Category Archives: હંસા દવે

ચકરાવો લેતા કોઇ પંખીની જેમ મને – સુરેશ દલાલ

સ્વર : હંસા દવે , પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

ચકરાવો લેતા કોઇ પંખીની જેમ મને
વીટેં છે યાદ એક તારી
તારી આ કેવી મને લગની કે મારી અહીં
એકે પળ હોય નઇ કુંવારી

સોનાનું ગીત લઇ મહેંકે સવારભર
બપ્પોરે ઉગે તારી છાયા
સાંજને સમે હું તારી સંગાથે ચાલું
એના અંધારે પગલાં પરઘાયા

મળવાને ચોગમ છે ખુલ્લા દ્વાર
અને ઉઘડી છે એક એક બારી
તારી આ કેવી મુને લગની કે મારી અહીં
એક પળ હોય નઇ કુંવારી

પીળચટ્ટા ફૂલ લઇ લહેરાતું વૃક્ષ
લીલા પર્ણોમાં મોરલાની કેંકા.. કેંકા.. કેંકા..
ડાળીની વચ્ચે આ ઉજળા આકાશે
તારા ચહેરાની છલકાતી રેખા

વાણીની ઝાંય મહીં —–
શમણાઓ ઉમટે અલગારી
તારી આ કેવી મુને લગની કે મારી અહીં
એક પળ હોય નઇ કુંવારી

ઊંચી મેડી તે મારા સંતની રે – નરસિંહ મહેતા

સૌને મારા અને અમિત તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. સૌને દિવાળીના ફટાકડા, રંગોળી, મઠિયા, ચોળાફળી, ઘૂઘરા, ચેવડો, અને ભરપૂર મિઠાઇઓ સાથે દિવાઓ ભરી દિવાળી મુબારક..!!

સ્વર : હંસા દવે
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ…

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે….

– નરસિંહ મહેતા

જન્મોજનમની આપણી સગાઇ – મેઘબિંદુ

ટહુકો પર પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલું આ ગીત, આજે સ્વર – સંગીત સાથે ફરી એકવાર….

સ્વર : હંસા દવે

સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

butterfly
(ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને……….)

.

સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:
આલબમ:તારાં નામમાં

.

જન્મોજનમની આપણી સગાઇ,
હવે શોધે છે સમજણની કેડી
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે
હવે આપણે સજાવેલી મેડી.

બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
કરતું રહ્યું છે આ મન
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી.

રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી
ખીલેલો લાગે આ બાગ,
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો, પણ
ખરી પડ્યો એનોય રાગ
ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને !
તારી સુગંધને ક્યાં વેરી?

મારી કાચી કાયા કેરા કુંભે – રવિ ઉપાધ્યાય

ગાયિકા : હંસા દવે
સંગીતકાર: દક્ષેશ ધ્રુવ

મારી કાચી કાયા કેરા કુંભે, જનનીએ પ્રગટાવ્યું રે…..
મારા કાળજડાનું કોડિયું….

મારા અંધ હ્રદયનું બંધ બારણું, અંબાએ ઊઘાડ્યું રે
માયાનું બંધન તોડિયું….. મારી

ભવના ઘાટે, કંટક વાટે,
ડગ ભરતો ને ઠોકર વાગે;
શ્રધ્ધા શક્તિમાં જ ધરીને,
દિવ્ય આશના શ્વાસ ભરીને…

ઝુકાવ્યું મેં સાગરમાં ત્યાં, માએ પાર ઊતાર્યું રે….
મારું ડગમગ કરતું હોડિયું ….. મારી

તિમિર ભરેલી દશે દિશામાં,
પંથ ન સૂજે ઘોર નિશામાં;
જનમ મરણના ઝંઝાવાતે,
જાપ જપ્યા માના દિનરાતે;

ઘોર તિમિર ઘનઘટા ગઇ ને જનનીએ ઝબકાવ્યું રે…..
મારાં નવજીવનનું પરોઢિયું……. મારી

– રવિ ઉપાધ્યાય
———————————-
સ્વ. નંદલાલ ભૂતા ટ્ર્સ્ટ દ્વારા બાહર પાડેલ ગરબાની અને ‘ચંડીપાઠ’ની કેસેટ હે મા ત્વમેવ સર્મમમાં સમાવિષ્ટ. નવરાત્રિ નિર્ઝરિણી અને ઉરના સૂર પુસ્તકમાં પ્રકાશિત

મને રૂપાની ઝાંઝરી ઘડાવ…

વ્હાલમને વરણાગી કહેતી આ ગીતની નાયિકાને તમે શું કહેશો? (એની ફરમાઇશોનું આખું list વાંચ્યા પછી નક્કી કરજો 🙂 )

કવિ : ???
સ્વર – હંસા દવે
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય

.

