Category Archives: Uncategorized

ગ્લૉબલ કવિતા: માન – મેલિસા સ્ટડાર્ડ (અનુ. વિવેક મનહર ટેલર)

Respect

Because her body is winter inside a cave
because someone built
fire there and forgot to put it out
because bedtime is a castle
she’s building inside herself
with a moat
and portcullis
and buckets full of mist
because when you let go
the reins
horses
tumble over cliffs and turn
into moths before hitting bottom
because their hooves leave streaks of midnight
in the sky
because stuffed rabbits
are better at keeping secrets
than stopping hands
because when the world got
shoved up inside her
she held it tight like a kegel ball
and wondered
at the struggle Atlas had
carrying such a tiny thing
on his back
—Melissa Studdard

*
માન

કેમકે એનું શરીર ગુફા ભીતરનો શિયાળો છે
કેમકે કોઈકે ત્યાં આગ સળગાવી
અને હોલવવાનું ભૂલી ગયું છે
કેમકે નિદ્રાકાળ એક કિલ્લો છે
જે તેણી પોતાની ભીતર
ખાઈ,
જાળીબંધ દરવાજા
અને ધુમ્મસભરી બાલ્દીઓથી બાંધી રહી છે
કેમકે જ્યારે તમે જતી કરો છો
લગામ
ઘોડાઓ
ગબડી પડે છે કરાડ પરથી અને
તળિયે પછડાતાં પહેલાં
ફૂદામાં પરિવર્તિત થાય છે
કેમકે એમની ખરીઓ મધરાત્રિના લિસોટા છોડી જાય છે
આકાશમાં
કેમકે ઠાંસી ભરેલાં સસલાંઓ
રહસ્યો ગોપવી રાખવા માટે
અટકાવી રાખતા હાથ કરતાં બહેતર છે
કેમકે જ્યારે દુનિયા
એની ભીતર ઘુસાડી દેવાય છે
એ કેગલ બૉલની જેમ
એને ચુસ્ત પકડી રાખે છે
અને વિસ્મિત થાય છે
એ સંઘર્ષથી
જે એટલસે કરવો પડ્યો હતો
આવડી નાનકડી ચીજ
પીઠ પર ઊંચકવામાં

– મેલિસા સ્ટડાર્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

એક યૌનપીડિતાનું તમસો મા જ્યોતિર્ગમય…

ગ્લોબલ કવિતાની વાત થાય એટલે આપણી નજર શેક્સપિઅર, વર્ડ્સવર્થ, રૉબર્ટ ફ્રોસ્ટ જેવા જૂના અને જાણીતા નામ તરફ જ જાય. ભૂતકાળમાં લખાઈ ગયેલી સર્વકાલીન ઉત્તમ કવિતાઓ પણ ક્યારેક સમસામયિક હતી એ આપણે ભૂલી જઈએ છીએ. શા માટે આપણે એવી સાંપ્રત કવિતા તરફ નજર ન કરીએ જેને આવતીકાલની પેઢી સર્વકાલીન શ્રેષ્ઠની યાદીમાં મૂકીને યાદ કરવાની શક્યતા હોય?

મોટી ભૂરી બોલકી આંખો, સોનેરી ઘેઘૂર વાળ ધરાવતી, ઉંમરના અડધા મુકામે પહોંચેલી અમેરિકાની સુંદર યુવાકવયિત્રી મેલિસા સ્ટડાર્ડની એક રચના આજે માણીએ. મેલિસા કવિતા ઉપરાંત નવલકથા, નિબંધ, રિવ્યૂ વિ. લખે છે. સાહિત્યિક કળામાં સ્ત્રીઓના અવાજ અને લિંગભેદ સામે વિડિયો ઇન્ટર્વ્યૂઝ વડે આંગળી ચીંધતી VIDA સંસ્થા સાથે એ સંલગ્ન છે. એમના કાવ્યસંગ્રહ ‘આઇ એટ ધ કોસમોસ ફોર બ્રેકફાસ્ટ’ને ઢગલાબંધ એવૉર્ડસ–પુરસ્કાર પ્રાપ્ત થયા છે. પ્રોફેસર તરીકે અમેરિકાની યુવાપેઢીને કવિતા-કળા તરફ દોરવાનું, કળાને જીવંત રાખવાનું અદભુત કામ કરી રહ્યાં છે.

