Category Archives: જગદીશ જોષી

આપણે હવે મળવું નથી -જગદીશ જોષી

સ્વર : સોલી કાપડિયા.

ice on mountain

.

વાતને રસ્તે વળવું નથી,
આપણે હવે મળવું નથી…

આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો-છાંયો,
ઊગવું નથી, ઢળવું નથી,
આપણે હવે મળવું નથી…

હોઠથી હવે એક ના હરફ,
આંખમાં હવે જામતો બરફ,
અમથા અમથા ગળવું નથી,
આપણે હવે મળવું નથી…

એક હતી સર્વકાલીન વાર્તા -જગદીશ જોષી

સ્વર : ભુપીન્દર

.

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?

માનો કે હોઠ સહેજ મ્હોરી ઉઠ્યાં ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝુકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

————————–

તમારે પણ જો કંઇક ધારવું હોય અને એના પર કંઇક લખવુ હોય તો સહિયારુ સર્જન પર આમંત્રણ છે. સાથે સાથે વાંચો એક સંકલિત, સાંજ અને જગદીશ જોષી.

(કવિ પરિચય)

સાંજ અને જગદીશ જોષી

saanj

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ ભરી વાંચશું ?

———–

સાંજ પડે ને પંખી વળતાં આભ વીટીં પાંખોમાં
અંધારુ પણ લથડે તારા અભાવની આંખોમાં
ઝૂરી રહેલા સગપણને લઇ દંતકથા વાગોળું
———–

નીલ ગગનનો દરિયો લ્હેરે
વાયરો સોનલ સાંજને ઘેરે
નેણ આ ઝૂકે તારે ચહેરે
———–

તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
– આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઉન્હા ઉજાગરાની પ્યાસ.
———–

તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલ મોકલવાનું મન થાય છે.
અને …. જ્યારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઇ ગયાં હશે –
અત્યારે
તમારા વિનાની
મારી સાંજની જેમ.
———–

ઘેરાતી સાંજના છે તમને સોગંદ
હવે વાદળાંઓ વિખેરી નાખો
પીળચટ્ટી સાંજનું બેડું તૂટ્યું ને
એમાં સૂરજનો નંદવાયો રંગ
———–

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…
———–

શ્રાવણની આ સાંજ તણા અંધારની ઓથે વૈશાખી આકાશ
વલખતું ધીખે
———–

મને આપો એક સાંજ, મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ –
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
તાણીને બાંધેલા કેશ !

 (કવિ પરિચય)

સંબંધોની સાંજ – જગદીશ જોષી

તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
– આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઉન્હા ઉજાગરાની પ્યાસ.

આંખો મીંચાય, પછી શમણું ઊગે –
એ તો નીંદરમાં બાવળની શૂળ;
ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં
વાયદાના ભાંગેલા પુલ :

એવી તે વાવી કઇ જીવતરમાં ભૂલ
કે તમે મળવામાં આટલા ઉદાસ !

ધોધમાર તડકો કંઇ આછો થયો
અને સાંજની હવા તે બહાવરી;
કાળીકાળી વાદળી ખુલ્લા આકાશમાં
વરસી નહીં કે નહીં આછરી

આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ !

Sambandho ni saanj – jagdish joshi

(કવિ પરિચય)

વાતોની કુંજગલી – જગદીશ જોષી

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

lonely

.

વાતે વાતે તને વાંકું પડયું :
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.
શબ્દોને પંથ કોણ કોને નડયું ?
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા :
પણ અડકો તો ભોમ સાવ કોરી :
તારા તે કાન લગી આવી ઢોળાઇ ગઇ
હોઠ સમી અમરત કટોરી.
પંખીની પાંખમહીં પીંછુ રડયું :
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
કે અણધાર્યો તૂટી પડયો સેતુ :
પાસે રહીને મને લાગે છે કેમ હવે
કેટલાય જનમોનું છેટું !
મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડયું :
ને મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

Vate vate tane vanku padyu ne main vaato ni kunj gali chhodi didhi – jagdish joshi

ખોબો ભરીને અમે -જગદીશ જોષી

સ્વર : નિરુપમા શેઠ.

.

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.