મને રૂપાની ઝાંઝરી ઘડાવ,
ઓ વ્હાલમ વરણાગી
એને મીનાકારીથી મઢાવ,
ઓ વ્હાલમ વરણાગી

આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે
ઘાઘરાની કોરમાં મોરલો ચીતરાવી દે
હે મારા કમખામાં ભાત્યું પડાવ,
ઓ વ્હાલમ વરણાગી

મને રૂપાની ઝાંઝરી ઘડાવ,
ઓ વ્હાલમ વરણાગી

ઝીણીઝીણી પાંદડી નથણી ઘડાવી દે
ગુંથેલા કેશમાં દામણી સજાવી દે
હે મારા ડોકની હાસરી બનાવ,
ઓ વ્હાલમ વરણાગી

મને રૂપાની ઝાંઝરી ઘડાવ,
ઓ વ્હાલમ વરણાગી

સોના ઇંઢોણી ત્રાંબા ગરબો કોરાવી દે
ગરબામાં મમતાથી દીવડા પ્રગટાવી દે
હે ઢૉલ —– શરણાઇ મંગાવ,
ઓ વ્હાલમ વરણાગી…

તારે રે દરબાર! – ભાસ્કર વોરા

સ્વર : હંસા દવે
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

તારે રે દરબાર મેઘારાણા!
કોણ રે છેડે ઓલા ગેબી વીણાના તાર?

વીજ નાચે એનું નવલું રે નર્તન, રૂપરૂપનો અંબાર;
વાદળીઓના રમ્ય તારે ઝાંઝરનો ઝણકાર!…તારે રે દરબાર!

સાગરસીમાડે કો’ ગાતું રાગ મેઘ મલ્હાર;
પૂછે પ્રકૃતિ કઈ દિશામાં સંતાડ્યા શૃંગાર? શ્રાવણના શૃંગાર!….તારે રે દરબાર!

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ – હરીન્દ્ર દવે

એકવાર સાંભળો અને તરત જ ગમી જાય, અને પછી વારંવાર બસ સાંભળ્યા જ કરવાનું મન થાય એવી સુંદર ગઝલ.

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે

.

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ.

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.

મુને અંધારા બોલાવે, મુને અજવાળા બોલાવે..

સ્વર : હંસા દવે

.

મુને અંધારા બોલાવે
મુને
અજવાળા બોલાવે

હું વનવગડામા પેઠી છું
હું લાગણીઓથી હેઠી છુ
હું બેરી થઇને બેઠી છુ
મને લાજશરમ લલચાવે…

મુને અંધારા બોલાવે
મુને
અજવાળા બોલાવે

આ રાત હ્રદયમા થાકી છે
આ પ્રીતની પાની પાકી છે
આ સુખ ને દુખ પણ બાકી છે
મને સપનાઓ સળગાવે…

મુને અંધારા બોલાવે
મુને
અજવાળા બોલાવે

આ લીલાવનને માંડવડે
આ પાનેતરને પાલવડે
આ જીવરતર સઘળે મારગડે
મને હૉંશ વિના હરખાવે…

મુને અંધારા બોલાવે
મુને
અજવાળા બોલાવે

——————————-

( ફરમાઇશ કરનાર મિત્ર : કૌમુદી પંડ્યા, જિતેન્દ્ર રાઠોડ )

તમે મારાં દેવનાં દીધેલ છો

ટહુકોના એક મિત્રના શબ્દોમાં આ ગીતનો આસ્વાદ :

સ્ત્રીની સમર્પણ અને મમતાની લાગણી અભિવ્યક્ત કરતું આ સુંદર લોકગીત છે. કોડભરી કન્યા ગૌરીવ્રતમાં મહાદેવજી પાસે પોતાને મનગમતો વર માંગે છે અને મહાદેવજી પ્રસન્ન થાય છે ત્યારે એ અણમોલ રતન કન્યાને મળે છે. કન્યા એને ‘દેવના દીધેલ’ માની સમર્પિત થઇ જાય છે ત્યારે કન્યાને કોઇ મહેલ કે ઘરેણાં કે નાણાં નથી જોઇતા. કન્યા માટે તો એનો સાંવરિયો બથમાં એને લઇ લે તે જ ઘર, સાંવરિયાનું નામ એ જ એનું નાણું અને પોતાના હૈયાના દરબારમાં સાંવરિયાનું નામરટણ એ જ એનું ઘરેણું.