કવિતાના અંતે એટલસ (શિરોધર)ની વાત આવે છે, આપણે ત્યાંથી શરૂઆત કરીએ. ગ્રીક પુરાકથાઓમાં ટાઇટન્સ અને ઓલિમ્પિઅન્સ વચ્ચે દસ વરસ ચાલેલી લડાઈમાં ટાઇટન્સનો પક્ષ લેવા બદલ વિજેતા ઝિઅસે એટલસને પૃથ્વીના છેડે જઈને આકાશ(સ્વર્ગ)ને ખભા પર ઊઠાવવાની સજા કરી. પાછળથી કથા ખરડાઈ અને સ્વર્ગોનું સ્થાન પૃથ્વીએ લઈ લીધું. આજે આપણે સહુ એવું જ માનીએ છીએ કે એટલસે પૃથ્વી ઊપાડી હતી. કાવ્યાંતે કવયિત્રી એટલસને પૃથ્વી પીઠ-ખભે ઊંચકવામાં થયેલ તકલીફનો સંદર્ભ લઈ આવ્યા છે…

કવિતામાં કેગલ બૉલની વાત આવે છે એ પણ પહેલાં સમજી લઈએ. પેશાબ ખૂબ લાગ્યો હોય પણ વૉશરૂમ જવું શક્ય જ ન હોય એવી પરિસ્થિતિમાં આપણે પેશાબ રોકી રાખવા માટે પેઢુના જે સ્નાયુ વાપરીએ છીએ એ કામક્રીડામાં પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ સ્નાયુઓ માટેની કસરત અમેરિકાના ગાયનેકોલોજીસ્ટ આર્નોલ્ડ કેગલે શોધી હતી એ પરથી આ સ્નાયુ અને એની કસરત માટે વપરાતા બૉલને કેગલ બૉલ્સ કહેવાય છે જેને જ્યાં સુધી યોનિમાં નાખી રાખીએ ત્યાં સુધી આ સ્નાયુઓની કસરત આપોઆપ થતી રહે છે. અનેકવિધ ફાયદાઓ માટે આ બૉલ્સ જાણીતા છે.

આટલી પૃષ્ઠભૂ પછી “માન” કવિતા તરફ વળીએ. કવયિત્રીએ એકપણ અલ્પવિરામ, પૂર્ણવિરામ કે પ્રશ્નાર્થ-ઉદગારચિહ્ન –કશાનો પ્રયોગ કર્યો નથી એ બાબત ધ્યાન ખેંચે છે. આખી વાત સડસડાટ કોઈ પણ આરોહ અવરોહ વિના અંત સુધી પહોંચે અને કવિતાની સળંગસૂત્રીતા જરાય બટકે નહીં એ સમગ્રતા આપણને સ્પર્શી જાય છે. કાવ્યક્લેવરના પ્રાણરૂપ છંદનો પણ ત્યાગ કરાયો છે કેમકે કુછંદીઓથી પિડાયેલી યુવતીની જિંદગીમાં કોઈ છંદોલય હોય ખરો? પંક્તિઓની અનિયમિતતા કાવ્યનાયિકાના જીવનની વિસંગતિની દ્યોતક છે. દરેક નવું કલ્પન ‘કેમકે’થી આરંભાય છે. આ દરેક કેમકેનો પૂર્વાર્ધ કવયિત્રીએ અધ્યાહાર રાખ્યો છે જેથી કવિતા અને કાવ્યનાયિકાના જીવનનો ખાલીપો પંક્તિએ-પંક્તિએ, કલ્પને-કલ્પને ભાવકને અનુભવાતો-ભોંકાતો રહે.

વાત એક યૌનપીડિતાની-નિર્ભયાની છે એ કવયિત્રીએ વાપરેલા સંદર્ભોથી સમજી શકાય છે. પણ મૂળ વાત સ્ત્રીની અંતર્ગત તાકાત અને પુરુષથી ચડિયાતાપણાની છે. શોષિતાની અંદર ગુફામાંના શિયાળા માફક કશુંક થીજી ગયું છે. ઓલવવાની દરકાર કર્યા વિના એની ભીતર કોઈક આગ લગાડી ચાલ્યું ગયું છે. હવે સળગતા-દાઝતા રહેવું એ જ એની નિયતિ છે. દરેક રાત એક યુદ્ધ છે. નવો પ્રુરુષ. નવો બળાત્કાર. પોતાના કિલ્લાને રક્ષવા એની લાચારી પાસે કશું નક્કર છે જ નહીં, કેવળ ધુમ્મસ જ છે. લગામ છૂટી ગયેલા ઘોડાઓ કરાડ પરથી ખીણમાં નિરંકુશ પતન પામે છે એ વાત ભોગવવી પડતી પારાવાર તકલીફનું પ્રતીક છે પણ અહીં કવિતા વળાંક લે છે.

આ અશ્વો શોષણની અંધારી-ઊંડી ખીણમાં તળિયે પટકાઈને ખતમ થઈ જતા નથી, પણ ફૂદામાં પરિવર્તન પામે છે એ કાવ્યનાયિકાના પોતાની આંતર્શક્તિમાં રહેલ વિશ્વાસ અને તકલીફોનું આધિભૌતિક રૂપાંતરણ સૂચવે છે – આપણે તળિયે પડીને ચકનાચુર નહીં થઈ જઈએ પણ પાંખ પામીને ઊડી જઈશું… तमसोमा ज्योतिर्गमय |

