Category Archives: મુકુલ ચોકસી

જિન્દગી નામે ગઝલ – મુકુલ ચોક્સી

સ્વપ્ન આવ્યું એક કાંઠાને કદી,
– કે વહી ગઈ દૂ…ર મારાથી નદી.

અશ્રુથી ભરવા મથે છે રાત-દી,
એક માણસ, એક કાણી બાલદી.

વર્ષ કેલેન્ડરમાં, ક્ષણ ઘડિયાળમાં;
તરફડે પંચાગમાં આખી સદી.

જિન્દગી નામે ગઝલ જન્મી શકે;
શ્વાસ ક્ષણ સાથે કરે છે ફિલબદી.

– મુકુલ ચોક્સી

બે’ક હંસો ચાંચ બોળીને ઊડી ચાલ્યા જુઓ – મુકુલ ચોકસી

 

બે’ક હંસો ચાંચ બોળીને ઊડી ચાલ્યા જુઓ,
ને સરોવરમાંથી જળ કેવાં ખૂટી ચાલ્યાં જુઓ.

એક બીજામાં આ પડછાયા ભળી ચાલ્યા જુઓ,
ને આ જીવતાં માણસો અળગાં રહી ચાલ્યાં જુઓ.

જે તૂટે તે લાકડા જેવું ય તરતા રહી શકે,
વહાણ આખેઆખાં તો પળમાં ડૂબી ચાલ્યાં જુઓ.

રાહ જોતા’તા સદીથી એક મહેફિલની અમે,
ને મળી તો આમ અડધેથી ઊઠી ચાલ્યા જુઓ.

કોઇને ગમતા નહોતા તેઓ પણ આજે મુકુલ
અમથું અમથું એક અરીસાને ગમી ચાલ્યા જુઓ.

 

નગરના માનવી છીએ, અમે આ ગામના નથી – મુકુલ ચોક્સી

સ્વર : નુતન સુરતી, અમન લેખડિયા
સંગીત : મેહુલ સુરતી

.

નગરના માનવી છીએ, અમે આ ગામના નથી
હમેશા કામમાં છતાં, કશા એ કામના નથી

અહીં વસંત વ્હાલની, અહીં ખુશી કમાલની
અહીં કદીક પાંગરે છે, મૌસમો ટપાલની

અહીં છે એ બધા કે જેની કોઇ ઝંખના નથી
અહીં છે એવું ભોળપણ, કે જેની નામના નથી

હ્રદયમાં એનું છે સ્મરણ, હવામાં એનું છે રટણ
ભલે મળું હજારને, મને ગમે બસ એક જણ

ભલે નથી નજીક પણ, એ સાવ દૂરના નથી
એ ચાહનાથી છે વધુ, ભલે એ ચાહના નથી

જિંદગીનો આ ટુંકસાર… – મુકુલ ચોક્સી

સ્વર : મેહુલ – નુતન સુરતી
સંગીત : મેહુલ સુરતી

kinaro.jpg

.

જિંદગીનો આ ટુંકસાર છે
ન કિનારો ન મઝધાર છે

જેઓ બીજાનો આધાર છે
તેઓ પોતે નિરાધાર છે

કોઇ જીવે છે ભૂતકાળમાં
કોઇ પળ ભાવીનો ભાર છે

આજ કંઇ પણ નવું ન બન્યું
એ જ મોટા સમાચાર છે

—————

આ ગઝલનો છેલ્લો શેર વાંચી મને ભરતભાઇનો આ શેર ચોક્કસ યાદ આવે

એક દિ’ અખબાર કોરું આવશે
એક દિવસ થઇ જશે કંઈ ના થવું

વેલેન્ટાઇનમાં…. – મુકુલ ચોક્સી

14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન દિવસ હતો એ તો બધાએ પોતાની રીતે મનાવ્યો  હશે…!!  બજારમાં તો જોકે હજુ એ કોઇ કોઇ જગ્યાએ એની અસર દેખાય છે…  ( ચોકલેટ હવે ‘સેલ’ પર આવશે. !! 🙂 )
અરે ચિંતા ના કરો, હું કંઇ ‘વેલેન્ટાઇન ડે’ પર નિંબધ નથી લખી રહી.. પણ આ જ વેલેન્ટાઇન પર આપણા મુકુલભાઇએ એક મસ્ત કટાક્ષ ગીત લખ્યું છે. અને સંગીત આપ્યું છે – મેહુલ સુરતી..

