Category Archives: આશિત દેસાઇ

પ્રસંગો પાંદડાના -જવાહર બક્ષી

સ્વર: આશિત દેસાઈ
સંગીતઃ આશિત દેસાઈ
આલ્બમ: ગઝલ રુહાની

.

પ્રસંગો પાંદડાના ઢગમાં બાળતા રહીએ.
પરિસ્થિતિનાં ધુમાડાને ઘુંટતા રહીએ.

હવે અવાજનું ઊંડાણ તું ય જાણે છે
તને ગમે તો જરા વાર બોલતા રહીએ.

ફરીથી સ્થિર થઈ જાશે જળ સરોવરનાં
ફરીથી આપણાં પથ્થરને ફેંકતાં રહીએ.

થીજી ગયો છે હવે પ્રેમ પણ અતિતની જેમ
સમય ની જેમ ચલો આપણે જતા રહીએ.

‘ફના’ચાલોને આ પગલાંને મુકવા જવું છે,
જરા ક્ષિતિજ સુધી જઈને આવતા રહીએ
-જવાહર બક્ષી

ફરી ન છૂટવાનું બળ -જવાહર બક્ષી

સ્વર: આશિત દેસાઈ
સંગીતઃ આશિત દેસાઈ
આલ્બમ: ગઝલ રુહાની

.

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઈ,
પ્રસંગ નહીં તો મિલન ના જતા કરે કોઈ.

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે,
તમારી પણ કદી એવી દશા કરે કોઈ.

ક્યાં એની પાસ જવાની થતી નથી ઇચ્છા,
મને ફરીથી જવાની મના કરે કોઈ.

ફના ગુનાહ કર્યા તો કર્યા છે મેં તારા,
મને આ માન્ય નથી કે સજા કરે કોઈ.
– જવાહર બક્ષી

ચાંદામામા આવો ને -એની સરૈયા

સંગીત: આશિત દેસાઈ

.

ચાંદામામા આવો ને
આંગળીએ વળગાડી મુંજને
આભે તેડી જાઓને

ચાંદામામા દેશ તમારે
તારકટોડી ભાળી રે
રાત પડે અંધારી ત્યારે
રાસ રમે દઈ તાળી રે
તારલીયોની સંગે મુજને
રમવાને લઇ જાઓને … ચાંદામામા

ચાંદામામા દેશ તમારે વાદળિયોને ભાળી રે
રાત પડે ત્યારે સંતાકૂકડી
રમે બધીએ રૂપાળીરે
વાદળીયોની સંગે મુજને
રમવાને લઇ જાઓને … ચાંદામામા
– એની સરૈયા

ઘેરો થયો ગુલાલ – જવાહર બક્ષી

સ્વર: આલાપ દેસાઈ
સંગીતઃ આશિત દેસાઈ
આલ્બમ: ગઝલ રુહાની

.

આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો.
બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો.

આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો.
આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો.

જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે.
મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો.

તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ
મારી તરસના તાપથી દરિયો થઇ ગયો.

મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

-જવાહર બક્ષી

ચાલ રમીએ સહિ – નરસિંહ મહેતા

સ્વર – સોલી કાપડિયા, હેમા દેસાઇ
સ્વરાંકન – આશિત દેસાઇ (?)

ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી,
વસંત આવ્યો વનવેલ ફૂલી;
મ્હોરિયા અંબ, કોકિલ લવે કદંબ,
કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી.

પહેર શણગાર ને હાર, ગજગામિની,
ક્યારની કહું છું જે ચાલ ઊઠી;
રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ,
આજ તો લાજની દુહાઈ છૂટી.

હેતે હરિ વશ કરી લ્હાવો લે ઉર ધરી,
કર ગ્રહી કૃષ્ણજી પ્રીતે પળશે;
નરસૈંયો રંગમાં અંગ ઉન્મત થયો,
ખોયેલા દિવસનો ખંગ વળશે.

– નરસિંહ મહેતા

સાચી રે મારી સત રે ભવાની માં

આજે નવરાત્રીના પહેલા દિવસે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે – માણીએ આ ખૂબ જ જાણીતો ગરબો..