એના જીવતર પર કાળા લિસોટાઓ પડી ગયા છે. પોતાના પર થયેલા અત્યાચારોની વાત હાથ બાંધનાર બળાત્કારીઓને કહેવા કરતાં નાના બાળકની જેમ સ્ટ્ફ્ડ ટોય્ઝ સાથે એ શેર કરે છે. પણ એ મરી પરવારી નથી. બળાત્કાર થવા છતાંય એ પોતાની જન્મજાત આંતર્શક્તિ ગુમાવતી નથી. દુર્ભાગ્યની ખીણમાં પછડાઈને ખતમ થવાને બદલે એ પાંખ ઊગાડીને ઊડી જવું નિર્ધારે છે. પૌરુષી અત્યાચારોનું આખું વિશ્વ એની યોનિમાં ઘુસાડી દેવાયું હોવા છતાં એ જાણે કેગલ-બૉલ યોનિમાં નાંખીને કસરત કરતી ન હોય એ સહજતાથી પોતાના વિશ્વને સાચવે છે. જીવી લે છે પોતાનો રસ્તો શોધીને. કવયિત્રી એની સામે એટલસના સંઘર્ષને juxtapose કરીને સ્ત્રીને-યૌનપીડિતાને ‘માન’ આપે છે.

ગ્લૉબલ કવિતા: મારી કબર પાસે – મેરી એલિઝાબેથ ફ્રે (અનુ. વિવેક મનહર ટેલર)

Do Not Stand At My Grave And Weep
Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.
– Mary Elizabeth Frye

મારી કબર પાસે

મારી કબર પાસે ઊભા રહીને ડૂસકાં ન ભરીશ
હું ત્યાં નથી. હું ઊંઘી નથી ગઈ.
હું એ હજાર પવનો છું જે સુસવાય છે.
હું હીરાકણીઓ છું બરફ પર ચળકતી.
હું પક્વ દાણાઓ પરનો સૂર્યપ્રકાશ છું.
હું પાનખરનો સૌમ્ય વરસાદ છું.
તમે જ્યારે જાગશો સવારની ચુપકીદીમાં,
શાંત પક્ષીઓના ઝુંડને વર્તુળાકાર ઉડાનમાં
ઉંચકનાર પરોઢપક્ષી છું હું.
હું રાતે ચમકનાર મૃદુ તારાઓ છું.
મારી કબર પાસે ઊભા રહીને રડીશ નહીં
હું ત્યાં નથી. હું મરી નથી.

– મેરી એલિઝાબેથ ફ્રે
(અનુ. વિવેક મનહર ટેલર)

સૂંઠના ગાંગડે ગાંધી થવાય?

એક જ કવિતા લખીને અમરત્વ પ્રાપ્ત કરનાર કવિઓ કેટલા? ગણવા બેસીએ તો કદાચ આંગળીના વેઢા પણ વધુ પડે. ૧૯૦૫માં જન્મેલ અને છે…ક ૨૦૦૪માં ૯૯ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી દુનિયાને ગુડ બાય કરનાર મેરી એલિઝાબેથ ફ્રે કદાચ આવા જ વિરલ કવયિત્રી છે જેમના વિશે માનવામાં આવે છે કે આ એક જ કવિતા એમણે લખી છે. એવું બની શકે કે બીજી કવિતાઓ સચવાઈ જ ન હોય. પણ એક દાયકા પહેલાં સુધી કવયિત્રી આપણી વચ્ચે હતા એ હકીકત ધ્યાનમાં લઈએ તો એમની અન્ય રચનાઓ કાળના વહેણમાં ખોવાઈ ગઈ હોવાનું માનવું જરા દુષ્કર થઈ પડે છે. એવું પણ માનવામાં આવે છે કે આ કવિતા કોઈ બીજાની જ છે. હકીકત જે હોય એ, પણ એક જ કવિતાએ કોઈ કવિને અમરત્વ બક્ષ્યું હોય એવી જવલ્લે જ જોવા મળતી ઘટનાનો આપણે આજે સાક્ષાત્કાર કરવો છે.

કર્તાને અમરત્વ બક્ષવા સિવાય આ કવિતાનો એક બીજો ચમત્કાર એ પણ છે કે વીતેલા દાયકાઓમાં આ કવિતા અંત્યેષ્ઠિ તથા જાહેર પ્રસંગોએ (બાઇબલને બાદ કરતાં) અસંખ્યવાર, કદાચ સહુથી વધુ વાર વાંચવા-ગાવામાં આવેલી કવિતા છે. વિશ્વભરના કબ્રસ્તાનોમાં, શોકપ્રસંગોએ, શાળા-કોલેજોમાં અને અસંખ્ય સ્થળૉએ આ કાવ્યનું પઠન સતત થતું આવ્યું છે, થઈ રહ્યું છે, થતું રહેશે.

