Category Archives: નીનુ મઝુમદાર

નીનુ મઝુમદાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

પિયુ આવો.. ઉરમાં સમાવો - નીનુ મઝુમદાર
લાગી રે લગન - રાજેન્દ્ર શાહ
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ - નરસિંહ મહેતા
આંખો અટવાણી જ્યારે વનની વનરાઇમાં - મનસુખલાલ ઝવેરી
એક સુસ્ત શરદની રાતે - નીનુ મઝુમદાર
કાગડાઓએ વાત માંડી - નિનુ મઝુમદાર
કાળજ કોર્યું તે કોને કહીએ - દયારામ
કે લાવ્યા સાગર જેવો ગરબો.... - નીનુ મઝુમદાર
ઘેલી વસંત આવી રે... - નીનુ મઝુમદાર
ચોર્યાંસી ભાતનો સાથિયો - નીનુ મઝુમદાર
જશોદા ! તારા કાનુડાને – નરસિંહ મહેતા
ઠહર આંસું! બહારા'વી છે મુદ્ત બાદ ગુલશનમાં - નીનુ મઝુમદાર
નાગર નંદજીના લાલ... - નરસિંહ મહેતા
પંખીઓએ કલશોર કર્યો - નીનુ મઝુમદાર
પઢો રે પોપટ રાજા રામના - નરસિંહ મહેતા
મને જરા ઝૂંક વાગી ગઇ - રાજેન્દ્ર શાહ
મહીં મથવા ઊઠ્યાં - નરસિંહ મહેતા
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ.... - નીનુ મઝુમદાર
વૃંદાવન વાટ સખી જતાં ડર લાગે - નીનુ મઝમુદાર
વ્યોમ સરોવરમાં ભમે દિવ્ય મકરનાં વૃંદ -નીનુ મઝુમદાર
સાંવર થોરી અંખિયનમેં .... - રાજેન્દ્ર શાહકે લાવ્યા સાગર જેવો ગરબો…. – નીનુ મઝુમદાર

આજે ૯ નવેમ્બર – કવિ, સ્વરકાર, ગાયક – શ્રી નીનુ મઝુમદારનો જન્મદિવસ. એમને આપણા સર્વે તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી!

૨ દિવસ પહેલા અહીં મુંબઇના ‘મનિષા ડૉક્ટર’ ના મ્યુઝિક ક્લાસના જવાનું થયું. ‘મારે પણ મ્યુઝિક ક્લાસમાં જવું છે’ – એવી મારી ઇચ્છા ૧૫ વર્ષે એક દિવસ પૂરતી ફળી.. 🙂

અને ત્યાં જ મને આ ‘સાગર જેવો ગરબો’ મળ્યો..! એમના Students ને એમણે થોડા દિવસ પહેલા જ આ શીખવાડ્યો હતો, તો એમણે બધાએ મને ખાસ સંભળાવ્યો. આ હા હા.. શું મઝા આવી..!! Cell phone માં થયું એવું on the spot રેકોર્ડિંગ કરી લીધું, એટલે એટલું clear નથી, પણ તો યે નીનુભાઇનો આ દુર્લભ ખજાનો મને મળ્યો તે આજે – નીનુભાઇના જન્મદિવસે – તમારી સાથે ન વહેંચું એવું બને?

સ્વર – મનિષા ડૉક્ટર

સ્વર – મનિષા ડૉક્ટર અને એમની શિષ્યાઓ

સૂરે સૂરે તરંગમાં વહેતો, હિલ્લોળા લેતો,
કે લાવ્યા, સાગર જેવો ગરબો
એના તાલે ચોસઠ જોગણી, ગાતી’તી રાગિણી
કે લાવ્યા, સાગર જેવો ગરબો

એક મધુવનમાં, માનુની મનમાં, નૃત્યંતી વિલસંતી રે…
મધૂરી લયમાં, ગોપી વિજયમાં, ગાતી જયજયવંતી રે…

