Category Archives: શ્યામલ મુન્શી

શૂન્યતાની સાંકળો – નયન દેસાઈ

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

આરજૂના કાટખૂણે જિંદગી તૂટી પડે –
ને પછી એ મોતનાં બિંદુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

– નયન દેસાઈ

સૂના ઘરમાં ખાલી-ખાલી – નયન દેસાઈ

સૂના ઘરમાં ખાલી-ખાલી માળ-મેડિયું ફરશે,
તમે જશો, ને ઉંબર ઉપર ઘર ઢગલો થઈને પડશે.

પછી પછિતેથી હોંકારાનો સૂરજ ઉગશે નહિં,
અને ઓસરીમાં કલરવનાં પારેવા, ઉડશે નહિં.
સમી સાંજનો તુલસી-ક્યારો, ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડશે. – તમે જશો, ને ઉંબર ઉપર..

ખળી, ઝાંપલી, વાવ, કૂવોને, પગદંડી, ખેતર, શેઢા,
બધા તમારા સ્પર્શ વિનાના પડી રહેશે રેઢા.
તમે હતાનું ઝાકળ પહેરી, પડછાયાઓ ફરશે. – તમે જશો, ને ઉંબર ઉપર..

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ? – ઉદ્દયન ઠક્કર (Web Sangoshti with Shyamal Saumil)

વર્ષોથી ટહુકો પર ગૂંજતી આ ગઝલ – આજે એક વધારાના બોનસ સાથે ફરી એકવાર… સ્વરકારો પાસેથી આ સ્વરાંકન વિષેની મઝાની વાતચીત સાથે…!!

આખી ગઝલ નીચે સાંભળો, અને સાથે ગઝલમાં આવતા ‘ગપોડી’ ચંદ્રની વાત પણ વાંચો!

**************
Posted on August 6, 2010

થોડા દિવસ પહેલા લયસ્તરો પર લટાર મારતા મારતા આ ગઝલ પર પહોંચી – અને એક મઝેદાર વાત વાંચવા મળી – તો મને થયું ચલો, તમારી સાથે આ ગઝલ અને એ વાત વહેંચી લઉં – એ પણ શ્યામલ-સૌમિલના સ્વરાંકનના બોનસ સાથે 🙂

ધવલભાઇએ લયસ્તરો પર આ ગઝલ સાથે એના ચંદ્રવાળા શેર માટે કંઇક આવી note મૂકી’તી – “ચંદ્ર તો ગપોડી છે – એ શેર મનને ગમી જાય એવો શેર છે પણ એનો બૃહદ અર્થ મને સમજાતો નથી.”

આ વાત તો કવિ શ્રી ઉદ્દયનભાઇએ કંઇક આવો જવાબ આપ્યો :
The moon makes a false claim that the world is silvery. Walter de la Mare says,
`Slowly,silently,now the moon
Walks the night on her silver shoon
This way and that she peers and sees
Silver fruit upon silver trees!`

સ્વર-સંગીત : શ્યામલ-સૌમિલ મુનશી

.

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?

તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.

સમસ્ત સૃષ્ટિ રજત બન્યાનો દાવો છે,
હું નથી માનતો; આ ચંદ્ર તો ગપોડી છે !

ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે:
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ?

– ઉદ્દયન ઠક્કર

અમદાવાદની ઉત્તરાણ -શ્યામલ મુનશી

સંગીતઃ શ્યામલ સૌમિલ
કવિ: શ્યામલ મુનશી

.

અમદાવાદની ઉત્તરાણ..
આકાશી મેદાને પતંગદોરીનું રમખાણ..
હે… અમદાવાદની ઉત્તરાણ..

કોઈ અગરબત્તીથી કાણા પાડી કિન્યા બાંધે
કોઈ ફાટેલી ફૂત્તિઓને ગુંદરપટ્ટીથી સાંધે..
કોઈ લાવે કોઈ ચગાવે કોઈ છૂટ અપાવે..
કોઈ ખેચે કોઈ ઢીલ લગાવે કોઈ પતંગ લપટાવે..
સૌને જુદી મસ્તી, જુદી ફાવટ, જુદી જાણ…
હે.. અમદાવાદની ઉત્તરાણ

રંગ રંગના પતંગનું આકાશે જામે જંગ..
કોઈ તંગ કોઈ દંગ કોઈ ઉડાડે ઉમંગ..
પેચ લેવા માટે કરતુ કોઈ કાયમ પહેલ..
ખેલે રસાકસીનો ખેલ કોઈને લેવી ગમતી સેર..
ખુશી ને ખુમારી વચ્ચે રંગીલું ગમસાન..
હે.. અમદાવાદની ઉત્તરાણ..

