Category Archives: ટહુકો

તમે મળતા નથી ને – ભાગ્યેશ જહા

સ્વર : ભૂમિક શાહ
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

તમે મળતા નથી ને છતાં લાગે કે આપણે કેટલું મળ્યાં !
સાંજના ઢળતાં નથી ને છતાં લાગે કે તે તો કેટલું ઢળ્યા !

સાંજે મળો કે પછી ના પણ મળો છતાં
વૃક્ષની લીલાશ કંઈક બોલતી,
મૌન બની પોઢેલા રસ્તાને કાંઠે
એક ચકલી ભંડાર જેવું ખોલતી;
વાટે વળ્યાં, કદી ના પણ વળ્યાં, છતાં લાગે કે આપણે કેટલું વળ્યાં !

સાગર હરખાય ત્યારે મોજાં પછડાય
તેમાં બુદ્દબુદને કેમ કરી વીણવાં ?
ઝાકળ પર પોઢેલા ક્ષણના કોઈ કિલ્લાને
લાગણીથી કેમ કરી છીણવા ?
શાશ્વતના ભારથી કેટલા જુદા છતાં લાગે કે આપણે કેટલું ભળ્યાં !

– ભાગ્યેશ જહા

સાંયા, એકલું એકલું લાગે – હરિશ્ચન્દ્ર જોશી

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

સાંયા, એકલું એકલું લાગે.
દૂરને મારગ જઈ વળે મન ,
સૂનકારા બહુ વાગે …

સાદ પાડું તો પડઘાતી હું અંદર અંદર તૂટું,
જીવ ઘોળાતો જાય ને પછી ડૂસકે ડૂસકે ખૂટું;
ઝૂરવું મ્હોર્યા ફાગે …

રોજ ઊગે ને આથમે મારા લોહીમાં સૂરજ સાત,
આઠમી હુંયે આથમું મૂકી છાતીએ વેરણ રાત;
આંખ સોરાતી જાગે …

એકલી હું ને દીવડો ગોખે, ખૂટવા બકી હોડ,
ઢૂંકતો અરવ પગલે અંધાર ટૂંપવા મારા કોડ,
કેટલું હજીય તાગે?

– હરિશ્વંદ્ર જોશી

કોઈ રે ઉતારો મારો અંચળો – દલપત પઢિયાર

સ્વર : ઓસમાણ મીર
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

કોઈ રે ઉતારો મારો અંચળો,
અમે અમારાં ઓઢેલાં અંધાર રે ! કોઈ રે …

ઢાંકેલી માટીનાં બીજ બધાં બાવરાં,
એનાં મૂળ રે ભીતર મોજાં બા’ર રે ! કોઈ રે…

નિત રે સજું ને નિત નિત સંચરું,
અમને આઘે વાગે અમારા ભણકાર રે ! કોઈ રે …

કેમ રે સંકેલું કેમ કરી ઊકલું,
અમે અમારાં ભીડેલાં ભોગળદ્વાર રે ! કોઈ રે …

ભીતર ભેદો ને છેદો મારો છાંયડો,
અમને અમારા ઓળખાવો અપરંપાર રે ! કોઈ રે …

– દલપત પઢિયાર

કૈંક એ રીતે હ્ર્દયને – હર્ષ બ્રહ્મભટ્ટ

સ્વર : અમર ભટ્ટ
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

કૈંક એ રીતે હ્ર્દયને લાગણી ભારે પડી,
એક દીવાને સ્વયંની રોશની ભારે પડી,

આપનારાને હજારો હાથ છે, ભૂલી ગયો,
જેટલી જે કૈં કરી એ માગણી ભારે પડી;

મૌન, કેવળ મૌન, ઘુંટાતું રહ્યું એકાંતમાં,
એ પળે અમથી પડી જ્યાં ટાંકણી ભારે પડી;

તું હતી તારા ઘરે, ને હું હતો મારા ઘરે,
જે પળે દુનિયા ઊભી થઈ આપણી ભારે પડી;

વાંસવન પાછું ઉભું કરવું ઘણું અઘરું હવે,
કટકે કટકે જે બનાવી વાંસળી ભારે પડી;

ચાલવું ને દોડવું ને કૂદવું- સૂના થયા,
એક બાળકથી છૂટી ગઈ આંગળી ભારે પડી.
– હર્ષ બ્રહ્મભટ્ટ

સાધો, મુરશિદ નર્યો નઠારો – હરીશ મીનાશ્રુ

સ્વર : શેખર સેન
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

સાધો, મુરશિદ નર્યો નઠારો,
એક કીડીને માથે મુક્યો કમળતંતુનો ભારો.