કહેવાય છે કે મેરીની સાથે રહેતી એક જર્મન યહૂદી મિત્ર માર્ગારેટ જર્મનીની ખરાબ રાજકીય પરિસ્થિતિના કારણે પોતાની બિમાર માતાને મળવા જઈ શકતી નહોતી. માતાના મૃત્યુ પર માર્ગારેટે મેરીને કહ્યું કે પોતાની માતાની કબર પાસે ઊભા રહી આંસુ વહાવવાની એને કદી તક જ મળી નહીં. આ વખતે આકસ્મિક આત્મસ્ફુરણાને વશ થઈ ખરીદી માટેની ખાખી રંગની કાગળની થેલી પર મેરીએ આ કાવ્ય લખી નાંખ્યું. છેક નેવુના દાયકાના અંતભાગ સુધી આ કવિતાના સર્જક વિશે કોઈ માહિતી નહોતી. એ પછી કવયિત્રીએ આ પોતાનું સર્જન હોવાનો દાવો કર્યો અને જાણીતા લેખક એબિગેલ વાન બુરેને આ દાવો પુરવાર કર્યો. ઓહાયોમાં જન્મેલા, ત્રણ વર્ષની ઉંમરે અનાથ બનેલ મેરી એલિઝાબેથ ક્લર્ક બાલ્ટીમોર ખાતે ૧૯૨૭માં ક્લાઉડ ફ્રેને પરણ્યાં.

૧૯૯૫માં રાષ્ટ્રીય કવિતાદિવસની ઉજવણી માટે બીબીસીએ ધ બુકવર્મ નામના ટેલિવિઝન કાર્યક્રમમાં લોકોને પોતાની પસંદગીની કવિતા માટે મત આપવા આહ્વાન કર્યું. અભૂતપૂર્વ બીના એ બની કે મેરીની આ કવિતા સ્પર્ધામાં ન હોવા છતાં ત્રીસ હજારથી પણ વધુ લોકોએ આ કવિતાને મત આપ્યો અને એ વખતે આ કવિતાના કર્તાનું નામ પણ કોઈ જાણતું નહોતું. ૧૦ વર્ષ પછી ધ ટાઇમ્સએ લખ્યું કે, “ આ કવિતા તમારી ખોટને હળવી કરવા માટે નોંધનીય તાકાત ધરાવે છે. આ કવિતા રંગ, ધર્મ, સમાજ અને દેશની તમામ સરહદો પાર કરી ચૂકી છે”

વાંચતા વાંચતા આંખ ભીની થઈ જાય એવા હજારો લોકોના પ્રતિભાવ ઇન્ટરનેટ ઉપર આ કવિતા માટે લખાયા છે. એક મા લખે છે, “હું ઇચ્છું છું કે હું મેરી એલિઝાબેથ ફ્રેને કહી શકી હોત જુલાઈ, ૨૦૦૪ના એ દિવસે ઓક્લાહોમા શહેરના એ ચર્ચમાં નવ જ વર્ષની એક નાનકડી છોકરીએ એની માતાના ઘૂંટણ પસવાર્યો. પોતાનું માથું એક તરફ વાળી ફૂંક મારીને પવનમાં ઊડતા હોય એમ વાળ ઊડાડ્યા અને કહ્યું, ‘મમ્મી, જો અહીં જરાય પવન નથી.’ અને પછી કવિતાની એ લીટી પર આંગળી ફેરવી ઇશારો કર્યો, હું એ હજાર પવનો છું જે સુસવાય છે.”

પ્રેમ કેવી અદભુત અનુભૂતિ છે ! એક પ્રિયજનનું મૃત્યુ થયું છે. જે દેહ ગઈ કાલ સુધી તમારા સ્તિત્વની આસપાસ વહાલનો પવન ફૂંકતો હતો એ દેહમાંથી પવન હવે ચાલ્યો ગયો છે. એ હવે કબરની નીચે છે. પણ પોતાના પછી પ્રિયજન પર શી વીતતી હશે એનું એને ભાન છે, ચિંતા છે એટલે કબરમાં સૂતા-સૂતા એ કહે છે કે મારી કબર પાસે ઊભા રહીને ડૂસકાં ન ભરીશ. કેમ? કેમકે કબરની અંદર મરનાર તો છે જ નહીં. અંદર તો ફક્ત પાર્થિવ શરીર જ છે. એ શરીરની કિંમત જ એટલા ખાતર હતી કે એ શરીર સ્નેહથી સભર હતું અને સ્નેહ કદી મરતો નથી. પોતે શું છે એ કહેવા માટે કવયિત્રી પવનનું બહુવચન વાપરે છે. પોતાની વાતને ધાર કાઢવા માટે ઘણા સર્જકો સર્વસ્વીકૃત વ્યાકરણના નિયમોથી ઉફરા ચાલતા હોય છે. જેમ કે,

તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા ? (જોયો આ “વરસાદો” શબ્દ?)