સ્વર : હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ
આલ્બમ : આદ્ય શક્તિ

* * * * *

સ્વર : ઉષા મંગેશકર અને વૃંદ​
સંગીત : મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મ : ભાથીજી મહારાજ

* * * * *

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ
નવ નવ રાતના નોરતાં કરીશ મા, પૂજાઓ કરીશ મા
ગરબો રે વિરાટનો ઝીલીશ મૈયા લાલ.

જ્યોતિ મા એક તારી છે જ્યોતિ,
તારા સતનું ચમકે રે મોતી,
શ્રદ્ધાવાળાને તારું મોતી મળે રે મા
માડી રે, મારી ભક્તિ ભવાની મા, રાણી ભવાની મા
હું તો તારા પગલા ચૂમીશ મૈયા લાલ.

તું તરનારની તારણહારી,
દૈત્યોને તે દીધા સંહારી
શક્તિશાળી ને તું તો જનેતા મા
માડી રે, મારી શક્તિ ભવાની મા
ભોળી ભવાની મા, હું તો તારા વારણા લઈશ મૈયા લાલ.

જગ માથે એક માયા રચાવી,
દરશન દે તું સામે રે આવી,
સુના સુના રે મારા મંદિરના ચોકમાં
માડી રે, આવ રમવા ભવાની મા રૂડી રે ભવાની મા
હું તો તારે ગરબે ઘુમીશ મૈયા લાલ

ॐ તત સત શ્રી નારાયણ તું – આચાર્ય વિનોબા ભાવે

સ્વર – આશિત દેસાઇ, હેમા દેસાઇ
આલબ્મ – ભક્તિ સાગર

ॐ તત સત શ્રી નારાયણ તું પુરૂષોત્તમ ગુરૂ તું.
સિધ્ધ બુધ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું.
બ્રહ્મ મઝદ તું, યહવ શકિત તું, ઈસુ પિતા પ્રભુ તું.
રુદ્ર વિષ્ણુ તું, રામકૃષ્ણ તું, રહીમતાઓ તું.
વાસુદેવ ગૌ વિશ્વરુપ તું, ચિદાનંદ હરિ તું.
અદ્રિતીય તું, અકાલ નિર્ભય આત્માલિંગ શિવ તું.
ઓમ તત સત શ્રી નારાયણ તુ પુરૂષોતમ ગુરૂ તું.

– આચાર્ય વિનોબા ભાવે

કોને ખબર ? – રમેશ પારેખ

સ્વર – સંગીત – આશિત દેસાઇ

ઝાડમાંથી શું ગયું કોને ખબર ?....   Dublin, CA
ઝાડમાંથી શું ગયું કોને ખબર ?…. Dublin, CA – December 24, 2012

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

– રમેશ પારેખ

સાંભળ્યું…… – વિનોદ જોશી

સ્વરાંકન : આશિત દેસાઇ
સ્વર : આશિત – હેમા દેસાઇ

ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું ?
રાતભરનો થાક લઈ પાછી વળી, મેં સાંભળ્યું.

આંગળી ખંડેરનો હિસ્સો નથી, તેં સાંભળ્યું ?
છે હવે ગુલમહોરની કળી, મેં સાંભળ્યું.

ટેરવે ઘેઘુર સન્નાટો હતો, તેં સાંભળ્યું ?
દરબદર વાગે હવે ત્યાં વાંસળી, મેં સાંભળ્યું.

છે ઉઝરડા મખમલી આકાશમાં, તેં સાંભળ્યું ?
આ નખોનું નામ હિંસક વીજળી, મેં સાંભળ્યું.

સાવ બરછટ એ બધો વિસ્તાર છે, તેં સાંભળ્યું ?
એટલે જ ત્યાં સ્પર્શની લાશો ઢળી, મેં સાંભળ્યું.

આ અજાણ્યો દેશ માફક આવશે, તેં સાંભળ્યું ?
એક જાણીતી ગલી અહિંયા મળી, મેં સાંભળ્યું.

આપણું મળવું ગઝલ કહેવાય છે, તેં સાંભળ્યું ?
કાફિયા ઓઢી ફગાવી કામળી, મેં સાંભળ્યું.