નાગર મારો થઇ ગયો દાસ, કાલે વ્રજમાં થકવ્યો રાસે
આજ સખી નહિં જાઉં હું જમુના એવા નંદલાલની પાસ
નાગર મારો થઇ ગયો દાસ, કાલે વ્રજમાં થકવ્યો રાસે

એણે સીંચ્યા આનંદ અભિષેકો, ગૌરવનો લહેકો
કે લાવ્યા, સાગર જેવો ગરબો

શ્રી અને બ્રહ્મા સુતા સાથે મળી વિશ્વંભરી
શુધ્ધ બાગેશ્રીરૂપે વાણી મહીં વાગેશ્વરી
મમ હ્રદય સૂરે સ્પંદન આજે આનંદ અંગઅંગન
વાયે પવન શીત ચંદન, આયો કૂંજન નંદનંદન

ધીરે તરતી લહેરમાં નૈયા ડોલે અજાણ હૈયા
કે લાવ્યા સાગર જેવો ગરબો

ઢોલડાં જાગ્યાં ભૈરવ જાગ્યા, ઘેરાં ઘેરાં મંદિરે
તપને છોડી ભૈરવી દોડી, રસિકા થઇ રસવંતી રે
ગાગર નંદવાણી ખૂબ ભીંજાણી સખી આજ.. વહેલી સવારે
કેમ જાઉં પાણી કોઇ કાંકરીયું મારે,
બેઠો ત્યાં કોરો કોરો કાળો નંદલાલ, જમુના કિનારે

તીરે તીરે અનંત પછડાતો ને વિશ્વમાં ઝીલાતો
કે લાવ્યા સાગર જેવો ગરબો..
કે લાવ્યા સાગર જેવો ગરબો..

– નીનુ મઝુમદાર

જશોદા ! તારા કાનુડાને – નરસિંહ મહેતા

લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ….(આભાર – લયસ્તરો.કોમ)

જેટલા લાડ કૃષ્ણે એના ભક્તોને અને ભક્તોએ એને લડાવ્યા છે એ અન્ય તમામ ભગવાન માટે ઈર્ષ્યાજનક છે. નરસિંહ મહેતાના આ ખૂબ જાણીતા પદમાં ગોપી અને યશોદાના કલહસ્વરૂપે અનન્ય ક્હાન-પ્રેમ ઉજાગર થયો છે. નટખટ કાનુડો એના તોફાન માટે જાણીતો છે. એ શીંકાં તોડે છે, માખણ ખાય ન ખાય અને વેરી નાંખે છે, દહીં વલોવવાની મટકી પણ ફોડી નાંખે છે અને છતાં છાતી કાઢીને કોઈથીય બીતો ન હોય એમ ફરે છે. ગોપીઓ હવે આ નગરમાં રહેવું અને રોજેરોજ અને કેટલું સહેવું એવો પ્રશ્ન કરે છે ત્યારે માતા યશોદા મારો કાનુડો તો ઘરમાં જ હતો એમ કહીને વળી એનું જ ઉપરાણું લે છે. વાતચીતના કાકુ અને અદભુત લયસૂત્રે બંધાયેલું આ ગીત વાંચવા કરતાં ગણગણવાની જ વધુ મજા આવે છે….

(જાન કીધું = જાણીને કર્યું; મહી મથવાની ગોળી = દહીં વલોવવાની માટલી; મુઝાર = અંદર, માં)

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ

સ્વર – રેખા ત્રિવેદી, કૌમુદી મુનશી
સંગીત – નીનું મઝુમદાર
આલબ્મ – નરસિંહ મીરા – એક ઝાંખી

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે. … જશોદા.

શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બ્હાર રે,
માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.

ખાંખાંખોળાં કરતાં હીંડે, બીએ નહીં લગાર રે,
મહીં મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.

