Category Archives: સુરેશ દલાલ

તમે કહો તે સાચું – સુરેશ દલાલ

એક ટહુકો મિત્ર આ ગીત ઘણા વખતથી શોધે છે. તમારી પાસે એની ઓડિયો ફાઇલ છે? હોય તો અમને મોકલી શકશો?

*****

તમે કહો તે સાચું વ્હાલમ ! તમે કહો તો હાર્યાં !
ફાગણમાં શ્રાવણના જલને ઝીલી લ્યો અણધાર્યા !

અમને એમ હતું કે તમને
વેણીનાં ફૂલો સંગાથે પ્રીતે ગૂંથી લેશું,
તમને એવી જિદ કે વનનો છોડ થઇને રહેશું;

તમને કૈંક થવાના કોડ,
અમને વ્હાલી લાગે સોડ;
જરીક તમારે સ્પર્શ અમે તો સાતે સ્વર ઝંકાર્યા,

તમે કહો તે સાચું વ્હાલમ ! તમે કહો તો હાર્યાં !

અમને એમ હતું કે સાજન !
કલકલ ને કલ્લોલ ઝરે એ વ્હેણ થઇને વ્હેશું,
તમને એક અબળખાઃ એકલ કાંઠો થઇને રહેશું;

તમારાં અળગાં અળગાં વ્હેણ,
અમારાં એક થવાનાં ક્‌હેણ;
એકલશૂરા નાથ ! અમે તો પળે પળે સંભાર્યા;

તમે કહો તે સાચું વ્હાલમ ! તમે કહો તો હાર્યાં !

– સુરેશ દલાલ

(આભાર : માવજીભાઇ.કોમ)

પૂછતી નહીં કેટલો પાગલ… – સુરેશ દલાલ

૪ વર્ષ પહેલા – રૂપકુમાર રાઠોડના સ્વર-સ્વરાંકન સાથે પ્રસ્તુત કરેલ આ મઝાનું ગીત – આજે એક એવા જ મઝાના – પણ નવા સ્વર-સ્વરાંકન સાથે ફરી એકવાર…

સ્વરાંકન : માલવ દિવેટીઆ
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી
સ્વર : અમન લેખડિયા

*****************

Posted on January 12, 2010

(આભમાં જોને કેટલાં વાદળ… ..June 2009, Clouds over Utah)

સ્વર – સંગીત : રૂપકુમાર રાઠોડ

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…
આભમાં જોને કેટલાં વાદળ…
એટલો પાગલ…

ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને
તારું નામ દીધું છે.
ભમરા તને ગુંજયા કરે: ગુંજવાનું મેં કામ દીધું છે.

જળને તારું નામ દઈ ઢંઢોળી દેતો.
ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો.
નદી તારા નામની વહે: એ જ નદીનું જળ પીધું છે.

આપણા પ્રેમની, સુખની દુ:ખની વાત કરું છું
શબ્દો આગળ.
પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…

પ્હાડની ઉપર સૂરજ ઊગ્યો: રાતના ઊગ્યા તારા.
દિવસ અને રાત તો તારા નામના છે વણજારા.

ધરતીમાંથી નામનાં તારા તરણાં ફૂટે.
ઝરણાં તારા નામને ઝીણા લયમાં ઘૂંટે.

સાગર, ખડક, પવન, સડક, ઝૂંપડી, મકાન…
સૌને તારું નામ કીધું છે.

નામ તો તારું ગીતને માટે
સાવ કુંવારો કોરો કાગળ…

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…

એકલો દરિયો – સુરેશ દલાલ

the cove
(સાવ એકલો દરિયો…. Photo: Dr. Chirag Patel)

આટઆટલી પથરાઈ છે રેતી તોયે સાવ એકલો દરિયો;
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો !

બપોરના સૂરજમાં એની એકલતા અમળાય
અને રાતના અંધારું થઈ એકલતા સંભળાય.
રંગરંગની માછલીઓ ને મોતી તોયે સાવ એકલો દરિયો !
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો !

પંખીની છાયામાં દરિયો કણસે ખારું ખારું,
તરડાયેલા તરંગથી હું ચહેરાને કંડારું.
ઝીણીઝીણી જાળ નજરની જોતી : મારો સાવ એકલો દરિયો
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો.

-સુરેશ દલાલ

(આભાર – લયસ્તરો)

ઝાડ મને લાગે નહીં પરાયાં… – સુરેશ દલાલ

Januanry 2010 માં ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલું આ મઝાનું પ્રકૃતિ ગીત – આજે પુરુષોત્તમ ઉપાધ્યાયનાં સંગીત અને હંસા દવે ના સ્વર સાથે ફરી એક વાર …. નીચે comments માં અર્પણાબેને જે ‘અલક ચલાણું’ આલ્બમની વાત કરી છે – એ જ કેસેટમાંથી જ એમણે Digitize કરી ને આ ગીત ખાસ ટહુકોના વાચકો – શ્રોતાઓ માટે મોકલ્યું છે – તો આપણા બધા તરફથી એમને હૃદયપૂર્વક આભાર …!! 🙂

*********

Posted on January 2, 2010:

આ ગીત તો જાણે મારા જેવા જંગલ – ઝાડવા પ્રેમીઓ માટે જ લખાયું છે..!! અતુલની કોઇ પણ કોલોનીમાં ઘર કરતા ઝાડ વધારે.. (એટલે કે આજથી ૨૦-૨૫ વર્ષ પહેલા, at least..!!). અને એવા વાતાવરણમાં મોટા થયેલા ને એક-એક ઝાડની માયા હોય જ ને… 🙂 અને મારા સદનસીબે અહીં સાન ફ્રાન્સિસ્કોમાં પણ એવો મઝાનો ગોલ્ડન ગેટ પાર્ક છે કે કોઇ પણ પ્રકૃતિ પ્રેમી ઝુમી ઉઠે..!!

(મને એક એક ઝાડની માયા……….       Sequoia National Park, CA…   Sept, 2008)

મને એક એક ઝાડની માયા
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.

ઝાડ ઉપર ફૂલ થઈ ફૂટું ને
પંખી થઈ બાંધું હું માળો,
ખિસકોલી થઈને હું દોડ્યા કરું છું, ભલે
ઉનાળો હોય કે શિયાળો.
એક એક ઝાડની છાયા
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં

ઝાડની હું ડાળી ને ઝાડનું થડ હું તો
પાંદડાં ને ઝાડનું હું મૂળ છું,
ઝાકળની જેમ હું તો વળગું છું ઝાડને,
સોનેરી કિરણોની ધૂળ છું.
લીલા લીલા વાયરા વાયા,
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.

– સુરેશ દલાલ

(અડધી સદીની વાચનયાત્રા, ભાગ ૩)

સપનાં વસંતના – સુરેશ દલાલ

આવે છે રોજ સપના વસંતના....    Picture: Vivek Tailor
આવે છે રોજ સપના વસંતના…. Picture: Vivek Tailor

એક પાનખરના ઝાડને આવે
આવે છે રોજ સપનાં વસંતના
ક્યારે મારી ડાળીએ ખીલે
ખિલખિલ ફૂલો સુગંધનાં

આજે ભલે ડાળીઓ સુક્કી
પણ કાલ એમાં વહેશે ધબકાર લીલોછમ;
આજ ભલે જાઉં હું ઝૂકી
વિધાતાની સામે : તોયે મને એનો નહીં ગમ.
એક એવી આવશે મોસમ :
કે ગીત મને મળશે કોયલના કંઠના.

માણસ પોતાનાં પોપચાં પંપાળે
એમ વ્હેતી હવા મને પંપાળી રહે
કોની આ માયા છે એ તો હું જાણું નહીં
પણ કોઇ મને કાનમાં વાતો સુંવાળી કહે
બિલોરી કાચ જેવા હૈયામાં એક દિવસ
મઘમઘ થઇ મ્હેકશે સપનાં અનંતના.