એક પછી એક પ્રતીકો વાપરી કવયિત્રી મૃતકના સર્વવ્યાપીપણાની ખાતરી શોકગ્રસ્ત પ્રિયજનને કરાવે છે. પણ મોટાભાગના પ્રતીક જીવનની સંધ્યાનો અહેસાસ કરાવે છે. બરફ પર ચળકતી હીરાકણીઓ એ વાતનો પણ ઈશારો છે કે હવે ઓગળવું એ જ બરફનું ગંતવ્ય છે. પાકી ગયેલા દાણાઓ અને પાનખર પણ મૃત્યુની અર્થચ્છાયાઓથી કાવ્યાર્થ વધુ ઘેરો બનાવે છે. વહેલી સવારે સૂઈ ગયેલા આકાશને ઊઠાડતા પંખીઓથી લઈને રાતે મંદ મંદ ચમકતા તારાઓ – એમ પ્રિયજનની સમષ્ટિમાં પોતે જ સમાવિષ્ટ હોવાનો સધિયારો મૃતક આપે છે. નજીવા ફેરફાર સાથે અંતિમ પંક્તિઓનું પુનરાવર્તન વાતને દૃઢ કરે છે કે મૃતક ખરેખર મૃત્યુ પામી જ નથી. એ કબરમાં છે જ નહીં એટલે કબર પાસે ઊભા રહી વિલાપ કરવાનો શો અર્થ?

હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીય પુષ્પ,
કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

ગ્લૉબલ કવિતા: કેમકે હવે કોઈ મદદ શક્ય નથી – માઇકલ ડ્રેઇટન અનુ. વિવેક મનહર ટેલર

Since there’s no help, come let us kiss and part.
Nay, I have done, you get no more of me;
And I am glad, yea glad with all my heart,
That thus so cleanly I myself can free.

Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again,
Be it not seen in either of our brows
That we one jot of former love retain.

Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies;
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes—

Now, if thou wouldst, when all have given him over,
From death to life thou might’st him yet recover!

– Michael Drayton

કેમકે હવે કોઈ મદદ શક્ય નથી, ચાલ ચુંબન કરીએ અને છૂટા પડીએ-
ના, બસ. પત્યું. હવે તું મને લગરિક વધુ નહીં મેળવી શકે;
અને હું ખુશ છું, હા, ખુશ છું હૃદયના ઊંડાણથી,
કે આમ આટલી સફાઈપૂર્વક હું મારી જાતને આઝાદ કરી શક્યો.

હાથ મેળવી દે હંમેશને માટે, રદ કરી દે આપણા બધા સોગંદ,
અને ક્યારેક કોઈ સમયે આપણે મળી જઈએ ફરીથી,
તો બેમાંથી એકેયના કપાળ પર એ નજરે ન ચડે
કે આપણામાં એક અંશ પણ પ્રેમ ભૂતકાળનો બચી ગયો છે.

હવે પ્રેમના આખરી શ્વાસના આખરી ડચકે,
જ્યારે, એની નાડી બંધ પડી રહી છે, ધબકાર વાચાહીન સૂતો છે,
જ્યારે શ્રદ્ધા એની મૃત્યુશય્યા પર ઘુંટણિયે પડી છે,
અને નિર્દોષતા એની આંખ બીડી રહી છે,

– હવે, જો તું ધારે તો, એના માટેની બધી આશા જ્યારે મૂકી દીધી છે,
મૃત્યુના મુખમાંથી કદાચ તું જ એને પરત આણી શકે.

– માઇકલ ડ્રેઇટન
અનુ. વિવેક મનહર ટેલર

*

જબ તવક્કો હી ઉઠ ગઈ ગાલિબ,
ક્યુઁ કિસી કા ગિલા કરે કોઈ?

– પોણી બસો વર્ષ પહેલાં ગાલિબ કહી ગયા કે જ્યારે બધી અપેક્ષાઓ મરી જ પરવારી હોય ત્યારે કોઈની ફરિયાદ કરીને પણ શું? બુદ્ધ પણ એ જ કહી ગયા કે અપેક્ષા દુઃખનું કારણ છે… પણ બુદ્ધ કવિ નથી, એ ચેતનાનો સાક્ષાત્કાર પામી ચૂકેલ મહામાનવ છે. એ આગળ કહે છે કે એ કારણનું નિવારણ પણ છે જે વળી શક્ય છે. માઇકલ ડ્રેઇટનની આ કવિતા ગાલિબના નિરાશાવાદથી શરૂ થઈ બુદ્ધના આશાવાદ સુધી વિસ્તરે છે. ના-નાથી શરૂ થઈ હા-હા તરફ ગતિ કરતું આ સૉનેટ સમજી શકાય તો આપણા બે જણના સગપણના સમીકરણમાં પ્રવેશી ગયેલા રણ દૂર કરવાની ખરી સમજણ પૂરી પડે છે.

સોળમી-સત્તરમી સદીમાં થઈ ગયેલ માઇકલ ડ્રેઇટનના ૨૭ વર્ષની વયે પ્રગટે થયેલા પહેલા પુસ્તક ‘ધ હાર્મની ઓફ ધ ચર્ચ’ની ચાળીસ પ્રત કેન્ટરબરીના મુખ્ય પાદરી દ્વારા અને બાકીની આખી આવૃત્તિ નાગરિક ધારા દ્વારા નષ્ટ કરી દેવામાં આવી હતી. પણ પછી મહારાણી એલિઝાબેથના દરબારમાં એમણે મોભાનું સ્થાન શોભાવ્યું. આપણે જેને ઊર્મિગીત કહીએ છીએ અને અંગ્રેજીમાં જેને ‘ઓડ’ કહેવાય છે, તેના એ મુખ્ય પ્રણેતા અને લોકપ્રિયતા અપાવનાર હતા. જે છોકરીને રિઝવવા એમણે ચોંસઠ સૉનેટનો સંપુટ ‘આઇડિયાઝ મિરર’ લખી કાઢ્યો એ અથવા કોઈ પણ છોકરી કવિના નસીબમાં કદી આવી નહીં. ડ્રેઇટનના નસીબમાં રાજદરબારમાં હોવા છતાં કુંવારા મરવું જ લખાયું હતું. ડ્રેઇટનના સૉનેટ એમની સીધી પ્રત્યાયનક્ષમતા અને સાર્વત્રિક અપીલના કારણે વધુ લોકપ્રિય થયા.