વારે વારે કહું છું તમને હવે ન રાખું ભાર રે,
નિત ઊઠીને કેટલું સહીએ, રહેવું નગર મોઝાર રે … જશોદા.

આડી-અવળી વાત તમારી, હું નહિ સાંભળનાર રે;
ડાહ્યો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રે … જશોદા.

મારો કાનજી ઘરમાં સૂતો, ક્યારે દીઠો બ્હાર રે,
દહીં દૂધનાં તો માટ ભર્યાં, પણ ચાખે ન લગાર રે … જશોદા.

શોર કરંતી ભલે સહુ આવી, ટોળી વળી દસ-બાર રે,
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે …. જશોદા.

– નરસિંહ મહેતા

વૃંદાવન વાટ સખી જતાં ડર લાગે – નીનુ મઝમુદાર

સ્વર – દિપ્તી દેસાઇ

વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે,
કાંકરી ઉછાળી ઉભો વનમાળી,
કેમ જાવું પાણી જમુનાને ઘાટ સખી,
જાતાં ડર લાગે…..

જવું ‘તું ઘાટ પર આજે અકેલામાં સમય ખોળી,
અને મસ્તીભરી હસતી સખી નીસરી ટોળી;
ભર્યા ના નીર જીવનમાં, ઉરે ઝરતી રહી હોળી,
સદાની ખાલી ગાગર લઈ પાછી વળી ભોળી.
લખ્યું હશે એવું વીધીએ લલાટે સખી,
જાતાં ડર લાગે…..

– નીનુ મઝમુદાર

પઢો રે પોપટ રાજા રામના – નરસિંહ મહેતા

Photo: Madhubani Paintings)

સ્વર :  કૌમુદિ મુન્શિ
સંગીત સંચાલન : નીનુ મઝુમદાર
આસ્વાદ : હરીન્દ્ર દવે

પઢો રે પોપટ રાજા રામના, સતી સીતાજી પઢાવે,
પાસે રે બંધાવી રૂડું પાંજરુ, મુખ થી રામ જપાવે.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું,
એનું રે ઘડાવું પોપટ પાંજરુ હીરલા રતને જડાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

પોપટ તારે કારણે શી શી રસોઇ રંધાવું,
સાકરનાં કરી ચુરમા, ઉપર ઘી પિરસાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

પાંખ પીળી ને પગ પાડુંરા, કોટે કાંઠલો કાળો,
નરસૈયાના સ્વામીને ભજો રાગ તાણી રૂપાળો.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

– નરસિંહ મહેતા

સાંવર થોરી અંખિયનમેં …. – રાજેન્દ્ર શાહ

સૌ ને હોળી – ધૂળેટીની ખૂબ ખૂબ.. રંગભરી.. પિચકારીભરી.. ગુલાલભરી.. શેકેલું નારીયેળ અને ધાણીભરી શુભેચ્છાઓ.!

સ્વર – કૌમુદી મુન્શી
સ્વરાંકન – નીનુ મઝુમદાર
પ્રસ્તાવના – હરીન્દ્ર દવે

( ઐસો રંગ ન ડાલ……… )

હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
મોરી ભીંજે ચોરી ચુંદરિયા તું ઐસો રંગ ન ડાલ, નાગર સાંવરિયો.

તું નંદલાલરો છકેલ છોરો, મૈં હું આહિર બેટી રી,
ફૂલન હાર ગલે મેં, દૂજી હાર રહેગી છેટી રી;
હો સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ, નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.

હો બાજૈ ઢોલક, ડફ, બાંસુરિયાં, વસંતરો રત ગાવૈ રી,
હો કોઈ કિસીકી સુન નહિ પાવે, અપની ધૂન મચાવે રી;
હો રંગરંગમેં હિલમિલ રુમઝુટ ખેલત ભયે નિહાલ,નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.

– રાજેન્દ્ર શાહ

(શબ્દો માટે આભાર – વેબમહેફિલ.કોમ)