– સુરેશ દલાલ

મનના મેવાડમાં એક રાણો વસે છે – સુરેશ દલાલ

પહેલા મૂકેલું આ કૃષ્ણ-મીરા ગીત મને ખૂબજ ગમતું આજે હેમા દેસાઇનાં સ્વર માં સાંભળીએ….

MEERA

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઈ

(આ ઓડ્યો ફાઈલ માટે આભાર – દેવાંગ ખારોડ)

Previously posted on 08 September, 2007

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

સ્વર – અનાર કઠિયારા
સંગીત – આશિત દેસાઈ

મનના મેવાડમાં એક રાણો વસે છે,
એ રાણાને અહીંથી ઉથાપો કોઇ,
મને મીરાંનું પાગલપન આપો કોઇ.

મને મેવાડી મહેલ હવે જોઇતા નથી, હીરા મોતીના હેલ હવે જોઇતા નથી,
મારા જ કરંડિયાને સાપ તો ડસે, એ સાપને તો અહીંથી ઉથાપો કોઇ.
મને મીરાંનું વૃંદાવન આપો કોઇ…..

હરિ-આવનના અવાજને હું સાંભળ્યા કરું, અહીં દિવસ ને રાત દીપ બાળ્યા કરું
નૈનનમેં નન્દલાલ એવા શ્વસે, મને પ્રીતિ પુરાતન આપો કોઇ
મને મીરાંનું વૈરાગન આપો કોઇ…..હવે સાંવરિયો મનભાવન સ્થાપો કોઇ!!

– સુરેશ દલાલ

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ? – સુરેશ દલાલ

ગઇકાલે અમારા Bay Area ના ગુજરાતીઓને Munshi Trio અને તુષારભાઇ સાથે ‘મસ્તી અમસ્તી’માં ખૂબ જ મઝા આવી..! Unforgettable Experience..! અને આજે અમે તૈયાર છીએ – ગુજરાતી ગીતો-ગઝલોનો બારમાસી વૈભવ માણવા ..!! તો એની જ પૂર્વતૈયારી રૂપે તમને સંભળાવું – આ  મારું એકદમ ગમતું ગીત..!  અને એમાં પણ આ શબ્દો –

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?

અને એક નશા પર બીજો નશો ચડતો હોય એમ – સુરેશ દલાલના આ શબ્દો અને શ્યામલભાઇનો અવાજ..!!

કોઈ પારેવું વાદળભરી રોતું હશે ? ...!

સ્વર : શ્યામલ  મુન્શી
સંગીત : શ્યામલ-સૌમિલ  મુન્શી

.

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના, એક જ ઘટના
ભીતર એક જ નામની રટના, નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?     આટલું બધું  o

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?      આટલું બધું  o

– સુરેશ દલાલ

અલક ચલાણું ઓલે ઘેર ભાણું – સુરેશ દલાલ

આજે ઘણા વખત પછી અકે ઘણું જૂનું બાળગીત….

સ્વર – હંસા દવે, વિરાજ/બીજલ ઉપાધ્યાય
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
બાળગીત આલબ્મ – અલક ચલાણું

ધીમે ધીમે ઊગે વ્હાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
પંખીનું ગમતીલું ગાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

ગાડી ઉપડે તો હું જાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
પલમાં પાલઘર પલમાં દહાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

હું સુરતની સહેલને માણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
વડોદરાની વાત વખાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

કોઈને ત્યાં અવસરનું ટાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
કોઈને દડીયે દડીયે કાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

મોટા કોઈ નાના પરમાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
અન ઉક્લેલું કોઈ ઉખાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

જ્યાં જાઉં ત્યાં મારું થાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
જમતા મારી વાત અથાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

ગીત ગાવું નહીં જરી પુરાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
કંઠે મારે રસનું લ્હાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

હજારને નવસો નવ્વાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
હું લાખોનું નગદ નાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

– સુરેશ દલાલ
(શબ્દો અને ઓડ્યો ફાઈલ માટે આભાર – Arpana Gandhi)

તમે વાતો કરો તો….- સુરેશ દલાલ

આજે સપ્ટેમ્બ ૦૮મી એ આરતીબેનનો જન્મદિવસ….એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમણે ગાયેલું આ ‘હસ્તાક્ષર’ આલબ્મનું સુરેશ દલાલનું મઝાનું ગીત..!!