મહિયારણની માફક એ તો
હરિ વેચવા હાલી,
વણકર મોહી પડયો તો રણઝણતી
ઝાંઝરીઓ આલી;

ચૌદ ભુવનને ચકિત કરે એવો એનો ચટકારો.

બધું ભણેલું ભુલવાડી દે
એવો એક જ મહેતો,
ત્રિલોકની સાંકળ ભાળી
કીડીના દરમાં રહેતો;

નથી કોદરા કોઠીમાં, કેવળ કંઠે કેદારો.

– હરીશ મીનાશ્રુ

અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે – ચિનુ મોદી

સ્વર : હરિશ્ચન્દ્ર જોશી
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે
સતત મૌન પાળીને બેસી રહ્યો છું;
તમે હોવ છો ને નથી કેમ હોતા ?
થતો પ્રશ્ન ખાળીને બેસી રહ્યો છું.

પવનનાં પગેરું નથી શોધતો હું,
તમે આજ પણ ચાલતાં મારી સાથે;
નથી કેમ એંધાણ મળતાં કશાયે,
નજર બેઉ ઢાળીને બેસી રહ્યો છું.

બધા પ્હાડ મૂંગા ઊભા છે સદંતર,
ભલે ચીસ પાડું, નથી ક્યાંય પડઘો;
હવે પ્હાડ પથ્થરને ફેંકી શકે છે,
હવે જાત ગાળીને બેસી રહ્યો છું.

અરીસા વગર ક્યાંય દેખાઉં છું હું,
મને મારી ભ્રમણા મુબારક હજી પણ;
હણ પણ કશું કૈંક એવું છે જેને,
તમારામાં ભાળીને બેસી રહ્યો છું.

મને કોક ‘ઈર્શાદ’ સમજી શકે તો,
ઊતારું અહીં સ્વર્ગ ધરતી ઉપર હું;
વધે થોડી સમજણ એ ઈચ્છાથી અહીંયા,
પલાંઠી હું વાળીને બેસી રહ્યો છું.

– ચિનુ મોદી

સાંયા! તું તો રે’જે મારી ભેર – હરિશ્ચન્દ્ર જોશી

સ્વર : શ્રદ્ધા શ્રીધરાણી
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

સાંયા! તું તો રે’જે મારી ભેર,
સાંકડ્યુંથી તારવીને લઈ જાને ઘેર…

ટાર લગી જવું મારે,
વ્હેત છેટું રે’વું તારે;
દોડી દોડી પહોંચી નૈ, ઊભી એક જ ઠેર…

વચનને વળગી છું,
ભીનું ભીનું સળગી છું;
વૈજયન્તી જેવીમેં તો પ્રોઈ આંસુ સેરે…

આંગળી મુકાણી જ્યાંથી,
મુજથી ખોવાણી ત્યાંથી;
નદી તલખે રે સાયર, થવા તારી લ્હેર…

– હરિશ્ચન્દ્ર જોશી

હમણાં ઊડી જઈશ હું – રાજેન્દ્ર શુક્લ

સ્વર : નયનેશ જાની
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

હમણાં ઊડી જઈશ હું જાણે કે ઓસ છું.
મારી ખનકનો હું ખુદા ખાનાબદોશ છું.

ઊભરાતીમ્હેફિલે કદી એવું ય લાગતું,
કોઈ વિલુપ્ત વાણીનો હું શબ્દકોશ છું;

પડઘાઉં છુંસતત અનેઝિલાઉં છું ક્વચિત,
શબ્દોથી દૂર દૂરનો અશ્રાવ્ય ઘોષ છું;

પીધાં પછી ય પાત્રમાં બાકી રહી જતો,
અવકાશ છું અપાર ને ભરપૂર હોશ છું;

અમથી ય દાદ દીધી તો ગાઈશ બીજી ગઝલ,
તુર્ત જ થઉં પ્રસન્ન એવો આશુતોષ છું.