– વિનોદ જોશી

(શબ્દો માટે આભાર – taramaitrak)

ઓ રેતી બેઠી કેમ અબોલ ? – દિનેશ ઓ. શાહ

આજે કવિ શ્રી ડો. દિનેશ શાહના ૭૫મા (75th) જન્મદિવસે – એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ મઝાનું ગીત..!  Happy Birthday Dinesh Uncle!  Wishing you great time ahead!

ગીતની શરૂઆત થોડું કુતુહલ કરાવે એવી છે. પહેલી પંક્તિ સાંભળીને એવો વિચાર આવે કે રેતી પરનું આ ગીત કવિ ક્યાં લઇ જશે? અને આગળ ગીત સાંભળો, તો કવિની પહોંચને સલામ કરવાનું મન થઇ આવે – કાચશીશીથી લઇ ને સિલિકોન ચીપમાં રહેલી રેતી – અને જીવનમાં વણાઇ ગયેલી રેતી (જે આપણે મોટેભાગે નજરઅંદાજ કરતા હોઇએ છીએ) એ કવિ બખુબી આપણી સામે લઇ આવે છે.

અને હા, ગયા વર્ષે દિનેશઅંકલના જન્મદિવસે જે ગીત મૂક્યું હતું – એ બળદગાડા વાળું ગીત યાદ છે? એ ગીત સાથે જે pop quiz મૂકી’તી – એના જવાબમાં આવેલી comments વાંચવાની ખૂબ જ મઝા આવી’તી! (એના જવાબ હજુ પણ ત્યાં આપી શકો છો!)

તો આજે બીજી pop quiz .. રેતી સાથેનો બીજો કોઇ સંબંધ યાદ હોય કે ન હોય, પણ રેતીના મહેલ નાનપણમાં ઘણાએ બનાવ્યા હશે, એના કોઇ સ્મરણો અમારી સાથે વહેંચશો? ચલો, શરૂઆત હું જ કરું! અમે અતુલ સુવિધા કોલોનીમાં રહેતા, ત્યારે ઘરની સામે જ મોટ્ટું મેદાન. પહેલો વરસાદ પડે ત્યારે એ મેદાનમાં મન ભરીને નાહવાનું! અને મોટેભાગે જે રેતીના મહેલ દરિયા કિનારે બનાવાતા, એવા રેતીના મહેલ પહેલા વરસાદથી ભીની થયેલી માટી – રેતી માંથી બનાવતા..!!

સ્વર – હેમા દેસાઇ
સ્વરાંકન – આશિત દેસાઇ

યુગ યુગથી તું ધીરજ ધરીને , બેઠી કેમ અબોલ રેતી બેઠી કેમ અબોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ ……..

કણ કણમાં ઈતિહાસ ભર્યો તુજ, યુગ યુગથી સૌ જોતી
ગગને જયારે કોઈ ન ઊડતું , ત્યારે ઊડી તું રેતી …..
અખૂટ આ ભંડાર છે તારો , કિમત કશું નાં લેતી
કહેતા આ સૌ સસ્તી રેતી, મુજ મન તું અણમોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ ……

જીવન તણી આ કાચ શીશીમાં , સમયની સરતી રેતી
અંતરમાં સમાવી દીધાં અગણિત છીપલાં મોતી
ખારા નીરમાં પ્રેમે તરતાં શીરે ભરતાં સૌ રેતી
ગોદમાં તુજ આ માનવ રમતાં આનંદે કિલ્લોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ …..

કાચ બની તું કંગન થઇ કોઈ ગોરી હાથે ઝૂલતી
સૈનિક આગળ રણ મેદાને બંદૂક ગોળી ઝીલતી
રાજમહેલ કે રંક તણા ઘર પાયા ભીંતો ચણતી
પાળની પાછળ રહીને મારી વહેતા પુરને ધોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ

વણઝારાની સાથી બનીને ભોમ ભોમમાં ભમતી
સિલીકન ચીપ બનીને આજે અવકાશે તું ઊડતી
ઝાંઝવાના નીર થઈને રણ વંટોળે ચડતી
તેલ ફુવારા રણમાં ફૂટતાં , અજબ છે એના મોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ …

– ડૉ. દિનેશ ઓ શાહ (ગેઇન્સવિલ, ફ્લોરીડા, યુ એસ એ)