દેવના દીધેલ સમો પતિ મળ્યા પછી એને કોડ જાગે છે કે એના પતિ જેવો જ એક નાનકડો જીવ એની કૂખે અવતરે ! અને કન્યામાંથી માતા બનવા ઝંખતી સ્ત્રી પાર્વતીમાને રીઝવે છે ત્યારે ફરીથી એને દેવનો દીધેલ એવો પુત્ર મળે છે. આવા દેવના દીધેલ એવા બે બે રતન જેની પાસે હોય તે સ્ત્રી કોઇ એક ગ્રીષ્મની રાતે લીમડા નીચે ઢાળેલા ખાટલામાં એક દ્રશ્ય જુએ છે – એનો પુત્ર એના પતિની વિશાળ છાતી પર આડો પડ્યો છે અને પુત્રના વાંકડિયા વાળમાં હાથ ફેરવતાં ફેરવતાં પતિ પુત્રને લવકુશની પરાક્રમી વાતો કહેતો હોય છે. ત્યારે સ્ત્રીને લાગે છે કે એની પાસે સર્વસ્વ છે.

– અને આવા ટાણે સર્જાય છે આ સુંદર લોકગીત. ગીતના શબ્દો સાંભળીશું ત્યારે સમજાશે કે મહાદેવજી પ્રથમ પ્રસન્ન થાય છે ત્યારે સ્ત્રી કહે છે ‘આવ્યા તમે અણમોલ’ – આ અભિવ્યક્તિ એના મનગમતા પતિ માટે હોઇ શકે. પછીથી સ્ત્રી કહે છે કે ‘પારવતી પ્રસન્ન થયા ત્યારે આપ્યો હૈયાનો હાર’ – આ અભિવ્યક્તિ એના લાડલા દીકરા માટે હોઇ શકે. એવો દીકરો કે જેને માતા હંમેશા હૈયે ચાંપીને રાખતી હોય એ હૈયાનો હાર ના કહેવાય તો બીજું શું ? એ સ્ત્રી માટે પતિ અને પુત્ર બંને દેવનાં દીધેલ છે, નગદ નાણું છે, ફૂલ વસાણું છે. આ ગીત ગાઇને સ્ત્રી પોતાના બંને દેવના દીધેલને વ્હાલથી સૂવાડે છે.

હંસા દવેએ ગાયેલા ગીતમાં શરૂઆતના બે અંતરા છે. લોકગીત હોઇ એમાં variations હોવાનો સંભવ છે. બાકીના શબ્દોમાં બાળકના લગ્ન, એની ફોઇ (ફૈ) નો પણ નિર્દેશ છે.
સ્વર : હંસા દવે

tame mara dev na

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં પલક વ્યાસના અવાજમાં ગવાયેલ ગીત :

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;
મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !

તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ,
પારવતી પરસન થિયાં ત્યારે આપ્યો હૈયાનો હાર. – તમે…..

હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે…..

ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ;
પાનસોપારી ખાઇ ગઇ, કંકોતરીમાંથી રૈ. – તમે…..

ભાવનગર ને વરતેજ વચ્ચે રે’ બાળુડાની ફૈ ;
બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ
બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ. – તમે…..
( આભાર : અમીઝરણું )

મારી ગાગર ઉતારો તો જાણું ! – સુરેશ દલાલ

ઘણા દિવસો પહેલા મોરપિચ્છ પર મુકેલુ આ ગીત, આજે સંગીત સાથે ફરીથી રજુ કરું છું.

સ્વર : હંસા દવે , સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !
હું તો ઘરે ઘરે જઇને વખાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !

આખો દી વાંસળીને હાથમાં રમાડો કહાન !
એમાં શા હોય ઝાઝા વેતા ?
કાંટાળી કેડી પર ગાગર લઇને અમે
આવતાં, જતાં ને સ્મિત દેતાં.

હું તો વ્હેતી જમુનાને અહીં આણું :
મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !

ડચકારા દઇ દઇને ગાયો ચરાવવી
ને છાંય મહીં ખાઇ લેવો પોરો;
ચપટીમાં આવું તો કામ કરી નાખે
અહીં નાનકડો ગોકુળનો છોરો.

ફરી ફરી નહીં આવે ટાણું :
મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !

———————-

ફરમાઇશ કરનાર મિત્રો : ઊર્મિ, જય અંકલ