સ્વર : મયંક કાપડિયા
સંગીત : મેહુલ સુરતી

dlval01main.jpg

પ્રેમની પાછળ છે ચોક્કસ એઇમ વેલેન્ટાઇનમાં,
પ્રેમીઓ જબરી રમે છે ગેઇમ વેલેન્ટાઇનમાં
બાકીના ત્રણસોને ચોસઠ દી સખત ઝગડી શકે,
એટલે દર્શાવે અઢળક પ્રેમ વેલેન્ટાઇનમાં.

બંગડી બુટ્ટી, વીંટીં ને ગ્લાસ વેલેન્ટાઇનમાં,
ગીફ્ટ થઇ વેચાય છે ચોપાસ વેલેન્ટાઇનમાં,
પ્રેમમાં કંઇ પણ ચલાવી લે છે લોકો એટલે
આમ વસ્તુઓ ય થઇ ગઇ ખાસ વેલેન્ટાઇનમાં.

પ્રેમ પરના રાખશો જો ટાંચ વેલેન્ટાઇનમાં
સાચ ઉપર આવવાની આંચ વેલેન્ટાઇનમાં
નૃત્ય થઇ જાશે નક્કામો નાચ વેલેન્ટાઇનમાં
એકની પાછળ પડે જો પાંચ વેલેન્ટાઇનમાં.

તારા વિના કશે મન લાગતું નથી – મુકુલ ચોકસી

Once again, Happy Birthday to Dr. Mukul Choksi..!!

સ્વર : રૂપકુમાર રાઠોડ, સાધના સરગમ

.

તારા વિના કશે મન લાગતું નથી
જીવી શકાય એવું જીવન લાગતું નથી

પોતીકા થઇ ગયા હતાં આ વૃક્ષો ને ખેતરો
ને આપણા થયા’તા નદી ને સરોવરો

એમાંનું કોઇ સ્વજન લાગતું નથી.
તારા વિના કશે મન લાગતું નથી

અટકી ગયેલો એકલો ઝૂલો બન્યો છું હું
જાણે પરાયા દેશમાં ભૂલો પડ્યો છું હું

ખુદનું વતન હવે વતન લાગતું નથી
તારા વિના કશે મન લાગતું નથી.

સપનાં ને પાંપણે સજી આંસુથી ધોઇને
બસ આતવા જનમ મહીં મળવાની રાહ જોઇએ

આ જનમમાં હવે આપણું મિલન લાગતું નથી
તારા વિના કશે મન લાગતું નથી
જીવી શકાય એવું જીવન લાગતું નથી

Happy Birthday to Dr. Mukul Choksi

૨૧ મી ડિસેમ્બર..
આપણા વ્હાલા, લાડીલા કવિ શ્રી મુકુલ ચોક્સીનો જન્મદિવસ. 

મારા તરફથી, તમારા તરફથી, અને ગુજરાતી કવિતા – ગીત – ગઝલના દરેક ચાહક તરફથી મુકુલભાઇને હાર્દિક શુભેચ્છાઓ..!

મુકુલભાઇની કલમના આશિક તો હું ‘પ્રેમ એટલે કે..’ ગીત સાંભળ્યું ત્યારથી જ થઇ ગઇ..  એમના વિષે કંઇ કહેવું એ તો મારા ગજા બહારની વાત છે, પણ હા…  એટલું જરૂર કહીશ કે – Thank You, મુકુલભાઇ.  તમારી કલમે ગુજરાતી ગઝલ – ગીત જગતને જે આપ્યું છે, એના માટે ખૂબ ખૂબ આભાર.

સાથે… આજે સાંભળીએ મુકુલભાઇની કલમે જન્મેલા – અને મેહુલ સુરતીએ સ્વરબધ્ધ કરેલા થોડા ગીતો.

Enjoy…!!

તમારા રૂપની રેલાય છે મૌસમ… તમારા સમ..!!   

પ્રિયતમ.. મારા પ્રિયતમ..     

પ્રિય પપ્પા હવે તો તમારા વગર…   

તારા વિના નર્મદામાતા…   

ચાલો ફરી પાછા હસતા થઇ જઇએ..   

જુઓ ! ફરી પાછા હસતા થઇ ગયા.. 