પ્રસ્તુત સૉનેટ પણ આ સંપુટમાંનું જ એક છે. શેઇક્સપિરિઅન શૈલીમાં લખાયેલું આ સૉનેટ મૂળ અંગ્રેજીમાં ત્રણ ચતુષ્ક અને યુગ્મરચના તથા ‘અ-બ-અ-બ’ની પ્રાસરચના ધરાવે છે. આખી કૃતિ આયંબિક પેન્ટામીટરમાં લખાયેલી છે પણ છેલ્લી બે પંક્તિઓમાં દસના બદલે બાર અને અગિયાર સિલેબલ્સ વપરાયા છે જે વાક્યની લંબાઈ-લયમાં અર્થસભર ઉમેરણ કરે છે.

‘કેમકે હવે કોઈ મદદ શક્ય નથી’થી થતી શરૂઆત હચમચાવી દે છે. સમજી શકાય છે કે બધી જ કોશિશ કદાચ કરી દેવામાં આવી છે પણ હવે આ સંબંધ ટકી શકે એમ જ નથી. સંબંધનો અંત કદી સરળ હોતો નથી. એમાં હંમેશા એક ઘેરી દ્વિધા સમાયેલી હોય છે. માણસ એ છેલ્લું ડગલું હજાર વાર ભરે છે અને હજાર વાર પાછો ફરે છે. પ્રેમની નિષ્ફળતાની અસમંજસનું આ મહાકાવ્ય છે.

કાયમ માટે છૂટા પડી જવાનો અડીખમ નિર્ણય કદાચ કેટકેટલાં મનોમંથનો પછી લેવાયો હશે… છૂટાં પડતી વખતે એક ઔપચારિક ચુંબન અને કાયમની ગુડ-બાય. જીરવી ન શકાતા બંધનમાંથી આઝાદ થતી વખતે હૃદય કેવો હર્ષ અનુભવતું હશે. એક-મેક સાથે ખુલાસાઓ થઈ રહ્યા છે. બધી યાદ, બધા સોગંદ-બધું જ હવે કાયમ માટે ભૂલી જવાનું છે. ક્યારેક જોગાનુજોગ ક્યાંક ભટકાઈ જવાય તો એકેયના ચહેરા પરની કરચલીઓમાં ભૂતકાળનો પ્રેમ નજરે પણ ન ચડવો જોઈએ એવી સમજૂતિ સાથે છૂટા પડવાનું છે, કેમકે પ્રેમ હવે આઇસીસીયુમાં છેલ્લા શ્વાસ ભરી રહ્યો છે.

સંબંધ જન્મે છે, વિકસે છે અને મૃત્યુ પામે છે. પણ સંબંધનું મૃત્યુ આપણામાંથી કેટલા સ્વીકારી શકે છે? મરેલા સંબંધને બાળવા-દાટવા કેટલા આગળ વધી શકે છે? દીર્ઘકાલિન સંબંધની પૂર્વધારણાને ભાગ્યે જ કોઈ પ્રમેયરૂપે સાબિત કરી શકતું હશે.… આપણામાંના મોટાભાગના રાજા વિક્રમની જેમ સંબંધની લાશ ખભે વેંઢાર્યે રાખ્યે છીએ. કોશિશ ન કરીએ તો દરેક સંબંધ ધીમેધીમે કરમાવા જ માંડે છે… ખાતર-પાણી-માવજતની કોશિશ કરતાં રહીએ તો મનભેદ-મતભેદની ઉધઈ સંબંધના છોડને જરા ઓછું નુકશાન કરે એ સાચું પણ બધા જ છોડને બધી જ વાર બચાવી શકાતું નથી…

