Category Archives: નીનુ મઝુમદાર

મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ…. – નીનુ મઝુમદાર

સોનેરી રંગ સાંજનો
ફૂલ ગુલાબી પ્રભાત
નીલ રંગનું આભલું
શ્યામલ વરણી રાત

સઘળા રંગો મેં રળ્યા
દિલના રંગની સાથ
તોય પીયુની પાઘડીએ પડી
કોઇ અનોખી ભાત

( આ એક જ ગીત બે અલગ અલગ સ્વરમાં સાંભળવું ચોક્કસ ગમશે. )

paaghadie
સ્વર : કમલ બારોટ

.

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ
તો યે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….

રંગ તો એવો જાલીમ જાણે જમદૂતે ઝંખેલો હો..
ક્યાંકથી લાવ્યો પાતાળ ભેદી નાગણનો ડંખેલો હો..
એના ઝેરની ઝાપટ લાગી મુને ફુટ્યો અંગેઅંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….

રંગની ઉપર રંગ ચડે તે મુળનો રંગ ધોળો હો..
સાહ્યબો મારો દિલનો જાણે શિવજી ભોળો ભોળો હો..
હે કોઇ ભીલડીએ એને ભરમાવી એના તપનો કીધો ભંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….

પંખીઓએ કલશોર કર્યો – નીનુ મઝુમદાર

સ્વર : મન્ના ડે

evening

.

પંખીઓએ કલશોર કર્યો, ભાઇ ! ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી લઇને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો, વનેવન ઘૂમ્યો..

ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો, ઘૂમટો તાણ્યો..

પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,
નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી, આવી દિગનારી..

તાળી દઇ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,
જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઇ દ્વારે દ્વારે, ફરી દ્વારે દ્વારે..

રાતડીના અંધકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,
કૂંચી લઇ અભિલાષની સોનલ હૈયે શમણાં ઢોલ્યાં, શમણાં ઢોલ્યાં..