ એ વખતની એમની અત્યન્ત સંવેદનશીલ સ્થિતિને લીધે એ સ્વર આપી શક્યા નહીં. એટલે આખરે દક્ષેશભાઈ ધૃવે એનું સ્વરાંકન કર્યું અને ક્ષેમુભાઈનાં પત્ની સુધાબેનની યાદ રૂપે એમનાં ગાયેલાં/મનપસંદ ગીતોની એક-બે પંક્તિઓ દેવજીભાઈ મોઢાના ગીતની વચ્ચે વચ્ચે મૂકી દીધી!…અને શ્રુતિવૃંદ તરફથી સૌમિલ-આરતી મુન્શીએ એ ગીત ગાયેલું!!

થાંભલીનો ટેકો ને ઓસરીની કોર – વિનોદ જોષી

સ્વર : વિરાજ / બીજલ ઉપાધ્યાય
સંગીત : દક્ષેશ ધ્રુવ

.

સ્વર : અંતરા નંદી, અંકિતા નંદી
સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ

થાંભલીનો ટેકો ને ઓસરીની કોર,
કણબીની છોકરીએ પાળ્યો રે મોર,
મોર ટહુકા કરે, મોર ટહુકા કરે…

એણે પાંચીકા અમથા ઉલાળ્યા,
પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા,
કાળજળું કાચું ને રેશમનો ભાર,
એનઘેન પાંપણમાં નવસેરો હાર,
હાર ઝુલ્યા કરે… મોર ટહુકા કરે…

મોરપીંછાની વાત પછી ઊડી,
ઠેઠ સાતમે પતાળ જઇ બૂડી,
ઉગમણી કેડી ને આથમણાં ગીત,
નીચી તે નજરું ને ઊંચી તે ભીંત,
ભીંત ઝૂર્યા કરે… મોર ટહુકા કરે…

પછી ડૂમો ઓઢીને રાત સૂતી,
બેઉ આંખો અંધારામાં ખૂંતી,
સૂનમૂન ફાનસમાં અજવાળાં કેદ,
નીંદરની વારતામાં ઢાંક્યાં રે ભેદ,
ભેદ ખૂલ્યા કરે… મોર ટહુકા કરે…