દૂરનું આકાશ મને મારું લાગે….

સ્વર – આરતી મુન્શી
સંગીત – શ્યામલ-સૌમિલ મુન્શી
આલબ્મ – હસ્તાક્ષર (સુરેશ દલાલ)

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

Posted previously on October 11, 2006 

થોડા દિવસો પહેલા બે સરખા જેવા ગીતો એક સાથે મોરપિચ્છ અને ટહુકો પર મૂકેલા; ( અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા અને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે )

આજે પણ કંઇક એવું જ…. “તમે અહીંયા રહો તો … ” અને “તમે વાતો કરો તો..” સુરેશ દલાલના હસ્તાક્ષરમાં “તમે વાતો કરો તો.. ” સ્વરબધ્ધ થયેલું છે, એટલે ઘણાં એ કદાચ સાંભળ્યું હશે. અને ‘તમે અહીંયા રહો તો, ‘ભાગ્યેશ જહા’ની બીજી રચનાઓ સાથે ‘આપણા સંબંધ’ આલ્બમમાં સોલીભાઇએ ખૂબ સરસ ગાયું છે.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં પલક વ્યાસના અવાજમાં ગવાયેલ ગીત :

તમે વાતો કરો તો થોડું સારું લાગે;
આ દૂરનું આકાશ મને મારું લાગે.

વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;

ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે;

રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયુખું તો તુલસીનો ક્યારો;

તારી તે વાણીમાં વ્હેતી મુકું છું હું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે

—–

આજે કવિ શ્રી સુરેશ દલાલનો જન્મદિવસ. આપણા તરફથી એમને હાર્દિક શુભેચ્છાઓ. એમની બીજી રચનાઓ અહીં માણી શકશો.

ટહુકા પર : આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ
લયસ્તરો
ડોસા-ડોસી
સિદ્ધાર્થમાંથી બુદ્ધ

કવિ શ્રી સુરેશ દલાલ ને અલવિદા….

ગુજરાતી ભાષાને કવિતાનો દરિયો જેમણે આપ્યો – એ વ્હાલા કવિ શ્રી સુરેશ દલાલ હવે આપણી વચ્ચે નથી! ગુજરાતી પ્રજા હંમેશા આ કવિની ઋણી રહેશે, અને કવિતા થકી કવિશ્રી હંમેશા આપણી સાથે જ રહેશે! કવિ શ્રી ને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી!

ફૂલપાંદડી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં!

– સુરેશ દલાલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


૦૧ આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ.. – સુરેશ દલાલ

૦૨ શ્યામ ! ઓ સાંવરીયા ! – સુરેશ દલાલ

૦૩ આટલું તે વ્હાલ નહીં વેરીએ… – સુરેશ દલાલ

૦૪ તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી – સુરેશ દલાલ

૦૫ પૂછતી નહીં કેટલો પાગલ… – સુરેશ દલાલ

૦૬ કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! – સુરેશ દલાલ

૦૭ મારી ગાગર ઉતારો તો જાણું ! – સુરેશ દલાલ

૦૮ અમે એવા છઇએ – સુરેશ દલાલ

૦૯ આજ રીસાઇ અકારણ રાધા… – સુરેશ દલાલ

૧૦ આંખ્યુંના આંજણમાં – સુરેશ દલાલ

૧૧ ઇટ્ટા કિટ્ટા… – સુરેશ દલાલ

૧૨ અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા – સુરેશ દલાલ

૧૩ મોરપિચ્છની રજાઈ ઓઢી – સુરેશ દલાલ