અહીંયા સુધીની ઘટના વધતે-ઓછે અંશે આપણે સહુએ જીવનમાં ક્યાંક ને ક્યાંક અનુભવી છે. પણ ખરી કવિતા અને સૉનેટની ચોટ છે આખરી બે કડીઓમાં. કવિ કહે છે કે તેં આ પ્રેમનો પૂર્ણપણે ત્યાગ કર્યો છે પણ હજી કદાચ તું પાછી ફરે… એક નજર આ તરફ કરે.. એક સ્મિત મારા તરફ ફેંકે… એક હાથ લંબાવે… તો કદાચ આ પ્રેમ ફરીથી એવોને એવો જીવિત થઈ ઊઠે… કવિતાની શરૂઆતમાં અડીખમ દેખાતો નાયક કાવ્યાંતે કેવો વિહ્વળ નજરે ચડે છે… આ આશા જ પ્રેમ છે… આ પ્રેમ જ જિંદગી છે… સંબંધ તૂટી જવા પર છે કારણ કે એમાં પ્રયત્નનો અભાવ છે. અને પ્રયત્ન કરો તો ફરી એ બેઠો થઈ શકે. પ્રયત્ન મોટી વાત છે. કોશિશ અદભૂત બળ છે. સંબંધ નથી કારણ કે કોશિશ નથી. કોશિશ કરો તો મરેલો સંબંધ પણ ઊભો થઈ શકે. બાકી તો,

છે સંબંધ કાંઠાની માટી સમા સહુ,
ઊડે ભેજ થોડો, બની જાય રેતી….

થાશે પાછા કાલે અજવાળા … – ડો. પાર્થ માંકડ

સ્વરકાર: સુગમ વોરા
ગાયક: વ્રતિની પુરોહિત

ગ્લોબલ કવિતા: ગીતાંજલિ : રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)

પુષ્પ:૦૧

તેં મને અંતહીન બનાવ્યો છે, એ જ તારી ઇચ્છા છે. આ તકલાદી વાસણને તું ફરી ફરીને ખાલી કરે છે અને ફરી ફરીને નવજીવનથી ભરી દે છે.

વાંસની આ નાનકડી વાંસળીને ઊંચકીને તું પર્વતો અને ખીણોમાં ફર્યો છે અને એમાં શ્વસીને તેં નૂતન શાશ્વતી સૂરાવલિઓ રેલાવી છે.

તારા હાથોના અમર્ત્ય સ્પર્શે મારું નાનકડું હૃદય આનંદમાં એની સીમાઓ ગુમાવી દે છે અને અવર્ણનીય ઉદગારોને જન્મ આપે છે.

તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.

(રવીન્દ્રનાથ ટાગોર)
-અનુ. વિવેક મનહર ટેલર

ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન

ગીતાંજલિ બોલતાં જ આપણી નજર સમક્ષ જે કાવ્યસંગ્રહ આવે એ નોબેલ પારિતોષિક પ્રાપ્ત અંગ્રેજી અનુવાદ. મૂળ બંગાળી ગીતાંજલિ તો અંગ્રેજીથી ઘણી અલગ છે. પોતાના જ દસેક કાવ્યસંગ્રહોમાંથી 103 કવિતાઓનું ચયન કરી રવીન્દ્રનાથ ટાગોરે એમનો અંગ્રેજી અનુવાદ કર્યો અને વિશ્વ આખાની આંખ ભારતીય કવિતા તરફ આકર્ષિત થઈ. 1913ની સાલમાં આ પુસ્તક માટે ટાગોરને નોબેલ પુરસ્કાર મળ્યો એ પહેલાં પણ અને પછી પણ આજ પર્યંત એ સૌભાગ્ય અન્ય કોઈ કવિ કે લેખકને પ્રાપ્ત થયું નથી.

શાંતિનિકેતનમાં એક દિવસ કવિને જ્યારે ટેલિગ્રામથી સમાચાર મળ્યા ત્યારે સમાચારને બરાબર સમજ્યા વિના કાગળ એમણે ખિસ્સામાં મૂકી દીધો. એક અંગ્રેજ મુલાકાતીના આગ્રહથી જ્યારે એમણે તાર વાંચ્યો ત્યારે પહેલાં તો એમને થયું કે તારની અંગ્રેજી ભાષામાં કંઈ સમસ્યા છે. યુવાવસ્થામાં કવિ બંગાળના કોઈક ગામડામાં ગંગાકિનારે બોટ-હાઉસમાં ઘણા વરસો સુધી કોઈને એમનો ખરો પરિચય હોય જ નહીં એવી અવસ્થામાં દિવસ-રાતના અનવરત એકાંતને અઢેલીને રહ્યા. પત્ર દ્વારા મોકલાતી અને સામયિકોમાં છપાતી કવિતાઓ વડે જ એ બહારના વિશ્વ સાથે જોડાયેલા રહ્યા. એ પછી શાંતિનિકેતનની સ્થાપના કરી. ત્યાં સ્વરચિત કાવ્યો એ મોટા અવાજે રાત્રિના નીરવ આકાશ તળે બેસીને પોતાને જ સંભળાવતા. પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથે સંપર્કમાં આવવાની અદમ્ય ઇચ્છાને વશ થઈ એમણે પસંદીદા કવિતાઓનો અંગ્રેજી અનુવાદ કર્યો. બ્રિટનપ્રવાસ દરમિયાન આ રચનાઓ જેમણે જેમણે વાંચી એ બધાએ આ રચનાઓનો સહર્ષ સ્વીકાર કરી ટાગોરને બ્રિટિશ કવિઓની
સમકક્ષનું માન આપ્યું.