સૂરજની ગરમીથી સૌના ચહેરા બનતા રાતા..
ઠમકે ઠમકે હાથ જલાતા સઘળા પરસેવાથી ન્હાતા..
કોઈ ટોપી, કોઈ ટોટી પહેરે કાળા ચશ્માં..
કોઈ ઢઢઢો મચડી નમન બાંધી પતંગ રાખે વશમાં..
ગીસરકાતી વેળા આંગળીઓના લોહી લુહાણ..
હે.. અમદાવાદની ઉત્તરાણ..

નથી ઘણાયે ઘેર સૌને વ્હાલું આજે શહેર..
ગમે છે પોળના ગીચોગીચ છાપરે કરવી ગમે છે લીલાલ્હેર ..
વર્ષો પહેલા ભારે હૈયે છોડ્યું અમદાવાદ એમને ઘર ની આવે યાદ ..
પોળનું જીવન પાડે સાદ ..
પરદેશી ધરતીને દેશી આભનું ખેચાણ ..
હે.. અમદાવાદની ઉત્તરાણ..
– શ્યામલ મુનશી

ઝાઝાં હાથ રળિયામણા (The cup song) -શ્યામલ મુનશી

સંગીતઃ શ્યામલ સૌમિલ
સ્વરાંકનઃ શ્યામલ મુનશી
કવિ: શ્યામલ મુનશી

.

એક થી બે ભલા, બાર ભલા ચારથી,
સાથ ને સંગાથથી, સંપ ને સહકારથી,
ઓછા અશક્ત પણ, બનતા બળીયા ઘણા.
ઝાઝા હાથ રળિયામણા, ઝાઝા હાથ રળિયામણા

આકરો જ્યાં આઘાત હોય, પ્રચંડ જ્યાં ઝંઝાવાત હોય,
સંગઠિત શક્તિ જ ત્યાં, સંઘની તાકાત હોય,
વિરાટને પણ જંગમાં હંફાવતા મળી વામણા,
ઝાઝા હાથ રળિયામણા, ઝાઝા હાથ રળિયામણા.

– શ્યામલ મુનશી

અંદર તો એવું અજવાળું – માધવ રામાનુજ

સ્વર : શુભા જોષી
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
આલ્બમ : હસ્તાક્ષર-માધવ રામાનૂજ

અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….

ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……

સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…….

– માધવ રામાનુજ

બા પેલા બાગમાં દોડી દોડી જાઉં….

સ્વર – અમી
સંગીત – શ્યામલ સૌમિલ મુન્શી
આલ્બમ – મેઘધનુશ

બા પેલા બાગમાં દોડી દોડી જાઉં (૨)
નાના છોડવાને પાણી પાઉં પાઉં પાઉં

આંબાની ડાળે ટહુકે કોયલડી (૨)
કોયલની સાથી ગાઉં ગાઉં ગાઉં

વડલાની ડાળે બાંધ્યો છે હિંચકો (૨)
હિંચકે હિંચકા ખાઉં ખાઉં ખાઉં

છોડવે છોડવે ઊડે પતંગિયા (૨)
હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં

હરિયાળી બાગમાં નાચે છે મોરલો (૨)
મોરલો બોલે મેં આઉં આઉં આઉં

હું તો લજામણીની ડાળી – તુષાર શુક્લ

સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ
સ્વરાંકન : શ્યામલ-સૌમિલ મુન્શી

ઓ મારા મન ઉપવનના માળી હું તો લજામણીની ડાળી.

મહિયરમાં મસ્તીમાં ઝૂમી મનગમતું મરજીથી ઘૂમી;
વગર ઓઢણે શેરી પાદર પવન પજવતો ચૂમી ચૂમી;
આજ હવે અણજાણ્યે આંગણ પ્રીત બની ગઈ પાળી.

મહિયરની માટીમાં મ્હોરી, શ્રાવણ ભીંજીમ, ફાગણ ફોરી;
કૈંક ટહુકતાં સ્મરણો ભીતર, ચૂનરી છોને કોરી કોરી;
સપનાં જેવી જિંદગી જાતે ગાળી અને ઓગાળી.

એક ક્યારેથી બીજે ક્યારે રોપાવું ને ઊગવું મારે;
મહિયરની માટી સંગાથે આવી છું હું આંગણ તારે;
સ્નેહથી લે સંભાળી સાજન વ્હાલથી લે જે વાળી.