 

સમ ખાવા પૂરતી મોસમ – મુકુલ ચોક્સી

season.jpg
તેની આ ચાલ્યા જવાની ધમકીમાં કંઇ દમ નથી,
પ્રેમ પડછાયાને કરવામાં કોઇ જોખમ નથી.

ભીંતમાં બાકોરું કરવા જેટલી જગ્યા નથી;
બસ કરો કે આટલાં કેલેન્ડરો કંઇ કમ નથી.

આમ તો સુંદર પ્રસંગો પણ જીવનમાં કમ નથી,
ગમ ફક્ત એ છે કે એને કોઇ ચોક્કસ ક્રમ નથી.

આ તરફ છે એટલી, કે એને કંઇ સંયમ નથી,
તે તરફ સમ ખાવા પૂરતી પણ કોઇ મોસમ નથી.

एक लडके को देखा तो ऐसा लगा..

તમને થતું હશે કે આ જયશ્રીએ ઉંઘમાં આ ગીતનું શિર્ષક લખ્યું હશે, એટલે एक लडकीको देखा तो ऐसा लगा…. એને બદલે एक लडकेको देखा तो ऐसा लगा.. – કરી નાખ્યું.

અરે ના દોસ્તો, એવું નથી..!! કબૂલ કે હું કોઇક વાર ટાઇપિંગ ભૂલ કરું છું, પણ આ ગીતમાં એવું નથી કર્યું, ‘1942 A Love Story’ નું પેલું એકદમ જાણીતું ગીત – एक लडकीको देखा तो ऐसा लगा…. પરથી બનેલું આ ‘મેહુલ સુરતી – મુકુલ ચોક્સી’ નામના ખજાનાનું જ એક મોતી છે..!!

ચલો.. હું જેટલી વાતો કર્યા કરીશ એટલું તમે ગીત સાંભળવામા મોડુ કરશો… Enjoy…!!

કવિ : મુકુલ ચોક્સી
સ્વર : નુતન સુરતી
સંગીત : મેહુલ સુરતી
rain-in-sahara.jpg

( सहरा में बरखा का मौसम आ गया … )

एक लडके को देखा तो ऐसा लगा..
जैसे भंवरे का रूप, जैसे सर्दीमें धूप
जैसे रेशमी चट्टान, जैसे प्यारकी उडान
जैसे बांहोमें बाग, जैसे पहेलूमें राग
जैसे सहरा में बरखा का मौसम आ गया

एक…

एक लडके को देखा तो ऐसा लगा..
जैसे महेफिलकी जान, जैसे शायरकी शान
जैसे जंगका एलान, जैसे गुंजती अझान
जैसे मीठा झहर, जैसे सुबहकी लहर
जैसे गोरे बदन पे बरसती काली घटा…

दो लफ्झोकी है दिलकी कहानी,
या है मुहोब्बत, या है जवानी !

एक लडके को देखा तो ऐसा लगा..
जैसे प्यारा सा गांव, जैसे झुल्फोंकी छांव
जैसे सपनों का रंग, जैसे वादियोंका संग

जैसे रातमेँ चिराग, जैसे जंगलमें बाग
जैसे धीरे धीरे फैलता हो ख्वाबका धुंवा…

एक लडके को देखा तो ऐसा लगा..

કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ – મુકુલ ચોક્સી

garden.jpg

આપણી અંદર મરી પરવારી ગયેલા કોઇએ,
બાગમાં પથ્થર બનીને જન્મ લેવો જોઇએ.

સ્વપ્નના ફાનસના અજવાળામાં જેને જોઇએ,
ખુલ્લી આંખોના આ અંધાપામાં તેને ખોઇએ.

ચાલુ ટ્રેને બારી પાસે બેસવાની વાતમાં,
બારીમાંથી કૂદવા જેવું ઝગડતા હોઇએ.

આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ ?
ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઇએ !

પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ.

ખાઇ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત !
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઇએ.

———

વિવેકભાઇએ લયસ્તરો પર જ્યારે ગુજરાતી ગઝલમાં “કાવ્યસર્જનની પ્રક્રિયા- ૧” પોસ્ટ મૂકી હતી, ત્યારે શરૂઆત જ આ ગઝલના છેલ્લા શેરથી કરી હતી. આખી પોસ્ટ તમે પહેલા વાંચી હોય તો પણ એને ફરીથી એકવાર વાંચવાનો મોકો ચૂકવા જેવો નથી, એવું સરસ સંકલન કર્યું છે એમણે…