નોબેલ પુરસ્કાર ગ્રહણ કરતી વખતે કવિએ જે ભાષણ આપ્યું હતું એમાં એમણે કહ્યું કે પચાસ વર્ષો સુધી સક્રિયતાથી અલિપ્ત, પશ્ચિમથી તો સાવ જ દૂર રહેલા મારા માટે ક્ષણાર્ધ જેવામાં જ મારો એમના કવિઓની સમકક્ષનો સ્વીકાર મારા માટે એક ચમત્કાર જ હતો. એકાંત અને એકલતાના વર્ષોમાં જે શાંતિ કવિઉરમાં જમા થઈ હતી એનો પડઘો પાશ્ચાત્ય સભ્યતાએ તરત જ સ્વીકારી લીધો. કવિ કહે છે કે, ‘હું જાણું છું કે આ પ્રસંશાને મારે વ્યક્તિગત ધોરણે સ્વીકારવી ન જોઈએ. મારી અંદર જે પૂર્વ હતું એણે જ પશ્ચિમને આપ્યું. મારા સદભાગ્યે જ્યરે પશ્ચિમે પોષણ માટે પૂર્વ તરફ નજર ઊઠાવી એ જ ક્ષણે હું સામે આવ્યો અને એટલે જ મને આ સન્માન મળ્યું છે.’

ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન એટલે ગીતાંજલિ. ગીતાંજલિ એ ભારતીય સંત-ભજનિક પરંપરાનું જ વહન કરતી હોવાથી લખાયાના સો વરસ પછી આજેય એ આપણા હૃદયને સીધો સ્પર્શ કરતી હોવાનું અનુભવાય. ગીતાંજલિમાંથી પસાર થતાં કોઈકને કદાચ એવુંય લાગે કે આ બધું તો સેંકડો સદીઓથી આપણી રગોમાં કબીર-તુલસી-નરસિંહ-મીરાંના હાથે દોડતું જ રહ્યું છે પણ મૌલિક અભિવ્યક્તિ, સહજ કલ્પન, સરળ બાની અને પ્રવાહી રવાનીના કારણે ગીતાંજલિના કાવ્યો આપણા સાહિત્યના અ-મર અમૂલ્ય મૌક્તિક બની રહ્યાં છે.

જીવન તો નાશવંત છે છતાં કવિ એને અનંત કહે છે કેમકે મનુષ્યજીવનનું આ વાસણ ઘડી ઘડી ખાલી થાય છે પણ ઈશ્વર એને સદા નવજીવનથી નપવપલ્લવિત કરતો જ રહે છે. જીવતરની ગલીમાં આપણી ચોર્યાસી લાખ ફેરાની વાત કવિ કેવી સાહજિકતાથી કરે છે! पुनरपि जननं, पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनं (આદિ શંકરાચાર્ય) યાદ આવી જાય.

જીવનના બધા ઉતાર-ચઢાવ કવિની નજરે ઈશ્વરકૃપાને જ આધીન છે. આપણા સુખ-દુઃખનો ખરો સંગીતકાર એ પોતે જ છે. માટે આપણે સુખ જોઈ છકી ન જવું જોઈએ અને દુઃખ જોઈ ભાંગી પડવું ન જોઈએ. વિશાળ પર્વતો અને ઊંડી ખીણોના સાપેક્ષમાં આપણું જીવતર તો ચિદ્ર પડેલી નાની પોલી વાંસળી જેવું તુચ્છ છે. ઈશ્વરકૃપા આપણા પોલાણમાંથી પસાર થાય ત્યારે જ નવીનતમ સૂરાવલિઓ રેલાય છે, ત્યારે જ જીવન સંગીતમય બને છે.

એના હાથોના અમર્ત્ય સ્પર્શનો અહેસાસ થાય ત્યારે આપણે નિરવધિ આનંદની અવર્ણનીય ચરમસીમા અનુભવીએ છીએ. ઈશ્વરકૃપા થઈ હોય એ જ નરસિંહની જેમ મામેરાની ચિંતા ન કરે કે મીરાંની જેમ ઝેર ગટગટાવી જઈ શકે. આપણા સંતકવિઓના શબ્દો અજરામર છે કેમકે એમની વૈખરીને ઈશ્વરનો અમૃતસ્પર્શ થયો છે. એની કૃપા થાય ત્યારે હદ-અનહદ બધું ઓગળી જાય, અનલહકની અનુભૂતિ થાય…

“એ”ની ભેટ! અનંત! પણ આપણા હાથ? તોય આશ્ચર્ય તો એ વાતનું કે આપણા ખોબા જેવડા વાસણમાં એ યુગયુગાંતરોથી સતત કૃપામૃત રેડતો જતો હોવા છતાં વધુ ને વધુ કૃપા માટે જગ્યા ખાલીને ખાલી જ રહે છે.. આપણે લેતાં થાકી જઈએ, એ દેતા નહીં થાકે… દુઃશાસન થાકીને ઠુસ્સ થઈ જશે પણ દ્રૌપદીના ચીર કદી નહીં ખૂટે.