– રાજેન્દ્ર શુક્લ

ઘટમાં ઘુંટાય નામ – ઉમાશંકર જોશી

સ્વર : બિહાગ જોશી
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

ઘટમાં ઘુંટાય નામ, રામ ! એક તારું.
લાધ્યું ક્યાંથી પ્યારું પ્યારું !
હો ઘટમાં ઘુંટાય નામ…

હૈયે રમાડેલું જુગ જુગથી સંતોએ,
કંઠે વસેલું કામણગારું,
જગની આ ઝાડીઓમાં ઝૂલે અમરફળ
દુનિયાના સ્વાદથી ન્યારું;
હો ઘટમાં ઘુંટાય નામ…

રમતાં રમતાં રે એ તો હાથ લાગે ભોળાંને
પંડે સામેથી શોધનારું,
એક હાથે જીવન દઈ બીજે ઝડપવાનું
પથ્થરને પુનિત તારનારું;
હો ઘટમાં ઘુંટાય નામ…

– ઉમાશંકર જોશી

અમેરિકન રમતમાં ગુજરાતી ટહુકો – શ્રાવ્યા અંજારિયા 

અમેરિકાના San Jose (California) શહેર માં એપ્રિલ-19-2022 ના રમાયેલી NHL (San Jose Sharks vs Columbus Blue Jackets) વચ્ચેની વિશ્વ વિખ્યાત Ice Hockey ની રમતમાં એક ગુજરાતી દીકરી – 17 વર્ષ ની કુમારી શ્રાવ્યા અંજારિયાએ American National Anthemની શાનદાર રજૂઆત આપી હતી.

અમેરિકન આઈસ હોકી ની ગેમ ના ઇતિહાસ માં અમેરિકન નેશનલ એન્થમ રજુ કરવા વાળી શ્રાવ્યા અંજારિયા, ‘પ્રથમ Indian American Teenager’ અને ‘દ્વિતીય Indian American Woman’ બની છે.

આ માટે અનેક સ્થાનિક બાળકો ના ઑડિશન લેવામાં આવેલા, જેમાંથી કુ.શ્રાવ્યા અંજારિયા ની પસંદગી કરવામાં આવી હતી. તેના મધુર અને પડછંદ અવાજે, SAP CENTER ના વિશાળ ઑડિટોરિયમમાં પ્રેક્ષકોના રૂંવાડા ઉભા કરી દીધાં હતા, અને બધાએ તેને તાળિયોના ગડગડાટ થી વધાવી લીધી હતી.

અમેરિકા દેશમાં વસી, ભણી, અને એ દેશના ગૌરવને માન આપવાની સાથે-સાથે, ભારતીય સંસ્કૃતિ ને પણ હ્ય્દય માં ધબકતી રાખનાર કુ.શ્રાવ્યાએ બંને દેશની સંસ્કૃતિનું, અને ગુજરાતીઓનું પણ ગૌરવ વધાર્યું છે.
ગેમ માં હાજર રહેલા પ્રેક્ષકો માંથી અમુક ચાહકો એ જણાવ્યું હતું કે આ સિઝનની ગેમની અંથેમની રજુઆતોમાંથી તેમને શ્રાવ્યા નો અવાજ સૌથી પ્રભાવશાળી લાગ્યો હતો. સાન ઓઝે શાર્કસની ટીમેં પણ પ્રભાવશાળી રજૂઆતથી ગેમનો જુસ્સો વધારવા બાદલ કુ.શ્રાવ્યાને અભિનંદન આપ્યાં હતાં.

કુ.શ્રાવ્યા, અચલ અંજારિયા અને આણલ અંજારિયા ની દીકરી છે, તે સંગીતની તાલીમ તેની માતા આણલ અંજારિયા પાસેથી મેળવે છે. તેના માતા-પિતા કેલિફોર્નિયા માં અનેક સાંસ્કૃતિક, સંગીત અને માતૃભાષાને જીવંત રાખતા કાર્યક્રમો કરતી સંસ્થાઓ માં પ્રખર કાર્યરત છે અને નાનપણથીજ કુ.શ્રાવ્યાને, તેની નાની બહેનને, તથા બીજા અનેક બાળકોને આવા કાર્યક્રમો માં ભાગ લેવડાવી ભારતીય સંગીત, સાહિત્ય-સંસ્કૃતિ ની ધરોહર આપી રહયા છે. Bay Area, California માં વસતા સંગીત પ્રેમી ગુજરાતીઓ માટે આણલ – અચલ અંજારિયા જરાય અજાણ્યું નામ નથી, અને ટહુકો પરિવાર નું અભિન્ન અંગ એવા  આણલ – અચલ – શ્રાવ્યા અને આરુષિ એ ટહુકોના અને બીજી કેટલીય સંસ્થાઓનો મંચ ગજાવ્યો છે, અને કાર્યક્રમ ના સફળ આયોજન માટે કલાકોની સેવા આપી છે. 

કુ.શ્રાવ્યા જણાવે છે કે NHL આઈસ હોકી ની ગેમના મંચ પર ભારત અને અમેરિકા દેશનું પ્રતિનિધિત્વ કરતાં તેને અલૌકિક રાષ્ટ્રભાવ અને અત્યંત ગર્વની અનુભૂતિ થઇ હતી.