– તુષાર શુક્લ

ઢીંગલી મારી બોલતી નથી…

આજે આ મઝાનું બાળગીત સાંભળીએ..!! ઢીંગલી અને બાળકની દુનિયા પણ કેટલી અનોખી હોય છે? જેમ મમ્મી પપ્પા દીકરીની કાળજી રાખે, એમ દીકરી ઢીંગલીની કાળજી રાખે..! અને એક દિવસ જ્યારે વિચાર આવે, અરે! આ મારી ઢીંગલી તો ખાતી-પીતી નથી.. હું મમ્મી પપ્પા સાથે તો કેટલી વાતો કરું, પણ આ મારી ઢીંગલી મારી સાથે બોલતી પણ નથી..! પછી? ચિંતા તો થાય જ ને…! 🙂

સ્વર – ?
સંગીત – શ્યામલ-સૌમિલ મુન્શી

અને થોડા વખત પહેલા ‘ડગલો’ના દિવાળી કાર્યક્રમમાં એક મઝાની ઢીંગલીએ આ બાળગીત રજૂ કર્યું હતું. અને મને ખાત્રી છે, અમારા ડગલોના હવે પછીના કાર્યક્રમોમાં આર્યહીને વારંવાર સાંભળવાનો મોકો મળતો રહેશે..! તો તમે પણ માણો આર્યહીની આ મઝાની પ્રસ્તુતિ..!!

સ્વર – આર્યહી વૈદ્ય

 

ખાતી નથી પીતી નથી , ઢીંગલી મારી બોલતી નથી.
બોલ મમ્મી બોલ એને કેમ બોલાવુ, કેમ બોલાવુ
ખાતી નથી પીતી નથી , ઢીંગલી મારી બોલતી નથી.

ડોલ મા બેસાડી એને નવડાવુ,
ચંપા ના ફૂલની વેણી ગુંથાવું. (2)
તો પણ આ ઢીંગલી મારી બોલતી નથી, બોલતી નથી.
ખાતી નથી પીતી નથી , ઢીંગલી મારી બોલતી નથી.

ઘંટી ને ઘુઘરો આપુ છું રમવા
સોનાના પાટલે બેસાડુ જમવા, (2)
તો પણ આ ઢીંગલી મારી ખાતી રે નથી, ખાતી રે નથી.
ખાતી નથી પીતી નથી , ઢીંગલી મારી બોલતી નથી.

ચાંદામામા તો આકાશે રમતા,
બાબાગાડીમાં ઢીંગલી બેન ફરતા, (2)
મારે પણ ઢીંગલી સાથે બોલવું નથી, બોલવું નથી
બોલવું નથી.. બોલવું નથી.. બોલવું નથી..
હ્મ્મ……હ્મ્મ…….., હ્મ્મ……હ્મ્મ……..
લા …..લા…… , લા …..લા……

આપો વીઝા રે – રઇશ મણિયાર

આજે ફરી એકવાર – રેડ રાસ (૩) માંથી આ માર્મિક ગીત..! કેટલાય ગુજરાતીઓની લાગણીઓને અહીં રઇશભાઇએ અક્ષરસ: વાચા આપી છે..!! 🙂

સ્વર : અમન લેખડિયા
સ્વરાંકન : શ્યામલ – સૌમિલ મુનશી

આપો વિઝા રે...

રોટલો માંગે, કોઈ જગતમાં, કોઈ તો વળી, માંગે પીઝા રે
ગુજરાતી કે’, વેઠ કરીને, પેટ ભરીશું, આપો વીઝા રે

શક્તિથી હું, ભક્તિ કરું, માત ક્યારે, કળશ ઢોળે રે
એક દિવસ તો, જઈને પડું, હું લીબર્ટી-માના ખોળે રે
કેમ અમે રે આહીં પડ્યા, જઈ મહાસુખ માણે બીજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

જર્સીના, ચોકમાં જોને, કેટલા બધા, પંખી ચણે રે
મા..માનું ઘર, કેટલે હજુ, દીવા બળે જો ને પણે રે
ઓલ્યા ઓબામા, મારા રે મામા, ઊંચકી લે! થઈ પગમાં ઈજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

મંગલ ફાઈલ, ખોલો દયામય, ખોલો ને વા’લા, જલદી ખોલો રે
હું ઘૂસું ને, મારી પાછળ, ખાનદાન આખું, કરે ફોલો રે!
ભાઈભત્રીજા, સાસુ સસરા, સાળા સાઢુ, બેન ને જીજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

– રઇશ મણિયાર