Category Archives: ન્હાનાલાલ કવિ

સ્નેહીનાં સોણલા આવે સાહેલડી ! – ન્હાનાલાલ કવિ

(ઉરના એકાન્ત મારા…  Photo from Flickr)

* * * * * * *

સ્નેહીનાં સોણલા આવે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે :
હૈયાનાં હેત તો સતાવે, સાહેલડી !
આશાની વેલ મારી ઊગી ઢળે.

ચડ્યું પૂર મધરાતનું, ગાજે ભર સૂનકાર :
ચમકે ચપળા આભમાં,
એવા એવા છે પ્રિયના ચમકાર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.

ઝરમર ઝરમર મેહુલો વરસે આછે નીર :
ઊને આંસુ નયનો ભીંજે,
એવાં એવાં ભીંજે મારા ચીર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.

અવની ભરી, વન વન ભરી, ઘુમે ગાઢ અંધાર,
ઝબકે મહીં ધૂણી જોગીની,
એવા એવા છે પ્રિયના ઝબકાર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.

ઝીણી જ્યોતે ઝળહળે પ્રિયનો દીપક લગીર :
પડે પતંગ, મહીં જલે,
એવી એવી આત્માની અધીર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.

ખૂંચે ફૂલની પાંદડી, ખૂંચે ચંદ્રની ધાર :
સ્નેહીનાં સંભારણા
એવાં એવાં ખૂંચે દિલ મોઝાર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.

– ન્હાનાલાલ કવિ

ઝીણા ઝરમર વરસે મેહ – ન્હાનાલાલ કવિ

સ્વર : નિશા ઉપાધ્યાય ; સંગીત : રિષભ Group

.

ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચૂંદલડી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચૂંદલડી.

આજે ઝમે ને ઝરે ચન્દ્રની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મારા હૈયાની માલા;
હો! ભીંજે મારી ચૂંદલડી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મારા નાથનાં નેણાં :
હો! ભીંજે મારી ચૂંદલડી.

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ ને
મીઠા મૃદંગ પડછાન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મારા મધુરસચન્દા!
હો! ભીંજે મારી ચૂંદલડી.

————-

રમેશ પુરોહિતના શબ્દોમાં આ કવિતાના આસ્વાદની એક ઝલક.

ગુજરાતી કવિતામાં ભાષાનું લાલિત્ય અને લાવણ્ય સદેહે મૂર્તિમંત થતું ફક્ત ન્હાનાલાલની કવિતામાં જોવા મળે છે.

ગીતની શરૂઆતમાં આષાઢી કે શ્રાવણની હેલીની વાત નથી. આ વાત છે ઝીણા ઝરમરિયા મેહની. ન્હાનાલાલની શબ્દસૂઝ અહીં કામે લાગે છે. ‘ઝીણા’ શબ્દથી સૂક્ષ્મતા પ્રત્યે ઇશારો છે. ઝરમર વરસાદમાં સાતત્યની વાત છે. ધીમે ધીમે એકધારા પડી રહેલા હળવાફૂલ વરસાદને ઝીણો ઝરમર વરસાદ કહી શકાય. મુશળધાર નથી અને સરવડાં પણ નથી. કાવ્યનાયિકા મુગ્ધા છે એ બતાવવા કૌમારના નેહની વાત કરાઇ છે. વાસ્તવમાં મુગ્ધા પોતે ભીતરથી પલળી રહી છે. ભીતરના ભીંજાવાની વાત પર આવરણ ઓઢાડીને કહે છે કે ભીંજે મ્હારી ચૂંદલડી. ભીંજાવાની વાત સહેતુક છે, કુંવારા સ્નેહની વાત છે.

( કવિ પરિચય )

અસત્યો માંહેથી – ન્હાનાલાલ કવિ

ટહુકો પર પહેલા ફક્ત એક જ પંક્તિ સાથે મુકેલી આ પ્રાથના, બીજી 2 સંગીતબધ્ધ પંક્તિઓ સાથે ફરી એક વાર :
લયસ્તરોમાં પ્રસ્તુત “અસત્યો માંહેથી” વાંચીને થયું કે ભલે મારી પાસે આખી પ્રાર્થના mp3 માં નથી, પરંતુ જે થોડી પંક્તિઓ છે, એ પણ તમને સાંભળવી ગમશે.

INDIA

.

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના. 1

સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો. 2

પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે. 3

પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે. 4

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો. 5

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા. 6

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી. 7

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું. 8
( આભાર : સ્વર્ગારોહણ )